વિસરાતી વાતો

ભારતીય ટેસ્ટ ક્રિકેટના આરંભનો રોમાંચક ઇતિહાસ

ભારતમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય રમત રહી છે. અંગ્રેજ હકૂમતે ક્રિકેટનો ઉપયોગ કુનેહપૂર્વક પોતાના સ્વાર્થી હેતુઓ માટે કર્યો હતો તેમ કહેવું ખોટું નથી. ક્રિકેટની રમતમાં રસ લેનાર હિંદુસ્તાની પ્રજામાં બૉમ્બે (મુંબઈ) ની પારસી કોમ અગ્રેસર હતી. પારસી પ્રજા વ્યાપાર ઉદ્યોગમાં સફળ થઈ, સમાજમાં મોભાદાર બની, વળી  બ્રિટીશ રાજમાં વગદાર પણ બની. યુરોપિયનોના પ્રભાવ નીચે પરિવર્તન પામતાં મુંબઈમાં પારસીઓ પર અંગ્રેજી રહેણીકરણીની ગાઢી અસર પડી.

મુંબઈમાં પારસી ક્રિકેટ ક્લબ આંતરરાષ્ટ્રીય ધોરણે નામ કાઢનાર પ્રથમ હિંદુસ્તાની ક્રિકેટ ક્લબ હતી. પારસી ક્લબના પગલે બ્રિટીશ હિંદુસ્તાનમાં ક્રિકેટની રમત પ્રસાર પામી. બૉમ્બે પ્રેસિડેન્સી મેચોથી આગળ વધી ટ્રાઇએન્ગ્યુલર, ક્વોડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ્સ યોજાતી થઈ તેનો ઉચિત શ્રેય પારસીઓને આપવો ઘટે. પ્રેસિડેંસી મેચ તથા ટ્રાઇએંગ્યુલર બૉમ્બે ટુર્નામેન્ટ્સ ભારતને ટેસ્ટ પ્રવેશ સુધી લઈ જવામાં મદદરૂપ બની. અંગ્રેજ શાસન નીચે હોવાથી સ્વાભાવિક રીતે ભારત તેની સૌ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે રમ્યું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ પ્રવેશે ભારત 1932માં ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટ મેચ રમ્યું. પછી 1933-34માં ઇંગ્લેંડ ભારતના પ્રવાસે આવ્યું અને ત્રણ ટેસ્ટ મેચો રમ્યું.

આવો, ‘અનુપમા’ના આજના લેખમાં ભારતના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના આરંભની રોમાંચક કહાણીઓ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે ]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈની ટ્રાઇએન્ગ્યુલર, ક્વોડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ્સ

બ્રિટીશ રાજના હિંદુસ્તાનમાં પારસી સમાજ પ્રગતિશીલ હતો. 1846-48માં બૉમ્બે (મુંબઈ) માં સ્થપાનાર પહેલી ક્રિકેટ ક્લબ પારસીઓની ‘ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ હતી. સમયાંતરે તે યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્રિકેટ ક્લબ કે પારસી ક્રિકેટ ક્લબના નામે વિકાસ પામી. તે પછી 1875માં બૉમ્બે જિમખાના/ જીમખાના રૂપે યુરોપિયનો માટે મુંબઈમાં પ્રથમ ક્લબની સ્થાપના થઈ. બ્રિટીશરો- યુરોપિયનો સહિતના વિદેશીઓ માટે આ પહેલી ક્રિકેટ ક્લબ હતી. બોમ્બે જીમખાના અને પારસી ક્રિકેટ ક્લબ વચ્ચે નિયમિત ક્રિકેટ મેચો રમાવા લાગી. આપે ‘મધુસંચય’ના લેખમાં વાંચેલ છે કે પારસીઓની ટીમ 1886 અને 1888માં બે વાર ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ આવી.

મુંબઈમાં બોમ્બે જીમખાનાના ગ્રાઉન્ડ પર રમાતી પારસી-યુરોપિયનો વચ્ચેની મેચો બોમ્બે પ્રેસિડેન્સી મેચ તરીકે ઓળખાતી. 1906-07માં આ મેચોમાં હિન્દુ જિમખાના જોડાયું. યુરોપિયન, પારસી અને હિંદુઓ વચ્ચે ત્રિકોણીય સ્પર્ધા – બોમ્બે ટ્રાઇએન્ગ્યુલર ટુર્નામેન્ટ શરૂ થઈ. તેમાં મુસ્લિમ જિમખાના (મોહમેડન જિમખાના) ના મુસ્લિમો જોડાતાં ક્રિકેટ સ્પર્ધા ચતુરંગી બની અને તે ક્વોડ્રેન્ગ્યુલર ટુર્નામેંટ તરીકે ઓળખાઈ. 1937માં ‘રેસ્ટ ઑફ ઇન્ડિયા’ની ટીમ ઉમેરાતાં યુરોપિયન, પારસી, હિંદુ, મુસ્લિમ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચેની પંચરંગી સ્પર્ધાને ‘બૉમ્બે પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ’ નામ અપાયું. આપે ‘અનામિકા’ પર બૉમ્બે પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ વિશે સવિસ્તર લેખ વાંચ્યો છે. 1947માં ભારત સ્વતંત્ર થતાં સામ્રાજ્યવાદી અંગ્રેજ હકૂમતે બનાવેલી કોમવાદી, વર્ણવાદી સ્પર્ધાઓને તિલાંજલિ અપાઈ.

ભલે મુંબઈની ટ્રાયેંગ્યુલર, ક્વોડ્રેંગ્યુલર અને પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટ્સ બ્રિટીશરોની ભાગલાવાદી નીતિ પર આધારિત હતી, છતાં તેણે સારા કે ખોટા હેતુથી ભારતમાં ક્રિકેટની રમતના એવા મજબૂત પાયા નાખ્યા કે આજે આપણને સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, વિરાટ કોહલી જેવા વિશ્વવિક્રમ સર્જક ક્રિકેટરો મળ્યા છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો પ્રવેશ

બોમ્બે જીમખાના મેદાન પર યુરોપિયનો અને પારસીઓ વચ્ચે રમાતી સ્પર્ધાત્મક પ્રેસિડેન્સી મેચોથી ભારત પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ્યું. ઓફિશિયલી, 1892ના ઓગસ્ટમાં પ્રેસિડેન્સી મેચને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો દરજ્જો મળ્યો અને દેશમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો આરંભ થયો.

દરમ્યાન ભારત અને ઇંગ્લેન્ડની બિનઅધિકૃત ક્રિકેટ ટીમોએ એકબીજાના દેશોના પ્રવાસો કર્યા. 1928માં ભારતીય ક્રિકેટના નિયમન માટે ‘બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા’ – બીસીસીઆઇ – ના નામે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સ્થપાયું. બીસીસીઆઇની સ્થાપના પછી ભારતના ટેસ્ટ પ્રવેશના પ્રયાસો વેગીલા બન્યા. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેના સફળ પ્રવાસો અને ક્રિકેટનાં ધોરણોની સમીક્ષા પછી ભારતને ટેસ્ટ ક્રિકેટનું સ્ટેટસ મળ્યું.

ભારત તેની સૌથી પહેલી ટેસ્ટ રમવા 1932માં ઇંગ્લેંડની ટૂર કરે તેમ નક્કી થયું. ઑફિશિયલ ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડના પ્રથમ અધિકૃત પ્રવાસમાં બંને દેશો વચ્ચે એક માત્ર ટેસ્ટ લંડનના લોર્ડ્ઝના ગ્રાઉન્ડ પર જૂન 1932માં આયોજાઈ.

ભારતીય ક્રિકેટ ટીમનો પ્રથમ ઇંગ્લેન્ડ પ્રવાસ: 1932

1932નો ઇંગ્લેન્ડ પ્રવાસ ભારતની અધિકૃત ક્રિકેટ ટીમનો પહેલો વિદેશ પ્રવાસ હતો. તેમાં એક ટેસ્ટ સાથે કેટલીક પ્રથમ કક્ષાની મેચ રમવાની હતી. ભારતની પહેલી ફર્સ્ટ ક્લાસ મેચ સસેક્સ કાઉન્ટી સામે હતી જેમાં કેપ્ટન પોરબંદરના મહારાજા રાણા નટવરસિંહજી ભાવસિંહજી હતા. સસેક્સ સામે પ્રવાસની પ્રથમ મેચમાં પ્રથમ દાવમાં નાઝિર અલીએ 44 રન કર્યા અને 5 વિકેટો ઝડપી! સીકે નાયડુએ બીજા દાવમાં 67 રન કર્યા. ડ્રૉ થયેલી આ મેચમાં ભારતીય પ્રિન્સ દુલીપસિંહજી સસેક્સની ટીમમાંથી ભારત સામે રમ્યા હતા!! ગ્લેમોર્ગન સામેની બીજી મેચ ડ્રો થઈ, છતાં ભારતના  એસ વઝિરઅલીના નોટ આઉટ 108 રનને કારણે કારણે મેચ યાદગાર બની.

ઑક્સફોર્ડ યુનિવર્સિટી સામેની ત્રીજી મેચ ભારતે જીતીને ટૂરની પહેલી જીત મેળવી. લિમડીના પ્રિન્સ ઘનશ્યામસિંહજી (કેએસ લિમ્બડી) ની કપ્તાનીમાં ભારતની ટીમે પ્રથમ દાવમાં એસ વઝિર અલીના 132 તથા સી કે નાયડુના 85 રનની મદદથી 324 રન કર્યા. ઑક્સફોર્ડની ટીમ 132 રન પર ઓલ આઉટ થતાં ફોલો ઓન થઈ અને છેવટે હારી! મોહમ્મદ નિસ્સારે 24 ઓવરમાં 32 રન આપી 6 વિકેટો ઝડપીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. ઓક્સફોર્ડ યુનિવર્સિટી ટીમને હરાવીને ભારતની ટીમે વાહવાહી મેળવી.

લોર્ડ્ઝ (લંડન) ના મેદાન પર મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) સામેની ડ્રો ગયેલ મેચમાં સી કે નાયડુએ અણનમ 116 રન કર્યા. ક્રિકેટનું કાશી કહેવાતા લોર્ડ્ઝના ગ્રાઉન્ડ પર સદી કરનાર સી કે નાયડુ પ્રથમ ભારતીય ક્રિકેટર (ભારતીય ટીમના ક્રિકેટર) બન્યા. આવી કેટલીક ફર્સ્ટ ક્લાસ મેચો રમ્યા પછી ભારતની ટીમ લંડનના લોર્ડ્ઝના મેદાન પર તેની સૌ પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ રમવા સજ્જ થઈ.

ભારતની પહેલી જ ટેસ્ટ મેચમાં પ્રથમ કેપ્ટન બન્યા સી કે નાયડુ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્રિકેટના ઇતિહાસમાં ભારતની પ્રથમ ટેસ્ટ

ભારતના ક્રિકેટ ઇતિહાસની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે 1932માં જૂન 25-28 દરમ્યાન લોર્ડ્ઝ (ગ્રેટર લંડન) ના ગ્રાઉન્ડ પર ખેલાઈ. 25 જૂનથી 28 જૂનની ચાર દિવસની ટેસ્ટમાં 26મી જૂન રવિવાર આરામનો દિવસ (નો પ્લે) હતો. આમ, ટેસ્ટ મેચ ખરેખર તો ત્રણ જ દિવસ રમાનાર હતી!

  • 1932માં ભારત સૌ પ્રથમ ઓફિશિયલ ટેસ્ટ મેચ રમ્યું ત્યારે તેની સામે કેટકેટલા પડકારો હતા!
  • એક તો ભારતીય  ટીમનો પહેલો વિદેશ પ્રવાસ, ત્રણ-ચાર અઠવાડિયાની દરિયાઈ મુસાફરી, ઇંગ્લેંડનું વણચિંતવ્યું હવામાન, અજાણી સંસ્કૃતિમાં અજાણ્યા લોકો સામે રમવાનું, આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચથી તદ્દન અનભિજ્ઞ ટીમ, પ્રતિસ્પર્ધી તરીકે ક્રિકેટજનક દેશની 45 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમતી અનુભવી ટીમ અને તેના વિક્રમી ક્રિકેટરો!
  • સ્વાભાવિક છે સદીઓથી ગળથૂથીમાં ક્રિકેટ પામેલી ઇંગ્લિશ ટીમ સામે ભારતીય ટીમ નવા નિશાળિયા સમી હતી!
  • આ ઐતિહાસિક ટેસ્ટ માટેની ભારતીય ટીમના સર્વ પ્રથમ કેપ્ટન સી કે નાયડુ હતા.
  • ટીમમાં વઝિર અલી અને નાઝિર અલી ઉપરાંત મોહમ્મદ નિસાર અને અમર સિંઘ જેવા બોલર હતા.
  • ઇંગ્લિશ ટીમમાં કેપ્ટન જાર્ડિન ઉપરાંત હોમ્સ, સટક્લિફ અને વોલ્ટર હેમંડ (વોલિ હેમન્ડ) જેવા પ્લેયર્સ હતા.
  • ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન પર્સિ હોમ્સ અને હર્બર્ટ સટક્લિફ હતા.
  • ફર્સ્ટ ટેસ્ટ પહેલાં, 16મી જૂનના રોજ એક પ્રથમ કક્ષાની કાઉંટી મેચમાં સટ્ક્લિફ-હોમ્સની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 555 રન બનાવી વર્લ્ડરેકોર્ડ રચ્યો હતો.
  • ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની પ્રથમ વિકેટની વિશ્વવિક્રમી ભાગીદારીનો 555 રન પર અંત આવ્યો, જ્યારે હર્બર્ટ સટક્લિફ 313 રન કરી આઉટ થયા, પણ પર્સી હોમ્સ 214 રન કરી નોટ આઉટ રહ્યા હતા.
  • આવી હોમ્સ-સટ્ક્લિફની ઓપનિંગ પેર સામે ભારત ટેસ્ટ ક્રિકેટના શ્રીગણેશ કરવાનું હતું.

વર્ષ 1932. ભારતનો ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ.

25 જૂન, 1932. લંડનનું લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ. ભારત – ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ.

ઇંગ્લેન્ડે ટોસ જીતી દાવ શરૂ કર્યો. હર્બર્ટ સટ્ક્લિફ – પર્સિ હોમ્સની ઓપનિંગ જોડી સામે ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ નિસ્સાર અને અમર સિંઘ બોલિંગમાં ઉતર્યા.

ઇંગ્લેંડનો સ્કોર 8 રને પહોંચ્યો, ત્યારે નિસ્સારના એક બોલને ચૂકી જતાં સટક્લિફ ક્લિન બોલ્ડ! સ્ટેડિયમમાં સન્નાટો! હોમ્સ સાથે સમર્થ બેટ્સમેન ફ્રેન્ક  વુલિ જોડાયા. ઇંગ્લેન્ડ 11 રન પર પહોંચ્યું અને બીજી વિકેટ! પર્સિ હોમ્સ નિસ્સારના બોલ પર ક્લિન બોલ્ડ! આઠેક દિવસ પહેલાં જ ઓપનિંગ પાર્ટનરશીપમાં 555 રન કરી વિશ્વવિક્રમ બનાવનાર સટક્લિફ અને હોમ્સ 11 રનમાં પેવેલિયન ભેગા! પછી 19 રનના જુમલે ફ્રેન્ક વુલિ રન આઉટ! જો કે વૉલિ હેમન્ડ અને કેપ્ટન જાર્ડિને બાજી સુધારી. ઇંગ્લિશ કેપ્ટન જાર્ડિનને ભારતીય કેપ્ટન સી કે નાયડુએ આઉટ કર્યા. ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં 259 રન પર ઓલ આઉટ થયું. નિસ્સારની 5 વિકેટો, જ્યારે અમર સિંઘ અને નાયડુ દરેકની બબ્બે વિકેટો.

ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં 189 પર ઓલ આઉટ થયું, જેમાં કેપ્ટન સી કે નાયડુના 40 રન મુખ્ય હતા. ઇંગ્લેન્ડે તેનો બીજો દાવ 8 વિકેટે 275 ના જુમલે ડિકલેર્ડ કર્યો. તેની સામે ભારતની ટીમ માત્ર 187માં ખખડી જતાં ઇંગ્લેન્ડની જીત થઈ. આમ, ભારત ટેસ્ટ પ્રવેશે જ, તેની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ 158 રનંથી હારી ગયું!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઇંગ્લેન્ડની ટીમનો પ્રથમ ભારત પ્રવાસ: 1933-34

વર્ષ 1933-34માં ઇંગ્લેન્ડની ટીમ પહેલી વાર ભારતના અધિકૃત પ્રવાસે આવી. ઑક્ટોબર 1933 થી માર્ચ 1934 દરમ્યાન એમસીસી (મેરિલબોન ક્રિકેટ ક્લબ) – ઇંગ્લેંડની ટીમ ભારતમાં પ્રથમ કક્ષાની મેચો ઉપરાંત ત્રણ ટેસ્ટ મેચ રમી. દરેક ટેસ્ટ મેચ ચાર દિવસ માટે રમાઈ હતી. પ્રવાસી ઇંગ્લિશ ટીમના સુકાની જાર્ડિન હતા, તો ભારતીય ટીમના સુકાની સી. કે. નાયડુ હતા.

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શૃંખલાની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ બૉમ્બે (મુંબઈ) ના જિમખાના ગ્રાઉન્ડ પર, બીજી ટેસ્ટ કલકત્તા (કોલકતા) ના ઇડન ગાર્ડન ગ્રાઉંડ પર તથા ત્રીજી ટેસ્ટ મદ્રાસ (ચેન્નઇ) ના ચેપોક ગ્રાઉન્ડ પર રમાઈ.

1933માં 15-18 ડિસેમ્બરના રોજ રમાયેલ મુંબઈની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની 9 વિકેટથી જીત થઈ. બોમ્બે જીમખાના મેદાન પરની આ ટેસ્ટમાં ભારતના કીર્તિમાન ક્રિકેટરો વિજય મર્ચંટ અને લાલા અમરનાથ પોતાની પ્રથમ મેચ (ડેબ્યુ મેચ) રમ્યા હતા. લાલા અમરનાથે બીજા દાવમાં શતક બનાવી ટેસ્ટ પ્રવેશે સદી કરવાનો ભારતીય રેકોર્ડ બનાવ્યો. આ મેચમાં ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી.

સ્કોરબોર્ડ: ભારત 219 અને  258 (લાલા અમરનાથ 118, સીકે નાયડુ 67)

ઇંગ્લેન્ડ 438 (જાર્ડિન 60, વેલેન્ટાઇન 136) તથા 40 રન એક વિકેટે.

1934ના 5-8 જાન્યુઆરીના રોજ ઇડન ગાર્ડન પર રમાયેલ કોલકતાની બીજી ટેસ્ટ ડ્રો ગઈ. ટોસ જીતીને ઇંગ્લિશ ટીમે બેટિંગ લીધી. સ્કોર:  ઇંગ્લેંડ 403  તથા 7/2 વિકેટે. ભારત 247 અને 237.

1934ના 10-13 ફેબ્રુઆરીના રોજ ચેપોક ગ્રાઉંડ, ચેન્નાઇની ત્રીજી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ જીતી ગયું. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી. આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ભારતના ફાસ્ટ બોલર અમર સિંઘે 7 વિકેટો ઝડપી, તો ઇંગ્લેન્ડના વેરિટીએ મેચમાં 11 વિકેટો ઝડપી!

સ્કોર: ઇંગ્લેન્ડ 335  તથા  261/7 વિકેટે. ભારત 145 અને 289.

આમ, 1933-34 ના ભારત પ્રવાસમાં ઇંગ્લેન્ડ ત્રણ ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી ગયું.

ત્યાર પછી દુનિયાભરમાં દ્વિતીય વિશ્વયુદ્ધનાં વાદળાં ઘેરાવાં લાગ્યાં. 1939-1945 દરમ્યાન વિનાશકારી બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં ક્રિકેટ પ્રવાસોના આયોજન ન થયા. ભારત-ઇંગ્લેંડ વચ્ચેની ક્રિકેટ શ્રેણી ઇંગ્લેન્ડમાં 1946માં રમાઈ. તેની વાત હવે પછી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અનુપમા લેખ: ભારતીય ટેસ્ટ ક્રિકેટના આરંભનો રોમાંચક ઇતિહાસ
  • ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ (1848); ભારતીયો માટે ભારતની પહેલી ક્રિકેટ ક્લબ: Oriental Cricket Club, Bombay (Mumbai)
  • ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ/ પારસી ક્રિકેટ ક્લબ/ યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્લબ: Oriental Cricket Club/ Parsee Cricket Club/ Parsi Cricket Club/ Young Zoroastrian Club
  • બૉમ્બે જિમખાના/ મુંબઈ જીમખાના; મુંબઈ: Bombay Gymkhana, Mumbai
  • બૉમ્બે પ્રેસિડેન્સી મેચ: Bombay Presidency Match
  • બીસીસીઆઇ – બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા: BCCI – Board of Control for Cricket in India
  • ભારતની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચલોર્ડ્ઝ લંડન, 25-28 જૂન 1932: The First cricket Test match played by India – 25-28 June 1932 at Lords, London against England
  • ઇંગ્લેન્ડની ટીમનો પ્રથમ ભારત પ્રવાસ 1933-34: The first tour of official Indian cricket team abroad (England) in 1933-34
  • ભારતમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ – બોમ્બે જિમખાના ગ્રાઉન્ડ, મુંબઈ – 15-18 ડિસેમ્બર 1933: The first-ever Test match played by an Indian team in India – Bombay Gymkhana Ground, Mumbai – 15-18 December 1933
  • દ્વિતીય વિશ્વયુદ્ધ/ બીજું વિશ્વયુદ્ધ: Second World War 1939 -1945

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અંગ્રેજોએ પોતાના આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ શી રીતે વિકસાવી તે વિશે અહીં વાંચો

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

1 thoughts on “ભારતીય ટેસ્ટ ક્રિકેટના આરંભનો રોમાંચક ઇતિહાસ

Leave a comment