ભારત 1947ના 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર થયું. ભારતને આઝાદી આપી અંગ્રેજોએ દેશ છોડ્યો અને બ્રિટીશ હકૂમતનો અંત આવ્યો.
ઘણાને એવી ગેરસમજ થાય છે કે સમગ્ર ભારત દેશ તે દિવસે આઝાદ થઈ ગયો! ના, અખંડ ભારત તો તે પછી વર્ષો પછી બન્યું! કેમ? કારણ કે તે સમયે આપણા કેટલાક પ્રદેશોના દેશવાસીઓ હજી અન્ય હકૂમત નીચે હતાં!
દીવ, દમણ અને ગોવા પર પોર્ટુગલની હકૂમત હતી. પોંડીચેરી (પુડુચેરી) અને ફ્રેંચ ઇંડિયાના કેટલાક ક્ષેત્રો પર ફ્રાંસની હકૂમત હતી. હૈદ્રાબાદનું રાજ્ય હેદ્રાબાદના નવાબ નિઝામને કબજે હતું. જૂનાગઢ પર ત્યાંના નવાબનું રાજ્ય હતું. અન્ય કેટલાયે નાનાં મોટાં રજવાડાંઓ તેમના રાજાઓના તાબે હતાં. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની મુત્સદ્દીગીરી ભરી મંત્રણાઓ અને વ્યુહરચનાઓને પરિણામે મોટાં ભાગનાં રજવાડાં ભારતમાં જોડાઈ ગયાં.
પોંડીચેરી પર ફ્રાંસની હકૂમત 1954 સુધી રહી, તો દીવ-દમણ-ગોવા પર પોર્ટુગલનું શાસન 1961 સુધી રહ્યું.
આપણે દીવ, દમણ અને ગોવા પરના પોર્ટુગીઝ શાસનની ટૂંકમાં વાત કરીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
હિંદુસ્તાનમાં પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ
પંદરમી સદીમાં ભારતમાં સૌ પ્રથમ આવનાર યુરોપિયન લોકો પોર્ટુગલના હતા.
1453માં કોન્સ્ટેન્ટિનોપલ (હાલ ટર્કીમાં સ્થિત ઇસ્તંબુલ શહેર) નું પતન થયું.
કોન્સ્ટેન્ટિનોપલ (ઇસ્તંબુલ) તુર્ક મુસ્લીમો (ઓટ્ટોમાન સામ્રાજ્ય) ના હાથમાં ગયું. યુરોપ અને એશિયા વચ્ચે જમીન માર્ગે ચાલતો વ્યાપાર વ્યવહાર અટકી પડ્યો. યુરોપના સાહસિકો હિંદુસ્તાન પહોંચવા નવો સીધો દરિયા માર્ગ શોધવા નીકળી પડ્યા.
વાસ્કો દ ગામા સમુદ્રમાર્ગે હિંદુસ્તાન આવનાર પ્રથમ યુરોપિયન
પોર્ટુગલનો વાસ્કો દ ગામા લિસ્બન (પોર્ટુગલ) થી નીકળી દરિયા માર્ગે આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપને આંટો મારી હિંદુસ્તાન પહોંચનાર પ્રથમ યુરોપિયન બન્યો. વાસ્કો દ ગામાએ 1498માં હિંદુસ્તાનના કાલિકટ બંદરે ઉતરાણ કર્યું અને ભારતમાં પોર્ટુગીઝ વ્યાપાર અને સત્તાનાં પગરણ મંડાયાં.
હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ શાસનનો ઉદય
1505માં ભારતમાં પોર્ટુગલનો પ્રથમ વાઇસરોય ફ્રાંસિસ્કો અલ્મીડા (ફ્રાન્સિસ્કો અલ્માઇડા) નીમાયો.
ફ્રાન્સિસ્કો આલ્મીડા પોર્ટુગીઝ ઉમરાવ હતો. તેને હિંદુસ્તાનમાં પોર્ટુગાલ શાસનના પાયા નાખવાની જવાબદારી આપવામાં આવી. તે માટે તેને દક્ષિણ હિંદુસ્તાનના પશ્ચિમ કિનારે ચાર કિલ્લા બાંધવાની કામગીરી અપાઈ: ક્વિલોન (કોલમ), કોચીન (કોચી), કેન્નેનોર (કન્નુર) અને અંજીદિવા (દક્ષિણ ગોવા). તેણે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી.
ફ્રાન્સિસ્કો અલ્માઇડાએ દક્ષિણ ગોવા, કેન્નેનોર, કોચીન અને ક્વિલોનમાં કિલ્લેબંધી કરી તેણે કોચીનમાં પોતાનું મુખ્ય મથક બનાવ્યું. આમ સોળમી સદીના પહેલા દશકામાં હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ સ્ટેટ ઓફ ઇંડિયા કે પોર્ટુગીઝ ઇન્ડિયાની સ્થાપના થઈ.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ફ્રાંસિસ્કો અલ્મીડાએ દક્ષિણ ભારતમાં ક્વિલોન-કોચીનથી લઈ મુંબઈ અને ત્યાંથી પશ્ચિમ ભારતના દીવ બંદર સુધી તટીય વિસ્તારોમાં પોર્ટુગીઝ સત્તાનો પ્રભાવ ફેલાવવા પ્રયત્ન કર્યો.
ફ્રાન્સિસ્કો આલ્મીડાએ 1509માં ગુજરાતના પશ્ચિમ કિનારાના મહત્ત્વનાં બંદર દીવ પર હુમલો કર્યો. અરબી સમુદ્રના દરિયામાં દીવ ખાતે ભીષણ નૌકાયુદ્ધ ખેલાયું. આ વિશ્વપ્રસિદ્ધ બેટલ ઓફ દીવમાં ગુજરાતનો સુલતાન હાર્યો.
વાઇસરોય ફ્રાંસિસ્કો અલ્માઇડા વિજયી થતાં દીવ પોર્ટુગીઝ પ્રભાવમાં આવ્યું.
સોળમી સદીમાં હિંદુસ્તાનના પશ્ચિમ તટ પર પોર્ટુગીઝ ઇન્ડિયાનું પ્રભુત્વ અબાધિત રહ્યું. અધિકૃત રીતે દમણ, દીવ આદિ પ્રદેશો પોર્ટુગીઝ ઇંડિયાના ભાગ બનતા ગયા. પોર્ટુગીઝ એડમિરલ આફોન્ઝો આલ્બુકર્ક અને અન્ય પોર્ટુગીઝ અધિકારીઓએ તેમાં ફાળો આપ્યો. ગોવામાં શાસન મજબૂત કરનાર આફોન્ઝો આલ્બુકર્ક પછી ડ્યૂક ઓફ ગોવા તરીકે ઓળખાયો. પાછળથી ગોવા પોર્ટુગીઝ ઇન્ડિયાનું જ નહીં, એશિયાના પોર્ટુગાલ શાસનનું કેંદ્ર બન્યું. 1540 સુધીમાં ગોવા ઉપરાંત દમણ, દીવ, મુંબઈના પ્રદેશો સાલસેટ – માહીમ – વસાઈ આદિ પોર્ટુગીઝ સ્ટેટ ઑફ ઇન્ડિયાના હિસ્સા બન્યા.
આમ, ભારતમાં વ્યાપાર સાથે સત્તા સંભાળનારા પ્રથમ યુરોપિયન લોકો પોર્ટુગીઝ હતા.
1661માં પોર્ટુગીઝ રાજકુમારી કેથેરાઇનના લગ્ન ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ બીજા સાથે થયા ત્યારે પોર્ટુગલના રાજાએ પહેરામણીમાં મુંબઈના ટાપુઓ ઇંગ્લેંડને સોંપ્યા. આમ, મુંબઈ ઇંગ્લેન્ડના હાથમાં આવ્યું.
સત્તરમી સદીમાં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની થકી અંગ્રેજો હિંદુસ્તાનમાં વ્યાપાર સાથે સત્તા જમાવવા લાગ્યા, ત્યારે બીજા યુરોપિયન દેશો સાથે પોર્ટુગલનો પ્રભાવ પણ દેશમાં ઘટવા લાગ્યો.
ઓગણીસમી સદીમાં તો પોર્ટુગીઝ ઇન્ડિયા સંકોચાઈ ગયું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
1947માં ભારતની સ્વતંત્રતા સમયે પોર્ટુગીઝ ઇન્ડિયા
અંગ્રેજોની ધુરા ફગાવી ભારત 1947 માં સ્વતંત્ર બન્યું, ત્યારે પોર્ટુગલ પાસે ગોવા, દીવ તથા દાદરા-નગરહવેલી સહિત દમણ – આટલા મુખ્ય પ્રદેશો હતા.
સ્વતંત્ર ભારતની સરકારે તે પ્રદેશો દેશમાં ભેળવી દેવા પોર્ટુગાલ શાસનને અપીલ કરી. તે સમયે પોર્ટુગલમાં બહુચર્ચિત વડાપ્રધાન એન્ટોનિયો સાલાઝારનું શાસન હતું. સાલાઝારે ભારત સરકારની અપીલ ઠુકરાવી પોર્ટુગીઝ ઇન્ડિયાના પ્રદેશો છોડવા ઇંકાર કર્યો.
તે પછી વર્ષો સુધી મંત્રણાઓ ચાલતી રહી. સાલાઝાર શાસન મચક આપતું ન હતું. 1954માં નાટ્યાત્મક રીતે પ્રજાકીય જાગૃતિમાં દાદરા-નગર હવેલી ભારત સાથે જોડાયા. ફરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા યુનો લેવલ પર પણ દીવ-દમણ-ગોવાને ભારતમાં જોડવા પ્રયત્નો થતા રહ્યા, પણ પોર્ટુગલ ભારત છોડવા તૈયાર ન હતું.
1961ના ડિસેમ્બર મહિનામાં ભારત સરકારે આકરાં પગલાં લેવા ચેતવણી આપી ત્યારે પોર્ટુગલે પોતાના પ્રદેશોમાંથી પોર્ટુગીઝ સહિતનાં યુરોપિયનોને ખસેડવા શરૂ કર્યા. તે સમયે સાલાઝાર સરકારે પોતાનાં દીવ-દમણ-ગોવાના પોતાનાં સશસ્ત્ર દળોને ભારત સામે લડીને જીતવા અથવા બલિદાન આપી દેવા સૂચના આપી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
દીવ-દમણ-ગોવામાંથી ‘ઓપરેશન વિજય’ દ્વારા પોર્ટુગલ શાસનનો અંત
ભારતની ધરતી પરથી પોર્ટુગીઝને ખદેડવા સરકારે ‘ઓપરેશન વિજય’ નામક મિલિટરી ઓપરેશન હાથ ધર્યું.
11 ડિસેમ્બર 1961ના રોજ ભારતનાં સશસ્ત્ર દળો ગોવા તરફ વધવા લાગ્યાં.
18 ડિસેમ્બરની વહેલી સવારે ભારતીય સેનાની ત્રણે પાંખના દળોએ ગોવા ઉપરાંત દીવ અને દમણ પર હુમલા શરૂ કર્યા.
‘યુદ્ધ’ બે દિવસ માંડ ચાલ્યું! 19 ડિસેમ્બરની રાત્રે પોર્ટુગીઝ ઇંડિયાના ગવર્નર જનરલે શરણાગતિ સ્વીકારી લીધી. બે દિવસના યુદ્ધમાં વીસ ભારતીયો અને ત્રીસેક પોર્ટુગીઝોએ જાન ગુમાવ્યા.
દીવ, દમણ અને ગોવા પર ભારતનો કબજો થયો, પરંતુ પોર્ટુગલ રાજ્યકર્તાઓને તે મંજૂર ન હતું.
તેમણે જાત જાતના દાવપેચ ખેલી દીવ-દમણ-ગોવાના લોકોને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા ખૂબ પ્રયત્નો કર્યા. પણ તે બધા ખેલ નિષ્ફળ ગયા. વર્ષો સુધી પોર્ટુગલ સરકારે દીવ-દમણ-ગોવા પર ભારતનું ‘આધિપત્ય’ માન્ય ન કર્યું. ઠેઠ 1974માં ભારત અને પોર્ટુગલ વચ્ચે અધિકૃત કરાર થયો અને પોર્ટુગલ સરકારે ભારતનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું.
આપણે દીવ, દમણ અને ગોવામાં જઈ આનંદ લૂટીએ છીએ, પણ તે સ્થળો કેવી કેવી ઘટનાઓના સાક્ષી છે તે અંગે ગંભીરતાથી વિચારીએ છીએ ખરા?
દીવ-દમણ-ગોવાની કહાણી આપે જાણી: હવે વિચારજો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
3 thoughts on “સ્વતંત્ર ભારતના દીવ-દમણ-ગોવામાં પોર્ટુગલ શાસનનો ‘નાટ્યાત્મક’ અંત”