.
ગુજરાતના નવયુવાન વૈજ્ઞાનિક ડૉ. વિશાલ ગજ્જર વિશ્વભરમાં નામના પામ્યા છે.
બ્રહ્માંડનાં અજાણ્યાં સ્થાનોએથી આવતાં રહસ્યમય તરંગો ‘ફાસ્ટ રેડિયો બર્સ્ટ’ વિશે વિશાલભાઈનાં સંશોધન ખગોળવિજ્ઞાનમાં પ્રસિદ્ધિ પામ્યાં છે.
ગુજરાતમાં બોટાદના વતની ડો. વિશાલ ગજ્જર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ / રેડિયો એસ્ટ્રોનોમીમાં રસ ધરાવે છે અને હાલ અમેરિકામાં બર્કલી સેટી રીસર્ચ સેન્ટર ખાતે પોસ્ટ ડૉક્ટરલ રીસર્ચ કરી રહ્યા છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને વિશ્વ વિખ્યાત ‘બ્રેકથ્રુ લિસન’ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ વિશાલ ગજ્જર ગુજરાત અને ભારત માટે ગૌરવ રૂપ બન્યાં છે.
ડૉ. વિશાલ ગજ્જર ગુજરાતમાં સૌરાષ્ટ્રના નાનકડા ગામ બોટાદના વતની. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા વિશાલભાઈના પિતા વ્યવસાયી છે.
વિશાલભાઈનો પ્રાથમિક અભ્યાસ બોટાદમાં ગુજરાતી માધ્યમમાં થયો. ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણ માટે જાણીતી બોટાદની સ્કૂલ એમ. ડી. શાહ વિદ્યાલયમાંથી વિશાલભાઈએ 1999માં એસએસસીની પરીક્ષા પાસ કરી. એક વિદ્યાર્થી તરીકે વિશાલમાં ખંત, કૂતુહલ અને જિજ્ઞાસાવૃત્તિ જેવા ગુણો હતા. દસમા ધોરણમાં એમ. ડી. શાહ વિદ્યાલયના તેમના વિજ્ઞાન શિક્ષક હતા શ્રી રાજેશકુમાર ભરાડ. કર્તવ્યપરાયણ અને વિદ્યાર્થીપ્રેમી ભરાડ સાહેબે વિજ્ઞાનમાં બ્રહ્માંડનો પાઠ એવા રસથી શીખવ્યો કે વિશાલને યુનિવર્સનાં રહસ્યો અને ખગોળવિજ્ઞાનમાં વિશેષ રસ જાગ્યો. તેમણે કોલેજ અભ્યાસ ભાવનગરની પ્રતિષ્ઠિત શાંતિલાલ શાહ એન્જીનિયરિંગ કોલેજમાં કર્યો. વિશાલ ગજ્જરે પૂના (પૂણે, મહારાષ્ટ્ર) ની આંતરરાષ્ટ્રીય નામના પ્રાપ્ત નેશનલ સેંટર ફોર રેડિયોએસ્ટ્રોફિઝિક્સ (એનસીઆરએ) માંથી પીએચડીની ડિગ્રી મેળવી. ત્યાર બાદ પોસ્ટ ડોક્ટરલ રીસર્ચ માટે અમેરિકા ગયા. ડો. વિશાલ ગજ્જર બર્કલી સેટી રીસર્ચ સેન્ટર ખાતે ટેમ્પલટન પોસ્ટ ડોક્ટરલ રીસર્ચ ફેલો તરીકે સંશોધન કરી રહ્યા છે. રીસર્ચ ક્ષેત્રે યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા ઉપરાંત ‘બ્રેકથ્રુ લિસન’ પ્રોજેક્ટ સાથે પણ વિશાલ ગજ્જર સંકળાયેલા છે.
સેટી (SETI – Search for Extraterrestrial Intelligence) નો મૂળભૂત ઉદ્દેશ બ્રહ્માંડમાં ‘ઇન્ટેલિજન્સ’ને સર્ચ કરવાનો છે. વૈજ્ઞાનિકો માને છે કે જો બ્રહ્માંડમાં ક્યાંક પરગ્રહવાસી એલિયન સભ્યતા હશે, મનુષ્યની માફક વિકાસ પામેલ હશે, તો તેમની પાસે ટેકનોલોજી હશે. આવા પરગ્રહવાસી એલિયન્સની વિકસિત ટેકનોલોજીના સિગ્નલ કોઈક સ્વરૂપે આપણી પૃથ્વી પર પહોંચી શકે. આ માટે વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશન્સનો અભ્યાસ કરે છે; રેડિયો ટેલિસ્કોપ દ્વારા રેડિયો તરંગો (રેડિયો વેવ્ઝ) નો અભ્યાસ કરે છે. કદાચ આમાંથી પરગ્રહવાસીઓના, એલિયન્સના કોઈક સંકેત પકડાઈ જાય!
‘બ્રેકથ્રુ લિસન’ પ્રોજેક્ટ યુરિ મિલ્નર – સ્ટીફન હૉકિંગ પ્રેરિત કાર્યક્રમ છે. બ્રેકથ્રુ લિસન પૃથ્વી સિવાય બીજે ક્યાંય પણ મનુષ્ય જેવા બુદ્ધિમાન સજીવો વસે છે કે કેમ તે ચકાસવા કાર્યરત છે. બ્રેકથ્રુ લિસનના વૈજ્ઞાનિકો ઓપ્ટિકલ તેમજ રેડિયો સિગ્નલ્સનો અભ્યાસ કરતા રહે છે. કદાચ સૂર્યમંડળને પારથી બુદ્ધિમાન પરગ્રહવાસીઓના, કોઈ એલિયન સભ્યતાના સંકેતો ઝીલાઈ જાય!
તાજેતરમાં આવા રેડિયો તરંગોનો અભ્યાસ કરતાં ડૉ વિશાલ ગજ્જરને તેમાં ‘ફાસ્ટ રેડિયો બર્સ્ટ’ ( એફઆરબી ) ની ભાળ મળી. પૃથ્વીથી ત્રણસો કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલી એક ડ્વાર્ફ ગેલેક્સીના ‘એફઆરબી 121102’ સ્રોત તરફથી આ ફાસ્ટ રેડિયો બર્સ્ટ રીપીટ થતાં હોવાનું વિશાલ ગજ્જરનાં સંશોધનોથી ફલિત થાય છે.
આ ફાસ્ટ રેડિયો બર્સ્ટ શું છે? ફાસ્ટ રેડિયો બર્સ્ટ વિશે જાણવા અહીં ક્લિક કરો.
ડૉ. વિશાલ ગજ્જરનાં અભૂતપૂર્વ તારણોએ રેડિયો એસ્ટ્રોફિઝિક્સ અને રેડિયો એસ્ટ્રોનોમીમાં નવો સંચાર કર્યો છે. વિશ્વભરનાં અગ્રણી મીડિયા સ્રોતોએ વિશાલ ગજ્જરનાં સંશોધનોને વધાવ્યાં છે.
ડૉ વિશાલભાઈને હાર્દિક અભિનંદન! આપણને આ યુવા ગુજરાતી પર ગર્વ છે. વિશાલભાઈ! આપે ગુજરાતને, આપણા દેશને ગૌરવ બક્ષ્યું છે. ઉજ્જ્વલ કારકિર્દી માટે આપને અમારી શુભેચ્છાઓ!
* * * * * * * * * *
આ લેખ સંબંધી અન્ય માહિતી:
- બોટાદ અમદાવાદથી આશરે 150 કિમી દૂરનું ગામ. અમદાવાદથી ભાવનગર કે અમદાવાદથી અમરેલી જતા રસ્તા પર બગોદરા – ધંધુકાથી આગળ જતાં બોટાદ પહોંચી શકાય. અમદાવાદથી અઢી-ત્રણ કલાકનો મોટરરસ્તો!
- ડૉ વિશાલ ગજ્જરની કોલેજ શાંતિલાલ શાહ એન્જીનિયરિંગ કોલેજ (ભાવનગર)ના પ્રિન્સિપાલ ડૉ એમ જી ભટ્ટ અને શાળા એમ. ડી. શાહ વિદ્યાલય (બોટાદ) ના કાર્યકારી પ્રિન્સિપાલ શ્રી રાજેશકુમાર સાથે મેં ફોન પર વાતચીત કરી ત્યારે પોતાના વિદ્યાર્થીની સિદ્ધિ માટે તેઓએ સગર્વ આનંદ વ્યક્ત કર્યો હતો. ઉપરનો લેખ લખવા માટે પૂરક માહિતી આપવા બદલ તેઓનો આભાર માનું છું. સહકાર આપવા બદલ બંને સંસ્થાઓના સ્ટાફનો પણ આભાર .
- વિશાલભાઈને ધો 10માં બ્રહ્માંડનો પાઠ શીખવનાર વિજ્ઞાન શિક્ષક (હાલ કાર્યકારી પ્રિંસિપાલ) શ્રી રાજેશકુમાર પોતાના વિદ્યાર્થીને ‘પોઝિટિવ થિંકિંગ સાથે ટેકનિકલ માઇંડ ધરાવતા જિજ્ઞાસુ’ તરીકે યાદ કરે છે. વિશાલભાઈએ બનાવેલ કેટલાક વૈજ્ઞાનિક સાધન (જેમ કે ટેલિસ્કોપ) આજે પણ એમ. ડી. શાહ વિદ્યાલય (બોટાદ) માં સચવાયેલાં છે.
- મને વિશ્વાસ છે, વિશાલભાઈને અભિનંદન આપવામાં શાંતિલાલ શાહ એન્જીનિયરિંગ કોલેજ (ભાવનગર) તથા એમ. ડી. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શિક્ષકો- શુભેચ્છકો જોડાશે.
- આપ સૌ શિક્ષકમિત્રોને / વાચક મિત્રોને વિનંતી છે કે આપના સાથી મિત્રોને અને વિદ્યાર્થીઓને આવા પ્રેરણાદાયી લેખો જરૂર વંચાવશો.
-
મારું એક ખાસ સ્વપ્ન છે: માત્ર અંગ્રેજી ભાષામાં વર્તમાન સમાચારો અને સામાન્ય જ્ઞાનની જે માહિતી ઉપલબ્ધ છે તે જ્ઞાનવર્ધક, પ્રેરક માહિતી મારે ગુજરાતના અંતરિયાળ ગ્રામ્યવિસ્તારોના અદના ગુજરાતી સુધી, ગુજરાતી માધ્યમના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી છે. આપના સહકારની અપેક્ષા. ધન્યવાદ.
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * * **
યુવાન ગુજરાતી ખગોળ વૈજ્ઞાનિક ડો. વિશાલ ગજ્જર ની સિધ્ધિઓ માટે અભિનંદન.
હરીશભાઈ આપને પણ આ લેખ માટે અભિનંદન.
યુ-ટ્યુબ પર ડો.વિશાલના ઈન્ટરવ્યું નો વિડીયો જોવા મળ્યો.એમાં એમણે
સરસ સારી સમજ આપી છે.
આપનું આત્મીય પ્રોત્સાહન હૃદયને સ્પર્શે છે, વિનોદભાઈ! આભાર!
ડો. વિશાલ ગજ્જરને ખુબ ખુબ અભિનંદન.
એક યુવાન વૈજ્ઞાનિકને પ્રોત્સાહન આપવા બદલ અને ‘મધુસંચય’ પર મુલાકાત બદલ આપનો આભાર, પ્રોફેસર સાહેબ!