મુંબઈના ભાયખલા વિસ્તારમાં શહેરનું સૌ પ્રથમ અને દેશનું ચોથું મ્યુઝિયમ આવેલું છે. હાલ ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ તરીકે જાણીતું આ મ્યુઝિયમ અગાઉ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ તરીકે ઓળખાતું હતું. ભાયખલાના જિજામાતા ઉદ્યાન (અગાઉ વિક્ટોરિયા ગાર્ડન્સ કે રાણી બાગ) માં સ્થિત મુંબઈનું સૌથી પ્રાચીન સંગ્રહાલય ‘ભાઉ દાજી લાડ મ્યુઝિયમ’ કલાના બેનમૂન નમૂનાઓ સાથે મુંબઈના ઇતિહાસને પ્રદર્શિત કરે છે.
આ મ્યુઝિયમનાં મૂળમાં મુંબઈના તત્કાલીન ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન દ્વારા 1855માં સ્થપાયેલ ‘સેન્ટ્રલ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી, ઇકોનોમી, જીઓલોજી, ઇન્ડસ્ટ્રી એન્ડ આર્ટ્સ’ હતું.
બ્રિટીશ અમલદારોના માર્ગદર્શનમાં 1872માં સ્થપાયેલ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમને માટે ફંડ ઊભું કરવામાં મુંબઈના અગ્રણી મહાજનો જગન્નાથ શંકરશેઠ, ડૉ ભાઉ દાજી લાડ, સર જમસેત્જી જીજીભોય (જમશેદજી જીજીભાઈ બેરોનેટ), ડેવિડ સાસુન વગેરેનો સહયોગ હતો.
ગોવામાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા ડૉક્ટર ભાઉ દાજી લાડ ગ્રાન્ટ મેડિકલ કોલેજ (જીએમસી, બોમ્બે) ની પ્રારંભિક બેચના પદવીધારી ડૉક્ટર હતા. 1850માં મેડિસિનની ડિગ્રી મેળવી ડૉ ભાઉ દાજી લાડે 1851માં ફિઝિશિયન તરીકે તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. તેમને શિક્ષણ અને આયુર્વિદિક સંશોધન ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતો, લખાણો, સિક્કાઓ આદિમાં ઊંડો રસ હતો. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમની સ્થાપના અર્થે તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા.
મુંબઈના આ મહાન સેવાભાવી ડોક્ટરની સેવાઓની કદર અર્થે 1975માં મુંબઈના સૌથી પહેલા સંગ્રહાલય વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનું નામ બદલીને ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ રાખવામાં આવ્યું.
વાચકમિત્રો! ‘અનુપમા’ના આજના લેખમાં ભાઉ દાજી લાડ મ્યુઝિયમ પર એક નજર નાખીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
વિશ્વનાં પ્રાચીન સંગ્રહાલયો
મ્યુઝિયમ અર્થાત સંગ્રહાલય એવું સ્થાન છે, જ્યાં કલા, સંસ્કૃતિ, વિજ્ઞાન કે ઇતિહાસ જેવાં ક્ષેત્રોમાં અનોખું મહત્ત્વ ધરાવતાં અસામાન્ય, દુર્લભ કે વિશિષ્ટ એક્ઝિબિટ્સ (નમૂનાઓ/ ચીજવસ્તુઓ/ આર્ટિફેક્ટ્સ) હોય છે.
પુરાતત્ત્વ વિજ્ઞાનીઓને પ્રાચીન બેબિલોનની આર્કિયોલોજીની સાઇટ પર ખોદકામ કરતાં પ્રાચીન બેબિલોનનો શાહી મહેલ મળ્યો છે. તેમાં અઢી હજાર વર્ષ પૂર્વે સંગ્રહાલય હોવાનાં સંકેતો મળ્યા છે. ત્યાં મેસોપોટેમિયન સભ્યતાના નમૂનાઓનો વ્યવસ્થિત સંગ્રહ જણાયો છે. બેબિલોનની રાજકુમારી એન્નિગાલ્ડિના મહેલમાં સ્થિત ‘બેબિલોનિયન પ્રિન્સેસ મ્યુઝિયમ’ આર્કિયોલોજીની અમૂલ્ય શોધરૂપ બન્યું.
વર્તમાન વિશ્વનાં પ્રાચીનતમ સંગ્રહાલયોની વાત નીકળે તો રોમ, ઇટલીનું ‘કેપિટોલિન મ્યુઝિયમ્સ’ પહેલું આવે. પંદરમી સદીમાં કેથલિક ચર્ચના વડા ધર્મગુરુ પોપના કીમતી સંગ્રહથી તેની શરૂઆત થઈ. રોમની કેપિટોલિન હિલ પર સ્થિત કેપિટોલિન મ્યુઝિયમ્સ એક એવું મ્યુઝિયમ છે, જે કેટલાંક સંગ્રહાલયોના ગ્રુપ થકી બન્યું છે. વર્ષ 1734માં કેપિટોલિન મ્યુઝિયમ્સને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું.
અન્ય પ્રાચીન મ્યુઝિયમોની યાદીમાં ઇંગ્લેન્ડમાં લંડનના ‘ટાવર ઓફ લંડન’ના ‘રોયલ આર્મરિઝ’ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એશ્મોલિઅન મ્યુઝિયમ ઉપરાંત બેઝેલ (સ્વિટ્ઝર્લેન્ડ), સેંટ પિટર્સબર્ગ (રશિયા), વિયેના (ઓસ્ટ્રિયા) આદિનાં સંગ્રહાલયો આવે.
આપે અમારા અન્ય બ્લૉગ ‘અનામિકા’ પર વાંચ્યું છે કે વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને સૌથી લોકપ્રિય મ્યુઝિયમમાં પેરિસ (ફ્રાન્સ) ના લુવ્ર મ્યુઝિયમ પ્રથમ સ્થાને આવે. લિયોનાર્ડો દ વિન્ચિનું સોળમી સદીમાં દોરાયેલ જગવિખ્યાત પેઇન્ટિંગ ‘મોના લિસા’ લુવ્ર મ્યુઝિયમમાં છે.
કલકત્તા (કોલકતા) નું ઇન્ડિયન મ્યુઝિયમ ભારતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ છે. ઇમ્પિરિયલ મ્યુઝિયમ તરીકે પણ જાણીતા ઇન્ડિયન મ્યુઝિયમને કલકત્તાની રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ દ્વારા 1814માં શરૂ કરાયું. વિશ્વનાં સૌથી પ્રાચીન દસ મ્યુઝિયમોમાં ઇન્ડિયન મ્યુઝિયમની ગણતરી થાય છે. તેનાં ખાસ આકર્ષણોમાં ચાર સિંહનું રાષ્ટ્રીય ચિન્હ ધરાવતો અશોક પિલર, ચાર હજાર વર્ષ પુરાણું ઇજિપ્શિયન મમી, આર્કિયોલોજીના ઐતિહાસિક અવશેષો, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના વિસ્મયકારી નમૂનાઓ, નાશ પામેલ પ્રજાતિઓના ફોસિલ્સ, ડાયનાસોરનું સ્કેલેટન – અસ્થિપિંજર, અગણિત રેર – દુર્લભ – એન્ટિક્સ વગેરેનો સમાવેશ થાય છે.
1851માં ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મદ્રાસ (ચેન્નાઈ, તામિલનાડુ) અને 1855માં નેપિયર મ્યુઝિયમ, ત્રિવેન્દ્રમ (થિરૂવનંથપુરમ, કેરાલા) પણ સૌથી જૂનાં ભારતીય મ્યુઝિયમ્સ છે.
ગુજરાતનાં સૌથી પ્રાચીન સંગ્રહાલયોમાં ભુજનું કચ્છ મ્યુઝિયમ અને રાજકોટનું વોટ્સન મ્યુઝિયમ ગણાય. 1877માં સ્થપાયેલ કચ્છ મ્યુઝિયમ (ભુજ, કચ્છ) ગુજરાતનું સૌ પ્રથમ મ્યુઝિયમ છે. વોટ્સન મ્યુઝિયમ (રાજકોટ) 1888માં સ્થપાયું. સંસ્કારનગરી વડોદરામાં ‘બરોડા મ્યુઝિયમ’ મહારાજા સયાજી રાવ ગાયકવાડ દ્વારા 1894માં સ્થપાયું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
મુંબઈનું સૌથી પહેલું મ્યુઝિયમ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં જાહેર જનતા માટેનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ ગણાય છે. મુંબઈના ભાયખલામાં 1872માં સ્થપાયેલ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ વર્ષ 1975થી ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ નામથી ઓળખાય છે. બ્રિટીશ હિંદુસ્તાનમાં કલકત્તા, મદ્રાસ અને ત્રિવેંદ્રમ પછી સ્થપાનાર ભારતનું ચોથું મ્યુઝિયમ ભાઉ દાજી લાડ મ્યુઝિયમ મુંબઈના મશહૂર વિક્ટોરિયા ગાર્ડન્સ (જીજામાતા ઉદ્યાન) ના વિશાળ ફલક પર ઊભું છે.
મુંબઈનું એક અન્ય મહત્ત્વનું મ્યુઝિયમ છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ) ફોર્ટના કાલા ઘોડા વિસ્તારમાં છે. ‘અનુપમા’ના વાચકો જાણે છે કે ભારતનો પહેલો ફિલ્મ શો લુમિએર બ્રધર્સના ઉપક્રમે 1896ના જુલાઈની 7મી તારીખે કાલા ઘોડા પાસેની વૉટસન હોટેલમાં થયો હતો. 1922માં કાલા ઘોડા વિસ્તારમાં ખુલ્લું મૂકાયેલ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ હવે છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (સીએસએમવીએસ CSMVS) તરીકે ઓળખાય છે. તેમાં 50,000 જેટલા એક્ઝિબિટ્સ છે.
મુંબઈના સૌ પ્રથમ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ની સ્થાપના અર્થે પ્રેરક બળ 1851માં ઇંગ્લેન્ડમાં આયોજાયેલ ગ્રેટ એક્ઝિબિશન અને લંડનનું ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ હતાં.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
લંડનમાં આયોજિત ગ્રેટ એક્ઝિબિશન (1851)
1851ના મે-ઑક્ટોબર દરમ્યાન ઇંગ્લેન્ડની રાજધાની લંડનના હાઇડ પાર્કમાં ગ્રેટ એક્ઝિબિશન નામથી આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક પ્રદર્શન યોજાયું હતું. તે સમયે ઇંગ્લેંડમાં ક્વિન વિક્ટોરિયાનું શાસન હતું. તેમના પતિ (કોન્સોર્ટ) પ્રિન્સ આલ્બર્ટની પ્રોત્સાહક પહેલથી ‘ધ ગ્રેટ એક્ઝિબિશન ઑફ ધ વર્ક્સ ઑફ ઇન્ડસ્ટ્રી ઑફ ઓલ નેશન્સ’ (ધ ગ્રેટ એક્ઝિબિશન, લંડન) આયોજિત થયું હતું. ક્રિસ્ટલ પેલેસ એક્ઝિબિશન તરીકે ઓળખાયેલા ગ્રેટ એક્ઝિબિશન માટે દુનિયાના દેશોએ પોતાની શ્રેષ્ઠ ઉત્પાદિત વસ્તુઓ અને કલા-કારીગરીના ઉત્તમ નમૂનાઓ મોકલ્યા હતા. હિંદુસ્તાનના કલાકારોની કારીગરીના નમૂનાઓ પણ ત્યાં પ્રદર્શિત થયા હતા. ગ્રેટ એક્ઝિબિશન નિહાળવા આવેલા દુનિયાભરના દર્શકોમાં ચાર્લ્સ ડિકન્સ, આલ્ફ્રેડ ટેનિસન, લુઇસ કેરોલ જેવા સાહિત્યકારો અને ચાર્લ્સ ડાર્વિન જેવા વૈજ્ઞાનિકો પણ હતા. (આપે ‘અનામિકા’ પર ખેતડીનરેશ વિશેના અને સ્વામી વિવેકાનંદજીના શિકાગો પ્રવચનના લેખમાં 1893ના કોલંબિયન એક્સ્સ્પોઝિશન – વર્લ્ડ એક્સ્પો શિકાગો – વિશે વાંચ્યું છે.)
ગ્રેટ એક્ઝિબિશન (લંડન) ના ઘણા એક્ઝિબિટ્સને સાચવવામાં આવ્યા અને તેમનું એક સંગ્રહસ્થાન બનાવવાનું સૂચન થયું. તેમાંથી લંડનના ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’નો જન્મ થયો.
સેન્ટ્રલ લંડનના કેન્સિગ્ટન-ક્રોમવેલ વિસ્તારમાં આવેલ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ પાસે 65 લાખ જેટલી આઇટેમ્સનો સંગ્રહ છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
મુંબઈમાં સૌ પ્રથમ મ્યુઝિયમ
વર્ષ 1853માં જ્યારે બ્રિટીશ હિંદુસ્તાનના ગવર્નર જનરલ અર્લ ઑફ ડલહાઉસી હતા, ત્યારે મુંબઈના ગવર્નર તરીકે જોહન એલ્ફિન્સ્ટન (13મા લોર્ડ એલ્ફિન્સ્ટન) ની નિમણૂક થઈ. લોર્ડ એલ્ફિન્સ્ટન અને અંગ્રેજ અમલદાર જ્યોર્જ બ્યુઇસ્ટની નિગરાનીમાં મુંબઈમાં સૌ પ્રથમ મ્યુઝિયમ બન્યું, પરંતુ તે જાહેર જનતા માટે ખુલ્લું ન હતું. 1855માં સ્થપાયેલ મુંબઈના તે પહેલા બ્રિટીશ મ્યુઝિયમનું નામ ‘સેન્ટ્રલ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી, ઇકોનોમી, જિયોલોજી, ઇન્ડસ્ટ્રી એન્ડ આર્ટ્સ’ હતું.
1858 પછી હિંદુસ્તાનમાં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સ્થાને ઇંગ્લેન્ડના રાણી વિક્ટોરિયાએ વહીવટ સંભાળ્યો. પછી મુંબઈમાં 1858માં જ્યોર્જ બર્ડવુડના માર્ગદર્શન નીચે પબ્લિક મ્યુઝિયમ બનાવવા ચક્રો ગતિમાન થયા. મ્યુઝિયમ માટે ફંડ ઊભું કરવા ભારતીય અગ્રણીઓ આગળ આવ્યા, જેમાં ડૉક્ટર ભાઉ દાજી લાડ, જગન્નાથ શંકર શેઠ (નાના શેઠ), ડેવિડ સાસુન, સર જમસેત્જી જીજીભોય (બેરોનેટ) આદિ પ્રતિષ્ઠિતો સામેલ હતા. (આપે અમારા બ્લૉગ ‘મધુસંચય’ પર સર જમસેત્જી જીજીભોય બેરોનેટ અને જગન્નાથ શંકર શેઠના પ્રયત્નોથી 1853માં ભારતમાં મુંબઈમાં પ્રથમ રેલવે પેસેન્જર ટ્રેન દોડી તે વાંચેલ છે).
નવા મ્યુઝિયમના બિલ્ડિંગનું નિર્માણ ભાયખલાના ક્વિન વિક્ટોરિયા ગાર્ડન્સ (રાણી બાગ, હાલ જીજીમાતા ઉદ્યાન) માં થયું. 1872ના મે માસની બીજી તારીખે મ્યુઝિયમ આરંભાયું. આ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયેલ મુંબઈનું સૌ પ્રથમ મ્યુઝિયમ હતું, તેથી તેને મુંબઈ શહેરનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ ગણવામાં આવે છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
સંનિષ્ઠ સેવાભાવી ડૉક્ટર ભાઉ દાજી લાડનો પરિચય
સમાજના ઉત્થાન માટે જીવન ઘસી નાખનાર તબીબ ડૉ ભાઉ દાજી લાડ મુંબઈના પહેલા ડોક્ટરો પૈકી એક હતા.
ભાઉ દાજી લાડનો જન્મ ગોવામાં સાધારણ બ્રાહ્મણ પરિવારમાં 1822માં થયો હતો. તેમનું મૂળ નામ રામકૃષ્ણ વિઠ્ઠલ લાડ હતું. ઉજ્વળ ભાવિની આશાએ સારસ્વત બ્રાહ્મણ લાડ પરિવારે ગોવા છોડી તત્કાલીન બૉમ્બે (મુંબઈ) શહેરમાં વસવાટ કર્યો. જ્વલંત શાળાકીય અભ્યાસ પછી ભાઉ દાજી લાડે 1840માં એલ્ફિન્સ્ટન કોલેજમાં સ્ટડી કર્યો અને કોલેજમાં પણ તેવો જ દેખાવ કર્યો.
તે સમયે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજ (જીએમસી, બોમ્બે) માં તબીબી અભ્યાસક્રમ ‘ગ્રેજ્યુએટ ઑફ ધ ગ્રાન્ટ મેડિકલ કોલેજ’ (જીજીએમસી) નવો શરૂ થયો હતો. ભાઉ દાજી લાડ જીએમસીના ‘જીજીએમસી’ ગ્રેજ્યુએટ કોર્સમાં જોડાયા. 1851માં તે ડિગ્રી કોર્સની પ્રથમ બેચમાં આઠ વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા અને તેમાંના એક ભાઉ દાજી લાડ હતા. આમ, ગ્રાન્ટ મેડિકલ કોલેજની ‘ગ્રેજ્યુએટ ઑફ ધ ગ્રાન્ટ મેડિકલ કોલેજ’ – ‘જીજીએમસી’ – ડિગ્રી મેળવનાર ભાઉ દાજી લાડ પહેલી બેચના ડૉક્ટર બન્યા.
1852માં તેમણે તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. તેમને આયુર્વેદનું બહોળું જ્ઞાન હતું. તેમણે કુષ્ઠરોગીઓની સેવામાં ઝુકાવ્યું અને ભારે લોકચાહના મેળવી. તેમણે આયુર્વેદના ગહન અભ્યાસથી કુષ્ઠ રોગીઓની વર્ષો સુધી સેવા કરી.
તેઓ સમાજના ઉત્કર્ષ માટે સેવાના ભેખધારી હતા. તેમણે સમાજમાં ભારે આદર સાથે માનપાન મેળવ્યાં. ડો ભાઉ દાજી લાડ મુંબઈ શહેરના પ્રથમ ભારતીય શેરીફ હતા. શિક્ષણના પ્રસાર ઉપરાંત તેમને જૂના સિક્કાઓ અને પ્રાચીન હસ્તપ્રતો-લેખોના સંગ્રહ અને અભ્યાસમાં ઊંડો રસ હતો.
મુંબઈમાં પ્રથમ મ્યુઝિયમ બનાવવાનું નક્કી થયું ત્યારે તેમણે અન્ય પ્રતિષ્ઠિત સજ્જનો સાથે તે કામમાં અમાપ સહયોગ આપ્યો. તેમના સમર્પિત પ્રયત્નોથી ભાયખલામાં ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ બનાવી શકાયું.
દુ:ખની વાત એ કે મ્યુઝિયમ ખુલ્લું મૂકાયાના બે જ વર્ષોમાં, 1874માં, ડો ભાઉ દાજી લાડનું અવસાન થયું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
વિશિષ્ટ બાંધણી ધરાવતું મુંબઈનું વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ
મુંબઈનું આ પ્રથમ સંગ્રહાલય ભાયખલામાં બન્યું. એક સમયે ભાયખલામાં મુંબઈ રેસિડેન્સિના ગવર્નરનો બંગલો હતો અને તે ધનાઢ્ય વર્ગ માટેનો વૈભવી વિસ્તાર ગણાતો હતો.
અંગ્રેજ હકૂમત હેઠળ નિર્માણ પામેલ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ને યુરોપિયન સ્ટાઇલમાં બાંધવામાં આવ્યું હતું. વિક્ટોરિયન સ્ટાઇલના પિલર્સ અને સોહામણી આર્ક્સથી તે બાંધવામાં આવ્યું છે. ફ્લોર પર ઇંગ્લેન્ડના જગપ્રસિદ્ધ મિન્ટોન ટાઇલ્સ અને ઊંચી, આકર્ષક છતથી સજ્જ તેના હોલમાં વિશેષ આયોજનથી એક્ઝિબિટ્સ ગોઠવવામાં આવ્યા છે. એકસો સાઠ વર્ષમાં તેના પર ફેરફારો કરાયા છતાં આજેય મ્યુઝિયમના બિલ્ડિંગની મૂળ ડિઝાઇન અને સુંદરતાના ઘટક તત્ત્વોને બરકરાર રાખવામાં આવ્યાં છે. તેથી જ તો ભાઉ દાજી લાડ મ્યુઝિયમના નામથી ઓળખાતાં આ મ્યુઝિયમને યુનેસ્કોનો સન્માનભર્યો એવોર્ડ ‘એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ ફોર કલ્ચરલ હેરિટેજ કન્ઝર્વેશન’ એનાયત થયો છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
આજનું ભાઉ દાજી લાડ મ્યુઝિયમ
1975માં મુંબઈના ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’નું નામાભિધાન ડૉક્ટર ભાઉ દાજી લાડની સ્મૃતિમાં ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ કરવામાં આવ્યું.
ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં મુંબઈના સામાજીક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સાચવતા બેનમૂન એક્ઝિબિટ્સ છે. તેમાં લલિત કલા અને ડેકોરેટિવ આર્ટના ઉત્તમ નમૂનાઓ છે. જે જે સ્કૂલ ઑફ આર્ટ્સના વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં બનાવેલ આર્ટિફેક્ટ્સ છે. મુંબઈના જૂના શહેરના ઐતિહાસિક ફોટોગ્રાફ્સ અને નકશાઓ છે. પુરાણા મુંબઈની યાદ અપાવતા ક્લે મોડેલ્સ છે. દુર્લભ એવાં પુસ્તકો અને હસ્તપ્રતો છે. કેટલીક યાદગાર પ્રતિમાઓ છે. અતીતની ઝાંખી કરાવતા પુરાતત્ત્વ વિભાગને મળેલા અવશેષો છે.
મ્યુઝિયમની મુખ્ય ગેલેરીઓને વિવિધ વિભાગોમાં વહેંચી છે. જેમકે ઇન્ડસ્ટ્રિયલ આર્ટ ગેલેરી, કમલનયન બજાજ મુંબઈ ગેલેરી, ઓરિજિન્સ ઑફ મુંબઈ ગેલેરી ઇત્યાદિ.
2003-04ના અરસામાં મ્યુઝિયમના નવીનીકરણ માટે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) અને જમનાલાલ બજાજ ફાઉન્ડેશનના સહકારથી યોજના ઘડી. 2009 સુધીમાં ઘણું કામ પૂર્ણ થયું, છતાં આજે ય મ્યુઝિયમમાં નવી ચમક ઉમેરવાનું કામ ચાલુ જ છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
અનુપમા લેખ: મુંબઈનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ – ડૉક્ટર ભાઉ દાજી લાડ મ્યુઝિયમ
- ભારતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય કોલકતાનું ઇન્ડિયન મ્યુઝિયમ, વિશ્વનું સૌથી જૂનું મ્યુઝિયમ રોમ ઇટલીનું ‘કેપિટોલિન મ્યુઝિયમ્સ’
- મુંબઈ શહેરનું સૌથી પહેલું, સૌથી જૂનું મ્યુઝિયમ ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’
- ભાઉ દાજી લાડ મ્યુઝિયમનું અગાઉનું નામ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ (સ્થાપના વર્ષ: 1872. સ્થાન: જીજીમાતા ઉદ્યાન/ વિક્ટોરિયા ગાર્ડન્સ/ રાણી બાગ. ભાયખલા)
- મુંબઈમાં અન્ય જાણીતું મ્યુઝિયમ કાલા ઘોડા, ફોર્ટ વિસ્તારનું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (સીએસએમવીએસ CSMVS), તેનું પ્રારંભિક નામ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ
- ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજ (જીએમસી, બોમ્બે) ના તબીબી કોર્સની ‘જીજીએમસી’ ડિગ્રી મેળવનાર પ્રથમ બેચના ગ્રેજ્યુએટ (1851)
- ડૉ ભાઉ દાજી લાડની સેવાઓની સ્મૃતિમાં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનું નામાભિધાન 1975માં થયું ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ
- Dr Bhau Daji Lad (1822-1874)
- Dr Bhau Daji Lad Mumbai City Museum, Jijimata Udyan / Veermata Jijabai Bhosale Udyan and Zoo (Byculla Zoo), Byculla, Mumbai
- Chhatrapati Shivaji Maharaj Vastu Sangrahalaya (CSMVS), Kala Ghoda, Fort, Mumbai
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
3 thoughts on “મુંબઈનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ – ડૉક્ટર ભાઉ દાજી લાડ મ્યુઝિયમ”