ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વ આતુરતાથી અવલોકી રહ્યું છે. ગ્લોબલાઇઝેશન પછી વર્લ્ડ ઇકોનોમીમાં ભારે પરિવર્તનો આવ્યાં છે. માર્કેટવ્યવસ્થાઓ જટિલ બનતાં આર્થિક વિકાસનાં પરિબળો બદલાતાં રહે છે. અર્થવ્યવસ્થા તથા આર્થિક વિકાસની ક્ષતિ રહિત અને સુયોગ્ય મૂલવણી અઘરી છે. અર્થવ્યવસ્થાની ‘તંદુરસ્તી’ને માપવાનાં માપદંડો અને ધોરણો વિશ્વની જુદી જુદી સંસ્થાઓ માટે અલગ અલગ છે. તેથી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને એક ત્રાજવે તોળવી શક્ય નથી, તો યે કેટલાંક પરિણામો ઊડીને આંખે વળગે છે.
દાયકાઓથી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વર્લ્ડ ઇકોનોમીના શિખરે બિરાજે છે.
1980 – 90 ના દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફુંકાયો, ત્યારે યુએસએ તથા યુએસએસઆર (સોવિયેટ યુનિયન) વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવતા દેશો હતા. તે સમયે નોમિનલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આધારે લાર્જેસ્ટ વર્લ્ડ ઇકોનોમી તરીકે યુએસએ, યુએસએસઆર, જાપાન, વેસ્ટ જર્મની અને ફ્રાંસ પ્રથમ પાંચ ક્રમે હતાં.
વર્ષ 2000 પછી ચીનની આર્થિક પ્રગતિ તેજ બની. 2010માં વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં ચીન બીજા ક્રમે આવી ગયું. 2015ના વર્ષમાં વિશ્વની સૌથી મોટી પાંચ અર્થવ્યવસ્થાઓમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) ટોચના સ્થાને આવી ગયાં.
આ દરમ્યાન ભારતની આર્થિક પ્રગતિને પાંખો ફૂટી છે. ભારતનો આર્થિક વિકાસ ઘણાને આશાસ્પદ લાગે છે, ઘણાને નિરાશાજનક. બંને પક્ષે નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના દાવા છે. કોની વાત સાચી માનવી? આમાં સામાન્ય વાચકે શું સમજવું? એક જ થઈ શકે કે સાચા-ખોટા દાવાઓના વિવાદમાં ન પડવું. વાચકે સ્વયં અર્થશાસ્ત્રના પાયાના મુદ્દા પર નજર નાખવી અને જાતે જ આર્થિક ચિત્રને સમજવા પ્રયત્ન કરવો. આવો, ‘અનુપમા’ના આજના લેખમાં ભારતીય ઇકોનોમીનાં કેટલાંક પાસાંઓ નિહાળીએ. ભારતના સ્વાતંત્ર્ય દિન (15 ઑગસ્ટ) પૂર્વે ‘અનુપમા’નો આ લેખ વાંચી આપ પણ કહેશો: ‘મેરા ભારત મહાન’.
[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો.– હરીશ દવે]
વિશ્વની વિકસતી અર્થવ્યવસ્થા માનવજાતને શુભ સંકેતો આપે છે. અમેરિકા આખા વિશ્વની અર્થવ્યવસ્થામાં અગ્રેસર જ રહે છે. આ દાયકામાં ‘બ્રિક્સ’ કહેવાતા દેશો (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા) ની ઇકોનોમી પર દુનિયાભરની ઉમ્મીદો ટકી છે. બ્રિક્સના આ પાંચ દેશો દુનિયાની કુલ વસ્તીના 40 ટકાથી વધારે વસ્તી ધરાવે છે. બ્રિક્સ દેશો પાસે વિશાળ માર્કેટ હોવા ઉપરાંત ઇકોનોમીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા છે. પચ્ચીસ વર્ષ પહેલાં ન તો ચીનની કંપનીઓની વિશ્વના બજારોમાં ઓળખ હતી, ન તો વર્લ્ડ ઇકોનોમીની પ્રથમ હરોળમાં ચીનનું સ્થાન હતું. આજે ચીન દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં બીજા ક્રમાંકે છે. જો ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે, તો ભારત શા માટે પાછળ રહે?
ઇકોનોમીને પ્રગતિના પંથે દોડાવવા છેલ્લા ત્રણ દાયકાઓથી ભારતના પ્રયત્નો ગંભીર થયા છે. પણ સહાયક પરિબળોની ઉપેક્ષા, સ્થાપિત હિતોનું વર્ચસ્વ તથા હિંમતભર્યા નિર્ણયોનો અભાવ – આદિ કારણો ભારતીય અર્થતંત્રને ઇચ્છિત પરિણામો આપતાં ન હતાં તે વાત ‘અનુપમા’ના સુજ્ઞ વાચકો જાણે છે.
તાજેતરમાં ચિત્ર બદલાતું જણાય છે.
દુનિયાની અર્થવ્યવસ્થાઓને સમજવી અને પરખવી મુશ્કેલ તો છે. આટલી વિશાળ દુનિયા, સઘળા દેશોમાં ભિન્ન રાજ્યવ્યવસ્થાઓ, અલગ અલગ અર્થતંત્રો … બધાંની આર્થિક પરિસ્થિતિ એક દંડે માપવી શી રીતે?
સૌથી મોટો પ્રશ્ન એ કે જ્યારે દેશના સાચા આંકડા બહાર ન આવે ત્યારે તેની ઇકોનોમીનું સાચું ચિત્ર ન મળે! વળી વિશ્વના દેશોની ઇકોનોમીને માપવાના માપદંડો જુદા જુદા હોય છે. તેમાં પણ અર્થશાસ્ત્રીઓનાં મંતવ્યો અલગ અલગ, આર્થિક-નાણાકીય ક્ષેત્રોની સંસ્થાઓ ભિન્ન ભિન્ન, તેમનાં કાર્યો અને હેતુઓ ભિન્ન અને અર્થવ્યવસ્થા મૂલવવાની દરેકની પધ્ધતિ જુદી જુદી. પરિણામે વિભિન્ન સંસ્થાઓનાં આર્થિક આકલન એકબીજાથી અલગ જણાય છે. આવાં આર્થિક પરિણામો, યાદીઓ અને ક્રમાંકો ચર્ચાસ્પદ બને છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતની આર્થિક પ્રગતિ અભૂતપૂર્વ છે; કેટલાક કહે છે અહીં અર્થવ્યવસ્થા પાટા પર નથી. કહે છે ને તુંડે તુંડે મતિ: ભિન્ના:. આવા અભિપ્રાયોમાં રાજકીય રંગ ભળે ત્યારે પૂછવું જ શું! જાતજાતનાં આંકડાઓની માયાજાળનાં એવાં ચિત્રો ઊભરે કે સામાન્ય વાચક ચકરાઈ જાય!
‘અનુપમા’ના જિજ્ઞાસુ વાચક તરીકે આપણને પક્ષાપક્ષીમાં રસ નથી. આપણે માત્ર સમજ કેળવવી છે, કોઈ પોઇંટ સાબિત નથી કરવો તેથી અર્થહીન ચર્ચામાં નહીં પડીએ. આપણે તટસ્થ વાચક તરીકે ભારતીય અર્થવ્યવસ્થાની દિશાને સમજવા એક પ્રયત્ન કરીશું. તે માટે આપણે અર્થશાસ્ત્રના કેટલાક મુદ્દા સમજીશું.
ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) શું છે? પીપીપી શું છે?
- ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) અર્થશાસ્ત્રનો એક પાયાનો સૂચકાંક છે.
- કોઈ પણ રાષ્ટ્રની આર્થિક સ્થિતિનો ખ્યાલ તેની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) પરથી આવી શકે.
- જીડીપીને રાષ્ટ્રની અર્થવ્યવસ્થાના આરોગ્યનો એક મહત્ત્વનો માપદંડ ગણી શકાય.
- આપણે ‘અનુપમા’ પર કોઈ વિષયને વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય ઊંડાણથી નથી સમજતા, પરંતુ સામાન્ય વાચક ગ્રહણ કરી શકે તેવા સ્તર પર, ટેકનિકાલિટી છોડીને સરળ ભાષામાં સમજીએ છીએ.
- ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – જીડીપી – એટલે નિયત સમયગાળામાં દેશમાં થયેલ, માન્યતાપ્રાપ્ત કુલ ઘરેલુ ઉત્પાદન.
- તે સમયગાળો ત્રણ મહિના, છ મહિના કે વર્ષનો હોઈ શકે. સામાન્ય રીતે જીડીપી વાર્ષિક ધોરણે ગણાય છે.
- જીડીપી એટલે તે દેશનો એક વર્ષનો ‘ટોટલ ઇકોનોમિક આઉટપુટ’.
- દરેક દેશ ચીજ-વસ્તુઓ (જેમકે દવાઓ, વાહન) તથા સેવાઓ (જેમકે બેંકિંગ) નું ‘ઉત્પાદન’ કરે છે.
- નિશ્ચિત સમયગાળામાં એક દેશમાં ઉત્પાદિત થયેલ તમામ ‘ફિનિશ્ડ’ અને ‘ફાઇનલ’ ગુડ્ઝ વત્તા સર્વિસીઝની માર્કેટ વેલ્યુને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી કહે છે.
- જીડીપી એટલે એક વર્ષમાં દેશના જ લોકો દ્વારા, દેશની જ અંદર ઉત્પાદિત થયેલ વસ્તુઓ અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય. આ અર્થમાં જીડીપી દેશની ઉત્પાદકતા સૂચવે છે.
- ભારતમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ગણતરી માટે કૃષિ ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન અને સેવાઓનું ઉત્પાદન ધ્યાનમાં લેવાય છે.
- ધારો કે આપણા દેશમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે કૃષિ-ઉદ્યોગ ઉત્પાદન વધે છે અને સર્વિસ ક્ષેત્રમાં પણ વૃદ્ધિ થાય છે. તેથી ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આપણી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વધશે.
- જો કોઈ વર્ષમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વધારો થશે, તો રાષ્ટ્રનો જીડીપી દર વધશે. જો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઘટાડો થશે તો જીડીપીનો દર ઘટશે. તદ્દન સરળ શબ્દોમાં કહી શકાય કે જીડીપીનો દર એક રીતે રાષ્ટ્રનો આર્થિક વિકાસ દર સૂચવે છે.
- રાષ્ટ્રની જીડીપી વધુ હોય તેનું સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ – જીવનધોરણ – ઊંચું હશે જ તેમ પણ નથી. રાષ્ટ્રની જીડીપી માત્ર સૂચક છે. જીડીપી તો દેશની ઉત્પાદકતાને આધારે જુદા જુદા દેશોના ‘આર્થિક વિકાસ’ અને ‘આર્થિક તંદુરસ્તી’ વિશે સૂચન કરે છે. પરંતુ જીડીપી વધારે હોય તે દેશમાં જીવનધોરણ ઊંચું જ હોય તે જરૂરી નથી. જેમ કે ભારતની જીડીપી યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગની જીડીપી કરતાં ત્રણ ગણાથી વધારે છે. પરંતુ ભારતમાં સ્ટાંડર્ડ ઓફ લિવિંગ (જીવનધોરણ) લક્ઝમબર્ગ કરતાં ઘણું નીચું છે. એક મુખ્ય કારણ એ છે કે ભારતની વસ્તી વધારે છે, લક્ઝમ્બર્ગની વસ્તી ઓછી છે.
- જીડીપીને વધારે અર્થપૂર્ણ બનાવવા ‘જીડીપી પર કેપીટા’ નો ઉપયોગ થાય છે. પર કેપીટા જીડીપી એટલે માથાદીઠ જીડીપી.
- દેશના કુલ વાર્ષિક ઘરેલુ ઉત્પાદનને દેશની તે વર્ષની જનસંખ્યાથી ભાગતાં માથાદીઠ ઘરેલુ ઉત્પાદન (પર કેપીટા જીડીપી) મળે. આમ, પર-કેપીટા જીડીપી એટલે દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટને પોપ્યુલેશનથી ડિવાઇડ કરતાં મળતો ઉત્તર.
- ફરી યાદ રાખો કે જીડીપીની જટિલ પરિભાષા તેમજ સંલગ્ન સૈદ્ધાંતિક-વ્યાવહારિક અર્થશાસ્ત્રના મુદ્દાઓ કોરે મૂકી આપણે તો ખપપૂરતી સમજ મેળવીશું.
- એક તારણ એવું મળે કે જે રાષ્ટ્રની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધારે, તે રાષ્ટ્રની આર્થિક હાલત વધારે સમૃદ્ધ. આ હકીકત હંમેશા સત્ય નથી.
- બધા દેશોમાં મોંઘવારી – કોસ્ટ ઓફ લિવિંગ અલગ અલગ હોવાથી જીડીપીથી સરખામણી ન થઈ શકે. આથી અન્ય પેરામીટર (માપદંડ) ‘ખરીદશક્તિ સમાનતા’ અથવા તો પરચેઝિંગ પાવર પેરિટી (પીપીપી) અથવા જીડીપી (પીપીપી) પણ પ્રયોજિત થાય છે. આઇએમએફ, વર્લ્ડબેંક જેવી સંસ્થાઓ જીડીપી (પીપીપી) પર-કેપિટા અથવા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (એટ પરચેઝિંગ પાવર પેરિટી) પર કેપિટા જેવા માપદંડનો ઉપયોગ કરે છે. ભિન્ન ભિન્ન આર્થિક સંસ્થાઓ જીડીપી – નોમિનલ, જીડીપી – પીપીપી, પર કેપિટા જીડીપી અને અન્ય માપદંડો (પેરામીટર) કે સૂચકાંક (ઇન્ડિકેટર) ઉપયોગમાં લે છે. તેથી દુનિયાના દેશોની જીડીપી અલગ અલગ રેકોર્ડ્ઝમાં જુદા જુદા આંકડા બતાવે છે.
મિલિયન, બિલિયન અને ટ્રિલિયન એટલે?
અર્થશાસ્ત્રમાં આપણે જંગી આંકડાઓ સાથે કામ લેવાનું હોય છે. ‘અનુપમા’ના વાચકો જાણે છે કે ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમમાં મોટી સંખ્યાઓ માટે મિલિયન (મિલ્યન), બિલિયન (બિલ્યન) અને ટ્રિલિયન (ટ્રિલ્યન) શબ્દો વપરાય છે. આપણે ભારતીય સંખ્યા પદ્ધતિના કરોડ અને અબજને જાણીએ છીએ.
કેટલાકને પ્રશ્ન થાય છે: મિલિયન, બિલિયન અને ટ્રિલિયન શું છે?
ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે,
એક કરોડ = 100 લાખ = 1,00,00,000
એક અબજ = 100 કરોડ = 1,00,00,00,000
મિલિયન, બિલિયન તથા ટ્રિલિયન એટલે શું?
આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ – ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમને સમજીએ તો –
એક મિલિયન = દસ લાખ = 1,000,000 = 106
એક બિલિયન = એક અબજ = સો કરોડ = 1,000,000,000 = 109
એક ટ્રિલિયન = એક હજાર અબજ = એક લાખ કરોડ = 1,000,000,000,000 = 1012
બીજી રીતે,
એક બિલિયન = એક હજાર મિલિયન
એક ટ્રિલિયન = એક હજાર બિલિયન
ટ્રિલિયન (ટ્રિલ્યન) સંખ્યાની કિંમત અમેરિકન અને ઇંગ્લિશ પદ્ધતિમાં ભિન્ન છે. ટ્રિલિયન (ટ્રિલ્યન) ની વેલ્યુ અમેરિકામાં 1012 ગણાય છે, પરંતુ યુકેમાં 1018 ગણાય છે.
વિશ્વના વ્યવહારમાં આજકાલ બિલિયન અને ટ્રિલિયનની કિંમત અમેરિકન પદ્ધતિ પ્રમાણે ગણાય છે.
વિશ્વની અર્થવ્યવસ્થાના પ્રવાહોમાં ભારતની ઇકોનોમી ક્યાં?
વિશ્વના રાષ્ટ્રોની એકંદર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટને ગ્લોબલ વર્લ્ડ પ્રોડક્ટ (જીડબલ્યુપી) ગણી શકાય. વિશ્વના તમામ દેશોની જીડીપી ઉમેરીએ તો આપણને દુનિયાની કુલ જીડીપી એટલે કે ‘ગ્લોબલ વર્લ્ડ પ્રોડક્ટ’ (જીડબલ્યુપી) મળે.
અત્યારે ગ્લોબલ વર્લ્ડ પ્રોડક્ટ (જીડબલ્યુપી) 85 ટ્રિલિયન યુએસ ડોલરથી પણ વધારે છે. તેમાં સૌથી મોટો ફાળો યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો છે.
આપણે જ્યારે આંકડાઓની વાત શરૂ કરીએ, ત્યારે ફરી યાદ રાખીએ કે આઇએમએફ, વર્લ્ડ બેંક સહિતની વૈશ્વિક સંસ્થાઓના આકલન-વિષ્લેષણની ભિન્ન પદ્ધતિઓને કારણે તેમના રિપોર્ટ્સના આંકડા જુદી જુદી જગ્યાએ નોંધપાત્ર તફાવતવાળા જણાય છે.
હાઇએસ્ટ જીડીપી (નોમિનલ) ધરાવતા દેશોમાં અમેરિકા પ્રથમ ક્રમાંક પર છે. હાલ અમેરિકાની જીડીપી (નોમિનલ) 20 ટ્રિલિયન યુએસ ડોલરને પાર કરી ગઈ છે. અમેરિકાની જીડીપી સમગ્ર યુરોપિયન યુનિયનની કુલ જીડીપી કરતાં વધારે છે. લગભગ 14 ટ્રિલિયન યુએસ ડોલરની જીડીપી સાથે ચીન બીજા નંબર પર આવે છે.
1960માં જ્યારે અમેરિકાની જીડીપી 520 બિલિયન ડોલર જેટલી હતી, ત્યારે ભારતની જીડીપી માત્ર 36 બિલિયન ડોલર જેટલી હતી. આમ, ભારતની જીડીપી અમેરિકાની જીડીપીના સાત ટકા જેટલી જ હતી. 1970માં અમેરિકાની જીડીપી એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ, ત્યારે ભારતની જીડીપી 62 બિલિયન ડોલર જેટલી હતી.
2007માં ભારતની જીડીપી 1.23 ટ્રિલ્યન ડોલરથી વધુ થઈ, ત્યારે પ્રથમ વાર તેની જીડીપી એક ટ્રિલિયન ડોલરની સિદ્ધિને પામી શકી.
તાજેતરમાં અમેરિકાની જીડીપી 20 ટ્રિલિયન ડોલર કૂદાવી ગઈ છે, ત્યારે ભારતની જીડીપી 2.6 ટ્રિલિયન ડોલર પર પહોંચી છે.
હવે ઘડી ભર જીડીપીને ભૂલી જાવ. આપે આગળ વાંચ્યું છે, તેમ અર્થવ્યવસ્થાનો બીજો એક સૂચકાંક જીડીપી (પીપીપી) - છે જે પરચેઝિંગ પાવર પેરિટી આધારિત છે.
ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – પરચેઝિંગ પાવર પેરિટીની વાત કરીએ તો, જીડીપી – પીપીપીમાં અમેરિકાને પછાડી, સમગ્ર વિશ્વમાં ચીન પ્રથમ ક્રમે છે.
ભારતની જીડીપી – પીપીપી 1980માં 452 બિલિયન ડોલર હતી. વર્ષ 2000માં તે 2 ટ્રિલ્યન ડોલર પાર કરી ગઈ. ભારતની જીડીપી – પીપીપી 2005માં 3.23 ટ્રિલિયન ડોલર હતી, જે 2010માં વધીને 5.31 ટ્રિલિયન ડોલરે પહોંચી. 2015માં તો ભારતની જીડીપી – પીપીપી 8 ટ્રિલિયન ડોલર પર પહુંચી ગઈ!
આજે ભારતની જીડીપી – પીપીપી એટલી વધેલ છે કે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમ પર પહોંચી ગયું છે. ‘મેરા ભારત મહાન’ સૂત્રને સાર્થક કરે છે નીચેનો ગ્રાફ.
ઉપરના ગ્રાફમાં જીડીપી-પીપીપી ટ્રિલિયન યુએસ ડોલરમાં છે.
ભારતની પર કેપિટા જીડીપી તથા પર કેપિટા જીડીપી – પીપીપી
અર્થવ્યવસ્થાને સમજવા દેશની માથાદીઠ (પર કેપિટા) આવક કે ઉત્પાદકતા જાણવા પણ જરૂરી બને છે.
દેશની ઇકોનોમીનો અભ્યાસ કરવા (1) પર કેપિટા જીડીપી તથા (2) પર કેપિટા જીડીપી-પીપીપી જાણવા જોઈએ.
ઉપલબ્ધ રિપોર્ટ્સ મુજબ ભારતની પર કેપિટા જીડીપી 1960માં 85 યુએસ ડોલર હતી. તે વર્ષ 2000માં વધીને 463 ડોલર થઈ અને 2017માં 1940 ડોલર સુધી પહોંચી છે. આપ નીચેના ગ્રાફ પરથી ભારતની પર કેપિટા જીડીપીની વૃદ્ધિને સમજી શકશો.
ભારતનો વર્તમાન જીડીપી – પીપીપી વૃદ્ધિ દર: અન્ય દેશો સાથે સરખામણી
વર્લ્ડ ઇકોનોમીમાં જીડીપીને ધ્યાનમાં લેતાં અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે જીડીપી-પીપીપીની દ્રષ્ટિએ ચીન સૌથી મોટી ઇકોનોમી છે.
જીડીપી-પીપીપીના એકંદર કદ સાથે તેના વૃદ્ધિદરનો અભ્યાસ દેશની અર્થવ્યવસ્થા પર વિશેષ પ્રકાશ ફેંકે છે.
વર્લ્ડ ઇકોનોમીના જાયન્ટ ગણાતા દેશોનો જીડીપી-પીપીપીનો વૃદ્ધિ રસપ્રદ માહિતી આપે છે. અમેરિકાને આંબવા ચીન રોકેટ વેગે પ્રગતિ કરી રહ્યું છે. ભારત હતાશાભર્યા પરિબળોનો સામનો કરીને પણ, તમામ રીતે વિપરીત સંજોગોમાં યે તેની પૂરી નિષ્ઠાથી પ્રગતિના પંથે રહેવા ઝઝૂમતો દેશ છે.
વર્તમાન સમયમાં અમેરિકા, જાપાન, જર્મની, યુકે જેવા દેશોના વૃદ્ધિદર ઝાંખા પડી ગયા છે, ત્યારે ચીન અને ભારત ઝળકી રહ્યાં છે.
વર્ષ 2017-18ના લેટેસ્ટ આંકડાઓ મુજબ, વૈશ્વિક અર્થવ્યવસ્થાના અગ્રેસર દેશોની સરખામણીમાં, ભારતના વૃદ્ધિદરને નીચેના ગ્રાફ પરથી સમજી શકાશે.
‘અનુપમા’નો આ લેખ આપને અર્થવ્યવસ્થાના પાયા સમજવામાં અને ભારતની ઇકોનોમીને પરખવામાં વત્તા-ઓછા અંશે ઉપયોગી થશે તેવી આશા છે.
આપનાં તારણો ભલે જે કોઈ હોય, પરંતુ આપ એક વાર તો જરૂર કહેશો: મેરા ભારત મહાન.
ખુબ જ વિગતો સાથેનો હાલની ભારતની અર્થ વ્યવસ્થા ઉપર પ્રકાશ પાડતો આપનો અભ્યાસુ લેખ સરસ છે. અભિનંદન .
આપની કોમેંટ બદલ આભાર.
આપ તો નીરક્ષીર વિવેકી છો, વિનોદભાઈ! આવા લેખ પ્રતિ બહુ ઓછા વાચકો આકર્ષાય. આપે મારા અભ્યાસને બિરદાવ્યો તે આપની પરખશક્તિ દર્શાવે છે.
ધન્યવાદ.