સમાચાર

ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ

 

ભારતમાં ઊગતી પેઢી પાસે  અમાપ બુદ્ધિશક્તિ છે, પરંતુ તેઓની પ્રતિભાને નિખારવા દેશમાં આવશ્યક ઉદ્દીપનનો અભાવ છે. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા અને તે પછી કારકિર્દી વિકસાવવાની તકો દેશમાં પ્રોત્સાહક નથી બની રહી. હવે દેશની શિક્ષણવ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂર છે; શિક્ષણમાળખાને ઝકઝોરવાની જરૂર છે.

આપણી પાસે ઉત્તમ શિક્ષણસંસ્થાઓને ઑર વિકસાવવા નિષ્ઠાવાન શિક્ષકો છે. છતાં ક્યાંક શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા સેવાઈ રહી છે, નહીં તો ભારતમાં શિક્ષણનાં સ્તર ઊંચાં ન આવે તેવું બને?

ભારતમાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાનો ઘણાં છે. તેમાં ઉચ્ચ ક્રમની શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં નામના પણ પામ્યા છે.

આવો, ‘અનુપમા’ના આજના લેખમાં ભારતમાં હાયર સ્ટડીઝ માટે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને ટોચ ક્રમે આવતી શિક્ષણસંસ્થાઓ વિશે માહિતી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ભારતની એજ્યુકેશન સિસ્ટમ વિશ્વમાં અગ્ર ક્રમે આવે છે. વિશ્વની સૌથી મોટી શિક્ષણ વ્યવસ્થાઓમાં ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા પછી ભારતની શિક્ષણ વ્યવસ્થા ત્રીજા ક્રમે આવે છે. દેશમાં હાયર એજ્યુકેશન વ્યવસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) સંભાળે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અનુસાર ભારતમાં આશરે 900 યુનિવર્સિટીઓ છે.

ભારતમાં ઉત્તમ શિક્ષણસંસ્થાનો છે, ઉત્તમ શિક્ષકો છે, ઉત્તમ વિદ્યાર્થીઓ છે. તો પછી એકસો પાંત્રીસ કરોડના દેશમાં સિદ્ધિપ્રાપ્ત વિરલાઓ કેમ ગણ્યાગાંઠ્યા છે? વિદેશમાં જઈને આપણા વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં ઝળહળી ઊઠે છે. જાયંટ મલ્ટિનેશનલ કંપનીઓમાં ટોચના હોદ્દા મેળવે છે. પોતાના વ્યવસાય-ઉદ્યોગો સ્થાપીને બિલ્યોનાયર બની શકે છે, આપણે આપણા જ દેશમાં આવા પ્રતિભાવાન યુવાનોની સંખ્યા વધારી ન શકીએ? જરૂર છે શિક્ષણપ્રથામાં ફેરફારોની; કારકિર્દીના ઘડતર માટે પ્રોત્સાહક સરકારી નીતિઓની.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ભારતમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન

ભારતમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન છે. યુજીસીના સંક્ષિપ્ત નામથી ઓળખાયેલ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દેશભરમાં ફેલાયેલ સેંટ્રલ યુનિવર્સિટીઓ, સ્ટેટ યુનિવર્સિટીઓ, ડિમ્ડ યુનિવર્સિટીઓ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પર દેખરેખ રાખે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ની યાદી અનુસાર, હાયર સ્ટડીઝ માટે હાલ દેશમાં 399 જેટલી સ્ટેટ યુનિવર્સિટીઓ અને 48 જેટલી સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે. તેમાં 126 ડિમ્ડ યુનિવર્સિટીઝ અને 334 જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ઉમેરતાં દેશનાં 29 રાજ્યો અને 7 યુનિયન ટેરિટરિઝમાં 900 થી વધારે યુનિવર્સિટીઓ છે.

ભારતમાં સૌથી વધારે યુનિવર્સિટીઓ ધરાવતાં રાજ્યો ઉત્તર પ્રદેશ અને તામિલ નાડુ છે.

વિશ્વમાં તથા એશિયામાં શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ

ભારતીય શિક્ષણ વ્યવસ્થાની એક કરુણ હકીકત એ છે કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં ભારતીય યુનિવર્સિટીને શોધવી મુશ્કેલ છે. વિશ્વની સર્વ શ્રેષ્ઠ 200 યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટીને સ્થાન નથી.

આજે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અમેરિકાની હાર્વર્ડ, મેસેચ્યુસેટ્સ ઇંસ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (એમઆઇટી) અને સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટીઓ તો આવે જ, ઉપરાંત યુકેની કેમ્બ્રિજ અને ઑક્સફર્ડ (ઓક્સફોર્ડ) યુનિવર્સિટીઓ આવે.

એશિયાની શ્રેષ્ઠ યુનિવસિટીઓમાં ચીનની સિંઘુઆ (સાઇનગુઆ) યુનિવર્સિટી, સિંગાપુરની નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપુર અને નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઉપરાંત હોંગ કોંગની હોંગ કોંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને હોંગકોંગ યુનિવર્સિટી ઉચ્ચ ક્રમે આવે.

ભારતમાં વિશ્વ કક્ષાએ નામના પામેલ શિક્ષણ સંસ્થાનોમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (આઇઆઇટી)  છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હાયર સ્ટ્ડીઝ માટે ભારતની ટોચની યુનિવર્સિટીઓ

ભારતની ટૉપમોસ્ટ યુનિવર્સિટીઓ કઈ? પ્રશ્નનો જવાબ મુશ્કેલ છે, કારણ કે શ્રેષ્ઠતાના માપદંડોમાં સર્વસંમતિ ન હોઈ શકે. ભિન્ન ભિન્ન સર્વેમાં, પ્રતિ વર્ષે પરિણામો જુદાં જુદાં હોય છે, આમ છતાં ભારતની પ્રથમ કક્ષાની યુનિવર્સિટીઓમાં ટોચ પર નીચેની યુનિવર્સિટીઓ સમાવી શકાય:

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (આઇઆઇએસસી, બેંગલુરુ, કર્ણાટક)
  • જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ, ન્યૂ દિલ્હી)
  • બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ, વારાણસી, યુપી)
  • અન્ના યુનિવર્સિટી (ચેન્નાઈ, તામિલનાડુ)
  • યુનિવર્સિટી ઑફ હૈદ્રાબાદ (હેદ્રાબાદ, તેલંગાણા)
  • જાદવપુર યુનિવર્સિટી (કોલકતા, પશ્ચિમ બંગાળ)
  • યુનિવર્સિટી ઑફ દિલ્હી (નવી દિલ્હી)
  • અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ (કોઇમ્બતુર, તામિલનાડુ)

આ ઉપરાંત સાવિત્રીબાઈ ફૂલે પૂને યુનિવર્સિટી (પૂને/પૂના, મહારાષ્ટ્ર), મનીપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન (મનીપાલ, કર્ણાટક), યુનિવર્સિટી ઑફ કલકત્તા (કોલકતા, વેસ્ટ બેંગાલ) આદિ યુનિવર્સિટીઓ પણ નોંધપાત્ર છે.

જો માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીઝની વાત કરતા હોઈએ તો ભારતની પ્રથમ હરોળની શ્રેષ્ઠ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં આ નામ મૂકી શકાય: અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ (કોઇમ્બતુર, તામિલનાડુ)’, વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (વેલ્લોર, તામિલ નાડુ), બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, બિટ્સ પિલાની (હૈદ્રાબાદ કેમ્પસ, તેલંગાણા), બિટ્સ પિલાની (પિલાની, રાજસ્થાન) , મનીપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન (મનીપાલ), એસઆરએમ ઇંસ્ટિટ્યૂટ ઑફ સાયંસ એન્ડ ટેકનોલોજી, (કટ્ટનકુલથુર, તામિલ નાડુ), ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેકનોલોજી, (હૈદ્રાબાદ, તેલંગાણા) ઇત્યાદિ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ખૂબ જાણીતી છે. આ ઉપરાંત નિરમા યુનિવર્સિટી (અમદાવાદ), એમિટી યુનિવર્સિટી, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ઇત્યાદિ યુનિવર્સિટીઓ પણ નોંધપાત્ર છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

 ભારતમાં શિક્ષણસંસ્થાઓ માટે એનઆઇઆરએફ રેન્કિંગ શું છે?   

ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયાના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા દેશની શિક્ષણ સંસ્થાઓને પ્રતિ વર્ષ ક્રમ (નંબર/ રેન્કિંગ) આપવામાં આવે છે. દેશનાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશનોને નેશનલ રેન્કિંગ આપવાની તે વ્યવસ્થા ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક’ (એનઆઇઆરએફ NIRF) કહેવાય છે. ભારત સરકારના એનઆઇઆરએફ શૈક્ષણિક સંસ્થાનોને જે માપદંડો પર પરખે છે તેમાં ‘ટિચિંગ, લર્નિંગ અને રિસોર્સિઝ’, ‘’રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસિઝ’ આદિનો સમાવેશ થાય છે.

એનઆઇઆરએફ મુજબ ભારતની સર્વ શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ

ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક હેઠળ વર્ષ 2019 માટે યાદી બહાર પડાઈ છે. એનઆઇઆરએફ 2019ની યાદી પ્રમાણે ભારતની સર્વ શ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓમાં સર્વ પ્રથમ સ્થાને ચેન્નાઇ, તામિલનાડુની સંસ્થા આઇઆઇટી-એમ તરીકે ઓળખાતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી-મદ્રાસ (IIT-M) આવે છે. બીજા ક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (બેંગલુરુ/બેંગલોર, કર્ણાટક) છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ

એનઆઇઆરએફ 2019 દ્વારા ભારતની ટૉપ યુનિવર્સિટીઝનું લિસ્ટ પણ અલગ બહાર પડ્યું છે. ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં સર્વ પ્રથમ નંબર પર બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (બેંગલુરુ/બેંગલોર, કર્ણાટક) આવે છે. આઇઆઇએસસી તરીકે પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISC) આમ તો ડિમ્ડ યુનિવર્સિટી છે, પરંતુ હાયર એજ્યુકેશનનાં ઉચ્ચ સ્તર માટે તે બેજોડ છે. શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં બીજા ક્રમે નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તથા ત્રીજા ક્રમે વારાણસી (ઉત્તરપ્રદેશ) ની બનારસ હિંદુ યુનિવર્સિટી આવે છે.

ભારતની શ્રેષ્ઠ કોલેજો

કોલેજમાં હાયર એજ્યુકેશન માટે શ્રેષ્ઠ કોલેજોની એનઆઇઆરએફ 2019ની યાદીમાં સર્વ પ્રથમ નંબર પર મિરાન્ડા હાઉસ, દિલ્હી છે. દેશની રાજધાની ન્યૂ દિલ્હીની ટોપ ગણાતી કોલેજ મિરાન્ડા હાઉસ દેશભરમાં શ્રેષ્ઠ કોલેજ ગણાય છે. શ્રેષ્ઠ કોલેજોની યાદીમાં તે પછી હિંદુ કોલેજ (દિલ્હી), પ્રેસિડેન્સી કોલેજ (ચેન્નાઇ), સેન્ટ સ્ટિફન્સ કોલેજ (દિલ્હી) તથા લેડી શ્રી રામ કોલેજ ફોર વિમેન (દિલ્હી) આવે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

 હાયર એજ્યુકેશન માટે ભારતનાં શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાનો
  • એનઆઇઆરએફ 2019 મુજબ ભારતમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂશન તરીકે બેંગલુરુનું આઇઆઇએમ-બી તરીકે ઓળખાતું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-બેંગલોર (IIM-B) ટોચ પર છે.
  • તે પછી બીજા ક્રમે આઇઆઇએમ-એ અર્થાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A ગુજરાત) અને ત્રીજા ક્રમે આઇઆઇએમ-સી અર્થાત ઇંડિયન ઇંસ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-કલકત્તા (IIM-C, કોલકતા, વેસ્ટ બેંગાલ) છે.
  • ઉચ્ચ એન્જીનિયરિંગ એજ્યુકેશન માટે આઇઆઇટી-એમ તરીકે પ્રસિદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી મદ્રાસ (IIT-M) ભારતનું શ્રેષ્ઠ એન્જીનિયરિંગ ઇન્સ્ટિટ્યૂશન ગણાય છે.
  • ચેન્નાઇ (તામિલ નાડુ) ના આઇઆઇટી-એમ પછી આઇઆઇટી-દિલ્હી (ન્યૂ દિલ્હી) એન્જીનિયરિંગ ઇંસ્ટિટ્યૂશનમાં બીજા સ્થાને છે.
  • એનઆઇઆરએફ 2019 અનુસાર ભારતમાં મેડિકલ એજ્યુકેશન માટે શ્રેષ્ઠ મેડિકલ ઇન્સ્ટિટ્યૂશન (કોલેજ) ની યાદીમાં પ્રથમ ક્રમ પર ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ’  ( AIIMS- એઆઇઆઇએમએસ, ન્યૂ દિલ્હી) છે.
  • એમ્સ-દિલ્હી (AIIMS-Delhi) તરીકે પ્રખ્યાત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયંસિઝ (નવી દિલ્હી) દેશનું સર્વ શ્રેષ્ઠ મેડિકલ ઇન્સ્ટિટ્યૂશન છે.
  • તે પછી બીજા નંબર પર ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’, ચંદીગઢ આવે છે.
  • ભારતની જૂની મેડિકલ કોલેજ તરીકે વિખ્યાત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર (સીએમસી, વેલ્લુર, તામિલ નાડુ) ત્રીજા નંબર પર મૂકાઈ છે.
  • સ્વાસ્થ્ય-સારવાર અને તબીબી શિક્ષણ ક્ષેત્રે અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ (કોઇમ્બતુર, તામિલ નાડુ) ટૂંક સમયમાં ઊંચા ક્રમે આગળ વધવા લાગી છે.
  • આર્કિટેક્ચરના ઉચ્ચ અભ્યાસ અર્થે આઇઆઇટી-ખડગપુર (વેસ્ટ બેંગાલ) તથા આઇઆઇટી-રૂરકી (ઉત્તરાખંડ) પ્રથમ બે ક્રમે છે.
  • ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે ફાર્મસી શિક્ષણ અર્થે દેશનાં બેસ્ટ ફાર્મસી ઇન્સ્ટિટ્યૂશનમાં પ્રથમ નંબર જામિયા હમદર્દ (ન્યૂ દિલ્હી) ને મળે છે. તે પછી પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એન્ડ રિસર્ચ, મોહાલી (પંજાબ) ને સ્થાન મળે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

 વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટીઓ ભારતમાં?

આપણે ભારતની પ્રથમ ક્રમાંકની ટોચની, શ્રેષ્ઠતમ શિક્ષણ સંસ્થાઓની વાત કરી રહ્યા છીએ ત્યારે પ્રાચીન હિંદુસ્તાનનાં જગવિખ્યાત વિશ્વવિદ્યાલયો યાદ આવે. ચોથી સદી પછી ચીનના વિદ્વાન પ્રવાસીઓ ફાહિયાન તથા હ્યુ એન સંગ ભારતની યાત્રાએ આવેલા હતા. ઇસવીસન પાંચમી સદીમાં ફાહિયાન તથા સાતમી સદીમાં હ્યુ એન સંગના પ્રવાસવર્ણનોમાં તત્કાલિન હિંદુસ્તાન અને નાલંદા જેવી વિદ્યાપીઠો વિશે ઘણી માહિતી લખાઈ છે. (નોંધ: હ્યુ એન સંગનું નામ હ્યુઆન સંગ, યુઆન ત્સંગ કે  શ્યેન ચાંગ જેવી અલગ અલગ રીતે લખાય છે)

બે હજાર વર્ષ પૂર્વે નાલંદા વિશ્વવિદ્યાલય અને તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો દુનિયામાં ડંકો વાગતો હતો. આશરે અગિયારસો વર્ષ પૂર્વે સ્થપાયેલ વિક્રમશિલા વિશ્વવિદ્યાલય પણ ખ્યાતનામ હતું.

નાલંદા વિશ્વવિદ્યાલય પ્રાચીન મગધ સામ્રાજ્ય (બિહાર)માં હતું. એક સમયે નાલંદા વિદ્યાપીઠમાં દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. દેશમાંથી જ નહીં, તિબેટ, ચીન અને મોંગોલિયા જેવા દૂરના પ્રદેશોથી અભ્યાસાર્થીઓ આવતા હતા. નાલંદાના ગ્રંથાલયમાં હજારો હસ્તલિપિઓ અને પુસ્તકો હતાં. કહે છે કે નાલંદાનું બહુમાળી ગ્રંથાલય સાતથી વધારે માળનું હતું.

તક્ષશિલા વિશ્વવિદ્યાલય અખંડ ભારતના રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં) શહેરથી ત્રીસેક કિલોમીટર દૂર હતું. મગધસમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય (કૌટિલ્ય) અહીં વિદ્યાર્થી હતા; અભ્યાસ કર્યા પછી ચાણક્ય આચાર્યપદે પણ  હતા. પ્રાચીન હિંદુસ્તાનના ગાંધાર પ્રદેશની તક્ષશિલા વિદ્યાપીઠમાં યુરોપથી માંડી પૂર્વ એશિયા સુધીના દેશોમાંથી આવેલ દસેક હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તક્ષશિલામાં રોમ, ગ્રીસ, ઇરાન, ચીન અને ઇન્ડોનેશિયા જેવા વિવિધ દેશોથી આવતા વિદ્યાર્થીઓ ઇતિહાસ, નક્ષત્રવિજ્ઞાન, નીતિશાસ્ત્ર, ચિકિત્સાવિજ્ઞાન જેવાં શાસ્ત્રોથી લઈને ચિત્રકલા, શિલ્પકલા આદિ કલાઓનો અભ્યાસ કરતા હતા.

વિશ્વમાં આજે પણ કાર્યરત પ્રાચીનતમ યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ઑફ કારાવિય્યિન (કારુઇન / કારવિયન) અને યુનિવર્સિટી ઑફ બોલોગ્ના (બોલોજ્ઞા/ બોલોગ્ન્યા/ બોલોન્યા) નો સમાવેશ થાય છે. વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટીઓ મોરોક્કો, આફ્રિકામાં સ્થિત યુનિવર્સિટી ઑફ કારાવિય્યિન તથા ઇટાલી, યુરોપમાં સ્થિત યુનિવર્સિટી ઑફ બોલોગ્ના હજારેક વર્ષોથી આજે પણ અસ્તિત્વમાં છે, જ્યારે હિંદુસ્તાનની પ્રાચીન વિદ્યાપીઠો તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠ નામશેષ થઈ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **