વિસરાતી વાતો

ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ: વિજય મર્ચન્ટ અને વિજય હઝારે

ભારતીય ક્રિકેટના મહારથીઓની યાદી સી. કે. નાયડુથી શરૂ થાય, તેમાં અનેક નામો ઉમેરાતાં જાય અને તે વર્તમાનમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સુધી લંબાય. વળી તેમાં રણજીતસિંહજી અને દુલિપસિંહજીને પણ સ્થાન મળે; ભલે રમ્યા ઇંગ્લેન્ડમાં પણ હતા તો ભારતીય! ભારતીય ટેસ્ટ ટીમના સર્વ પ્રથમ કેપ્ટન સી કે નાયડુ ભારતના મહાનતમ ક્રિકેટરોમાં એક હતા. તેમની વાત ક્યારેક કરવી છે.

આજે ક્રિકેટના બે સિતારા વિજય મર્ચન્ટ અને વિજય હઝારેની વાત કરીએ. સી કે નાયડુની ટૂંકી ટેસ્ટ કારકિર્દી પછી મર્ચંટ અને હઝારે – બંને ખેલાડીઓએ ક્રિકેટ જગતમાં ભારતનું નામ ગુંજતું રાખ્યું. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં વિશ્વભરના ક્રિકેટરોમાં બેટિંગ એવરેજમાં સર્વ પ્રથમ ઑસ્ટ્રેલિયાના સર ડૉન બ્રેડમેન આવે; તે પછી બીજા નંબરે ભારતના વિજય મર્ચંટ આવે તે વાત બહુ ઓછા જાણે છે. ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000 રનથી વધુ રન કરનાર ખેલાડીઓની બેટિંગ એવરેજમાં વિજય મર્ચન્ટ પ્રથમ સ્થાને છે; માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ તેમની પાછળ છે.

આવો, ‘અનુપમા’ના આજના લેખમાં એક જમાનામાં ભારતીય ક્રિકેટના મહારથી રહેલા વિજય મર્ચન્ટ તથા વિજય હઝારેની ઝમકદાર કારકિર્દીની જાણી-અજાણી વાતોને યાદ કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિજય મર્ચન્ટ (1911-1987) અને વિજય હઝારે (1915-2004) ગઈ સદીના ભારતીય ક્રિકેટના સદાબહાર સિતારાઓ. બંને મોટા સ્કોરના સ્વામી, બંનેની ઝમકદાર બેટિંગ.

મર્ચન્ટ-હઝારે તેમના સમયમાં અસ્થિર રાજકીય સ્થિતિ રહેવાથી ટેસ્ટ ક્રિકેટ તો ઓછું રમ્યા, પરંતુ બંનેએ  ડોમેસ્ટિક ક્રિકેટમાં, ખાસ તો પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટમાં મોટા દાવ ખેલી વિક્રમો ખડકી દીધા!

ક્રિકેટમાં બેટ્સમેનની દીર્ઘ કારકિર્દીના આંકડા અને રેકોર્ડ્સ તેની મહાનતાના સૂચક હોઈ શકે, પરંતુ નિર્ણાયક તો નહીં જ! મર્ચન્ટ-હઝારેને મૂલવવા અર્થે માત્ર આંકડાઓની સરખામણી પૂરતી નથી; સાથે તેમની ટીમ માટે રમવાની ભાવના, ટેમ્પરામેન્ટ, સ્પર્ધાત્મક વલણ અને ‘વે ઑફ પ્લેયિંગ ક્રિકેટ’ જેવા મુદ્દાઓ ધ્યાન પર લેવા જોઈએ.

વિજય મર્ચન્ટ – વિજય હઝારેની બેવડી સદીની ‘જુગલબંધી’

1951ના અંતમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી.

તે પ્રવાસની ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાઈ, જે વિજય મર્ચન્ટની ટેસ્ટ કારકિર્દીની આખરી મેચ હતી. વળી આ મેચ પંકજ રોયની ડેબ્યુ મેચ હતી. ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં 203 રનના જવાબમાં ભારત તરફથી મર્ચંટ-રોયની ઓપનિંગ જોડી મેદાન પર આવી. 64 રનના જુમલા પર તો ભારતે પંકજ રોય અને પોલિ ઉમરિગર એમ બે વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારે મર્ચન્ટ-હઝારેની જુગલબંધી ચમકી. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટની પાર્ટનરશીપમાં 211 રન ઉમેર્યા. વિજય મર્ચન્ટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં આખરી દાવ રમતાં 154 રન કર્યા, જ્યારે વિજય હઝારે 164 રન પર નોટઆઉટ રહ્યા. ભારતે 6 વિકેટ પર 418 રન કરી પ્રથમ દાવ ડિકલેર્ડ કર્યો. આ ટેસ્ટ ડ્રો થઈ, પરંતુ વિજય મર્ચન્ટ – વિજય હઝારેની બેવડા શતકની ભાગીદારી યાદગાર બની રહી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિજય મર્ચન્ટ અને વિજય હઝારે વચ્ચે બેટિંગનો મુકાબલો

મર્ચન્ટ અને હઝારે બંને સામસામે હરીફ ટીમોમાં રમતા હોય, ત્યારે કેવા ખીલી ઊઠતા તેનાં ઘણાં ઉદાહરણો છે. પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટનો એક દિલચસ્પ મુકાબલો ઊડીને આંખે વળગે! ‘અનુપમા’ના વાચકમિત્રો જાણે છે કે સ્વતંત્રતા પૂર્વેના ભારતમાં પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટ રમાતી હતી, જેમાં પાંચ ક્રિકેટ ટીમો વચ્ચે સ્પર્ધા થતી. આ પાંચ ટીમો બોમ્બે જીમખાના, પારસી જીમખાના, હિન્દુ જીમખાના, મુસ્લિમ જીમખાના અને રેસ્ટ ઓફ ઇન્ડિયાની હતી.

1940-50ના જમાનામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મર્ચન્ટ અને હઝારે વચ્ચેની હોડ રમતમાં રોમાંચ લાવતી. પેંટાન્ગ્યુલર સ્પર્ધામાં તેમણે પૂરેલી રંગત વિશે આપે ‘અનામિકા’ના લેખ (13/07/2019) માં વાંચ્યું છે.

  • 1943ના અંતમાં મર્ચન્ટ – હઝારેએ એકાદ મહિનામાં એકબીજાના રેકોર્ડ ચાર વખત તોડ્યા.
  • 1941-42ની સિઝનમાં વિજય મર્ચન્ટે એક પેન્ટેન્ગ્યુલર મેચમાં અણનમ 243 રન કરી રેકોર્ડ સર્જ્યો હતો.
  • પછીની 1943-44ની પેન્ટાન્ગ્યુલર સિઝનમાં 29-30 નવેમ્બર 1943ની મેચમાં વિજય હઝારેએ 248 રન કરી નવો વિક્રમ સ્થાપ્યો.
  • ત્રણ જ દિવસ પછી 3 ડિસેમ્બરથી સિઝનની ફાઇનલ મેચ મર્ચન્ટની હિન્દુ ટીમ વિરૂદ્ધ હજારેની રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમો વચ્ચે હતી. આ ફાઇનલમાં મર્ચન્ટ-હઝારે પ્રતિસ્પર્ધી હતા.
  • હિંદુ ટીમના પ્રથમ દાવમાં જ વિજય મર્ચન્ટે અણનમ 250 રન કરી વિજય હઝારેનો ત્રણ દિવસ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.
  • તેની સામે રેસ્ટ ઑફ ઇન્ડિયા ફોલો ઓન થઈ. બીજા દાવમાં વિજય હઝારેએ 309 રન કરી વિજય મર્ચન્ટનો વિક્રમ તોડી નાખ્યો અને પેન્ટાન્ગ્યુલર મેચમાં ત્રેવડી સદી – ટ્રિપલ સેંચ્યુરી – થી હાઇએસ્ટ સ્કોરનો નવો રેકોર્ડ બનાવ્યો.
  • ત્રણેક અઠવાડિયા પછી ડિસેમ્બરની 31મીએ બૉમ્બે (મુંબઈ) અને મહારાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી મેચ શરૂ થઈ. તેમાં બોમ્બે વતી રમતાં વિજય મર્ચન્ટે નોટ આઉટ રહીને 359 રન કર્યા. આ ત્રેવડી સદી સાથે વિજય મર્ચન્ટે રણજી ટ્રોફીમાં સૌથી મોટા અંગત સ્કોરનો વિક્રમ બનાવ્યો.
  • મર્ચન્ટનો 359 રનનો સ્કોર ભારતના પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સર્વોચ્ચ અંગત સ્કોરનો નવો રેકોર્ડ બન્યો!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિજય મર્ચન્ટનો ટૂંક પરિચય

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિશ્વમાં બીજા ક્રમે અને ભારતીય ક્રિકેટરોમાં સર્વ પ્રથમ ક્રમે બેટિંગ એવરેજ ધરાવતા વિજય મર્ચન્ટ ભારતીય ક્રિકેટના ઉદયકાળના મહારથી ગણાય છે.

વર્ષ 1911માં મુંબઈમાં જન્મેલા વિજય મર્ચન્ટનું મૂળ નામ વિજયસિંઘ માધવજી ઠાકરસી (ઠાકરશી). તેઓ મુંબઈના વિખ્યાત ઉદ્યોગપતિ ઠાકરશી પરિવારના એક સદસ્ય હતા. ઠાકરશી પરિવારે 1873માં મુંબઈમાં  હિંદુસ્તાન મિલ્સ (હિંદુસ્તાન સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ્સ) સ્થાપી હતી.

માત્ર 18 વર્ષની ઉંમરે તેમણે પ્રથમ કક્ષાનું ક્રિકેટ રમવાની શરૂઆત કરી. વીસેક વર્ષની કારકિર્દી પછી તેઓ રિટાયર્ડ થયા, ત્યારે વિશ્વભરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની બીજા નંબરની બેટિંગ સરેરાશ તેમના નામે હતી. આપને આશ્ચર્ય થશે કે આજે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હાઇએસ્ટ બેટિંગ રન એવરેજમાં બેટિંગના બેતાજ બાદશાહ ઑસ્ટ્રેલિયાના સર ડોનાલ્ડ બ્રેડમેન પછી બીજા નંબર પર વિજય મર્ચન્ટ છે.

ક્રિકેટ પ્રવેશે શરૂઆતમાં તેઓ ઝાઝું કૌવત બતાવી શક્યા ન હતા.

1932માં ભારતીય ટીમ વિદેશી ધરતી પર ઇંગ્લેન્ડમાં સર્વ પ્રથમ ટેસ્ટ રમી, તે ટીમમાં મર્ચન્ટ ન હતા. 1936માં ઇંગ્લેન્ડના પ્રવાસ વખતે તેઓ ઓપનિંગ બેટ્સમેન તરીકે ઝળકી ઊઠ્યા. બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનો વિજય મર્ચન્ટ અને સૈયદ મુશ્તાક અલીએ ભારતીય ટેસ્ટ ઇતિહાસની પ્રથમ બેવડી સદીની ભાગીદારી નોંધાવી. ટેસ્ટ ક્રિકેટના એક દાવમાં બંને ઓપનરોએ સદી (શતક/ સેંચ્યુરી) નોંધાવી હોય તેવો ભારતીય ક્રિકેટનો પ્રથમ બનાવ હતો. પહેલાં મુશ્તાક અલીએ 112 રન અને પછી તરત વિજય મર્ચન્ટે 114 રન કરી ઇતિહાસ રચ્યો. વિદેશમાં, ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સેંચ્યુરી કરનાર મુશ્તાક અલી પ્રથમ ભારતીય બેટ્સમેન હતા, વિજય મર્ચન્ટ બીજા ભારતીય બેટ્સમેન. તે પછી ત્રીજી ટેસ્ટમાં મર્ચન્ટે પ્રથમ દાવમાં 52 અને બીજા દાવમાં 48 રન કર્યા. ‘અનુપમા’ના વાચકોને ગર્વ થશે કે આવા ગૌરવભર્યા દેખાવ પછી ‘વિઝ્ડન’માં વિજય મર્ચન્ટને ‘ક્રિકેટર ઓફ ધ યર’ જાહેર કરાયા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1939-1945 દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. દુનિયામાં ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતતાનું ભયાવહ વાતાવરણ રહ્યું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો વર્ષો સુધી રદ થઈ. પરિણામે વિજય મર્ચન્ટ અને તત્કાલીન ક્રિકેટરોના મોટા વર્ગની કારકિર્દીને તે અરસામાં મોટો ધક્કો લાગ્યો.

દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરૂં થતાં, દસ વર્ષના લાંબા ગાળા પછી ભારતીય ટીમ 1946માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ, ત્યારે તેણે વોલિ હેમન્ડની કપ્તાની હેઠળના લેન હટન, ડેનિસ ક્રોમ્પ્ટન, એલેક બેડસર જેવા ધુરંધરો સામે બાથ ભીડવાની હતી. આ ટેસ્ટ સિરિઝમાં ત્રીજી અંતિમ ટેસ્ટમાં વિજય મર્ચન્ટની સદી યાદગાર બની. 1936 અને 1946ના બે ઇંગ્લેન્ડ પ્રવાસોમાં મર્ચન્ટના એકંદરે 4000થી વધુ રન થયા, જે તેમના સામર્થ્યનો પુરાવો છે.

પ્રતિકૂળ રાજકીય સંજોગોમાં અઢાર વર્ષના ગાળામાં વિજય મર્ચન્ટ માત્ર દસ ટેસ્ટ મેચ રમી શક્યા તે સમયની બલિહારી ગણાય! આ મહાન ભારતીય ક્રિકેટર કરિયરની છેલ્લી ટેસ્ટ 1951માં ઘર આંગણે દિલ્હીમાં ઇંગ્લેન્ડ સામે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમ્યા. ‘અનુપમા’ના વાચકોને આશ્ચર્ય થશે કે કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચમાં વિજય મર્ચન્ટે સદી કરીને 154 રન બનાવ્યા. એટલું જ નહીં, 40 વર્ષની ઉંમર વળોટીને ટેસ્ટ મેચમાં સદી કરનાર ભારતના પ્રથમ બેટ્સમેન બન્યા.

આજની તારીખમાં ય સૌથી મોટી ઉંમરે ટેસ્ટ સેંચ્યુરી કરનાર ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ વિજય મર્ચન્ટના નામે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિજય મર્ચન્ટની ઝળહળતી કારકિર્દી

પ્રથમ કક્ષાના ક્રિકેટમાં બેટિંગમાં આજે પણ વિજય મર્ચન્ટ ભારતમાં સૌથી વધારે રનની સરેરાશ (71.64) નો વિક્રમ ધરાવે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રનની એવરેજ ધરાવતા વિશ્વના બેટ્સમેનોમાં પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયાના ડોનાલ્ડ બ્રેડમેન 95.14 રન સાથે તથા બીજા સ્થાને ભારતના વિજય મર્ચન્ટ 71.64 રન સાથે છે. ભૂતકાળમાં વિજય મર્ચન્ટને ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ‘ડૉન બ્રેડમેન’ તરીકે પણ નવાજવામાં આવ્યા હતા.

પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1941માં માત્ર એક મહિનાના ગાળામાં વિજય મર્ચન્ટે સતત ચાર દાવમાં 17૦*, 243*, 221 અને 153* રન કરીને અનોખી સિદ્ધિ મેળવી હતી! ચાર દાવમાં 787 રન અને માત્ર એક જ વખત આઉટ!

1943માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિજય મર્ચન્ટે પાંચ દાવમાં ત્રણ શતક અને પાંચ અર્ધ શતકની મદદથી 865 રન કર્યા! આપ માની શકશો કે તે વર્ષે તેમની બેટિંગ સરેરાશ અવિશ્વસનીય 288 રનની હતી!!!

વિજય મર્ચન્ટ 1933થી 1951 સુધી બોમ્બે (મુંબઈ) માટે રણજી ટ્રોફી ક્રિકેટ રમ્યા. રણજી ટ્રોફી મેચોમાં તેમની બેટિંગ એવરેજ આશ્ચર્યજનક 98.35 (98.75?) રનની હતી!

પ્રથમ કક્ષાના ક્રિકેટમાં વિજય મર્ચંટની વિક્રમજનક અગિયાર બેવડી સદીઓ (ડબલ સેંચ્યુરી) નોંધાઈ હતી, જે ભારતીય ક્રિકેટમાં રેકોર્ડ બનીને 60 વર્ષો સુધી રહી. ઠેઠ 2017માં ચેતેશ્વર પૂજારાએ પોતાની ફર્સ્ટ ક્લાસ કરિયરની બારમી બેવડી સદી નોંધાવીને વિજય મર્ચન્ટનો રેકોર્ડ તોડ્યો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિજય હઝારેનો સંક્ષિપ્ત પરિચય

વિજય હઝારે પ્રથમ ભારતીય કેપ્ટન હતા, જેમણે ભારતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ટેસ્ટ વિજય અપાવ્યો. વિજય હઝારે પ્રથમ ભારતીય ક્રિકેટર હતા જેમણે એક ટેસ્ટના બંને દાવમાં સદી (શતક/ સેંચ્યુરી) નોંધાવી.

વિજય હઝારેનો જન્મ 1915માં સાંગલી (મહારાષ્ટ્ર) માં એક મધ્યમવર્ગીય ક્રિશ્ચિયન પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી અભ્યાસ કરતાં ક્રિકેટ અને ફૂટબોલ જેવી આઉટડોર રમતોમાં વધારે રસ હતો. યુવાન વિજયના ક્રિકેટ રસને મધ્યપ્રદેશના તત્કાલીન દેવાસ સ્ટેટના મહારાજા વિક્રમ સિંઘે ખીલવ્યો. તે સમયે બ્રિટીશ હિંદુસ્તાનમાં રાજા-યુવરાજાઓને ક્રિકેટના કોચિંગ માટે ઑસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ બોલર ગ્રિમેટ આવ્યા હતા. દેવાસના મહારાજાએ વિજય હઝારે માટે ગ્રિમેટની સલાહ લીધી. મહાન સ્પિનર ગ્રિમેટની સલાહથી હઝારેએ બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ભારતને એક મહાન બેટ્સમેન – કેપ્ટન મળ્યો.

બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમ્યાન ઇન્ટરનેશનલ ક્રિકેટ શક્ય ન બન્યું ત્યારે પેન્ટેંગ્યુલર મેચ અને રણજી ટ્રોફી મેચ જેવા ડોમેસ્ટિક ક્રિકેટની મહત્તા અને લોકચાહના વધી ગઈ. વિજય હઝારે અને વિજય મર્ચન્ટ જેવા ક્રિકેટરોએ ઘર આંગણાના ક્રિકેટમાં પ્રાણ પૂર્યો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિજય હઝારેની શાનદાર કારકિર્દી

ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર વિજય હઝારે હતા.

સતત ત્રણ ટેસ્ટ મેચમાં દરેકમાં શતક લગાવનાર પહેલા ભારતીય ક્રિકેટર હઝારે હતા.

વિજય હઝારેએ જાન્યુઆરી 1940માં રણજી ટ્રોફી મેચમાં મહારાષ્ટ્ર તરફથી રમતાં અણનમ 316 રન કર્યા અને ભારતના પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રથમ ત્રેવડી સદી નોંધાવી.

બત્રીસેક વર્ષની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં વિજય હઝારે 58.38 રનની બેટિંગ એવરેજથી 18,740 રન કર્યા અને 24.61 રનની એવરેજથી 595 વિકેટો ઝડપી.

1943માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિજય હઝારેએ 11 દાવ રમીને પાંચ શતક અને ત્રણ અર્ધશતક સાથે  1423 રન કર્યા. તે વર્ષે તેમની બેટિંગ સરેરાશ હતી 177 રનની!

ભારતીય ટીમના 1946ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેમનો ઓલ રાઉન્ડ દેખાવ પ્રશંસનીય હતો. હઝારેએ 49.77 રનની એવરેજથી 1344 રન કર્યા  અને 24.75 રનની એવરેજથી 56 વિકેટો લીધી.

1946-47ની રણજી ટ્રોફી સિઝનમાં બરોડા વતી રમતાં હઝારેએ એક વિશ્વ વિક્રમ રચ્યો. હઝારેએ ગુલ મહમ્મદ સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં 577 રન જોડી ચોથી વિકેટ માટે હાઇએસ્ટ પાર્ટનરશીપનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમાં વિજય હઝારેના 288 રન હતા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1947-48માં ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વાર ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો. તેમાં પાંચ ટેસ્ટની સિરિઝ ભારતીય ટીમ 0-4 થી શ્રેણી હારી. ઓસ્ટ્રેલિયાની પહેલી ટૂર હોવાથી ભારતીય ક્રિકેટરો પિચ અને  આબોહવાથી અજાણ હતા! આ શ્રેણી 39 વર્ષની ઉંમરના ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સર ડૉનાલ્ડ બ્રેડમેનના નામે રહી, પરંતુ સામે વિજય હઝારેએ પણ ભારતનું શિર ઊંચે રાખ્યું. નવેમ્બર 1947માં પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 382 રન (આઠ વિકેટે ડિકલેર્ડ) માં ડોન બ્રેડમેને એકલા હાથે 185 રન કર્યા; જવાબમાં ભારતની ટીમ બે દાવમાં 58 (ફોલો ઓન) અને 98 રન પર આઉટ થઈ ગઈ!  જાન્યુઆરી 1948માં મેલબોર્નમાં ખેલાયેલ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન ડોનાલ્ડ બ્રેડમેનની બંને દાવમાં સદી નોંધપાત્ર હતી. તેમણે પ્રથમ દાવમાં 132 અને બીજા દાવમાં 127 નોટઆઉટ રન કર્યા.

એડેલેઇડની ચોથી ટેસ્ટમાં ડૉન બ્રેડમેનના 201 રનના સ્કોર સાથે ઓસ્ટ્રેલિયાએ 674 રનનો જંગી જુમલો મૂક્યો. ભારતની ટીમ ફોલો ઓન થઈ અને ઇનિંગ્સથી હારી. પણ બંને દાવમાં હઝારેની મર્દાનગીભરી રમત વિક્રમ સર્જી ગઈ. વિજય હઝારેએ પ્રથમ દાવમાં 116 અને બીજા દાવમાં 145 રન કરી ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં અનોખો રેકોર્ડ બનાવ્યો. ટેસ્ટ મેચના બંને દાવમાં શતક (સદી/ સેંચ્યુરી) કરનાર વિજય હઝારે પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિજય મર્ચન્ટ અને વિજય હઝારે: વિક્રમ પર વિક્રમની વણઝાર

1946નો ભારતીય ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ.

1946ના જુલાઈની ત્રીજીએ ભારતીય ટીમની લેંકેશાયર સામે ત્રણ દિવસની મેચ ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ખાતે હતી. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે વિજય મર્ચન્ટે અણનમ 242 રન કરી ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું. જુલાઈની તેરમીએ ભારતની યોર્કશાયર સામે શેફિલ્ડમાં ત્રણ દિવસની મેચ શરૂ થઈ. તે મેચમાં વિજય હઝારેએ અણનમ 244 રન કરી મર્ચંટના રેકોર્ડને ઝાંખો પાડી દીધો!

1943માં ડિસેમ્બરમાં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ પર હિંદુ ટીમ વિરૂદ્ધ રેસ્ટ ઑફ ઇન્ડિયા ટીમની પેન્ટાન્ગ્યુલર મેચ હતી. વિજય મર્ચન્ટની કપ્તાની નીચે હિંદુ ટીમે પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટ પર 581 રનના જંગી જુમલા પર દાવ ડિકલેર્ડ કર્યો. હિન્દુ ટીમના મોટા સ્કોરમાં વિજય મર્ચન્ટના અણનમ 250 રનનું વિક્રમજનક યોગદાન હતું. તેમણે હેમુ અધિકારી (186 રન) સાથે ત્રીજી વિકેટની 345 રનની સંગીન ભાગીદારી કરી. હિંદુ ટીમની પાંચ વિકેટોમાંથી ત્રણ વિકેટો તો વિજય હઝારેએ ઝડપી!

જવાબમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 133 રન પર આઉટ થઈ ગઈ હતી, જેમાં વિજય હઝારેના 59 મુખ્ય હતા. ફોલો ઓન થયેલી રેસ્ટની ટીમની બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટો માત્ર 60 રન પર પડી ગઈ. આવા હતાશાભર્યા સંજોગોમાં વિજય હઝારેએ લડાયક રમત ખેલી નવો વિક્રમ રચતા 309 રન બનાવ્યા. મઝાની વાત એ કે વિજય હઝારેએ પોતાના નાના ભાઈ વિવેક હઝારે સાથે છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 300 રન ઉમેર્યા. વિવેક હઝારે સાધારણ બેટિંગ કરી જાણતા બોલર હતા. આવા વિવેક હઝારેએ પોતાના 21 રન, માત્ર 21 રન બનાવવા માટે પાંચ કલાક મેદાન પર ઝઝૂમતા રહીને મોટાભાઈ વિજય હઝારેને મજબૂત ટેકો આપ્યો. જ્યારે રેસ્ટની ટીમના આઠ ખેલાડીઓ સિંગલ ડિજિટ (એક આંકડાના) સ્કોર પર આઉટ થયા, ત્યારે વિજય હઝારેએ ત્રેવડી સદી (ટ્રિપલ-સેન્ચ્યુરી) ફટકારીને વિક્રમસર્જક ઇતિહાસ રચ્યો. તે પેન્ટેન્ગ્યુલર મેચમાં હિંદુ ટીમ સામે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ હારી, પરંતુ મર્ચન્ટ-હઝારે વચ્ચેના ઝમકદાર મુકાબલાને કારણે તે મેચ અવિસ્મરણીય બની ગઈ.

ભારતીય ક્રિકેટ વર્તમાન સમયે ક્રિકેટ જગતમાં ઉત્તુંગ શિખરે પહોંચ્યું છે. ખેદની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની લોભામણી ચકાચોંધમાં ડોમેસ્ટિક ક્રિકેટ ઉપેક્ષિત થાય છે. આપણને ઉત્તમ ક્રિકેટરો મળ્યા છે, નવા વિક્રમો બને છે, બધું સાચું. પરંતુ ઘર આંગણાના ક્રિકેટનો જે રોમાંચ મળતો હતો, તે ખોવાયેલો લાગે છે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અનુપમા લેખ: ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ: વિજય મર્ચન્ટ અને વિજય હઝારે
  • ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વિજય મર્ચન્ટ અને વિજય હઝારે વિક્રમસર્જક ક્રિકેટરો
  • ભારતના પ્રથમ કક્ષાના ક્રિકેટ – ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ – માં વિજય મર્ચન્ટ સૌથી વધારે રનની બેટિંગ એવરેજ સાથે ટોચ પર; વિશ્વ ક્રિકેટરોમાં ડોન બ્રેડમેન પછી બીજા નંબરે
  • ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચમાં સદી (શતક/ સેન્ચ્યુરી) કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન વિજય મર્ચન્ટ; ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરે ટેસ્ટ મેચમાં શતક લગાવનાર પણ વિજય મર્ચન્ટ
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતને સૌ પ્રથમ ટેસ્ટ વિજય અપાવનાર કેપ્ટન વિજય હઝારે
  • વિજય હઝારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રથમ ત્રેવડી સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી
  • એક ટેસ્ટના બંને દાવમાં સદી કરનાર વિજય હઝારે સર્વ પ્રથમ ભારતીય ક્રિકેટર
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર વિજય હઝારે
  • વિજય મર્ચન્ટ: Vijay Merchant (1911-1987)
  • વિજય હઝારે: Vijay Hazare (1915-2004)

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

One thought on “ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ: વિજય મર્ચન્ટ અને વિજય હઝારે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s