વિસરાતી વાતો

વિશ્વપ્રસિદ્ધ અંગકોર વાટના મંદિરના ઇતિહાસને પ્રકાશિત કરતી લિડાર ટેકનોલોજી

દુનિયાનું સૌથી વિશાળ અને ભવ્યતમ ધાર્મિક સ્થાન કંબોડિયા દેશનું અંગકોર વાટનું મંદિર છે.

દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલ કંબોડિયા (કાંપુચિયા/ ખ્મેર રિપબ્લિક) દેશનું અંગકોર વાટનું મંદિર તેની બેનમૂન શિલ્પ-સ્થાપત્યકલાને લીધે વિશ્વની સ્થાપત્ય અજાયબીઓમાં સ્થાન પામે છે.

પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સાઉથ ઇસ્ટ એશિયાના મ્યાનમાર, થાઇલેંડ, કંબોડિયા, મલયેશિયા, ઇન્ડોનેશિયા અને અન્ય દેશો સુધી વિસ્તરેલો હતો.

હજારેક વર્ષ પહેલાં સાઉથ ઇસ્ટ એશિયામાં એક સામ્રાજ્ય ‘ખ્મેર એમ્પાયર’ અતિ શક્તિશાળી અને વિસ્તૃત રાજ્ય વિકસ્યું હતુ. ખ્મેર સામ્રાજ્યની સ્થાપના હિંદુ ધર્મ પાળતા ખ્મેર રાજાઓએ કરી. બારમી સદીમાં ખ્મેર રાજા સૂર્યવર્મન બીજાએ સામ્રાજ્યના કેન્દ્ર સમા નગર અંગકોરમાં હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ ભવ્ય વિષ્ણુ મંદિર બનાવ્યું. અંગકોર વાટના વિષ્ણુ મંદિરને બસોએક વર્ષ પછી બૌદ્ધ મંદિર બનાવવામાં આવ્યું. પંદરમી સદીમાં ખ્મેર સામ્રાજ્યની પડતી પછી અંગકોર વાટનું મંદિર ઘનઘોર જંગલોમાં ખોવાઈ ગયું. પુરાતત્ત્વવિજ્ઞાનીઓના અથાક પ્રયત્નોથી પુરાણા અંગકોરના 400 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા અવશેષોને શોધી કાઢવામાં આવ્યાં છે. આર્કિયોલોજી અને લિડાર ટેકનોલોજીની કમાલથી આજે અંગકોર વાટના હિંદુ-બૌદ્ધ મંદિરને તેના ભવ્ય સ્થાપત્ય સાથે પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. આવો, લિડાર ટેકનોલોજીએ પ્રકાશિત કરેલ અંગકોર વાટ મંદિરની કથાને અનુપમા પર જાણીએ. [આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

દક્ષિણ પૂર્વ એશિયાના દેશ કંબોડિયાનો ઇતિહાસ

અંગકોર વાટના મંદિરને લીધે એશિયાનો કંબોડિયા દેશ સુરખીઓમાં છે.

દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતની પૂર્વમાં મ્યાનમાર (બર્મા), થાઇલેંડ, લાઓસ, કંબોડિયાથી લઈ ઠેઠ મલયેશિયા-ઇંડોનેશિયા જેવા દેશો આવેલ છે. પ્રાચીન કાળથી આ દેશો સાથે ભારતનાં ઘનિષ્ટ સંબંધો રહ્યા છે. તે દેશો પર ભારતનો આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક પ્રભાવ પણ ઘણો છે. વર્તમાન સમયમાં આ દેશોમાં બૌદ્ધ ધર્મના પ્રસાર છતાં હિંદુ સંસ્કૃતિની ઊંડી અસર જોઈ શકાય છે.

આ વિસ્તારમાં થાઇલેંડ અને વિયેટનામની વચ્ચે  કંબોડિયા દેશ છે. આજે કિંગ્ડમ ઑફ કંબોડિયાથી ઓળખાતો દેશ અગાઉ ખ્મેર રિપબ્લિક અને કામ્પુચિયાના નામે જાણીતો હતો. કંબોડિયાની મૂળ પ્રજા ખ્મેર જાતિ છે અને તેમની ભાષા પણ ખ્મેર છે. કંબોડિયાના વતની ખ્મેર લોકોની ખ્મેર ભાષા પર સંસ્કૃત અને પાલી ભાષાનો પ્રભાવ છે.

ખ્મેર શાસનનો ઉદય આશરે બારસો વર્ષ પહેલાં થયો.

નવમી સદીના હિંદુ રાજા જયવર્મન બીજાને ખ્મેર સામ્રાજ્યના સ્થાપક તરીકેનો શ્રેય મળે છે. બે સૈકામાં તો ખ્મેર સામ્રાજ્ય વિસ્તરીને શક્તિશાળી બન્યું.

બારમી સદીના ખ્મેર વંશના રાજા સૂર્યવર્મન બીજા (1113 – 1150) એ રાજ્યના એક નગર અંગકોરમાં ભવ્ય વિષ્ણુમંદિરનું નિર્માણ કર્યું. વિશ્વભરમાં સૌથી વિશાળ અંગકોરના વિષ્ણુમંદિરનું બાંધકામ ત્રીસેક વર્ષ ચાલ્યું! મંદિરના સ્થાપત્યમાં હિંદુ ધર્મમાં પવિત્ર લેખાતા મહાપર્વત મેરુ પર્વતની ઝલક જણાય છે. આ દરમ્યાન ખ્મેર સામ્રાજ્યનો વિસ્તાર વધ્યો અને ઠેઠ થાઇલેંડ સુધીના પ્રદેશમાં નવાં મંદિરો બંધાયાં. તેરમી સદી સુધીમાં ખ્મેર શાસન પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધ્યો. ત્યાર પછી અંગકોર વાટનું વિષ્ણુમંદિર બૌદ્ધ મંદિરમાં પરિવર્તિત થઈ ગયું.

પંદરમી સદીમાં ખ્મેર શાસનની પડતી થઈ. ખ્મેર સામ્રાજ્યનાં નગરો વેરાન થવા લાગ્યાં. અંગકોર વાટનું મંદિર જંગલોમાં ખોવાઈ ગયું. ખ્મેર સામ્રાજ્યનો હિસ્સો થાઇલેંડના અંકુશ નીચે આવ્યો. 1863થી ફ્રાંસના તાબામાં આવેલ કંબોડિયા 1953માં સ્વતંત્ર થયું. તે પછી પણ કેટલીયે ઉથલપાથલ અને સંઘર્ષ પછી આજનું કિંગ્ડમ ઑફ કંબોડિયા ઊભું થયું છે.

ગઈ સદીમાં ખ્મેર રિપબ્લિક અને કામ્પુચિયા તરીકે ઓળખાયેલ, વર્તમાન કંબોડિયા દેશની વસ્તી દોઢેક કરોડની છે અને તેની રાજધાની નોમ પેન્હ છે.

કંબોડિયામાં છેલ્લા ત્રણ દાયકાઓથી અંગકોર વાટના વિષ્ણુ – બૌદ્ધ મંદિરને તેની  ભવ્ય સ્થાપત્યકલા સાથે પુન:પ્રતિષ્ઠિત કરવાનાં પ્રયત્નો રંગ લાવ્યાં છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

અંગકોર વાટના મંદિરની ગાથા
  • હાલ અંગકોર શહેર ઉત્તર-પશ્ચિમ કંબોડિયામાં સિએમ રીપ પ્રદેશમાં આવેલ છે. અંગકોર નગર કંબોડિયાની રાજધાની નોમ પેન્હથી ઉત્તરે આશરે 300 કિલોમીટર દૂર છે.
  • પુરાતત્ત્વ વિજ્ઞાનીઓએ અંગકોરની આસપાસ પ્રાચીન અવશેષો, સ્થાપત્યો કે બાંધકામ શોધી કાઢ્યાં છે. થોડાં વર્ષોથી તો એરિયલ સર્વે તેમજ લિડાર ટેકનોલોજીના ઉપયોગથી આર્કિયોલોજીસ્ટ્સને વિસ્મયકારી પુરાવાઓ મળી રહ્યા છે. અંગકોર આર્કિયોલોજીકલ સાઇટ હવે તો 400 સ્ક્વેર કિલોમીટરથી વધારે વિસ્તાર સુધી ફેલાયેલી છે.
  • નવમી સદીના પ્રારંભે હિંદુ રાજા જયવર્મન બીજાએ સાઉથ-ઇસ્ટ એશિયાના વિવિધ પ્રદેશો જીતી લીધા. ઇસ 802માં રાજા જયવર્મન બીજાએ પોતાને ચક્રવર્તી સમ્રાટ ઘોષિત કરી ખ્મેર સામ્રાજ્યનો પાયો નાખ્યો.
  • બસો વર્ષમાં ખ્મેર સામ્રાજ્ય સમૃદ્ધિથી છલકાવા લાગ્યું. જોતજોતામાં અત્યારના કંબોડિયા, લાઓસ, વિયેતનામ અને થાઇલેંડના વિભિન્ન હિસ્સાઓ પર ખ્મેર સામ્રાજ્યનું આધિપત્ય સ્થપાયું. નવમી સદીમાં સ્થપાયેલ ખ્મેર શાસન પંદરમી સદી ટક્યું હતું.
  • બારમી સદીના પ્રારંભે ખ્મેર સમ્રાટ સૂર્યવર્મન બીજાએ અંગકોરમાં ભવ્ય વિષ્ણુમંદિરની સ્થાપના કરી.
  • અંગકોર ત્યારે યશોધરપુર નામે ઓળખાતું ખ્મેર સામ્રાજ્યનું મહત્ત્વનું નગર હતું. તે યુગમાં અંગકોર (યશોધરપુર) 40-50 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલ ‘મેગાસીટી’ હશે અને તેની વસ્તી દસેક લાખની હશે તેવાં અનુમાન છે. અંગકોર તે સમયે વિશ્વનો સૌથી મોટો શહેરી વિસ્તાર હશે તેવું મનાય છે.
  • કહે છે કે અદ્વિતીય શિલ્પસ્થાપત્ય ધરાવતા અંગકોરના વિષ્ણુમંદિરને બાંધવામાં ત્રીસ-પાંત્રીસ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. મંદિર બાંધવામાં એક લાખથી ત્રણ લાખ કારીગરો અને છ હજાર જેટલા હાથીઓ કામે લાગ્યા હોવાનો અંદાજ છે.
  • રાજા સૂર્યવર્મન બીજાને ભગવાન વિષ્ણુ પ્રત્યે દ્રઢ ભક્તિભાવ હતો. હિંદુ ધર્મમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ ત્રિદેવ પૈકી વિષ્ણુ ભગવાનને સૃષ્ટિના સંરક્ષક માનવામાં આવ્યા છે. પોતાના સામ્રાજ્યની ઓળખ સમા અંગકોરના મંદિરમાં રાજા સૂર્યવર્મને વિષ્ણુ ભગવાનને સ્થાપિત કર્યા હતા. આમ, આ મંદિર અંગકોરના વિષ્ણુ મંદિર તરીકે ઓળખાયું.
  • ખ્મેર પ્રજા મંદિર જેવાં પવિત્ર ધર્મસ્થાનોના બાંધકામમાં પત્થરનો ઉપયોગ કરતી. અંગકોરનું મંદિર મોટા સેન્ડસ્ટોન (રેતીલા પથ્થર) થી બનેલું છે.
  • હિંદુ શાસ્ત્રગ્રંથો પ્રમાણે મેરુ પર્વત પર દેવતાઓનો વાસ હોય છે. મેરુ પર્વત સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું વિશિષ્ટ કેંદ્ર મનાય છે જ્યાં ચાર દિશાઓ મળે છે. તેને દુનિયાનું નાભિકેંદ્ર કે એક્સિસ મુંડી ગણવામાં આવે છે. એક્સિસ મુંડી એ સ્થાન છે જ્યાં આકાશ, પૃથ્વી, ચારે દિશાઓની પારલૌકિક શક્તિઓ કેંદ્રિત થાય છે. રાજા સૂર્યવર્મનની ઇચ્છા અંગકોરનું મંદિર પણ મેરુ પર્વતની માફક દિવ્ય શક્તિઓનું દ્યોતક બને!
  • હિંદુ પૌરાણિક દંતકથાઓમાં કૈલાસ પર્વત સમ મહાપર્વત મેરુને પણ પવિત્ર લેખવામાં આવે છે. તે બ્રહ્માંડની કોસ્મિક એનર્જીના સંગમસ્થાનપર, પૃથ્વીને સ્વર્ગ સાથે જોડતા કેંદ્ર પર છે. મેરુ પર્વતથી પ્રેરાઈને રાજા સૂર્યવર્મન અંગકોર વાટના મંદિરને ભવ્ય, ગગનગામી સ્થાપત્યથી સુશોભિત કરવા ઇચ્છતા હતા. અંગકોર વાટના મંદિરનું આર્કિટેક્ચર તે વાત દર્શાવે છે. મંદિરના મધ્યનું મુખ્ય શિખર (સેંટ્રલ ટાવર) 213 ફૂટ ઊંચું છે. બારમી સદીમાં 20 માળ ઊંચું શિખર (ટાવર) આપ કલ્પી શકો?
  • હિંદુ શાસ્ત્રોમાં પર્વતરાજ મેરુ પાવનકારી મનાય છે. પૌરાણિક કથા અનુસાર મેરુ પર્વતની આસપાસ સમુદ્રો ઘૂઘવે છે. અંગકોર મંદિરનું સ્થાપત્ય પણ પવિત્ર મહાપર્વત મેરુની પ્રતિકૃતિ સમ લાગે તેમ રાજા સૂર્યવર્મન ઇચ્છતા હતા. અંગકોર વાટના મંદિરની મધ્યમાં ગગનચુંબી શિખર તેમજ આસપાસ અન્ય ચાર શિખરો મેરુ પર્વતના સૂચક છે. અંગકોર મંદિર જાણે મેરુ પર્વત અને તેની ફરતે ઊંડી, પહોળી ખાઈ સમુદ્રનું પ્રતીક છે.
  • મંદિર -મોટા લાખો રેતિયા પથ્થર – સેન્ડસ્ટોનથી બનેલ છે. તેમાંથી મોટા ભારે પથ્થરો એકથી દોઢ સુધીનું વજન ધરાવે છે. આ પત્થરો ખ્મેર લોકોમાં પવિત્ર મનાતા નોમ કુલેનના પર્વતમાંથી ખોદી કઢાયા હતા.
  • અંગકોરના ઊંચા મંદિરને ત્રણ લેવલ પર બાંધવામાં આવ્યું છે. મંદિર વિશાળ ગર્ભગૃહ, શિખરો, મોટી પરસાળો, દિવાલો પર અદભુત ચિત્રો, પથ્થરકામ – કોતરણી, કલામય શિલ્પો અને બેનમૂન સ્થાપત્ય ધરાવે છે.
  • અંગકોર વાટના મંદિરને આયોજનપૂર્વક સુરક્ષિત કરેલ છે. મંદિરની ફરતે અતિ વિશાળ પ્રાંગણ છે, જેની ફરતે 12-14 ફૂટ ઊંચી દિવાલ છે. તે દિવાલની બહાર, ફરતે ઊંડી સંરક્ષક ખાઈ છે. આ ખાઈનો પરિઘ પાંચેક કિલોમીટર જેટલો છે. આ ખાઈ અધ..ધ 600 થી 650 ફૂટ પહોળી છે. તે 13 ફૂટ જેટલી ઊંડી છે, જેથી તેમાં પાણી ભરેલું રહી શકે.
  • તેરમી સદીમાં ખ્મેર શાસકો બૌદ્ધ ધર્મ પ્રતિ વધારે ઢળતા ગયા અને ચૌદમી સદી આવતાં તો અંગકોર વાટનું વિષ્ણુ મંદિર બદલાઈને બૌદ્ધ મંદિર બની ગયું. કાળક્રમે અંગકોર વાટના બૌદ્ધ મંદિરમાં બૌદ્ધ સાધુઓ પણ નિવાસ કરવા લાગ્યા.
  • પંદરમી સદી દરમ્યાન ખ્મેર સામ્રાજ્યની પડતી થઈ. 1431માં સિયામના શાસકોએ ખ્મેર સામ્રાજ્યને હરાવ્યું. ત્યાર પછી ખ્મેર સામ્રાજ્ય વેરવિખેર થઈ અંધકારમાં ખોવાતું ગયું. કંબોડિયા પર કબજા માટે વિદેશી શાસકો – સિયામ (થાઇલેંડ), વિયેટનામ, ફ્રાંસ આદિ – સંઘર્ષ કરતા રહ્યા અને કંબોડિયા કચડાતું રહ્યું. તેમાં ખ્મેર રાજ્યકર્તાઓએ બાંધેલાં અસંખ્ય મંદિરો અને સ્થાપત્યો નામશેષ થયાં. અંગકોર વાટનું વિષ્ણુ-વિષ્ણુ-બૌદ્ધ મંદિર પણ ઉપેક્ષા પામી પ્રતિષ્ઠા ગુમાવી બેઠું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

અંગકોર વાટનું મંદિર આર્કિયોલોજીની મદદથી ફરી પ્રકાશમાં

સોળમી સદીના એક ધર્મનિષ્ઠ પોર્ટુગિઝ પ્રવાસીની નજરે ભૂલાયેલા અંગકોર નગરનાં અવશેષો નજરે પડ્યાં. પરંતુ તેનાં પ્રવાસ-વર્ણનોને ઝાઝું મહત્ત્વ ન મળ્યું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં હેન્રી મોહોત નામક ફ્રાંસના પ્રકૃતિવિદને ફાર ઇસ્ટ એશિયાના પ્રવાસ દરમ્યાન  અંગકોર વાટના સ્થાપત્યોની ભાળ મળી. ઊંડી ખોજબીન પછી ફ્રેંચ સંશોધક હેન્રીએ વિશ્વ સામે અંગકોર વાટના મંદિર સંકુલની વાત કરી દુનિયા દંગ રહી ગઈ!

અંગકોર વાટ મંદિર માટે એક સદભાગ્યની વાત એ હતી કે વનરાજીઓથી વીંટળાઈ જવા છતાં બૌદ્ધ સાધુઓએ તેને ત્યજી દીધું ન હતું. તે આસપાસના લોકોની જાણમાં હતું જ, છતાં ઉપેક્ષિત હતું. યુરોપિયન શોધકો કે પ્રવાસીઓ મુલાકાત લે, ત્યારે તેના વિષે ચર્ચા જાગતી.

કંબોડિયા (કામ્પુચિયા) માં અંગકોર સામ્રાજ્યના વિસ્તાર અને તેમાં મળતાં અવશેષો અંગે સંશોધનો થતાં રહ્યાં. તે માટે મોટા પાયા પર ગ્રેટર અંગકોર પ્રૉજેક્ટ’ (ગેપ) આરંભાયો.

એકવીસમી સદીના ઉદય પહેલાં કેલિફોર્નિયા ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી, જેટ પ્રોપલ્સન લેબોરેટરી (જેપીએલ) તેમજ નાસા જેવી અમેરિકન સંસ્થાઓના સહયોગથી ડીસી-8 એરક્રાફ્ટ અને એરસાર (AIRSAR એરબોર્ન સિન્થેટિક એપર્ચર રડાર) ના પ્રયત્નોથી અંગકોરવાટ વિશે ઘણી માહિતી મળી.

વર્ષ 2007 માં ડેમિયન ઇવાંસ અને જ્યોં બાપ્ટિસ્ટ શેવાંસ નામના પુરાતત્ત્વ વિજ્ઞાનીઓએ અંગકોર પ્રદેશનો એરિયલ સર્વે કર્યો અને તેમાં અમેરિકાની ‘નાસા’ દ્વારા વિકસિત ગ્રાઉન્ડ સેન્સિંગ રડારનો ઉપયોગ કર્યો. રાડારના આ એરિયલ મેપિંગથી અંગકોર વાટ પર વિશેષ પ્રકાશ પડ્યો.

ઇવાન્સ યુનિવર્સિટી ઑફ સિડનીના આર્કિયોલોજી ડિપાર્ટમેંટ સાથે સંલગ્ન હતા. શેવાન્સ એડીએફ (આર્કિયોલોજી એન્ડ ડેવલપમેંટ ફાઉન્ડેશન) સાથે સંલગ્ન છે.

2012માં ઇવાન્સ અને શેવાન્સની જોડીએ નોમ કુલેનના પહાડી પ્રદેશમાં બારસો વર્ષ પૂર્વેનું મહેંદ્રપર્વતનું ‘ખોવાયેલું’ નગર શોધી કાઢ્યું. મહેન્દ્ર પર્વતનું નગર નવમી સદીના આરંભે ખ્મેર શાસનના સ્થાપક રાજા જયવર્મન બીજાએ સ્થાપેલું.

અંગકોર વાટ મંદિરને ઉજાગર કરતી લિડાર ટેકનોલોજી

લિડાર ટેકનોલોજી લેસર કિરણો પર આધારિત અદ્યતન રિમોટ સેન્સિંગ ટેકનોલોજી છે, તે ‘મધુસંચય’ના વાચકો જાણે છે. આપે મધુસંચય પર આ પૂર્વેના લેખો ( ) માં તેના વિશે પૂરી માહિતી મેળવી છે.

લિડાર શબ્દ ‘લાઇટ ડિટેક્શન એન્ડ રેંજિંગ’નું ટૂંકું રૂપ છે.

કંબોડિયામાં અંગકોરના હવાઈ સર્વે માટે એએલએસ’ (એરબોર્ન લેસર સ્કેનિંગ) કેમ્પેઇન મહત્ત્વનો સાબિત થયો.  2012 ના વર્ષમાં જે બી શેવાંસ તથા ડેમિયન ઇવાન્સની જોડીએ – યુરોપિયન રીસર્ચ કાઉન્સિલ (ઇઆરસી) ની માતબર સહાયથી –  આર્કિયોલોજી ક્ષેત્રે એશિયામાં પ્રથમ વખત લિડાર ટેકનોલોજીના ઉપયોગથી અંગકોરના 370 સ્ક્વેર કિલોમીટર વિસ્તારનો  એરિયલ સર્વે કર્યો.

હેલિકોપ્ટર પર લિડાર ઉપકરણો ગોઠવી તેમની લિડાર ટીમે સાત દિવસ સર્વે કર્યો અને પછી મહિનાઓ સુધી તેના પરિણામો ચકાસ્યાં. 2013 માં અંગકોરનાં આશ્ચર્યકારક રહસ્યો પ્રગટ થયાં! આ પ્રથમ લિડાર સર્વેમાં અંગકોર વાટનું મુખ્ય મંદિર, તેનાં મુખ્ય સ્થાપત્યો તથા અંગકોર સામ્રાજ્યનાં શહેરી વિકાસ – અર્બન રૂપરેખાનો પરિચય થયો.

વર્ષ 2015 માં ઇવાંસ – શેવાંસની ટીમે અંગકોરનો ફરી લિડારથી વિસ્તૃત એરિયલ સર્વે કર્યો. તેમણે સર્વેનો વિસ્તાર વધારી 2000 સ્ક્વેર કિલોમીટર સુધી કર્યો. લિડારની મદદથી થયેલો આ વિશ્વનો સૌથી મોટો આર્કિયોલોજીકલ સર્વે હતો. તેમાં પ્રાચીન અંગકોર સામ્રાજ્યનાં મુખ્ય શહેરી ઘટકોને આવરી લેવાયાં.

2015ના લિડાર સર્વેમાં અંગકોર વિશેનાં અગાઉનાં પ્રારંભિક સંશોધનોની પૂરી વિગતો સાથે પુષ્ટિ થઈ શકી.

2012ના ઇવાન્સ – શેવાન્સના સર્વે પછી મહેંદ્ર પર્વતના શહેર વિશે સંકેતો મળ્યા હતા, પરંતુ ખરેખર મહેન્દ્ર પર્વત આશરે 50 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલ વિશાળ શહેર હતું તે બીજા સર્વેમાં જ જાણવા મળ્યું.

અંગકોર સામ્રાજ્યના લિડાર ટેકનોલોજીથી થયેલ 2015ના એરિયલ સર્વેનું મહત્ત્વ એ છે કે અંગકોરની   વિકસિત શહેરી સંસ્કૃતિના પ્રથમ પુરાવા મળ્યા.

અંગકોર સામ્રાજ્યનાં કેટલાંય વણલખ્યાં પાસાં ઉજાગર કરવામાં અન્ય સંસ્થાઓ તથા આર્કિયોલોજીસ્ટ અને સંશોધકોનાં પણ યોગદાન છે. અંગકોર, મહેંદ્ર પર્વત – નોમ કુલેન, કોહ કેર જેવાં ખ્મેર સામ્રાજ્યનાં ક્ષેત્રો દર્શાવે છે કે અંગકોર સામ્રાજ્યને મધ્ય યુગ પછી અને ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેની સૌથી મોટી શહેરી સંસ્કૃતિ કહી શકાય.

ઊંચા સ્તર પર બાંધેલ સડક-રસ્તા અને  મકાનો, જળાશયો અને કેનાલથી સંકલિત જળ-સિચાઈ વ્યવસ્થા, અસંખ્ય મંદિરો અને ઉચ્ચ કલા-કારીગરીથી શોભિત સ્થાપત્યો અંગકોર સિવિલાઇઝેશનનાં મહત્ત્વનાં લક્ષણો છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

અંગકોર વાટ મંદિરને જીર્ણોદ્ધાર પછી મળી વિશ્વપ્રસિદ્ધિ

વિશ્વપ્રસિદ્ધ અંગકોર વાટના મંદિરના જીર્ણોદ્ધાર અર્થે ભારતના અને વિશ્વના પુરાતત્ત્વ વિજ્ઞાનીઓ પ્રયત્નશીલ રહ્યા છે. 1986માં તત્કાલીન કામ્પુચિયા (હાલ કંબોડિયા) એ ભારતના આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇંડિયાના આર્કિયોલોજીસ્ટ્સની મદદથી અંગકોરવાટ મંદિરના રીસ્ટોરેશન કાર્યનો આરંભ કર્યો. ત્યાર બાદ વિશ્વના ઘણા દેશો આ કાર્ય આગળ ધપાવ્યું છે. અંગકોર વાટ સંકુલનો એક ભાગ તા પ્રોહ્મ મંદિર છે, જેને બ્રહ્માજીનું મંદિર માનવામાં આવે છે. તા પ્રોહ્મ મંદિર ફિલ્મ ટુમ્બ રેઇડરની અભિનેત્રી એંજેલિના જોલીના લીધે પ્રસિદ્ધિમાં છે. તેના પુનરોદ્ધારમાં આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇંડિયા ઉપરાંત બહુરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લઈ રહી છે.

1995માં યુનાટેડ નેશન્સના ઉપક્રમે ચાલતી સંસ્થા યુનેસ્કોએ અંગકોર વાટ મંદિરને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું. 2012માં અંગકોર વાટમાં પ્રવાસીઓની સંખ્યા વર્ષના 20 લાખ ઉપર થઈ ગઈ!

આજે સમગ્ર વિશ્વ અંગકોર વાટ મંદિર સંકુલને દુનિયાના સૌથી વિશાળ ધર્મસ્થાન તરીકે ઓળખે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે**

 *** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

અનુપમાલેખ: વિશ્વપ્રસિદ્ધ અંગકોર વાટના મંદિરના ઇતિહાસને પ્રકાશિત કરતી લિડાર ટેકનોલોજી: પરિશિષ્ટ:
  • કંબોડિયા/ કમ્બોડીયા (કમ્પુચીયા / કામ્પુચિયા/ ખ્મેર રિપબ્લિક): Cambodia (Kampuchia / Khmer Republic)
  • નોમ પેન્હ/ નોમ પેંહ/ નોમ પેન (કંબોડિયાની રાજધાની): Phnom Penh, Capital of cambodia
  • ખ્મેર સામ્રાજ્ય/ અંગકોર સામ્રાજ્ય: Khmer Empire / Angkor Empire
  • અંગકોરવાટ / અંગકોર વાટનું મંદિર: Temple of Angkor Wat / Angkorwat Temple
  • નોમ કુલેન: Phnom Kulen
  • મહેન્દ્ર પર્વત / મહેંદ્રપર્વત: Mahendra Parvat / Mahendraparvat
  • ડેમિયન ઇવાંસ/ ડેમિયન ઇવાન્સ: Dr Damian Evans
  • જીન બાપ્ટિસ્ટ શેવાંસ/ જ્યોં શેવાન્સ/ જે બી શિવાંસ: Dr Jean Baptiste Chevans / Jean-Baptiste ‘JB’ Chevance
  • ગ્રેટર અંગકોર પ્રૉજેક્ટ (ગેપ): Greater Angkor Project (GAP)
  • કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી  (કાલ્ટેક), કેલિફોર્નિયા, યુએસએ: California Institute of Technology (Caltech), California, USA
  • આર્કિયોલોજી એન્ડ ડેવલપમેંટ ફાઉન્ડેશન (એડીએફ): Archaeology and Development Foundation (ADF)
  • લાઇટ ડિટેક્શન એન્ડ રેંજિંગ (લિડાર): Light Detection and Ranging (LiDAR)
  • એરબોર્ન સિન્થેટિક એપર્ચર રડાર (એરસાર): Airborne Synthetic Apperture Radar (AirSAR)

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

 

7 thoughts on “વિશ્વપ્રસિદ્ધ અંગકોર વાટના મંદિરના ઇતિહાસને પ્રકાશિત કરતી લિડાર ટેકનોલોજી

Leave a comment