વિસરાતી વાતો

આપબળે અગ્રણી હોટેલિયર બન્યા એમ એસ ઓબેરોય – ભારતમાં લક્ઝરી હોટેલ ઉદ્યોગના મહારથી

 

વીસમી સદીના આરંભે વિશ્વ ફલક પર બ્રિટીશ હિંદુસ્તાનના હોટેલ ઉદ્યોગનું કોઈ નામ ન હતું, દેશની ગણીગાંઠી હોટેલો જાણે વિદેશીઓ અને અંગ્રેજોની મહેરબાની ભોગવતા અતિ શ્રીમંત હિંદુસ્તાનીઓ માટે જ ચાલતી હતી. આવા જમાનામાં બે હિંદુસ્તાનીઓએ પોત પોતાની હોટેલ ઊભી કરવા હિંમત કરી અને ભારતીય હોટેલ ઉદ્યોગનો પાયો નાખ્યો. પ્રથમ, વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ જમશેદજી ટાટા અને બીજા, અવ્વલ હોટેલિયર મોહન સિંઘ ઓબેરોય. બંને મહાનુભાવો પાસે વ્યવસાય માટે બેનમૂન કુનેહ અને અમાપ દીર્ઘદર્શિતા હતાં. જમશેદજી ટાટાના ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી કંપની ‘ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ – આઇએચસીએલ તરીકે તથા મોહન સિંઘ ઓબેરોયની કંપની ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સ લિમિટેડ –  ઇઆઇએચએલ EIHL – (ઓબેરોય ગ્રુપ ઑફ હોટેલ્સ) ભારતીય હોટેલ ઉદ્યોગની અગ્રિમ લક્ઝરી હોટેલ શૃંખલાઓ તરીકે પ્રસિદ્ધિ પામી છે. એમ એસ ઓબેરોય તરીકે જાણીતા રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોય પંજાબના એક નાનકડા ગામમાં જન્મ્યા અને આપબળે ભારતના અગ્રણી ઓબેરોય લક્ઝરી હોટેલ ચેઇનના મહારથી બન્યા.

‘અનુપમા’ના આજના લેખમાં આપણે રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોયની અવિરત  સંઘર્ષ ભરી જીવન ગાથા પર નજર નાખીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બ્રિટીશ હિંદુસ્તાનમાં હોટેલોનો આરંભ

અમારા બ્લૉગ ‘મધુસંચય’ના લેખ (22/04/2020) માં આપે વાંચ્યું કે અંગ્રેજ હકૂમતના હિંદુસ્તાનમાં કેવી રીતે હોટેલો સ્થપાતી ગઈ. જો કે ઇતિહાસ સ્પષ્ટ નથી, આ બધી હોટેલો વિશે ગૂંચવાડાભરી માહિતી જ મળે છે.

યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિકાળમાં ભારતમાં અંગ્રેજી હકૂમત પગદંડો જમાવતી હતી. ઓગણીસમી સદીમાં દેશમાં અંગ્રેજ શાસનનું મુખ્ય મથક કલકત્તા (હાલ કોલકતા) હતું, ત્યારે અન્ય મહત્વનાં શહેરો બૉમ્બે (હાલ મુંબઈ) અને ચેન્નાઇ (હાલ મદ્રાસ) હતાં. આ ત્રણે શહેરોમાં હોટેલો ભારતની સૌથી જૂની હોટેલો ઊભી થઈ.

પાશ્ચાત્ય ધોરણની આધુનિક સુખ-સુવિધાપૂર્ણ હોટેલોની વાત કરીએ તો, ભારતની સૌ પ્રથમ હોટેલ મનાતી કલકત્તાની સ્પેન્સ હોટેલ એશિયાની સૌથી પ્રાચીન હોટેલ ગણાય છે. આપે ‘મધુસંચય’ બ્લૉગ પર વાંચ્યું કે વર્ષ 1830માં શરૂ થયેલી સ્પેન્સ હોટેલ હિંદુસ્તાનની સૌથી જૂની હોટેલ મનાય છે. કલકત્તાની બીજી જૂની હોટેલોમાં ઓકલેન્ડ હોટેલ – ગ્રેટ ઇસ્ટર્ન હોટેલ તથા ચૌરંઘીની ગ્રાન્ડ હોટેલનો સમાવેશ થાય.

1853માં બૉમ્બે (મુંબઈ) માં રેલવે ટ્રેઇનની શરૂઆત થતાં શહેરનો વિકાસ ઝડપી થયો. જોકે મુંબઈની જૂની હોટેલોમાં ફોર્ટ વિસ્તારની બ્રિટીશ હોટેલ પહેલી આવે. મુંબઈના વિકાસમાં વાડિયા પરિવારથી માંડી અગણિત પારસીઓનો ફાળો મોટો. વર્ષ 1840માં શાપુરજી પાલનજી નામક પારસી સજ્જનની આગેવાનીમાં પાશ્ચાત્ય ઢબે છબે  બ્રિટીશ હોટેલ શરૂ થઈ હતી. છતાં મુંબઈની જૂની હોટેલમાં વોટ્સન એસ્પ્લેનેડ હોટેલ (વોટ્સન હોટેલ) સ્મૃતિપટલ પર પહેલી ઊભરે!

અમારા બ્લૉગ ‘અનુપમા’ના લેખ (30/032019) માં આપ વાચકોએ જાણ્યું કે વિશ્વનો સૌ પહેલો જાહેર ફિલ્મ શો ફ્રાન્સના પેરિસ શહેરમાં લ્યુમિયેર બ્રધર્સ દ્વારા વર્ષ 1895માં યોજાયો, તે પછી ભારતમાં, ભારતનો સૌ પ્રથમ ફિલ્મ શો મુંબઈના ફોર્ટ-કોલાબા વિસ્તારની વોટ્સન હોટેલમાં થયો, જ્યાં 1896ના જુલાઈમાં લ્યુમિયેર બ્રધર્સની ફિલ્મોનો શો યોજાયો. આ અરસામાં જમશેદજી ટાટા (જમસેત્જી ટાટા) ના ટાટા ગ્રુપે  બોમ્બેમાં લક્ઝરી હોટેલ ઊભી કરવાનાં સ્વપ્નાં જોયાં. 1903માં ટાટા ગ્રુપની ધ તાજ મહાલ હૉટેલનો મુંબઈના કોલાબા એરિયામાં ગેઇટ વે ઑફ ઇન્ડિયા સામે આરંભ થયો અને ભારતમાં અર્વાચીન હૉટેલ ઇન્ડસ્ટ્રીના શ્રીગણેશ થયા.

ભારતની અન્ય મહત્વની જૂની હોટેલોમાં મદ્રાસ (હાલ ચેન્નાઇ) ની કોન્નેમારા હોટેલ (ઇમ્પીરિયલ – સ્પેન્સર હૉટેલ), દિલ્હીની મેટ્રોપોલિટન – મેઇડન્સ હોટેલ, માથેરાનની રગ્બિ હોટેલ, મસૂરીની સેવોય હોટેલ તથા શિમલાની સેસિલ હોટેલ પ્રથમ હરોળમાં આવે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઓબેરોય ગ્રુપના ઉદય સમયે અને આજે હોટેલ ઉદ્યોગ

વીસમી સદીના ચોથા દાયકામાં ઓબેરોય ગ્રુપનો ઉદય થયો, ત્યારે ભારતમાં ટાટા ગ્રુપ હોટેલ બિઝનેસમાં નામ કમાઈ ચૂક્યું હતું.

તે સમયે વિશ્વ કક્ષાએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં મેરિયટ ગ્રુપ અને હિલ્ટન ગ્રુપ આકાર લઈ ચૂક્યાં હતાં. હાલમાં અમેરિકાનું મેરિયેટ ગ્રુપ 1400 કરોડ યુએસ ડોલરથી વધારે રેવન્યુ સાથે વિશ્વનું સૌથી મોટું હોટેલ ગ્રુપ છે. મેરિયેટની ભિન્ન  ભિન્ન બ્રાંડ-ચેઇન (સેન્ટ રેજીસ, રિટ્ઝ કાર્લટન, શેરેટન આદિ) ની હોટેલ-પ્રોપર્ટીની સંખ્યા 110 દેશોમાં 5600થી વધુ છે. હિલ્ટન ગ્રુપ સોએક દેશોમાં આશરે 5000 હોટેલ-પ્રોપર્ટી સાથે 1100 કરોડ યુએસ ડોલરની રેવન્યુ ધરાવે છે.

યુવાન મોહન સિંઘ ઓબેરોય જ્યારે હોટેલ બિઝનેસમાં આવ્યા ત્યારે સૌથી મોટો પડકાર ટાટા ગ્રુપની ઇન્ડિયન હૉટેલ્સ કંપની લિમિટેડ (આઇએચસીએલ) તરફથી હતો. આજે ટાટાની આઇએચસીએલ કંપની ઉપરાંત આઇટીસી (વેલકમ-ફોર્ચ્યુન), રેડિસન, લલિત ગ્રુપ આદિ સાથે ઓબેરોય ગ્રુપ (ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સ લિમિટેડ – EIHL) ની સ્પર્ધા છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મોહન સિંઘ ઓબેરોયની કેળવણી

મોહન સિંઘ ઓબેરોય (1898-2002) ની જીંદગી ત્રણ સૈકાઓમાં વ્યતીત થઈ! ઓગણીસમી સદીમાં જન્મ, વીસમી સદીમાં જીવન સફર અને એકવીસમી સદીમાં અવસાન!

તેમની અડધી જિંદગી અનિશ્ચિત સંજોગો અને ઉતાર ચઢાવમાં પસાર થઈ!

કોણ માની શકે કે ચોવીસ વર્ષની ઉંમરે, પચાસ રૂપિયાના પગારથી હોટેલમાં નોકરી લેનાર મોહન સિંઘ ઓબેરોય સો વર્ષની ઉંમરે પાંચસો કરોડના હોટેલ ગ્રુપના માલિક હશે?

કોણ માની શકે કે દસ ફૂટના રૂમમાં રહેનાર એક હોટેલ ક્લાર્ક આપબળે હોટેલિયર બની મુંબઈના મરીન ડ્રાઇવ પર 35 માળની આલીશાન લક્ઝરી હોટેલ ઓબેરોય શેરેટોન ઊભી કરશે?

ભારે સંઘર્ષપૂર્ણ જીવનયાત્રા કરી મોહન સિંઘ ઓબેરોય સફળતાની ટોચે પહોંચ્યા હતા.

મોહન સિંઘનો જન્મ 1898માં 15મી ઑગસ્ટે અખંડ હિંદુસ્તાનના સંયુક્ત પંજાબ (હવે પાકિસ્તાન) માં થયો હતો.  માત્ર છ મહિનાની ઉંમરે તેમને પહેલો ઘા પડ્યો! તેમના પિતાનું અવસાન થયું. છ માસના શિશુ મોહન સિંઘને ઉછેરવાની જવાબદારી માતાના શિરે આવી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

તે જમાનામાં આર્ય સમાજ દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી દયાનંદ એંગ્લો વેદિક (DAV) શિક્ષણ સંસ્થાઓ પંજાબમાં લાહોર અને રાવળપિંડી સહિત ઘણા શહેરોમાં સ્થપાવા લાગી હતી. દયાનંદ એંગ્લો વેદિક – ડીએવી – સંસ્થાઓની શાળા કોલેજોમાં અંગ્રેજી સાથે અન્ય વિષયોનું ઉત્તમ કક્ષાનું શિક્ષણ મળતું.

તે સમય પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) નો કપરો કાળ હતો.

મોહન સિંઘના માતાએ તેમને રાવળપિંડીની ડીએવી સ્કૂલમાંથી અભ્યાસ કરાવ્યો અને વર્ષ 1916 માં મોહન સિંઘ મેટ્રિક (મેટ્રિક્યુલેશન) પાસ થયા. કોલેજ અભ્યાસ માટે તેમણે લાહોરની દયાનંદ એંગ્લો વેદિક કોલેજમાં એડમિશન લીધું. કોલેજ સાથે તેમણે લાહોરમાં કાકાનો પગરખાંનો  વ્યવસાય સંભાળ્યો. આ સમય પ્રથમ વિશ્વયુદ્ધમાંથી જન્મેલ અસ્થિરતાનો હતો. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓ અને અમૃતસરમાં જલિયાંવાલા બાગની ઘટનાના પગલે દેશ ધૂંધવાઈ રહ્યો હતો. શિક્ષણ સંસ્થાઓ પર પણ તેની ભારે અસર હતી. મોહન સિંઘે ઇન્ટર પાસ કરી અભ્યાસ છોડી દીધો.

દરમ્યાન મોહન સિંઘના લગ્ન પણ થઈ ગયાં. તેઓ એક પુત્રીના પિતા બન્યા અને સાથે કારકિર્દી ઘડવા અહીં તહીં પ્રયત્નો કરતા રહ્યા. એક મિત્રના સૂચનથી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) ની સરકારી નોકરીની આશાએ સિમલા (શિમલા) પહોંચ્યા, પણ રે નસીબ! ઇન્ટરવ્યુમાં નિષ્ફળ થઈ ગયા!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મોહન સિંઘ ઓબેરોયની કારકિર્દીનો પ્રારંભ

મોહન સિંઘને પીડબલ્યુડીની નોકરી તો ન મળી પરંતુ તેમને સિમલા ગમી ગયું.

તે સમયે અંગ્રેજ શાસનની રાજધાની હતી દિલ્હીમાં, પરંતુ દર વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચવા થોડા મહિના માટે રાજધાનીને દિલ્હીથી શિમલા ખસેડવામાં આવતી. શિમલામાં અંગ્રેજ અમલદારો અને હિંદુસ્તાની રાજવી પરિવારો માટે બે ભવ્ય યુરોપિયન હોટેલો જાણીતી હતી. એક હતી જોહન ફલેટ્ટીની (John Faletti) સેસિલ હોટેલ; બીજી સાઇનોર પેલિટી (Signor Peliti) ની ગ્રાન્ડ હોટેલ.

જોહન ફલેટ્ટી (જોહન ફેલેટ્ટી/ ફાલેટ્ટી) અને સાઇનોર પેલિટી બંને યુરોપના ઇટાલી દેશના વતની; આમ તો  દેશ-બાંધવ, પરંતુ હોટેલ બિઝનેસમાં પ્રતિસ્પર્ધીઓ!

મોહન સિંઘનું મન હોટેલ સેસિલ પર ઠર્યું. પણ યુરોપિયન ઢબછબથી ચાલતી ઉત્તર ભારતની શ્રેષ્ઠ અંગ્રેજ હોટેલમાં નોકરી મેળવવી સહેલી થોડી હતી?

મોહન સિંઘે ભારે ચતુરાઈથી, લગનથી પ્રયત્નો કર્યા અને 1922માં જોહન ફલેટ્ટીની સેસિલ હોટેલમાં પચાસ રૂપિયાના માસિક પગારથી નોકરી લીધી. હોશિયારી અને ખંત જેવા ગુણોના બળે તેમણે હોટેલ  બિઝનેસની આંટીઘૂંટીઓ શીખી લીધી. વર્ષો વીતતાં સામાન્ય  કર્મચારીથી સફર શરૂ કરી ડેસ્ક ક્લાર્કની જવાબદારી સંભાળતા થઈ ગયા. મોહન સિંઘે માત્ર મેનેજમેન્ટનો જ નહીં, અંગ્રેજ મહેમાનો તથા શ્રીમંત પરિવારોનો વિશ્વાસ જીતી લીધો. ફાલેટી સેસિલ હોટેલનું સંચાલન અર્નેસ્ટ ક્લાર્ક નામના બાહોશ બ્રિટીશ મેનેજરે સંભાળ્યું, ત્યારે મોહન સિંઘ ઓબેરોયે ક્લાર્કનો વિશ્વાસ જીતી લીધો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

 હોટેલ વ્યવસાયની કોઠાસૂઝ ધરાવતા અર્નેસ્ટ ક્લાર્કે 1927માં દિલ્હીમાં એક હોટેલ લિઝ પર લીધી.  1929માં ક્લાર્કે સિમલામાં મૉલ રોડ પર ‘કાર્લટન હોટેલ’ હસ્તગત કરી ત્યારે મોહન સિંઘને પોતાની સાથે રાખ્યા. સો રૂમની બહુમાળી સેસિલ હોટેલની ભવ્યતા સામે પચાસેક રૂમની કાર્લટન હોટેલ સામાન્ય હતી! અર્નેસ્ટ ક્લાર્કે તે હોટેલનું નામ ‘કાર્લટન હોટેલ’થી બદલીને ‘ક્લાર્કસ હોટેલ’ (CLARKES Hotel)  કર્યું.

1934માં અર્નેસ્ટ ક્લાર્કે હિંદુસ્તાન છોડી પોતાના દેશ પાછા ફરવાનો નિશ્ચય કર્યો ત્યારે મોહન સિંઘે દિલ્હી અને સિમલાની ક્લાર્કસ હૉટેલ્સના લિઝ રાઇટ્સ ખરીદી લેવા નિશ્ચય કર્યો. તેમના સાહસિક નિર્ણયને પત્ની અને પરિવાર-પરિચિતોનો ટેકો મળ્યો. ઑગસ્ટની 14મી તારીખે ક્લાર્કસ હોટેલ્સ મોહન સિંઘ ઓબેરોયના હાથમાં આવી.

14 ઑગસ્ટ 1934ના દિવસે મોહન સિંઘ ઓબેરોયની હોટેલિયર તરીકે કારકિર્દી શરૂ થઈ અને ઓબેરોય ગ્રુપનાં બીજ રોપાયાં. આજે તો ઓબેરોય હોટેલ્સ અને ટ્રાઇડન્ટ હોટેલ્સ સાથે ઓબેરોય ગ્રુપ ભારતના  હોટેલ ઉદ્યોગમાં પ્રથમ હરોળમાં આવે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

એમ એસ ઓબેરોયની હોટેલ બિઝનેસમાં અપ્રતિમ સફળતા

1938માં એમ એસ ઓબેરોયે કલકત્તાની ગ્રાન્ડ હોટેલ ખરીદી અને પોતાના હોટેલ બિઝનેસનું વિસ્તરણ શરૂ કર્યું. આપે ‘મધુસંચય’ના લેખ (22/04/2020) માં વાંચ્યું કે ગ્રાન્ડ હોટેલની સ્થાપના એક અમેરિકને 1911માં કરી હતી. કલકત્તાના ચૌરંઘી વિસ્તારની આ અતિ વૈભવી હોટેલમાં 200 થી વધારે સુવિધાભર્યા રૂમ હતા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમ્યાન યુરોપિયન અફસરોની અવરજવર સમયે ગ્રાન્ડ હોટેલ ભારે પ્રસિદ્ધિમાં આવી.

આપણે આગળ જાણ્યું તેમ, એમ એસ ઓબેરોયની કારકિર્દી સિમલામાં સેસિલ હોટેલથી શરૂ થઈ હતી, જે ઇટાલીના જોહન ફલેટ્ટીની માલિકીની હતી. આગળ જતાં જોહન ફલેટ્ટીએ પોતાની હોટેલ ચેઇન ઊભી કરી હતી. તે હોટેલ ચેઇનનું નામ ‘એસોસિયેટેડ હોટેલ્સ ઑફ ઇન્ડિયા’ (એએચઆઇ AHI) હતું. બીજા વિશ્વયુદ્ધની ભીષણતા અને હિંદુસ્તાનમાં રાજકીય અસ્થિરતાના સમયે એમ એસ ઓબેરોયે સાહસિક નિર્ણય કર્યો અને 1943માં ફેલેટ્ટીની એએચઆઇ હોટેલ ચેઇનનું સંચાલન પોતાને હસ્તક કર્યું. તે વખતે જોહન ફલેટ્ટીની એસોસિયેટેડ હોટેલ્સ ઑફ ઇન્ડિયા ચેઇનમાં સિમલાની સેસિલ અને કોર્સ્ટોફન્સ હોટેલો, રાજધાની દિલ્હીની મેઇડન્સ અને કોર્સ્ટોફન્સ હોટેલો, તેમજ મરી, પેશાવર, લાહોર અને રાવલપિંડી એ ચાર શહેરોમાં એક એક હોટેલનો સમાવેશ થતો હતો.

આમ આ બધી હોટેલો પોતાના હાથમાં આવતાં એમ એસ ઓબેરોય ભારતની સૌથી મોટી હોટેલ શૃંખલાના તથા સૌથી વૈભવી હોટેલોના માલિક બન્યા.

વર્ષ 1943માં બ્રિટીશ ગવર્નમેન્ટે મોહન સિંઘ ઓબેરોયને ‘રાય બહાદુર’ના ઇલ્કાબથી નવાજ્યા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

 ઓબેરોય ગ્રુપ ભારતીય હોટેલ ઉદ્યોગમાં અગ્રીમ સ્થાને

1946માં મોહન સિંઘ ઓબેરોયે પોતાની ઓબેરોય હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી.

વર્ષ 1949 સુધીમાં વ્યવસાય વિકસતાં તેમણે ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સ લિમિટેડ (ઇઆઇએચએલ EIHL) ની સ્થાપના કરી જેના નેજા નીચે ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સનું સંચાલન થાય છે.

1955-56માં ઓબેરોય ગ્રુપે શ્રીનગર – કાશ્મીરમાં હોટેલ ખોલવા નિર્ણય કર્યો. મોહન સિંઘે કાશ્મીરના પૂર્વ મહારાજા કરણ સિંઘ પાસેથી દલ લેક (દાલ લેઇક) પરનો તેમનો મહેલ ‘ગુલાબ ભવન’ લિઝ પર લીધો જ્યાં હોટેલ ઓબેરોય પેલેસ બની. પાછળથી ઓબેરોય પેલેસ શ્રીનગર લલિત સૂરીની ભારત હોટેલ્સ દ્વારા ખરીદાઈ અને તે લલિત ગ્રાંડ પેલેસ તરીકે ઓળખાઈ.

1956માં મોહન સિંઘના મોટા પુત્ર તિલક રાજ સિંઘ (ટિક્કી) નાં લગ્ન લીલા નાયડુ સાથે દિલ્હીની મેઇડન્સ હોટેલમાં થયાં. લીલા નાયડુ ભારતના એક પ્રસિદ્ધ અણુ વિજ્ઞાનીનાં પુત્રી હતાં. આ લગ્ન નિષ્ફળ નીવડ્યાં. વર્ષ 1960માં લીલા નાયડુ બોલિવુડના રૂપેરી પડદા પર અભિનેત્રી તરીકે આવ્યાં તે વાત કદાચ ‘અનુપમા’ના વાચકો જાણતાં હશે. લીલાજીની પ્રથમ ફિલ્મ હતી ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘અનુરાધા. જો કે લીલા નાયડુ 1963ની ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યારકે’ ફિલ્મથી વધારે જાણીતાં થયાં.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1965માં બ્રિટીશ મલ્ટિનેશનલ હોટેલ ચેઇન ‘ઇન્ટર કોન્ટિનેન્ટલ’ સાથે ઓબેરોય ગ્રુપે હાથ મિલાવ્યા. ફલત: નવી દિલ્હીમાં ભારતની સર્વ પ્રથમ આંતરરાષ્ટ્રીય સહયોગવાળી લક્ઝરી ફાઇવ સ્ટાર હોટેલ – ઓબેરોય ઇન્ટર કોન્ટિનેન્ટલ – શરૂ કરવાનું માન એમ એસ ઓબેરોયને મળ્યું. ઘણાના મતે ઓબેરોય ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ તે સમયે વિશ્વ કક્ષાની ઉચ્ચ સ્તરની વૈભવી સુવિધાઓ ધરાવતી ભારતની સર્વ શ્રેષ્ઠ ફાઇવ સ્ટાર લક્ઝરી હોટેલ હતી.

1973માં ઓબેરોય ગ્રુપે આંતરરાષ્ટ્રીય હોટેલ ગ્રુપ ‘આઇટીટી શેરેટોન’ – ITT Sheraton –  સાથે ટાઇ અપ કરીને મુંબઈમાં મરીન ડ્રાઇવ પર પ્રથમ મલ્ટીસ્ટોરિડ લક્ઝરી હોટેલ શરૂ કરી. (1967માં ખ્યાતનામ આઇટીટી ગ્રુપે શેરેટોન હોટેલ્સ હસ્તગત કરી હતી). આમ, મુંબઈમાં પ્રથમ આલીશાન ઇન્ટરનેશનલ લક્ઝરી હોટેલ ‘ઓબેરોય શેરેટોન’ શરૂ  કરવાનો શ્રેય મોહન સિંઘ ઓબેરોયને મળ્યો. મરીન ડ્રાઇવ પર બનેલ ઓબેરોય શેરેટોન થકી ઓબેરોય ગ્રુપની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયા!

એમ એસ ઓબેરોય ભારતીય પાર્લામેન્ટના રાજ્ય સભાના સ્ભ્ય તરીકે 1962-68 તથા 1972-78 એમ બે વખત રહી ચૂક્યા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

એમ એસ ઓબેરોય પછી ઓબેરોય ગ્રુપ આજે

આ દરમ્યાન ઓબેરોય ગ્રુપના વિકાસમાં મોહન સિંઘ ઓબેરોયના સંતાનોનો મોટો ફાળો ઉમેરાતો ગયો અને વિદેશોમાં પણ ગ્રુપ વિસ્તરતું ગયું. કમનસીબે 1984માં એમ એસ ઓબેરોયના મોટા પુત્ર તિલક રાજ સિંઘ ઓબેરોય (ટિક્કી) નું અવસાન થયું, ત્યારે તેમણે ઓબેરોય ગ્રુપની કમાન 59 વર્ષના પૃથ્વી રાજ સિંઘ ઓબેરોય (બિકી) ને સોંપી.

મોહન સિંઘ ઓબેરોયને વર્ષ 2001માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનવામાં આવ્યા., ત્યારે તેમની ઉંમર 102 વર્ષની હતી.

વર્ષ 2002માં 103 વર્ષની ઉંમરે ભારતના અગ્રિમ હોટેલિયર એમ એસ ઓબેરોયનું અવસાન થયું.

આજે ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સ લિમિટેડ (ઑબેરોય ગ્રુપ) ના એક્ઝીક્યુટિવ ચેરમેન તરીકે પૃથ્વી રાજ સિંઘ ઓબેરોય (બિકી) જવાબદારી સંભાળે છે. મેનેજમેન્ટમાં તેમના પુત્ર વિક્રમ ઓબેરોય ઉપરાંત તિલક રાજ સિંઘના પુત્ર અર્જુન ઓબેરોયનો પણ સહયોગ છે. આજે હોસ્પિટાલિટી બિઝનેસમાં ત્રીસેક પ્રોપર્ટી/ બિઝનેસ એકમો સાથે ઓબેરોય ગ્રુપનું સામ્રાજ્ય ભારત ઉપરાંત છ દેશોમાં વિસ્તર્યું છે. ઓબેરોય ગ્રુપ હાલ દેશ વિદેશમાં 25 થી વધારે હૉટેલ્સ–રિઝોર્ટ્સ ધરાવે છે. તેમની બ્રાંડ્સમાં મુખ્યત્વે પ્રીમિયમ લક્ઝરી સેગ્મેન્ટમાં ઓબેરોય હોટેલ્સ/ રિઝોર્ટ્સ તથા ફાઇવ સ્ટાર શ્રેણીમાં ટ્રાઇડન્ટ હોટેલ્સ આવે છે. ઓબેરોય ગ્રુપ શિમલાની ક્લાર્કસ તથા દિલ્હીની મેઇડન્સ હોટેલનું પણ સંચાલન કરે છે. વળી તેઓ બે-ત્રણ ક્રુઝરનું સંચાલન કરે છે. ઓબેરોય ગ્રુપ વ્યવસાયમાં શિષ્ટ વર્તન અને શિષ્ટ આચરણને પોતાનો ધર્મ સમજે છે. ગ્રુપની  હોટેલોમાં તેમના પ્રણેતા મોહન સિંઘ ઓબેરોયની વ્યાવસાયિક કુનેહ, દીર્ઘ દ્રષ્ટિ અને ફિલોસોફીની ઝલક મળે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s