વિજ્ઞાન

જીવલેણ ઇન્ફેક્શન્સમાં રામબાણ ગણાતી એન્ટિબાયોટિક દવાઓનો ઇતિહાસ

માનવજીવનનાં સ્વાસ્થ્ય-આરોગ્યના ‘સંવર્ધન’ અર્થે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ તત્પર છે. નવા રોગો અને નવી તકલીફો સાથે દવાઓની રેંજ વધતી જાય છે અને દવાની કંપનીઓ પણ ‘વધતી’ જાય છે. ફાર્મા માર્કેટના વિકાસ સાથે હેલ્થ-કેર ઇંડસ્ટ્રી તગડો (અહાહા … કેવો તગડો!) થતો જાય છે!!

ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની રેવન્યુ 1200 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી છે. વિશ્વના ફાર્મા માર્કેટમાં જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન, રોશ, ફાઇઝર, નોવાર્ટિસ, જીએસકે જેવી કંપનીઓ જાયંટ ગણાય છે. ભારતના ડ્રગ મેન્યુફેક્ચરર્સ માર્કેટમાં સન ફાર્મા, સિપ્લા, અરબિંદો, લ્યુપિન, ડૉ રેડ્ડીઝ લેબ, ઝાયડસ જેવી કંપનીઓ અગ્રેસર  છે. તેમાં સન ફાર્મા અને ઝાયડસ કંપનીઓ ગુજરાતીઓની છે, તે ગર્વની વાત છે.

વિશ્વના ફાર્માસ્યુટિકલ માર્કેટમાં વિભિન્ન થેરાપ્યુટિક સેગ્મેન્ટ્સમાં ટોચ પર કેન્સર માટેની ઓન્કો મેડિસિન્સ આવે છે. તે બધા સેગ્મેન્ટ્સમાં એન્ટિબાયોટિક દવાઓ એક અગત્યનો સેગ્મેંટ બનાવે છે.

પેનિસિલિન, ટેટ્રાસાયક્લિન, એમ્પિસિલિન, એમોક્સિસિલિનથી લઈને સિપ્રોફ્લોક્સાસિન સુધીની એન્ટિબાયોટિક ડ્રગ્સનાં નામ અજાણ્યાં નથી!

પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક સ્કોટલેંડ (ઇંગ્લેન્ડ) ના ફિઝિશિયન-માઇક્રોબાયોલોજીસ્ટ ડૉક્ટર એલેક્ઝાંડર ફ્લેમિંગ હતા તે વાત સૌ જાણે. પરંતુ વિશ્વનું આ પહેલું એન્ટિબાયોટિક વર્ષ 1928માં  ડૉ ફ્લેમિંગને અનયાસે જ લાધ્યું હતું, તે માની શકાય? આ વાત આજે આપણે જાણીશું.

આવો, ‘અનુપમા’ ના આજના લેખમાં માઇક્રોઓર્ગેનિઝમ્સ (જીવાણુઓ) અને એન્ટિબાયોટિક દવાઓના ઇતિહાસ વિશે જાણકારી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

14 માર્ચ, 1942ના દિવસે અમેરિકામાં સેપ્ટિસેમિયાથી પીડિત એક મહિલા દર્દી પર પેનિસિલિન નામક નવી દવાનો પ્રયોગ કરવામાં આવ્યો. તે મહિલા પેશંટને હાઇ ટેમ્પરેચર રહેતું હતું. પેનિસિલિન અપાયું અને એક દિવસમાં તાવ ગાયબ!

ફાર્માહેલ્થકેર ઉદ્યોગમાં ઉત્તેજના ફેલાવી દેનાર ‘વંડર ડ્રગ પેનિસિલિન વિશ્વની પ્રથમએન્ટિબાયોટિક’ મેડિસિન હતી. પેનિસિલિનની એંટ્રી સાથે ફાર્માસ્યુટિકલ ઇંન્ડસ્ટ્રીમાં નવીન એન્ટિબાયોટિક ગ્રુપનો ઉમેરો થયો. પેનિસિલિન રામબાણ દવા તરીકે સફળ થતાં, તેના પગલે એક પછી એક નવાં એન્ટિબાયોટિક્સ આવતાં ગયાં અને વિશ્વ સ્વાસ્થ્ય-આરોગ્ય ક્ષેત્રે એન્ટિબાયોટિક યુગનો આરંભ થયો.

પેનિસિલિન મૂળભૂત રીતે બેક્ટીરિયા (બેક્ટીરિઆ/ બેક્ટિરિયા/ બેક્ટેરિયા) પ્રકારનાં માઇક્રોઓર્ગેનિઝમ્સ સામે અસરકારક એંટિબાયોટિક ગણાયું. તે પછી તો અન્ય એન્ટિમાઇક્રોબિયલ મેડિસિન્સ પણ શોધાઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

માઇક્રોઓર્ગેનિઝમ્સ

સૃષ્ટિમાં સર્વત્ર જીવાણુઓ વસે છે. માઇક્રોઓર્ગેનિઝમ્સ ‘પ્રોકાર્યોટ’ કે ‘પ્રાક્કેંદ્રક’ કહેવાતા, એક કોષી, અતિ સૂક્ષ્મ જીવાણુઓ છે. આ સૂક્ષ્મ જીવાણુઓ નરી આંખે જોઈ ન શકાય તેવી ‘માઇક્રો’ સાઇઝના હોવાથી તેમને માઇક્રોઓર્ગેનિઝમ્સ કહે છે. બેક્ટીરિયા, વાઇરસ, ફંગસ વગેરે માઇક્રોઓર્ગેનિઝમ્સ છે. માઇક્રોઓર્ગેનિઝમને અંગ્રેજીમાં માઇક્રોબ પણ કહે છે.

એશ્કેરિશિયા કોલાઇ (ઇ કોલાઇ) નામના રોડ શેઇપ્ડ બેક્ટીરિયાછે. તે એટલા સૂક્ષ્મ છે કે માત્ર એક મિલિમીટરમાં 500 બેક્ટીરિયા સમાઇ જાય! ઇ કોલાઇની લંબાઈ એક મિલિમીટરનો પાંચસોમો ભાગ છે.

માઇક્રો સાઇઝના આવા સૂક્ષ્મ ઇ કોલાઇ બેક્ટીરિયામાં તેનાથી 500 ગણી લંબાઈનો અર્થાત એક મિલિમીટર લંબાઈનો ડીએનએ હોય છે, તે કેવી નવાઈની વાત!

પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ

ઘણાં માઇક્રોઓર્ગેનિઝમ્સ (માઇક્રોબ્સ) મનુષ્ય માટે બિનહાનિકારક છે, થોડાં મદદગાર છે, તો કેટલાંક હાનિકારક છે.

જે સૂક્ષ્મ જીવાણુ શરીરમાં રોગ પેદા કરી કરી શકે છે, તેમને પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ કહે છે.

પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ રોગજન્ય (‘ડિસિઝ પ્રોડ્યુસિંગ’)  જીવાણુઓ છે. તેમને પેથોજેનિક માઇક્રોબ્સ પણ કહે છે.

માઇક્રોઓર્ગેનિઝમ્સ વિવિધ પ્રકારના હોય છે, પણ આપણે બેક્ટીરિયા, ફંગસ અને વાઇરસ પ્રકારના માઇક્રોઓર્ગેનિઝમ્સ સાથે વધારે નિસ્બત છે.

માઇક્રોઓર્ગેનિઝમ્સ ક્યાં રહેલાં છે?

પૃથ્વીના ખૂણે ખૂણે, જમીન, હવા, પાણીમાં – સજીવોના શરીરની અંદર પણ – સૂક્ષ્મ જીવાણુઓ પથરાયેલા છે. મનુષ્યનું શરીર 35 ટ્રિલિયનથી 100 ટ્રિલિયન જેટલાં માઇક્રોઓર્ગેનિઝમ ધરાવે છે તેવા જુદા જુદા રિપોર્ટ્સ છે. તે સંખ્યા ભૌગોલિક સ્થાન, આબોહવા, જીવનધોરણ, જાતિ, કદ, વજન  જેવાં પરિબળો સાથે ચલિત થાય છે. મનુષ્યના શરીર પર અને શરીરની અંદર હજારો પ્રકારનાં બેક્ટીરિયા વસે છે. શરીરમાં સૌથી વધુ બેક્ટીરિયા મોટા આંતરડામાં વસે છે. આંતરડાને છેડે કોલોન મોટી સંખ્યામાં માઇક્રોઓર્ગેનિઝમ ધરાવે છે. ચામડી પર તથા નાક, આંખ, મોં અને અન્ય ભાગોમાં જુદા જુદા પ્રકારના બેક્ટીરિયા વસે છે. પગના અંગૂઠાના નખમાં પચાસેક પ્રકારના ફંગસ જીવાણુઓ હોઈ શકે છે.

ખેતીલાયક જમીનમાં એક ગ્રામ માટીમાં 1000 કરોડ જેટલા બેક્ટીરિયા હોઈ શકે છે. દરિયામાં 2,00,000 થી વધુ પ્રકારનાં વાઇરસ હોવાની સંભાવના છે અને તેમાંના મોટા ભાગના વાઇરસને આપણે જાણતા પણ નથી.

સમજાય છે કે જીવાણુઓ વિશેની વાતો કેવી અટપટી છે? હવે પછી આપણો વિષય અઘરો બનતો જાય છે. આપણે મેડિકલ કે માઇક્રોબાયોલોજી સાયન્સની કોમ્પ્લેક્સિટી (જટિલતા) છોડવી પડશે. આપણા વાચકમિત્રો માટે ઉલઝાવતી વૈજ્ઞાનિક પરિભાષા કરતાં શબ્દોની સરળતા મહત્ત્વની છે. દરેક ટોપિકને સામાન્ય વાચકની દ્રષ્ટિએ સરળ શબ્દોમાં, ખપ પૂરતી માહિતીથી, ટૂંકમાં સમજતાં જઈશું, તે નોંધશો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

માઇક્રોઓર્ગેનિઝમ્સથી થતા રોગો

હજારો જાતનાં જીવાણુઓ સજીવમાં અસંખ્ય પ્રકારે રોગયુક્ત સ્થિતિઓ ઊભી કરે છે. આપણે કેટલાંક પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ અને તેમનાથી થતાં કોમન ઇન્ફેક્શન્સ વિશે જાણીએ.

‘ઇ. કોલાઇ’ નામનાં બેક્ટીરિયા શરીરમાં ડાયેરિયા કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન જેવી તકલીફ કરે છે. ‘સાલ્મોનેલ્લા ટાઇફી’ બેક્ટીરિયા ટાઇફોઇડ, જ્યારે ‘વિબ્રિયો કોલેરા’ નામક બેક્ટીરિયા કોલેરા કરે છે. ‘સ્ટ્રેપ્ટોકોકસ’ પ્રકારનાં કેટલાંક બેક્ટીરિયા ન્યુમોનિયા કરી શકે છે. વિવિધ સ્કીન ઇંફેક્શંસ માટે બેક્ટીરિયા કે ફંગસ જવાબદાર હોઈ શકે છે. કેટલાંક વાઇરસ સામાન્ય શરદી – કોમન કોલ્ડ્સ – કરે છે. કેટલાંક વાઇરસ ફ્લ્યુ જેવા તાવ માટે જવાબદાર છે.

એન્ટિમાઇક્રોબિયલ અથવા માઇક્રોબિસાઇડ્સ પ્રૉડક્ટ્સ શું છે?

બેક્ટીરિયા, ફંગસ, વાઇરસ જેવા માઇક્રોબ્સ મનુષ્યદેહમાં રોગ ઉત્પન્ન કરી શકે છે. આવા રોગજન્ય માઇક્રોબ્સ સામે રક્ષણ આપતી દવાને એંટિમાઇક્રોબિયલ પ્રોડક્ટ્સ કહે છે.

એન્ટિમાઇક્રોબિયલ મેડિસિન શરીરમાં રોગજન્ય માઇક્રોબ્સને મારે છે અથવા તેમની વૃદ્ધિ (ગ્રોથ) ને રોકે છે. આવી દવાઓ માઇક્રોબિસાઇડ્સ પણ કહેવાય છે.

એન્ટિમાઇક્રોબિયલ (માઇક્રોબિસિડલ) ના પેટા પ્રકારો એન્ટિબેક્ટેરિયલ (બેક્ટેરિસિડલ), એન્ટિફંગલ (ફંગિસાઇડ), એન્ટિવાઇરલ ઇત્યાદિ છે.

બેક્ટીરિયા (બેક્ટીરિઆ/ બેક્ટિરિયા/ બેક્ટેરિયા) ને મારતી દવાઓ એન્ટિબેક્ટિરિયલ  કે બેક્ટેરિસિડલ કહેવાય છે. ફંગલ ઇંફેક્શનમાં વપરાતી દવાઓ એન્ટિફંગલ કે ફંગિસાઇડ, જ્યારે વાઇરસ-પ્રતિરોધક દવાઓ એન્ટિવાઇરલ દવાઓ કહેવાય છે. પ્રોટોઝોઆ સામે રક્ષણ આપતી દવાઓ એન્ટિપ્રોટોઝોઅલ કહેવાય છે.

દૈનિક વ્યવહારમાં ઘણી એન્ટિબેક્ટેરિયલ પ્રૉડક્ટ્સ ખપમાં આવે છે. એન્ટિબેક્ટિરિયલ પ્રૉડક્ટ્સ બેક્ટીરિયાને મારે છે અથવા તેમના ગ્રોથને રોકે છે. સામાન્ય રીતે એન્ટિબેક્ટેરિયલ સિંથેટિક, કેમિકલ પ્રોડક્ટ્સ છે. આવી પ્રૉડક્ટ્સ દવા, સાબુ કે જંતુનાશક રસાયણ પણ હોઈ શકે (જેમકે એન્ટિસેપ્ટિક, ડિસઇન્ફેક્ટન્ટ).

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

એન્ટિબાયોટિક શું છે?

તદ્દન સાદા શબ્દોમાં, એન્ટિબાયોટિક એટલે બેક્ટીરિયા દ્વારા થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપતી દવાઓ. એન્ટિબાયોટિક એક એન્ટિમાઇક્રોબિયલ દવા છે, જે (ઘણું કરીને) બેક્ટીરિયા દ્વારા થતા રોગોની સારવારમાં વપરાય છે.

પ્રારંભનાં એન્ટિબાયોટિક્સ  માત્ર જીવંત માઇક્રોબ્સમાંથી બનતા.

‘બાયો’ શબ્દનો સંબંધ ‘જીવન’ સાથે છે, સજીવ સાથે છે, લાઇફ સાથે છે. ‘એન્ટિ’ શબ્દ ‘વિરોધ’ કે ‘વિરોધી’ નો સૂચક છે. એન્ટિબાયોટિક એટલે ‘જીવન સામે જીવન’ અથવા ‘લાઇફ વિરુદ્ધ લાઇફ’.

એન્ટિબાયોટિક એક પ્રકારનાં માઇક્રોબથી બને છે અને તે અન્ય કોઈ માઇક્રોબના પ્રતિરોધ માટે વપરાય છે. ઉદાહરણ તરીકે, પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિનને એક પ્રકારની ફૂગ (ફંગસ) માંથી બનાવવામાં આવ્યું અને તેનો ઉપયોગ બેક્ટીરિયાને મારવામાં થયો. તેથી ‘એક માઇક્રોબ (ફંગસ) વિરુદ્ધ બીજો માઇક્રોબ (બેક્ટીરિયા)’ સમજી શકાય તેવી વાત છે.

અલગ અલગ એન્ટિબાયોટિક્સ બેક્ટીરિયાના કોષ (સેલ Cell) ને જુદી જુદી રીતે પ્રભાવિત કરે છે. તે દવાઓ બેક્ટીરિયાના લાઇફ પ્રૉસેસમાં અવરોધ ઊભા કરે છે, તેમની વૃદ્ધિને રોકે છે કે તેમને મારી નાખે છે. તેથી ભિન્ન ભિન્ન બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સના ઉપચારમાં આવશ્યકતા અનુસાર જુદા જુદા એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઇબ થાય છે.

આજે એન્ટિબાયોટિક્સને લેબોરેટરીમાં કે ફાર્મા પ્લાંટમાં ‘ફર્મેંટેશન’ ઉપરાંત સેમી-સિંથેટિક કે સિંથેટિક પદ્ધતિઓથી પણ બનાવવામાં આવે છે.

પેનિસિલિન, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાયસિન, સ્ટ્રેપ્ટોમાયસિન, જેંટામાયસિન, એમ્પિસિલિન, એમોક્સિસિલિન, સિફાલોસ્પોરીન, સિપ્રોફ્લોક્સાસિન આદિ એન્ટિબાયોટિક્સનાં ઉદાહરણ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ

બેક્ટીરિયાની ઓળખ માટે તેમને ખાસ રાસાયણિક વિધિથી ‘સ્ટેઇન’ કરવામાં આવે છે. સ્ટેઇનિંગ પરથી તેમને ‘ગ્રામ પોઝિટિવ’ અને ‘ગ્રામ નેગેટિવ’ બેક્ટીરિયા જેવા પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. સામાન્ય રીતે ગ્રામ પોઝિટિવ બેક્ટીરિયાને ટ્રીટ કરવા સરળ હોય છે, જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટીરિયાને ટ્રીટ કરવા મુશ્કેલ હોય છે.

ગ્રામ પોઝિટિવ બેક્ટીરિયાના ઉદાહરણમાં બેક્ટીરિયાનાં સ્ટેફાયલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ, માયકોબેક્ટેરિયમ, કોરિનબેક્ટેરિયમ જેવાં સ્ટ્રેઇન સમાવિષ્ટ છે. ગ્રામ નેગેટિવ બેક્ટીરિયાના ઉદાહરણમાં નાઇસેરિયા, શિગેલા, એશ્કેરિશિયા, વિબ્રિયો, ટ્રેપોનેમા જેવાં સ્ટ્રેઇન સમાવિષ્ટ છે.

જે એન્ટિબાયોટિક્સ ‘ગ્રામ પોઝિટિવ’ અને ‘ગ્રામ નેગેટિવ’ બંને પ્રકારનાં બેક્ટીરિયાનાં ઘણાં સ્ટ્રેઇનની રેંજને અસર કરે છે, તેવાં એન્ટિબાયોટિક્સને ‘બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ’ કહે છે.

પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક એલેક્ઝાંડર ફ્લેમિંગ

વિશ્વનું પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિન સ્કોટલેંડના ડૉક્ટર એલેક્ઝાંડર ફ્લેમિંગ દ્વારા શોધવામાં આવ્યું.

નવાઈની વાત એ કે પેનિસિલિનની શોધ એક ‘આકસ્મિક’ શોધ હતી. વર્ષ 1928માં સ્કોટલેન્ડ (ઇંગ્લેન્ડ)ના બેક્ટેરિયોલોજીસ્ટ અને ફિઝિશિયન ડૉ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે લંડનમાં પેનિસિલિનની શોધ કરી.

લંડનની સેંટ મેરી હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજીના પ્રયોગ દરમ્યાન એક વાર તેમણે સ્ટેફાયલોકોકસ ઓરિયસ નામનાં બેક્ટીરિયા ધરાવતી એક ‘પેટ્રી ડિશ’ (કલ્ચર પ્લેટ) પોતાની લેબમાં છોડી હતી. થોડા દિવસ પછી તેમણે જોયું કે પેટ્રી ડિશમાં અમુક ભાગમાં બેક્ટીરિયાની વૃદ્ધિ રોકાઈ ગઈ હતી. વિશેષ અવલોકનમાં તેમને જણાયું કે જે ભાગમાં સ્ટેફાયલોકોકસ બેક્ટીરિયાની વૃદ્ધિ રોકાઈ હતી, ત્યાં અનાયાસે કોઈ અજાણી ફૂગ ઊગી હતી.

અભ્યાસ કરતાં ડો ફ્લેમિંગને જણાયું કે અજાણી ફૂગે પેટ્રિ ડિશમાં બેક્ટીરિયાનો ગ્રોથ રોક્યો હતો. સ્ટેફાયલોકોકસ બેક્ટીરિયાની વૃદ્ધિ રોકનાર પેનિસિલિયમ સ્ટ્રેઇનની અજાણી ફંગસ (મોલ્ડ) વાતાવરણમાંથી ટપકી પડી હતી! આમ, એક પ્રકારના જીવાણુ ‘બેક્ટીરિયા’ને મારનાર બીજા પ્રકારના જીવાણુ ‘ફંગસ’ પણ હોઈ શકે તે પ્રથમ વખત આકસ્મિક રીતે શોધાયું!

ડૉ એલેક્ઝાંડર ફ્લેમિંગે તેમનાં પેનિસિલિન વિષયક સંશોધનને ‘ધ બ્રિટીશ જર્નલ ઑફ એક્સ્પેરિમેન્ટલ  પેથોલોજી’માં પ્રસિદ્ધ કર્યાં. પરંતુ તે પછી ડૉ ફ્લેમિંગે તેના પર ન વિશેષ સંશોધન કર્યું; ન તો તેની મેડિસિનલ ઉપયોગિતા સાબિત કરવા પ્રયોગો કર્યા.

રોગોની સારવારમાં પેનિસિલિનનો ક્લિનિકલ ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમ્યાન પ્રચલિત થયો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

પેનિસિલિનની ક્લિનિકલ ઉપયોગિતા સાબિત કરતા ડૉ ફ્લોરી અને ડૉ ચેઇન

પેનિસિલિનને મેડિકલ ક્ષેત્રે દવા તરીકે ક્લિનિકલ ઉપયોગમાં લાવનાર હતા ઇંગ્લેન્ડની વિશ્વપ્રસિદ્ધ ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો ડૉ હોવર્ડ ફ્લોરી અને ડૉ અર્ન્સ્ટ બોરિસ ચેઇન. તેમણે પેનિસિલિન પર સંશોધન આગળ વધાર્યું.

અગાઉનાં સંશોધનોમાં એવું જણાયું હતું કે પેનિસિલિયમ મોલ્ડ (ફંગસ) નો ‘જ્યુસ’ (એક્સ્ટ્રેક્ટ)  બેક્ટીરિયાની વૃદ્ધિ રોકવા માટે જવાબદાર હતો! 1939માં ડૉ ફ્લોરી – ડૉ ચેઇનની ટીમે પેનિસિલિન પર ભગીરથ કાર્ય આદર્યું.

પેનિસિલિન માટે સૌથી મોટી સમસ્યા તેને ક્રુડ કલ્ચરમાંથી પેનિસિલિન એક્સ્ટ્રેક્ટ સ્વરૂપમાં મેળવવાની હતી. ફ્લોરી અને ચેઇનને એક અન્ય ફંગલ એક્સ્પર્ટ નોર્મન હીટલીની મદદ મળી. તેમના પ્રયત્નોથી મોટા પાયે પેનિસિલિન મોલ્ડના ખાસ સ્ટ્રેઇનને ગ્રો કરવામાં આવ્યું અને પછી તેના લિક્વિડ એક્સ્ટ્રેક્ટમાંથી પેનિસિલિન પ્રાપ્ત કરવામાં આવ્યું. તેનાથી સ્ટ્રેપ્ટોકોકસ ઇંફેક્શન પામેલા ઉંદરોનો સફળ ઇલાજ કરવામાં આવ્યો. પેનિસિલિન દવા તરીકે વિવિધ બેક્ટીરિયાના રોગો સામે ઉપયોગી છે તે સાબિત થયું.

1940માં વિખ્યાત બ્રિટીશ જર્નલ ‘લેન્સેટ’માં ફ્લોરી-ચેઇનનાં પેનિસિલિનથી થયેલ ઈલાજનાં ક્લિનિકલ પરિણામો પ્રસિદ્ધ થયાં.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

પ્રથમ એંટિબાયોટિક તરીકે પેનિસિલિનની સફળતા

1941નું વર્ષ. તે સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. ઑક્સફોર્ડના એક પોલિસમેનને શરીરમાં એબ્સેસ ઇંફેક્શન હતું. પેનિસિલિનનો પ્રથમ નોંધપાત્ર પ્રયોગ તે પોલિસ મેન પર થયો. 24 કલાકમાં ખૂબ સુધારો જણાયો. નવીન દવાની સારવાર ચાલુ રખાઈ. પણ પેનિસિલિયમ મોલ્ડ (ફૂગ)ના જે સ્ટ્રેઇનમાંથી મેડિસિનલ પેનિસિલિન એક્સ્ટ્રેક્ટ થતું હતું, તે સ્ટ્રેઇન સરળતાથી જથ્થામાં ગ્રો થઈ શકતું ન હતું. વધારે દવા ન મળતાં તે દર્દીનું અવસાન થયું.

બીજા વિશ્વયુદ્ધના લીધે ઔદ્યોગિક નિયંત્રણોના કારણે ઇંગ્લેંડમાં પેનિસિલિનનું મોટા પાયે ઉત્પાદન શક્ય ન હતું. જુન 1941માં હોવર્ડ ફ્લોરી અને નોર્મન હીટલિ અમેરિકા પહોંચ્યા. ફ્લોરી-હિટલિએ અમેરિકન સંશોધકોની સહાયથી પેનિસિલિનનો વધારે સારો એક્સ્ટ્રેક્ટ મેળવવાની પદ્ધતિઓનો વિકાસ કર્યો.

ફરી એક વાર પેનિસિલિનના વિકાસમાં સંયોગોએ મદદ કરી. આ વખતે બીજું વિશ્વયુદ્ધ અને અમેરિકન સરકાર નિમિત્ત બન્યાં! ડિસેમ્બર 1941માં જાપાન દ્વારા અમેરિકાના નૌકા મથક પર્લ હાર્બર પર હુમલો થયો અને અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં ઝુકાવ્યું. એકાદ વર્ષમાં તો ઘાયલ સૈનિકોનાં જખમો અને ઇંફેક્શન્સની સારવાર માટે પેનિસિલિનની માગ વધતી ગઈ.

1942ની 14 માર્ચના રોજ સેપ્ટિસેમિયાથી પીડિત અમેરિકાનાં મહિલા એન મિલર પર પેનિસિલિનનો સફળ પ્રયોગ થયો.

પેનિસિલિનની સફળ સારવાર લેનાર એન મિલર સર્વ પ્રથમ અમેરિકન નાગરિક હતાં. માઇક્રોબ્સથી થતા ચેપને નાથવાની પ્રથમ એન્ટિબાયોટિકની સફળતાને દુનિયાભરમાં બિરદાવાઈ.

આ બધી ઘટનાઓ સાથે પેનિસિલિન દ્વારા એન્ટિબાયોટિક યુગનો આરંભ થયો.

પેનિસિલિન અને નોબેલ પ્રાઇઝ

વહેતી વાત એવી છે કે અમેરિકન મહિલા નાગરિકને પેનિસિલિનથી જે સારવાર અપાઈ, તેમાં જ અમેરિકામાં પેનિસિલિનનો જથ્થો હતો તેમાંથી અર્ધો જથ્થો વપરાઈ ગયો! મોલ્ડ (ફંગસ) માંથી પેનિસિલિનને  એક્સ્ટ્રેક્ટ કરવી એટલી મુશ્કેલ હતી કે 1942ના અંતમાં માંડ એક સો દર્દીઓને ટ્રીટ કરવા જેટલું જ પેનિસિલિન અમેરિકામાં ઉપલબ્ધ હતું!

માઇક્રોઓર્ગેનિઝમ્સ પર મળેલ વિજય દુનિયાના મેડિકલ સાયન્સના ઇતિહાસની મોટી ઘટના હતી. વિશ્વના સર્વ પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિનની શોધનો શ્રેય ડૉ એલેક્ઝાંડર ફ્લેમિંગ સાથે ડૉ હોવર્ડ ફ્લોરી અને ડૉ અર્ન્સ્ટ બોરિસ ચેઇનને મળ્યો. બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલોની સારવારમાં તેનું યોગદાન એટલું મહત્ત્વપૂર્ણ રહ્યું કે 1945માં પેનિસિલિનની ‘ટ્રેન્ડ-સેટિંગ’ શોધ માટે ડૉ એલેક્ઝાંડર ફ્લેમિંગ, ડૉ ફ્લોરી અને ડૉ ચેઇનને ફિઝિયોલોજીનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું

 પેનિસિલિનના એક્સ્ટ્રેક્શનમાં નોર્મન હીટલીનું ગણનાપાત્ર યોગદાન હતું, છતાં તેમને નોબેલ પ્રાઇઝ માટે નજર અંદાઝ કરવામાં આવ્યા. ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ મોડે મોડે તે વાતની નોંધ લીધી.

ઠેઠ 1990માં ઑક્સફોર્ડના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના બની. યુનિવર્સિટીએ નોર્મન હીટલીને ડૉક્ટરેટ ઑફ મેડિસિનની માનદ પદવી આપી.

ઑક્સફોર્ડ યુનિવર્સિટીના આઠસો વર્ષના ઇતિહાસમાં મેડિસિનમાં ઓનરરી ડૉક્ટરેટ પદવી મેળવનાર નોર્મન હીટલી પ્રથમ નોન-મેડિકલ સંશોધક બન્યા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

પેનિસિલિનથી આરંભાતો એન્ટિબાયોટિક યુગ

1942માં અમેરિકન મહિલા દર્દી એન મિલરને અપાયેલ પેનિસિલિન અમેરિકાની મર્ક એન્ડ કંપની દ્વારા સપ્લાય થયું હતું. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) માં ડી ડે (D Day) સમયે એલાઇડ ફોર્સિસને ફાઇઝર કંપનીએ પેનિસિલિન સપ્લાય કર્યું હતું.

પેનિસિલિનના પગલે 1950ના અરસામાં ટેટ્રાસાયક્લિન ગ્રુપનાં એન્ટિબાયોટિક્સ માર્કેટમાં આવ્યાં. ભિન્ન ભિન્ન એન્ટિબાયોટિક દવાઓ જુદાં જુદાં પ્રકારનાં માઇક્રોઓર્ગેનિઝમ્સ સામે પ્રયોજાવા લાગી. લેડરલિ-સાયનામાઇડનાં ક્લોરટેટ્રાસાયક્લિન નવા એંટિબાયોટિક તરીકે આવકાર પામી. ફાઇઝરની   ઓક્સિટેટ્રાસાયક્લિનની બ્રાંડ ટેરામાયસિન સુપર હીટ બની. પાર્ક-ડેવિસ કંપનીએ માર્કેટ કરેલ ક્લોરમ્ફેનિકોલ બજારમાં ક્લોરોમાયસેટિન તરીકે વિશ્વવિખ્યાત બ્રાંડ બની. 1967માં આવેલ એન્ટિબાયોટિક ‘જેન્ટામાયસિન’થી માર્કેટમાં હલચલ મચી. 1970-80 પછી તો ઘણાં એન્ટિબાયોટિક્સ આવવાથી આજે બહુ મોટી રેજમાં એન્ટિબાયોટિક્સ મળતાં થયાં છે.

એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ

દૈનિક જીવનનાં અનેક જીવાણુજન્ય ચેપી રોગોને નાથવામાં એન્ટિબાયોટિક દવાઓ રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ પ્રકારની દવાઓ નિશ્ચિત ડોઝમાં, નિર્ધારિત પદ્ધતિથી, પર્યાપ્ત સમયગાળા માટે, માત્ર મેડિકલ પ્રેક્ટિશનરનાં સલાહ-સૂચનો અનુસાર જ લેવી જોઈએ. દુ:ખની વાત એ છે કે થોડાં વર્ષોથી દવાઓનો ઉપયોગ અયોગ્ય રીતે થવા લાગ્યો છે. તેથી તેમની અસર ઘટતી જણાય છે.

કેટલાંક માઇક્રોઓર્ગેનિઝમ્સ ચાલાકીથી એન્ટિબાયોટિક્સથી બચવાના રસ્તા શોધવા લાગ્યાં છે. દુનિયામાં ઠેર ઠેર આવા ‘સુપર બગ’ દેખાવા લાગ્યા છે. પોતાના બંધારણમાં ફેરફાર કરીને (જેનેટિક ફેરફાર) કે એન્ટિબાયોટિક દવાને જ કોઈ રીતે બિન અસરકારક કરીને સુપર બગ્સ કે રેસિસ્ટન્ટ માઇક્રોઓર્ગેનિઝમ્સ તે દવાઓનો પ્રતિરોધ કરવા લાગ્યા છે. આને આપણે એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ કહીએ છીએ.

એન્ટિબાયોટિક્સ સામે ઊભો થતો રેસિસ્ટન્સ વર્તમાન હેલ્થ કેર ઇંડસ્ટ્રી સામે ચેલેંજરૂપ છે. એન્ટિબાયોટિક રેસિસ્ટન્સને કારણે  એન્ટિબાયોટિક દવાઓની અસરકારકતા ઘટતી જાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** **

અનુપમા લેખ: જીવલેણ ઇન્ફેક્શન્સમાં રામબાણ ગણાતી એન્ટિબાયોટિક દવાઓનો ઇતિહાસ

 • માઇક્રોઓર્ગેનિઝમ / માઇક્રોબ: Microorganism / microbe
 • માઇક્રોબાયોલોજી: Microbiology
 • રોગજન્ય જીવાણુઓ/ પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ: Pathogenic microorganisms
 • ડૉક્ટર એલેક્ઝાંડર ફ્લેમિંગ: Dr Alexander Fleming (1881-1955)
 • પેનિસિલિન: Penicillin
 • એન્ટિબાયોટિક: Antibiotic
 • એન્ટિપ્રોટોઝોઅલ: Antiprotozoal
 • એન્ટિવાઇરલ: Antiviral
 • એન્ટિફંગલ (ફંગિસાઇડ): Antifungal (fungicide)
 • એન્ટિમાઇક્રોબિયલ (માઇક્રોબિસિડલ): Antimicrobial (microbicidal)
 • એન્ટિબેક્ટેરિયલ (એન્ટિબેક્ટિરિયલ / બેક્ટિરિસિડલ): Antibacterial (bactericidal)
 • એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ: Antibiotic resistance
 • ડૉ હોવર્ડ ફ્લોરી: Dr Howard Florey (1898-1968)
 • ડૉ અર્ન્સ્ટ બોરિસ ચેઇન: Dr Ernst Boris Chain (1906-1979)
 • નોર્મન હીટલી: Dr Norman Heatley (1911-2004)
 • ઑક્સફર્ડ યુનિવર્સિટી: Oxford University, UK
 • એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ: Antibiotic resistance
 • ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી: Pharmaceutical Industry
 • થેરાપ્યુટિક સેગ્મેન્ટ્સ: Therapeutic segments

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

 

One thought on “જીવલેણ ઇન્ફેક્શન્સમાં રામબાણ ગણાતી એન્ટિબાયોટિક દવાઓનો ઇતિહાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s