વિસરાતી વાતો · સમાચાર

મુંબઈની ગિલ્બર્ટ હિલ: વિશ્વનો એક પ્રાચીનતમ ખડક ભારતમાં

મુંબઈમાં વિશ્વના સૌથી પ્રાચીન ખડકોમાંથી એક ખડક ગિલ્બર્ટ હિલ છે.

મુંબઈના અંધેરીમાં ગિલ્બર્ટ હિલ આશરે સાડા છ કરોડ વર્ષ પહેલાં રચાઈ હોવાની ધારણા છે. ગિલ્બર્ટ હિલ વિશિષ્ટ પ્રકારનો પ્રાચીન કોલમર જોઇન્ટિંગ પ્રકારનો રૉક કે ખડક છે. ભારતમાં આ પ્રકારનો અન્ય કોઈ ખડક આટલો પુરાણો નથી.

આવા પ્રાચીન કોલમર જોઇન્ટિંગ ધરાવતા જાણીતા ત્રણ રૉક પર આપણે નજર નાખીએ: એક ભારતમાં એક માત્ર ગિલ્બર્ટ હિલ, અન્ય બે અમેરિકામાં ડેવિલ્સ પોસ્ટપાઇલ (કેલિફોર્નિયા) અને ડેવિલ્સ ટાવર (વાયોમિંગ).

ભારતની આર્થિક રાજધાની મુંબઈના સબર્બ પશ્ચિમ અંધેરીમાં ગિલ્બર્ટ હિલ આવેલ છે. તે અંધેરી સ્ટેશનથી માત્ર દોઢ બે કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત છે. ગિલ્બર્ટ હિલ ટેકરી નથી; તે આશરે 61 મીટર ઊંચો એક વિશાળકાય ખડક-સ્તંભ  છે. એક જ ખડકના સળંગ એક જ પથ્થરનો બનેલો હોવાથી તેને મોનોલીથ કોલમ કહી શકાય.

ગિલ્બર્ટ હિલ વિશ્વના પ્રાચીનતમ ખડકો પૈકી એક  છે. લાખો વર્ષો પહેલાં જ્વાળામુખીના લાવા ઠરવાથી બનેલ ગિલ્બર્ટ હિલ એક બાસાલ્ટ ખડક છે. ગિલ્બર્ટ હિલની ઉંમર આશરે 65 મિલિયન વર્ષની મનાય છે. યુગ-યુગથી કાળની થપેટો ઝીલી રહી તે અડીખમ ઊબી રહી શકી છે તે આશ્ચર્યની વાત છે.

જીયોલોજી – ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ ભારતમાં  બેજોડ એવી ગિલ્બર્ટ હિલની ગણના દુનિયાના સૌથી જૂના ખડકોમાં થાય છે.  મુંબઈની આ કહેવાતી ટેકરી (હિલ) હકીકતમાં આશરે બસો ફૂટ ઊંચો બાસાલ્ટિક ખડક છે, એક મોનોલીથ સ્તંભ છે. કાળની થપેટોને ઝીલતી રહેલી ગિલ્બર્ટ હિલની ટોચે ગાંવદેવી – દુર્ગા માતાના મંદિર પ્રખ્યાત છે.

આવો, ‘અનુપમા’ પર આજે ગિલ્બર્ટ હિલ સંબંધી વિસ્મયકારી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

પૃથ્વીનો જન્મ અને ઇતિહાસ

આપણા બ્રહ્માંડ (યુનિવર્સ) ની ઉંમર 13.8 બિલિયન વર્ષ તથા આપણા સૂર્યની ઉંમર 4.6 બિલિયન વર્ષ ગણાય છે.

મિલિયન, બિલિયન તથા ટ્રિલિયન વિશે  જાણવા અહી ક્લિક કરો

બ્રહ્માંડ (યુનિવર્સ) નું સર્જન આશરે 13.5 થી 13.8 બિલિયન વર્ષો પહેલાં થયું. ‘અનુપમા’ના વાચકો જાણે છે કે આપણા સૂર્ય તથા તેના સૂર્યમંડળની ઉત્પત્તિ આશરે 4.5 થી 4.6 બિલિયન વર્ષો પહેલાં થઈ. જો કે આ ગણતરી બાબત નગણ્ય  મતભેદો રહે છે.

સૂર્યમંડળ (સોલર સિસ્ટમ) સાથે પૃથ્વી લગભગ 455 કરોડ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી. ત્રણસો એંશી કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર કોષ ધરાવતા જીવનનો ઉદભવ થયો.

આધુનિક માનવ (હોમો સેપિયંસ) ના મૂળ જ્યાંથી નીકળે છે તેવા હોમો હેબિલિસ વીસ લાખ વર્ષોથી પહેલાં અને હોમો ઇરેક્ટસ અઢારેક લાખ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા. હોમો સેપિયન્સ ત્રણેક લાખ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યા અને હોમો સેપિયન્સમાં આધુનિક આચાર ધરાવતા અર્વાચીન માનવી 30,000 થી 50,000 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યા હોવાનું મનાય છે.

પૃથ્વી પર માનવ અવતર્યો તે પહેલાં ગિલ્બર્ટ હિલની રચના થઈ!

હવે આપ વિચારો: મુંબઈના અંધેરીમાં સ્થિત ગિલ્બર્ટ હિલના બાસાલ્ટ રૉકની ઉંમર 650 લાખ વર્ષથી વધુ છે! સૃષ્ટિ પર સર્જન અને વિસર્જનની કેટકેટલી ઘટનાઓ આ ખડકે જોઈ હશે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

જ્વાળામુખીના લાવામાંથી ખડક: વોલ્કેનોમાંથી રૉક

પૃથ્વીના ત્રણ પડો છે: બાહ્ય સ્તર ક્રસ્ટ, મધ્યસ્તર મેંટલ અને અંદરના કેંદ્રભાગે કોર.

કોરમાં અતિ ઊંચું તાપમાન છે. ત્યાં અતિ ભારે ગરમીમાં લોહ (આયર્ન) અને નિકલ ભારે જથ્થામાં પીગળેલી અવસ્થામાં ધગધગે છે. બાહ્યસ્તર ક્રસ્ટ અને મધ્ય સ્તર મેંટલની બહુધા ઘન – સોલિડ અવસ્થાનાં પડોથી બનેલ છે. ક્રસ્ટ અને મેંટલ વચ્ચે તાપમાન એવું ઊંચે હોય છે કે તે ત્યાંના ખડકોને પીગળાવી શકે છે. પૃથ્વીના ભૂગર્ભમાં રહેલા પીગળેલા અને અર્ધ પીગળેલા ખડકો ઊકળતા મેગ્માનું સર્જન કરે છે.

સાદા શબ્દોમાં પૃથ્વીના ક્રસ્ટની નીચે પીગળેલા ખડકોને મેગ્મા કહે છે.

આ મેગ્મા જ્યારે જ્વાળામુખીના વિસ્ફોટ સાથે કે અન્ય રીતે પૃથ્વીની સપાટી પર આવે છે, તો તેને લાવા કહે છે.

‘અનુપમા’ના વાચકો જાણે છે કે પૃથ્વીના બાહ્ય ભૂસ્તર (ક્રસ્ટ) ની નીચે પીગળેલા ખડકો અને અન્ય પદાર્થોથી ધગધગતા મેગ્માનું સર્જન થાય છે. ક્યારેક આ મેગ્મા પૃથ્વીના ક્રસ્ટને વીંધીને લાવાના રૂપે બહાર આવે છે. જ્વાળામુખીનો વિસ્ફોટ થતાં તેમાંથી બહાર ફેંકાતા પીગળેલા ખડકોના રસ (મેગ્મા) ને લાવા કહે છે.

પૃથ્વીની સપાટી પર આવેલો લાવા જ્યારે ઠંડો પડે છે ત્યારે તેમાં ક્રિસ્ટલ બને છે. ઠરેલા લાવામાંથી ખડકોનું સર્જન થાય છે.

પૃથ્વી પર ફેંકાયેલો મેગ્મા એટલે કે લાવા જલદી ઠંડો પડી જાય તો તેમાંથી સામાન્ય રીતે બાસાલ્ટ રૉકનું સર્જન થાય છે. જો મેગ્મા પૃથ્વીના પડની નીચે ભરાઈ જાય અને લાંબા ગાળે ઠંડો પડે તો તેમાંથી ગ્રેનાઇટ ખડકો બને છે.

મુંબઈના પશ્ચિમ અંધેરી વિસ્તારમાં આવેલ ગિલ્બર્ટ હિલ અતિ પ્રાચીન છે. સૃષ્ટિ પર માનવજાતનો ઉદભવ થયો તેની પણ પહેલાં ગિલ્બર્ટ હિલની રચના થઈ. ગિલ્બર્ટ એક વિશાળ બાસાલ્ટ ખડક છે. વિશ્વના પ્રાચીનતમ કોલમર જોઇન્ટિંગ પ્રકારના ખડકોમાં એક એવો ગિલ્બર્ટ હિલનો આ બ્લેક બાસાલ્ટ રોક સાડા છ કરોડ વર્ષ પૂર્વે બન્યો હોવાનું મનાય છે.

અહીં આપણને અમેરિકાના બે વિશ્વવિખ્યાત ખડકો – ‘ડેવિલ્સ ટાવર’ અને ‘ડેવિલ્સ પોસ્ટપાઇલ’ – યાદ આવે.

અમેરિકાના પ્રાચીન ખડકો: ડેવિલ્સ ટાવર તથા ડેવિલ્સ પોસ્ટપાઇલ

આ બંને રોક – ‘ડેવિલ્સ ટાવર’ અને ‘ડેવિલ્સ પોસ્ટપાઇલ’ – ને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના નેશનલ મોન્યુમેન્ટનો દરજ્જો મળેલો છે.

અમેરિકાના વાયોમિંગ સ્ટેટમાં ડેવિલ્સ ટાવર તરીકે ઓળખાતો રોક લગભગ 550 લાખ વર્ષ પહેલાં બન્યો હોવાની ધારણા છે. જ્યારે કેલિફોર્નિયા સ્ટેટમાં આવેલ ડેવિલ્સ પોસ્ટપાઇલ નામનો બાસાલ્ટ રોક આશરે એકાદ લાખ વર્ષ અગાઉ બન્યો હોવાનું મનાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ડેવિલ્સ ટાવર: અમેરિકાનો સૌ પ્રથમ નેશનલ મોન્યુમેન્ટ
 • અમેરિકાના વાયોમિંગ રાજ્યમાં બેલે ફોર્શ નદીને કાંઠે ખડક ડેવિલ્સ ટાવર ઊભો છે.
 • વર્ષ 1905માં અમેરિકાના 26મા પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટ દ્વારા ડેવિલ્સ ટાવરને ‘નેશનલ મોન્યુમેંટ’નો દરજ્જો એનાયત થયો આમ, ડેવિલ્સ ટાવરને અમેરિકાના સૌ પ્રથમ ‘ઓફિશિયલ’ નેશનલ મોન્યુમેંટ બનવાનું માન મળ્યું.
 • નોર્થ ઇસ્ટર્ન વાયોમિંગના જનજીવનમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. પ્રાચીન કાળથી આસપાસ વસતી જાતિઓ તેને દૈવી સ્થાન માને છે અને તેના ઉત્સવ પણ યોજાય છે.
 • આ રોક જમીન સ્તરથી આશરે 867 ફૂટ ઊંચો છે.
 • ડેવિલ્સ ટાવર સાડા પાંચ કરોડ વર્ષ પુરાણો ખડક હોવાથી વિશ્વના સૌથી પ્રાચીન ખડકોમાંથી એક છે.
 • તેના ઉદભવ અને રચના વિશે વિવાદો છે. એવું મનાય છે કે તે સેડીમેંટરી રોક્સથી આચ્છાદિત વિસ્તારમાં એક ઇગ્નિયસ રોક છે. તેમાં ક્વાર્ટ્ઝ નથી; તે ઓછી ચમક ધરાવતા ગ્રેનાઇટના મોટા સ્તંભોથી બનેલો છે.
 • જ્યારે મેગ્મા કે લાવા ઠર્યો હશે, ત્યારે તેના ઊંચા ઊંચા સ્તંભ બન્યા હશે. ડેવિલ્સ ટાવર અસંખ્ય પોલિગોનલ સ્તંભ, ખાસ તો હેગ્ઝાગોનલ કોલમ (ષટકોણીય સ્તંભ) થકી બન્યો છે, તેથી તે કોલમર જોઇન્ટિંગ રૉક છે.
 • 1977માં મશહૂર હોલિવુડ ફિલ્મમેકર દિગ્દર્શક સ્ટીવન સ્પિલબર્ગની બોક્સ ઓફિસ હીટ ફિલ્મ ‘ક્લોઝ એન્કાઉન્ટર્સ ઓફ ધ થર્ડ કાઇન્ડ’માં ડેવિલ્સ ટાવરની ઝલક છે.
 • ડેવિલ્સ ટાવર નેશનલ મોન્યુમેંટ એક ટુરિસ્ટ આકર્ષણ છે. આજે દર વર્ષે ચાર લાખથી વધુ પ્રવાસીઓ અમેરિકાના આ સર્વ પ્રથમ નેશનલ મોન્યુમેન્ટની મુલાકાતે આવે છે.
 • ટુરિઝમ ઉપરાંત વાતાવરણનાં પરિબળો પણ ડેવિલ્સ ટાવરને હાનિ પહોંચાડી રહ્યાં છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ડેવિલ્સ પોસ્ટપાઇલ: કેલિફોર્નિયાનું અનોખું પ્રવાસ આકર્ષણ
 • અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં બાસાલ્ટનો કોલમર જોઇન્ટિંગ પ્રકારનો અદભુત ખડક ડેવિલ્સ પોસ્ટપાઇલ ઊભો છે.
 • વર્ષ 1911માં અમેરિકાના 27મા પ્રમુખ વિલિયમ હોવર્ડ ટાફ્ટ દ્વારા ડેવિલ્સ પોસ્ટપાઇલને નેશનલ મોન્યુમેંટનો દરજ્જો આપવામાં આવ્યો.
 • ઇસ્ટ કેલિફોર્નિયામાં સ્થિત ડેવિલ્સ પોસ્ટપાઇલ કુદરતી રીતે સર્જાયેલ ભૂસ્તરનો એક ચમત્કાર છે.
 • આશરે 80,000 થી 1,00,000 વર્ષ પૂર્વે આ કોલમર જોઇન્ટિંગ ખડક સર્જાયેલ હોવાની ધારણા છે. તે સમયે ધરતીની કોઈ ફાટમાંથી મેગ્મા – લાવા બહાર આવ્યો. તે લોહ (આયર્ન) અને મેગ્નેશિયમ જેવાં તત્વો ધરાવતો બાસાલ્ટિક લાવા હતો. લાવા ઠંડો પડતાં તેમાંથી ત્યાંની ભૂરચના પ્રમાણે કુદરતી રીતે સ્તંભો (કોલમ) બનતા ગયા.
 • ડેવિલ્સ પોસ્ટપાઇલના અસંખ્ય સ્તંભો એવી ‘સિમેટ્રીકલી’ ઊભા છે કે જાણે માનવીએ તેમને ગોઠવી દીધા હોય. આમ, ડેવિલ્સ પોસ્ટપાઇલ બાસાલ્ટિક કોલમર જોઇન્ટિંગ રૉક છે.
 • તેના મોટા ભાગના સ્તંભો ષટકોણ કે પંચકોણ આકાર ધરાવે છે. તે સ્તંભો બે-અઢી ફૂટ ડાયામીટરના અને સાઠ ફૂટ જેટલી ઊંચાઈના છે. તેથી પ્રકૃતિના ચમત્કાર સમો બાસાલ્ટનો ખડક ડેવિલ્સ પોસ્ટપાઇલ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.
 • ડેવિલ્સ પોસ્ટપાઇલ નેશનલ મોન્યુમેંટ રમણીય રેઇનબો ફોલ્સને લીધે પણ પ્રખ્યાત છે. ભારે હિમવર્ષાને લીધે શિયાળામાં વિઝિટ મુશ્કેલ છે, પરંતુ જૂન પછી ઉનાળામાં શટલ સર્વિસથી ડેવિલ્સ પોસ્ટપાઇલ જઈ શકાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈનું સૌથી પ્રાચીન સ્થળ ગિલ્બર્ટ હિલ

ભારતની આર્થિક રાજધાની મુંબઈ શહેરનો વિકાસ છેલ્લા ત્રણસો વર્ષમાં થયો, પણ ગિલ્બર્ટ હિલ તો સાડા છ કરોડથી વર્ષોથી ઊભી છે. બેશક, તે મુંબઈનું પ્રાચીનતમ સ્થળ છે. અરે! પૃથ્વી પર માનવનો જન્મ થયો તેથી પણ પહેલાંના સમયથી ગિલ્બર્ટ હિલ ધરતી પર છે.

ગિલ્બર્ટ હિલ બાસાલ્ટનો કોલમર જોઇન્ટિંગ રૉક કે મોનોલીથ કોલમ છે.

મુંબઈ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ (ડેક્કન પ્લેટો) ના પ્રારંભે મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની છે. ‘અનુપમા’ના વાચકો જાણે છે કે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશનો ‘ભૌગોલિક’ ઇતિહાસ મેસોઝોઇક યુગ સુધી પહોંચે છે. સાડા છ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીની ફાટમાંથી નીકળેલ લાવા હાલના દક્ષિણ ગુજરાત-માળવા-મધ્ય પ્રદેશ-મહારાષ્ટ્રના વિસ્તાર પર ફેલાયો. તે લાવા ઠરતાં બાસાલ્ટના સ્તંભ – કોલમ – બન્યા. આ કોલમર જોઇન્ટિંગ ખડકોમાંનો એક ગિલ્બર્ટ હિલ છે. કહે છે કે આવા અન્ય સ્તંભાકાર ખડક તે સમગ્ર પ્રદેશમાં હતા, પણ તે પર્યાવરણ કે માનવપ્રવૃત્તિઓથી નાશ પામતા ગયા છે.

ગિલ્બર્ટ હિલ મુંબઈના ઇંટરનેશનલ એરપોર્ટ નજીકના એક સબર્બ અંધેરીમાં આવેલ છે.

મુંબઈ સેંટ્રલ -બોરીવલી સબર્બન રેલ લાઇન પર અંધેરી (વેસ્ટ) સ્ટેશને ઉતરી પશ્ચિમ અંધેરીમાં ગિલ્બર્ટ હિલ પહોંચી શકાય છે. ગિલ્બર્ટ હિલ અંધેરી વેસ્ટ સ્ટેશનથી માત્ર દોઢથી બે કિલોમીટરના અંતરે છે.

1952 માં ભારત સરકાર દ્વારા ગિલ્બર્ટ હિલને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવી. હવે તે ‘ગ્રેડ 2’ હેરિટેજ સાઇટ ગણાય છે.

બસો ફૂટ ઊંચાઈ ધરાવતી ગિલ્બર્ટ હિલ પર ચઢવા માટે પગથિયાંની સગવડ છે.

તેની ટોચ પર મનોરમ્ય વાતાવરણ છે. અહીં નાનક્ડો બગીચો છે. સાથે ગાંવદેવી (ગામદેવી) – દુર્ગા માતાનું મંદિર છે.

ટોચ પર ચારે દિશામાં મનોહર દ્રશ્યો નજરે પડે છે. ગિલ્બર્ટ હિલ પરથી પવાઇની ટેકરીઓ, જૂહુ વિસ્તાર અને વરસોવાનો વિશાળ દરિયો જોઈ શકાતાં હતાં. કરુણતા એ છે કે હિલને ફરતાં થતાં બાંધકામોને લીધે હવે આ દ્રશ્યો કપાતાં જાય છે.

ગિલ્બર્ટ હિલ નામ અમેરિકન જીયોલોજીસ્ટ ગ્રોવ કાર્લ ગિલ્બર્ટની સ્મૃતિમાં?

‘ગિલ્બર્ટ હિલ’ નામ શી રીતે પડ્યું તેનો અધિકૃત રેકોર્ડ હાલ મળ્યો નથી.

અમેરિકાના સુપ્રસિદ્ધ જીયોલોજીસ્ટ ગ્રોવ કાર્લ ગિલ્બર્ટની સ્મૃતિમાં ‘ગિલ્બર્ટ હિલ’ નામ અપાયું હોવાની માન્યતા છે. અમેરિકાના આ મહાન ભૂસ્તરશાસ્ત્રી જી કે ગિલ્બર્ટ આધુનિક જીયોમોર્ફોલોજી ક્ષેત્રના પ્રણેતા ગણાય છે. ‘અનુપમા’ના વાચકો જાણે છે કે વિશ્વના શ્રેષ્ઠ મેગેઝિનોમાં સ્થાન પામતા નેશનલ જીયોગ્રાફિકનું પ્રકાશન નેશનલ જિઓગ્રાફિક સોસાયટી દ્વારા થાય છે. જિયોલોજીસ્ટ ગ્રોવ કાર્લ ગિલ્બર્ટ (જી કે ગિલ્બર્ટ) ‘નેશનલ જીયોગ્રાફિક સોસાયટી’ ના એક સ્થાપક સભ્ય પણ હતા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ડેવિલ્સ ટાવર અને ડેવિલ્સ પોસ્ટપાઇલની માફક ગિલ્બર્ટ હિલ પર્યટન સ્થળ કેમ નહીં?

અમેરિકામાં ડેવિલ્સ ટાવર નેશનલ મોન્યુમેન્ટ તથા ડેવિલ્સ પોસ્ટપાઇલ નેશનલ મોન્યુમેન્ટને આકર્ષક રીતે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવ્યાં છે, તો આપણે ગિલ્બર્ટ હિલને ટુરિસ્ટ સ્પોટ તરીકે કેમ વિકસાવી ન શકીએ?

આપણી વચ્ચે ગિલ્બર્ટ હિલ જેવો વિશ્વનો બેનમૂન વારસો હોવા છતાં આપણી આંખોથી તે ઓઝલ થતો જાય છે.

મોડું નથી થયું. જાગી જઈએ. ગિલ્બર્ટ હિલને વિશ્વના પ્રાચીન ખડક તરીકે પ્રમોટ કરી એક યાદગાર પર્યટન સ્થળ તરીકે સુંદર આકર્ષણો સાથે વિકસાવીએ.

ગિલ્બર્ટ હિલની કમનસીબી એ છે કે તેની ચોમેર બાંધકામો ભરડો લઈ રહ્યાં છે. વિકાસના નામે થતા અર્બનાઇઝેશનની ચુંગાલમાં તે ગૂંગળાવા લાગી છે. ખુલ્લી હવામાં શ્વાસ લેતા ડેવિલ્સ ટાવર અને ડેવિલ્સ પોસ્ટપાઇલને જોયા પછી બાંધકામો વચ્ચે કેદ થતી ગિલ્બર્ટ હિલને જોઈને તેની દયા જ આવે.

ધરતીમાતાના એક અમૂલ્ય સર્જન ગિલ્બર્ટ હિલને આપણે સાચવી ન શકીએ?

આપ મુંબઈને, ભારતને, ધરતીમાતાને ચાહતા હો તો આપના પરિચિતોમાં ગિલ્બર્ટ હિલને બચાવવા સંદેશો જરૂર વહેતો મૂકશો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

અનુપમા લેખ: મુંબઈની ગિલ્બર્ટ હિલ: વિશ્વનો એક પ્રાચીનતમ ખડક ભારતમાં: પૂરક માહિતી

 • ગિલ્બર્ટ હિલ, અંધેરી (વેસ્ટ), મુંબઈ: Gilbert Hill, Andheri (west), Mumbai, India
 • ડેવિલ્સ ટાવર નેશનલ મોન્યુમેન્ટ, વાયોમિંગ, યુએસએ: Devils Tower National Monument, Wyoming, USA
 • ડેવિલ્સ પોસ્ટપાઇલ નેશનલ મોન્યુમેન્ટ, કેલિફોર્નિયા, યુએસએ: Devils Postpile National Monument, California, USA
 • ગ્રોવ કાર્લ ગિલ્બર્ટ/ જી કે ગિલ્બર્ટ, જીયોલોજીસ્ટ/ જિઓલોજીસ્ટ, અમેરિકા: Grove Karl Gilbert/ G K Gilbert (1843–1918), Geologist, USA
 • નેશનલ જીયોગ્રાફિક/ નેશનલ જિઓગ્રાફિક/ નેશનલ જ્યોગ્રાફિક:: National Geographic, USA
 • નેશનલ જીયોગ્રાફિક/ નેશનલ જિઓગ્રાફિક/ નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી: National Geographic Society, USA
 • પ્રેસિડેન્ટ થિયોડોર રુઝવેલ્ટ, અમેરિકાના 26મા પ્રમુખ: President Theodore Roosevelt, 26th president of USA (1858-1919)
 • પ્રેસિડેન્ટ વિલિયમ હોવર્ડ ટાફ્ટ, અમેરિકાના 27મા પ્રમુખ: President William Howard Taft, 27th president of USA (1857-1930)
 • કોલમર જોઇન્ટિંગ રૉક: Columnar Jointing Rock
 • બાસાલ્ટ રોક: Basalt Rock
 • ઇગ્નિયસ રોક: Igneous Rock
 • VIDEO on Gilbert Hill by Bambaiya Gumakkad:  Credit goes to Bambaiya Ghumakkad and YouTube With thanks

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * ** ** ** ** ** ** ** * ** * ** ** ** * ** **

2 thoughts on “મુંબઈની ગિલ્બર્ટ હિલ: વિશ્વનો એક પ્રાચીનતમ ખડક ભારતમાં

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s