વિજ્ઞાન · સમાચાર

ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ

 

ઇન્ટરનેટ તથા કમ્પ્યુટિંગ ટેકનોલોજીના આશ્ચર્યજનક પ્રસાર સાથે વ્યાપાર-વાણિજ્ય-ઉદ્યોગ પણ રોકેટગતિથી વિકસવા લાગ્યાં છે.

વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર જ નહીં, દેશ દેશમાં આંતરિક વ્યાપાર પણ એટલો જ સ્પર્ધાત્મક બન્યો છે. ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સામે નવી, ઇનોવેટિવ પ્રૉડક્ટ્સ અને સર્વિસિઝ માર્કેટમાં મૂકવાના પડકારો છે. માર્કેટ અને કન્ઝ્યુમર સેગ્મેન્ટ્સ વિશે તલસ્પર્શી માહિતી હોય તો જ બિઝનેસ ટકી શકે.

વ્યાપારી સંસ્થાઓ, ઉપભોક્તાઓ અને બજારનાં ઘટકો વચ્ચે સતત થતાં રહેતાં ઇન્ટરએક્શન્સ નિરંતર માહિતીનો જંગી ડેટા ઊભો કરે છે. આવા બિગ ડેટાને હેન્ડલ કરવા નાની મોટી કંપનીઓને અતિ ખર્ચાળ, હાઇ પાવર કમ્પ્યુટર સિસ્ટમ્સ અને આધુનિક સોફ્ટવેર્સ-એપ્લિકેશન્સ વસાવવાં પોસાય નહીં. અદ્યતન હાર્ડવેર – સોફ્ટવેર ખરીદીને વસાવવાં તો ખર્ચાળ છે જ, ઉપરાંત તેમને સાચવવા અને અપડેટ કરતાં રહેવા પણ ભારે ખર્ચાળ છે.

આવા મુદ્દાઓમાંથી ક્લાઉડ ટેકનોલોજીનો વિચાર ઉદભવ્યો છે. પરિણામે ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ આપતી કંપનીઓ અસ્તિત્વમાં આવી છે. આવી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઓ પાસે હાઇ એન્ડ કમ્પ્યુટર–સર્વર સિસ્ટમ્સ હોય છે અને તમામ પ્રકારનાં સોફ્ટવેર-પ્રોગ્રામ્સ-એપ્લિકેશન્સ હોય છે. આમ, બિઝનેસ કંપનીઓને પોતાનાં હાર્ડવેર-સોફ્ટવેર વસાવવાની જરૂરત નથી રહેતી. તેમના ડેટા પ્રૉસેસિંગથી માંડી સ્ટોરેજ સુધીની કામગીરી માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની જ  સ્ટેટ ઑફ ધ આર્ટ હાર્ડવેર-સોફ્ટવેર પૂરાં પાડે છે.

‘અનુપમા’ના આજના લેખમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ વિષે જાણીએ અને ક્લાઉડ ટેકનોલોજી પર દ્રષ્ટિપાત કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બિગ ડેટાનો પરિચય

બિગ ડેટા આજના વ્યાપાર-ઉદ્યોગ માટે દિશાસૂચક બની રહે છે.

બિગ ડેટા શું છે તે આપે અમારા અન્ય બ્લૉગ ‘અનામિકા’ પર વાંચેલ છે.

કમ્પ્યુટર એન્જીનિયરિંગ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીએ વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે. બિઝનેસ અને માર્કેટનાં તમામ પાસાંઓમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી વ્યાપ્ત છે.  ઉપભોક્તા અને બજારોને સાંકળતાં અગણિત ઉત્પાદનો અને સેવાઓનાં અવિરત આદાનપ્રદાનમાંથી જન્મતી અર્થવ્યવસ્થા અતિ સંકુલ બની છે અને તે અસીમ માહિતી – ડેટા –  પેદા કરે છે.

ઇન્ટરનેટ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ભળતાં કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દુનિયાને ખૂણે ખૂણેથી અપાર  ડેટા આપે છે. વળી એગ્રીકલ્ચર-એજ્યુકેશનથી માંડી ડિફેન્સ સુધીના એક એક ફિલ્ડમાં ગવર્નમેન્ટ વહીવટી તંત્રને તેમજ તમામ વેપાર-ઉદ્યોગોમાં મેનેજમેન્ટને રાત-દિવસ ડેટાની જરૂર રહે છે.

સરકારી તંત્રો તથા અર્થતંત્રનાં જાહેર-ખાનગી એકમો વિવિધ પ્રકારનો, અતિવ્યાપ્ત ડેટા જનરેટ કરે છે જેને સામાન્ય શબ્દોમાં ‘બિગ ડેટા’ કહે છે.

જંગી ડેટાને માત્ર એકત્ર કરો તે અર્થહીન છે. પરિણામો અને તારણો મેળવવા તેને એનાલાઇઝ કરવો પડે. બિગ ડેટાની એનાલિસિસ માટે ખાસ એનાલિટિકલ મેથડ્સ બની છે. આપે ‘અનામિકા’ના લેખમાં સોફ્ટવેર ફ્રેમવર્ક હડૂપ વિશે જાણ્યું છે. આમ બિગ ડેટાની આધુનિક વ્યાખ્યામાં બિગ ડેટા એનાલિટિક્સ પણ સમાવાય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બિગ ડેટા અને બિગ ડેટા એનાલિટિક્સનું મહત્ત્વ

ઇન્ટરનેશનલ ઇકોનોમિક એક્ટિવિટિઝના ઉત્તેજન પાછળ વૈશ્વિક સ્તરે સુલભ થયેલ ટ્રાન્સપોર્ટેશન-કમ્યુનિકેશન સેવાઓ છે.

ટ્રેડ-કોમર્સ-ઇન્ડસ્ટ્રીમાં તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી વર્તુળોમાં ચૌરે અને ચૌટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા, બિગ ડેટા એનાલિટિક્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા વિષયો ચર્ચાઈ રહ્યા છે.

વિવિધ બજારોમાં સફળતા માટે મલ્ટિનેશનલ કંપનીઓ અવનવી પ્રૉડક્ટ્સ અને સર્વિસિઝ લાવતી રહે છે. કંઝ્યુમર, કંપની અને માર્કેટ વચ્ચે અનેકવિધ રીતે માહિતીની આપલે થતી રહે છે. તેમાંથી ‘બિગ ડેટા’ જનરેટ થાય છે.

કંપનીના આંતરિક સ્રોતો (જેમકે સેલ્સ ડેટા) તથા બાહ્ય સ્રોતો (જેમકે કન્ઝ્યુમર પ્રેફરન્સ કે માર્કેટ ટ્રેન્ડ્ઝ) થી સર્જાતો ડાયનેમિક બિગ ડેટા પણ કંપની માટે ‘બિઝનેસ ઇન્ટેલિજન્સ’નો આધાર બને છે. જાયન્ટ કંપનીઓ માર્કેટમાં સફળ થવા અને ટકી રહેવા બિઝનેસ ઇન્ટેલિજન્સ પર વિશ્વાસ રાખે છે.

બિઝનેસ-ઇંડસ્ટ્રી માટે હવે બિગ ડેટાની અગત્યતા ખૂબ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ન્યુરાલ નેટવર્ક  અને મશીન લર્નિંગ અલ્ગોરિધમના પ્રયોજનથી જંગી ડેટાને હેન્ડલ કરી શકાય છે. વ્યાપાર-ઉદ્યોગને પ્રભાવિત કરતાં પરિબળો બદલાતાં રહે છે અને તેમને સતત પરખતાં રહેવાની આવશ્યકતા હોય છે. આ માટે પ્રચુર માત્રામાં પ્રાપ્ય ડેટાની  સુયોગ્ય પદ્ધતિઓથી એનાલિસિસ કરવી જરૂરી છે. તે માટે ઓપન સોર્સ સોફ્ટવેર ફ્રેમવર્ક હડૂપ નોંધપાત્ર ઉદાહરણ છે. બિગ ડેટાની આવી એનાલિટિકલ મેથડ્સની મહત્તા ખાસ છે. ડાયનેમિક બિગ ડેટાના ત્વરિત વિશ્લેષણથી બિઝનેસ માટે અનોખી ઇનસાઇટ-અંતર્દ્રષ્ટિ મળતી રહે છે. તેનાથી બિઝનેસ ડિસિશન લેવાની અને જરૂર પડ્યે તેમાં ફેરફાર કરવાની સૂઝ પડે છે.

આમ, આજે બિગ ડેટા એનાલિટિક્સનું મહત્ત્વ ઘણું વધ્યું છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્લાઉડ ટેકનોલોજીનો આરંભ
  • બિગ ડેટાને કારણે વ્યાપાર-ઉદ્યોગ સામે કેટલાક વણસોચ્યા પડકારો ઊભા થયા છે.
  • જંગી બિગ ડેટાને હેન્ડલ કરવા કાર્યક્ષમ નેટવર્ક્સ જોઈએ, ભીમકાય કમ્પ્યુટર સિસ્ટમ્સ જોઈએ, અમાપ સ્ટોરેજ તથા હાઇ પ્રૉસેસિંગ પાવર જોઈએ,
  • વળી વિશિષ્ટ પ્રકારના ભાતભાતના પ્રોગ્રામ-એપ્લિકેશન-સોફ્ટવેર હોય તો જ બિગ ડેટા એનાલિટિક્સ વ્યાવહારિક રીતે શક્ય બને.
  • બિઝનેસ કંપનીઓ માટે આ બધી કડાકૂટ ખૂબ ખર્ચાળ બનતી હોય છે. તેથી હવે વ્યાપારી જગત ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ વળ્યું છે.
  • ક્લાઉડ ટેકનોલોજી ક્ષેત્રે ગુગલ અને એમેઝોન કંપનીઓએ ખૂબ પ્રગતિ કરી છે.
  • ક્લાઉડ કમ્પ્યુટિંગની સેવાઓ આપતી કંપનીઓ પાસે ઉચ્ચ કેપેસિટીના કમ્પ્યુટર્સ-સર્વર્સથી માંડી વિભિન્ન ક્ષેત્રોના બિઝનેસ માટે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર-એપ્લિકેશન હોય છે.
  • આમ બિઝનેસ એકમને પોતાની સિસ્ટમ્સ કે સોફ્ટવેર્સ વસાવવાની જરૂર પડતી નથી.
  • ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની ડેટા પ્રોસેસિંગ અને સ્ટોરેજ માટે હાર્ડવેર-સોફ્ટવેરની તમામ સગવડો ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડે છે અને તે માટે ઉપયોગ અનુસાર ચાર્જ વસૂલ કરે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્લાઉડ કમ્પ્યુટિંગ

ક્લાઉડ કમ્પ્યુટિંગ એ ઇન્ફર્મેશન ટેકનોલોજી સંબંધિત સર્વિસિઝ માટેની એક પદ્ધતિ છે, જેમાં બિઝનેસ કંપની દુનિયાના કોઈ પણ ખૂણેથી. ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી, વેબ-આધારિત ટૂલ્સ-સોફ્ટવેર દ્વારા, ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની પાસેથી સેવાઓ મેળવી શકે છે.

કોઈ બિઝનેસ કંપની ડેટા પ્રોર્સેસિંગ-સ્ટોરેજ અર્થે પોતાની કંપ્યુટિંગ સિસ્ટમના રિસોર્સ (હાર્ડવેર-સોફ્ટવેર) વાપરવાને બદલે – ઇન્ટરનેટ દ્વારા – અન્ય મોટી હોસ્ટ કંપનીના કમ્પ્યુટિંગ રિસોર્સિઝની સેવા લે, તો તેને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીની આવી સેવાને ‘ક્લાઉડ સર્વિસ’ કહે છે.

ક્લાઉડ કમ્પ્યુટિંગ સાથે સંલગ્ન વિશ્વની સૌથી મોટી આઇટી કંપનીઓ એમેઝોન, ગુગલ, માઇક્રોસોફ્ટ, આઇબીએમ વગેરેનાં નામ તો આપ જાણો જ છો. સોશિયલ નેટવર્ક્સ પર ક્લાઉડ કમ્પ્યુટિંગનો બહોળો ઉપયોગ કરનાર ફેસબુક અને ટ્વિટર જાણીતાં નામ છે.

ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની પાસે સુપર જાયન્ટ કેપેસિટીના નેટવર્ક્સ, સર્વર્સ અને લેટેસ્ટ સોફ્ટવેર હોય છે. બિઝનેસ કંપની ફીઝ ભરીને ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીમાં પોતાનો એકાઉન્ટ ખોલાવે છે અને પોતાની જરૂરિયાત અનુસાર સેવાઓ લેવા માટે નક્કી કરેલ ચાર્જ આપે છે. બિઝનેસ કંપની ઇન્ટરનેટ દ્વારા ક્લાઉડ કંપની સાથે કનેક્ટ થઈ આઇટી સર્વિસિઝનો લાભ લે છે. કંપની જેવો અને જેટલો ક્લાઉડ સર્વિસનો વપરાશ કરે છે, તેના પ્રમાણમાં ચાર્જ/ પેમેન્ટ આપતી રહે છે.

આમ, ક્લાઉડ ટેકનોલોજીમાં બિઝનેસ કંપની પોતાની માલિકીના મોટા સર્વર નથી રાખતી કે જેના પર અંગત ડેટા સ્ટોર કે પ્રૉસેસ કરવાની જરૂર પડે. બિઝનેસ કંપનીના ડેટાના સ્ટોરેજ / પ્રોસેસિંગ માટે મ્પ્યુટિંગ કંપનીના જે સર્વર આદિ હાર્ડવેર (અને સોફ્ટવેર પણ) છે, તે દુનિયાના બીજા કોઈ ખૂણે ‘સાયબરસ્પેસ’ કે ‘ક્લાઉડ’માં હોય છે, તેથી તેને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહે છે.

બિગ ડેટા એનાલિટિક્સની પ્રક્રિયાઓને ક્લાઉડ કમ્પ્યુટિંગ સરળ કરે છે.

ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ક્લાઉડ સર્વિસની વાત કરતાં આપણને ગુગલ ક્લાઉડ, માઇક્રોસોફ્ટ એઝ્યોર, એમેઝોન વેબ સર્વિસિઝ, આઇબીએમ બ્લ્યુમિક્સ તરત યાદ આવે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્લાઉડ કમ્પ્યુટિંગનાં લક્ષણો

સ્વાભાવિક પ્રશ્ન થાય કે: ક્લાઉડ કમ્પ્યુટિંગનાં કેરેક્ટરિસ્ટિક્સ કયા?

  • ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરોનમેન્ટના લક્ષણો – કેરેક્ટરિસ્ટિક્સ – સ્પષ્ટ છે.
  • પ્રથમ તો, ક્લાઉડ કમ્પ્યુટિંગના રિસોર્સિઝ (હાર્ડવેર-સોફ્ટવેર) એક સાથે ઘણા બધા કસ્ટમર્સ પોતપોતાની આવશ્યકતા અનુસાર વાપરી શકે છે.
  • ક્લાઉડ કમ્પ્યુટિંગ તેના કસ્ટમર્સ માટે એક પ્રકારની રાઉન્ડ-ધ-ક્લોક ઓન ડિમાન્ડ સર્વિસ છે.
  • તેનો ઉપયોગ સુલભ છે; ઇન્ટરનેટ દ્વારા જોડાઈને કસ્ટમર ક્યાંયથી પણ, ક્યારે પણ (એનિટાઇમ, એનિવ્હેર) તે સર્વિસ મેળવી શકે છે.
  • કસ્ટમર પોતાની જરૂરિયાત પ્રમાણે હાર્ડવેર-સોફ્ટવેર (રિસોર્સ)નો વધતા-ઓછા પ્રમાણમાં યુઝ કરી શકે છે.
  • રિસોર્સના ઉપયોગ પ્રમાણે કસ્ટમરે તેનો નિર્ધારિત ચાર્જ આપવાનો હોય છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસના પ્રકારો

આઇટી ક્ષેત્રે ક્લાઉડ ટેકનોલોજી ઘણી જાતની સેવાઓ પૂરી પાડે છે.

ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ જાહેર (પબ્લિક) હોઈ શકે, અથવા ખાનગી (પ્રાઇવેટ) હોઈ શકે.

જાહેર ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસના ‘પબ્લિક ક્લાઉડ’ની સેવાઓ સામાન્ય રીતે માર્કેટમાં કોઈ પણ જાહેર બિઝનેસ માટે ઉપલબ્ધ હોય છે. ખાનગી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીના ‘પ્રાઇવેટ ક્લાઉડ’ની સેવાઓ જે તે ખાસ બિઝનેસ હાઉસના અંગત ઉપયોગ માટે જ હોય છે. આ ઉપરાંત હાઇબ્રિડ ક્લાઉડ કે મલ્ટિ-ક્લાઉડ એન્વાયરનમેન્ટ પણ હોઈ શકે છે, જે મિશ્રિત (જાહેર-ખાનગી બંને) પ્રકારની સેવાઓ આપવાની વ્યવસ્થા ધરાવે છે.

ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ મોડેલ્સના ત્રણ પ્રકારો છે.

બીજા શબ્દોમાં, ક્લાઉડ કમ્પ્યુટિંગની ડિલિવરી સર્વિસ ત્રણ પ્રકારની છે:

  • સોફ્ટવેર એઝ એ સર્વિસએસએએએસ (SaaS)
  • પ્લેટફોર્મ એઝ એ સર્વિસપીએએએસ (PaaS)
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસઆઇએએએસ (IaaS)

ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓના ત્રણ પ્રકારો પૈકી પ્રથમ પ્રકાર, સોફ્ટવેર એઝ એ સર્વિસ – સૌથી પ્રચલિત સર્વિસ મોડેલ પ્રકાર છે. તેમાં બિઝનેસ કંપની મોંઘાદાટ સોફ્ટવેર પોતે ખરીદવાને બદલે ક્લાઉડ કંપનીના સોફ્ટવેર વાપરે છે. આનાં ઉદાહરણમાં ‘માઇક્રોસોફ્ટ ઑફિસ 365’ અને ‘ડ્રોપબોક્સ’ છે.

બીજા પ્રકાર – પ્લેટફોર્મ એઝ એ સર્વિસ – માં કમ્પ્યુટિંગ પ્લેટફોર્મને સેવા તરીકે વાપરવામાં આવે છે. ગુગલ ક્લાઉડ પ્લેટફોર્મ આવી સર્વિસિઝનું ઉદાહરણ છે.

ત્રીજા પ્રકાર – ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ – માં સ્ટોરેજ-સર્વર કે નેટવર્ક જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સર્વિસ લેવામાં આવે છે. એમેઝોન વેબ સર્વિસિઝ ‘આઇએએએસ’ પૂરી પાડે છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્લાઉડ કમ્પ્યુટિંગના ફાયદા

ક્લાઉડ ટેકનોલોજી બિઝનેસ માટે ફાયદાકારક છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ વિવિધ લાભ આપે છે. તેનો સૌથી મોટો લાભ એ છે કે તે ‘એનિટાઇમ, એનિવ્હેર’ ધોરણે સર્વત્ર સુલભ છે. તેનો વપરાશ ખૂબ જ સરળ છે. કંપ્યુટિંગ રિસોર્સિઝ સમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચની બચત થાય છે. કંપની માટે તે હાર્ડવેર અને સોફ્ટવેરની ખરીદીનો અને જાળવણીનો ખર્ચ બચાવે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ જાતજાતના વિકલ્પો સાથે મળે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગની સ્કેલેબિલિટી પ્રશંસનીય છે. કંપની આવશ્યકતા અનુસાર વપરાશમાં વત્તો ઓછો ફેરફાર ક્યારે પણ કરી શકે છે. જેટલો વપરાશ, તેટલું બિલ. આમ, સરવાળે ક્લાઉડ કમ્પ્યુટિંગ ઓછું ખર્ચાળ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ક્લાઉડ કમ્પ્યુટિંગના ગેરફાયદા

ક્લાઉડ કમ્પ્યુટિંગનો સૌથી મોટો ગેરલાભ ‘સિક્યોરિટી’ને લગતો છે. સલામતીનાં અસાધારણ પગલાં કેવાયેલાં હોય છે, તો પણ શું ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વર સંપૂર્ણ સલામત છે? આવી વાતની 100 % ગેરન્ટી કોઈ આપી શકતું નથી. ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીના સેફ અને સિક્યોર્ડ મનાતા સર્વર શું હેક ન થઈ શકે? જ્યારે તે હેક થાય ત્યારે કેટલો સંવેદનશીલ અને અંગત રેકોર્ડ જાહેરમાં આવી શકે તે પ્રશ્ન વિચારવા જેવો છે. બીજા ગેરફાયદામાં ક્લાઉડ સર્વિસની પોર્ટેબિલિટી આવે. શું આપ એક ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીની સર્વિસ છોડીને બીજી કંપનીની ક્લાઉડ સર્વિસ લઈ શકો? તેનો આધાર કંપનીઓની ટર્મ્સ એન્ડ કંડિશન્સ પર હોય છે. પણ આપનો સમગ્ર ડેટા એક કંપનીના સર્વર પરથી બીજા પર લઈ જવો આસાન તો નથી જ હોતો.

ક્લાઉડ ટેકનોલોજીનું ભવિષ્ય

ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઓ માટે મોટો પડકાર એ છે કે તેમણે ભારે કાર્યક્ષમ અને પૂર્ણતયા સુરક્ષિત ડેટા સેન્ટર્સ ઊભાં કરવાં પડે છે. આવા ડેટા સેન્ટરમાં તેમણે હાઇલિ પાવરફુલ, હાઇલિ સિક્યોર્ડ સર્વર્સ અને નેટવર્ક્સ જાળવવાં પડે છે. ઇલેક્ટ્રિક પાવર સપ્લાયથી માંડીને નિષ્ણાત ટેકનિકલ સપોર્ટ તેમના માટે જીવાદોરી છે. આ બધા  માટે કરોડો ડોલરનું રોકાણ કરવું પડે છે. તેથી ક્લાઉડ કંપ્યુટિંગ ક્ષેત્ર આઇટી ફિલ્ડની કેટલીક જાયન્ટ કંપનીઓ પૂરતું સીમિત રહ્યું છે. તેમાં મોખરે ગુગલ અને એમેઝોન છે. જો કે ક્લાઉડ કમ્પ્યુટિંગનો નોંધપાત્ર ઉપયોગ કરનાર કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, એપલ, ઓરેકલ, ફેસબુક, ટ્વિટરનાં નામ નજરે પડે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ વર્તમાન ઇન્ફર્મેશન ટેકનોલોજીનો એક મહત્ત્વનો આધાર સ્તંભ છે.

 ** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અનુપમા લેખ: ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ
  • વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ સ્પર્ધાત્મક બનતાં ટ્રેડ-કોમર્સ-ઇન્ડસ્ટ્રી
  • વાણિજ્ય-ઉદ્યોગ-બજારો-ઉપભોક્તા વચ્ચે નિરંતર ઇન્ટરેક્શન્સમાંથી જન્મતા બિગ ડેટાને હેન્ડલ કરવા સજ્જ થતી ઇન્ફર્મેશન ટેકનોલોજી
  • ક્લાઉડ ટેકનોલોજી બિઝનેસને ‘ઓન ડિમાન્ડ’ આપે છે અદ્યતન હાર્ડવેર-સોફ્ટવેર સેવાઓ
  • હાઇ કેપેસિટી સર્વર્સ-નેટવર્ક્સ સાથે લેટેસ્ટ એપ્લિકેશન-પ્રોગ્રામ-સોફ્ટવેરની સર્વિસ પૂરી પાડતી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઓ
  • વ્યાપાર-ઉદ્યોગમાં પ્રચલિત થતી જતી વિવિધ ક્લાઉડ સર્વિસ
  • વિશ્વની અગ્રીમ ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઓમાં મોખરે છે ગુગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, આઇબીએમ આદિ આઇટી ક્ષેત્રની કંપનીઓ
  • ક્લાઉડ કમ્પ્યુટિંગ: Cloud computing
  • ઇન્ફર્મેશન ટેકનોલોજી – આઇટી: Information Technology – IT
  • બિગ ડેટા એનાલિટિક્સ: Big Data analytics
  • ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસિઝ: Cloud computing services
  • સોફ્ટવેર એઝ એ સર્વિસ – એસએએએસ: Software as a Service – SaaS
  • પ્લેટફોર્મ એઝ એ સર્વિસ – પીએએએસ: Platform as a Service – PaaS
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ – આઇએએએસ: Infrastructure as a Service – IaaS

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

આપને ‘મધુસંચય‘ પર આ લેખ ગમશે: માનવમગજ અને ક્લાઉડ કનેક્ટ કરશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ

આપને ‘અનામિકા’ પર આ લેખ ગમશે: વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

7 thoughts on “ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ

Leave a comment