વિસરાતી વાતો

ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી, હોલિવુડ અને બોલિવુડ

.

હોલિવુડના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસના સહયોગથી બનેલ મસાલેદાર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એંડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ ગયા વિક એંડ પર રજૂ થઈ.

વિશેષ કાળજીભરી સિનેમેટોગ્રાફીથી મઢિત ફિલ્મ ઇન્ડિયાના જોન્સ-4 સૌને કેટલી જચશે તે તો સમય બતાવશે, પરંતુ પીઢ અભિનેતા હેરિસન ફોર્ડ અને લબરમૂછિયા એકવીસ વર્ષના કલાકાર શાયા (શિયા)ની સ્ટંટબાજી (Harrison Ford, Shia LaBeouf) ઘણાને ખૂબ પસંદ પડી છે. ત્યારે હોલિવુડ બોલિવુડના કેટલાક પ્રમુખ સ્ટંટબાજ જરૂર યાદ આવે.

હોલિવુડમાં સ્ટંટબાજીના પ્રણેતા ડગ્લાસ ફેરબેંક્સ (Douglas Fairbanks 1883 – 1939).

અમેરિકન ફિલ્મ કંપની યુનાઈટેડ આર્ટીસ્ટસની સ્થાપનામાં ડી. ડબલ્યુ. ગ્રીફીથ અને ચાર્લી ચેપ્લિન સાથે ડગ્લાસ ફેરબેંક્સનો ફાળો.

અમેરિકામાં 1920માં ડગ્લાસ ફેરબેંક્સની ફિલ્મ આવેલી – ‘માર્ક ઓફ ઝોરો’.

આ ફિલ્મ હિંદુસ્તાનમાં વાડિયા બંધુઓએ જોઈ. વાડિયા બ્રધર્સ તે સમયે મુંબઈમાં ફિલ્મ નિર્માણમાં પડેલા. હોમી વાડિયાની નજરમાં યશવંત દવે નામક સ્ટંટમેન હતો. જબરી સ્ટંટબાજી કરી શકતો!

‘માર્ક ઓફ ઝોરો’નાં સ્ટંટ દ્રશ્યો પરથી પ્રેરણા લઈ, યશવંત દવેને હીરો બનાવી વાડિયાએ 1930માં મૂંગી ફિલ્મ બનાવી- ‘દિલેર ડાકૂ’.

બસ, ત્યાર પછી વાડિયા મુવીટોનનું નામ ભારતીય સિનેમા જગતમાં સ્ટંટ ફિલ્મો સાથે જોડાઈ ગયું.

1935માં હોમી વાડિયાની ફિલ્મ ‘હંટરવાલી’માં ચમકનાર નાદિયા ધ ફિયરલેસનું નામ બોલિવુડની સ્ટંટબાજીમાં અમર થઈ ગયું છે.
*   *   *  *