.
હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા!
આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા મુવમેંટ) ની શરૂઆત થઈ. “અનુપમા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતની આઝાદી પૂર્વે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છેલ્લું આંદોલન તે હિંદ છોડો આંદોલન.
1942ના ઓગસ્ટની 7 અને 8 તારીખે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન (આઝાદ ક્રાંતિ મેદાન) પર મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની નિશ્રામાં કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળી. મહાત્મા ગાંધીએ 1942ના 8મી ઓગસ્ટે મધ્યરાત્રિએ મુંબઈની આ બેઠકમાં અંગ્રેજ હકુમતને આખરીનામું આપ્યું – “ક્વિટ ઇન્ડિયા!” ગાંધીજીના આ વિદ્રોહી એલાનથી બ્રિટીશ સરકાર ચોંકી ગઈ. ભારતના આખરી સ્વાધીનતા સંગ્રામે એવી ગતિ પકડી કે અંગ્રેજી રાજ્યના પાયા હચમચી ઊઠ્યા.
1942ના આઠમી ઓગસ્ટના રોજ રાષ્ટ્રપિતા ગાંધીજીએ અંગ્રેજ સરકારની ગુલામીમાંથી હિંદુસ્તાનને મુક્ત કરવા હિંદ છોડો આંદોલન આરંભ્યું; તરત જ અંગ્રેજ સરકારે ગાંધીજી સહિત તમામ કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. હવે જનતા સ્વયં આંદોલન ચલાવવા તૈયાર હતી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત પૂર્ણ રીતે સજ્જ હતું.
અમદાવાદ અને તેમાં યે ખાડિયાના રંગની તો વાત જ શી કરવી! હિંદુસ્તાનને આઝાદ જોવા ઝંખતા અમદાવાદની ઉત્તેજના અમાપ હતી; તેમાં પણ ખાડિયાનું જોશ તો અનોખું હતું. તત્કાલીન યુવા નેતાઓ જયંતી ઠાકોર (શહેર સૂબા જયાનંદ), વિષ્ણુ દવે, બાબુ રાણા, વાસુદેવ ભટ્ટ, હરિવદન દેસાઈ તેમજ અનેક કાર્યકરોએ અગાઉથી આયોજન કરેલું તે અનુસાર બીજે જ દિવસે અમદાવાદમાં પ્રચંડ પડઘા પડ્યા.
નવમી ઓગસ્ટ (ઓગસ્ટ 9, 1942) ના રોજ ખાડિયા રાયપુર વિસ્તારમાં લોકો રસ્તા પર આવી ગયા. જયંતી ઠાકોર મુંબઈ ગયા હોવાથી તેમની ગેરહાજરીમાં વિષ્ણુ દવે અને બાબુ રાણાએ ખાડિયા પોલિસ ચોકી પાસે હિંદ છોડો આંદોલનનો ગુજરાતમાં પ્રથમ રણ ઘોષ કર્યો. વિશાળ સરઘસના “અંગ્રેજો ચાલ્યા જાવ” તથા “ઇંકિલાબ ઝિંદાબાદ”ના નારા ગુંજી ઊઠ્યા. ખાડિયા પોલિસચોકીથી રાયપુર ચકલાના વિસ્તારમાં માનવમહેરામણ ઉમટી પડ્યો. પોલિસ દમન શરૂ થયું.
સાંજે જેઠાભાઇની પોળના નાકે પોલિસ ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહિદ થયા.
1942ના હિંદ છોડો આંદોલન – ક્વિટ ઇંડિયા મુવમેંટના ગુજરાતના પહેલા શહિદ તે ઉમાકાંત કડિયા. અમદાવાદના ખાડિયાના નવમી ઓગસ્ટના સરઘસ – આંદોલનના સમાચાર માત્ર ભારતનાં જ નહીં, ઇંગ્લેંડના પ્રચારમાધ્યમોમાં પણ ચર્ચા પામ્યા. હિંદુસ્તાનની આઝાદીની લડતના ઇતિહાસમાં ગુજરાત, અમદાવાદ અને ખાડિયાના યોગદાનની ઘણી કહાણીઓ છે.
.
Great information