વિસરાતી વાતો

મુંબઈ ભારતની આર્થિક રાજધાની કેવી રીતે બન્યું?

 

મુંબઈ ભારતની આર્થિક રાજધાની તરીકે ભારતનું સૌથી મહત્વપૂર્ણ શહેર ગણાય છે. આજે આ શહેર લાખો લોકો માટે સ્વપ્નનગરી બન્યું છે.

એક જમાનામાં, મુંબઈ એટલે સાત છૂટાછવાયા ટાપુઓનો સમૂહ. સાડા ત્રણસો વર્ષ પહેલાં મુખ્યત્વે માછીમાર-કોળીઓની વસ્તી ધરાવતા પછાત ટાપુઓ એક આધુનિક શહેરમાં પલટાય તે ચમત્કાર જ ને! મૌર્ય શાસકો અને ગુજરાતના રાજ્યકર્તાઓથી લઈને મરાઠા અને અંગ્રેજ શાસનકર્તાઓએ તેના ઇતિહાસને સજાવ્યો છે.

સ્વપ્નનગરી મુંબઈના વિકાસની કહાણી રંગીન પણ છે, દિલચશ્પ પણ.

‘અનુપમા’ના આજના લેખમાં આપણે મુંબઈના આર્થિક વિકાસની રૂપરેખા પર નજર નાખીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સાત ટાપુના ‘બોમ બહિઆ’માંથી બૉમ્બેનો ઇતિહાસ

આજે મુંબઈ આધુનિક ઝાકમઝાળ ઓઢીને બેઠું છે. તેના અંચળામાં છૂટાછવાયા સાત ટાપુઓની પ્રાકૃત અવસ્થાઓ છુપાઈ છે.

મુંબઈનો પ્રાચીન ઇતિહાસ ઘણો લાંબો છે. ઇસુ પૂર્વે ત્રીજી સદીમાં આ પ્રદેશ પર મૌર્ય વંશની આણ હતી. પણ આપણે મુંબઈના તાજેતરના ઇતિહાસ પર નજર નાખીશું.

ચૌદમી-પંદરમી સદીમાં ગુજરાતના શાસકોએ મુંબઈ પર સત્તા જમાવી દીધી હતી.

1498માં પોર્ટુગાલ (યુરોપ) થી દરિયાખેડૂ સેઇલર વાસ્કો દ ગામા આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપને આંટો મારી હિંદુસ્તાનના પશ્ચિમ કિનારે કાલિકટ બંદર પહોંચ્યો. વાસ્કો દ ગામાએ યુરોપથી હિંદુસ્તાન આવવા દરિયાઈ માર્ગની શોધ કરી અને હિંદુસ્તાનના ઇતિહાસે કરવટ બદલી, તે વાત આપે અમારા બ્લૉગ ‘મધુસંચય’ પરના લેખ (30/11/2018) માં વાંચી છે.

તે પછી તરત, પંદરમી સદીના પહેલા દશકામાં પોર્ટુગીઝ ઉમરાવ ફ્રાન્સિસ્કો આલ્મિડા (ફ્રાંસિસ્કો અલ્માઇડા) મુંબઈ પહોંચનાર પ્રથમ યુરોપિયન બન્યો. પોર્ટુગિઝ પ્રજા હિંદુસ્તાનમાં સત્તા જમાવનાર પહેલી યુરોપિયન પ્રજા બની. વળી ફ્રાંસિસ્કો આલ્મિડા ભારતનો પ્રથમ યુરોપિયન સત્તાધીશ અમલદાર બન્યો. 1534 સુધીમાં મુંબઈ ટાપુના અખાત પર પોર્ટુગીઝ કબજો થઈ ગયો. તેમણે મુંબઈનું પોર્ટુગીઝ નામ ‘બોમ બૈયા’ કે ‘બોમ બહિઆ’ (Bom Baia / Bom Bahia) આપ્યું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

આપે ‘મધુસંચય’ના લેખ (19/08/2019) માં ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાણી એલિઝાબેથ પ્રથમના ‘એલિઝાબેથ યુગ’ વિશે વાંચ્યું છે. ક્વિન એલિઝાબેથ પ્રથમના અવસાન પછી ઇંગ્લેન્ડમાં કિંગ જેમ્સ પહેલાએ ગાદી સંભાળી. તે કાળે ઇંગ્લેન્ડમાં આંતરવિગ્રહ થયો અને રાજા જેમ્સ પ્રથમનો શિરચ્છેદ થયો. ભારે અસ્થિરતા વચ્ચે ઇંગ્લેન્ડ 1649-1660 વચ્ચે રાજા વિહોણું રહ્યું.

1660માં રાજા જેમ્સ બીજા (જેમ્સ પહેલાનો પુત્ર) એ.રાજગાદી સંભાળી અને ઇંગ્લેન્ડમાં ‘રિસ્ટોરેશન યુગ’નો આરંભ થયો.

1661માં ઇંગ્લેન્ડના કિંગ જેમ્સ બીજાનાં લગ્ન પોર્ટુગીઝના રાજાની રાજકુમારી કેથેરાઇન ઓફ બ્રેગાંઝા સાથે થયાં. પોર્ટુગલના રાજવીએ કુંવરીના લગ્ન નિમિત્તે ઇંગ્લેન્ડના રાજાને પહેરામણીમાં મુંબઈના ટાપુઓ આપ્યા.

મુંબઈનો મુખ્ય ટાપુ વિસ્તાર ઇંગ્લેન્ડને મળ્યો, જ્યારે ઉત્તરમાં સેલસેટ (સેલ્સેટ) પોર્ટુગીઝ પાસે રહ્યો.

મૂળ મુંબઈ પાસે પાસે આવેલા સાત ટાપુઓથી બન્યું હતું.

આ સાત ટાપુઓ એટલે બોમ્બે (મુખ્ય ટાપુ), કોલાબા, લિટલ કોલાબા, મઝગામ, પરેલ, વરલી અને માહિમ.

સેલસેટ (સેલ્સેટ) એટલે જૂના માહીમ ટાપુને પાર, આજના મીરાં રોડ-ભાયંદરથી લઈને થાણેનો વિસ્તાર. સેલ્સેટ ટાપુ પર પવાઈ લેઇક, વિહાર લેઇક અને તુલસી લેઇક એમ ત્રણ મોટાં તળાવો.

આમ, મુંબઈ પોર્ટુગીઝ પ્રજા પાસેથી અંગ્રેજોને દહેજમાં મળ્યું.

પોર્ટુગલ ‘બોમ બહિયા’ હવે ‘બૉમ્બે’ ના ઇંગ્લિંશ નામથી ઓળખાવા લાગ્યું.

અંગ્રેજ રાજાએ વળી બૉમ્બે – મુંબઈને તદ્દન મામૂલી ભાડાથી બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપનીને ભાડે આપ્યું! ભાડું કેટલું? વર્ષના દસેક પાઉન્ડ જેટલું! ભવિષ્યમાં પોર્ટ બનાવ્યા પછી મુંબઈનું રાજકીય, વાણિજ્યિક અને આર્થિક મહત્વ શું હશે તે કંપનીને સમજાઈ ગયું હતું.

તે સમયે બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપનીનું મુખ્ય મથક સુરત હતું. 1687માં બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપનીએ મુખ્ય મથક સુરતથી મુંબઈ ખસેડ્યું.

તે સમયે સુરતમાં લવજી વાડિયા પરિવાર તથા અન્ય પારસીઓ જહાજ બાંધવાના ઉદ્યોગમાં નિપૂણ હતા. બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપનીએ પારસીઓની મદદથી બોમ્બેને વિકસાવવાના પ્રયત્નો આદર્યા.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈ (બોમ્બે) ના એકધાર્યા વિકાસની ગાથા

એક પોર્ટ તરીકે બોમ્બેની મહત્તા અંગ્રેજોએ પારખી લીધી હતી. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું ધ્યેય મુંબઈના બારાંને વિકસાવવાનું હતું. સુરતથી આવેલા પારસીઓએ મુંબઈના વિકાસને કંડારવામાં સાચી નિષ્ઠાથી યોગદાન આપ્યું. વાડિયા પરિવારના લવજી વાડિયાનું યોગદાન આપે અમારા બ્લૉગ ‘અનુપમા’ ના લેખ (09/01/2018) માં જાણ્યું છે.

1750 ના અરસામાં સુરતના લવજી વાડિયાની આગેવાનીમાં મુંબઈનું બારૂં કાર્યરત થઈ ગયું. મુંબઈ બંદર ‘ડ્રાય ડૉક’ ધરાવતું સમગ્ર એશિયાનું પ્રથમ પોર્ટ બન્યું.

વર્ષ 1757ની પ્લાસીની લડાઈને આપણે કદી નહીં ભૂલીએ! જૂજ ઘડીઓની આ લડાઈમાં દેશવાસીએ પોતાના જ દેશવાસીઓને દગો દીધો અને હિંદુસ્તાનના માથે વિદેશી હકૂમત ચડી બેઠી!

બંગાળામાં પ્લાસીની લડાઈ (બેટલ ઑફ પ્લાસી) માં વિજય મેળવી અંગ્રેજોએ બંગાળ પર કબજો કર્યો અને હિંદુસ્તાનમાં બ્રિટીશ શાસનની શરૂઆત થઈ.

બંગાળાના પ્લાસી (પલાશી) નજીક બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપનીનાં લશ્કરી દળો અને બંગાળના નવાબ સિરાજ-ઉદ્દ-દૌલા (સિરાજુદ્દૌલા) વચ્ચે લડાઈ થઈ. પોતાના સાથીઓની દગાબાજીથી નવાબ સિરાજ-ઉદ્દ-દૌલાની હાર થતાં બંગાળમાં અંગ્રેજો સત્તાધીશ બન્યા. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ઉત્તર-પૂર્વ ભારતમાં સત્તા જમાવી.

જોતજોતામાં હિંદુસ્તાનના વિવિધ પ્રદેશો પર બ્રિટીશ હકૂમત શરૂ થઈ. કલકત્તા (હાલ કોલકતા) અંગ્રેજ હકૂમતનું કેંદ્ર બન્યું. પરંતુ મુંબઈ મહત્વનું અને સુવિધાભર્યું બંદર હોવાથી યુરોપિયનોના આકર્ષણનું શહેર બન્યું. મુંબઈનું ડેવલપમેન્ટ એવું થયું કે 1853માં બ્રિટીશ હિંદુસ્તાનની પ્રથમ પેસેન્જર રેલવે ટ્રેઇન સેવા મુંબઈમાં શરૂ થઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

શહેરીકરણ તથા વિકાસ પ્રવૃત્તિઓથી મુંબઈની કાયાપલટ

અઢીસો વર્ષ પહેલાંનું બૉમ્બે એટલે અલગ અલગ સાત ટાપુઓ. બે ટાપુ વચ્ચે અવરજવર માટે નાની હોડીઓનો ઉપયોગ થતો. જો કે પાસપાસેના બે ટાપુ વચ્ચે ખાડી (ક્રિક) છીછરી હોય તો શાંત પાણીમાં લોકો પગે ચાલીને પણ જઈ શકતા!

1774માં સેલસેટ બ્રિટીશરોના હાથમાં આવ્યું. આ અરસામાં બોમ્બે પ્રેસિડેન્સિના ગવર્નર તરીકે નિયુક્ત વિલિયમ હોર્નબિએ બોમ્બેના સાત ટાપુઓને જોડી દેવા પ્લાન બનાવ્યા. જો કે હોર્નબિનો નિર્ણય ઇંગ્લેન્ડમાં બ્રિટીશ સરકારને જરાયે ગમ્યો ન હતો.

તે કાળે મુંબઈના ટાપુઓ પર નાની મોટી વીસથી પણ વધારે ટેકરીઓ – હિલ્સ હતી. આ હિલ્સ તોડતાં  મળેલ માટી-પત્થર વડે ટાપુઓ વચ્ચેની ખાડીઓ પૂરાવા લાગી. સાતેક દાયકાઓમાં બધા ટાપુઓને માટીથી પુરીને કે કૉઝ વે બનાવીને જોડી દીધા.

1850 પહેલાં સાત ટાપુઓ જોડાઈ જતાં નવા રૂપે બૉમ્બે સીટી (મુંબઈ શહેર) અવતરી ચૂક્યું હતું!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1853ના 16 એપ્રિલને શનિવારના દિને ભારતની પ્રથમ રેલવે પેસેંજર ટ્રેઇન મુંબઈમાં બોરીબંદર અને થાણે (થાણા) વચ્ચે દોડી, તે વાત આપે ‘મધુસંચય’ ના લેખ (22/03/2018) માં વાંચી છે.

ભારતમાં રેલવે સેવાના આરંભ પાછળ સર જમસેત્જી જીજીભોય (જમશેદજી જીજીભોય/ સર જે જે) તેમજ જગન્નાથ શંકરસેઠ ( નાના શંકરશેઠ) ના પ્રયત્નો પ્રેરક હતા.

ભારતની જ નહીં, એશિયાભરની પ્રથમ પેસેન્જર રેલવે સેવા મુંબઈમાં શરૂ કરનાર લંડનની કંપની ‘ગ્રેટ ઇન્ડિયા પેનિન્સ્યુલર રેલવે’ (જીઆઇપીઆર) હતી. ગ્રેટ ઇન્ડિયા પેનિન્સ્યુલર રેલવે કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં પારસી અગ્રણી સર જમશેદજી જીજીભાઈ (જમસેત્જી જીજીભોય) તથા બ્રાહ્મણ વિદ્વાન વ્યાપારી જગન્નાથ શંકરસેઠ મુર્કુટે (જગન્નાથ નાના શંકરશેઠ) – આમ માત્ર બે ભારતીય ડાયરેક્ટરો હતા.

1863 સુધીમાં બોમ્બે, બરોડા એન્ડ સેંટ્રલ ઇન્ડિયા રેલવે (બીબી એન્ડ સી) કંપનીએ અમદાવાદ – સુરત વચ્ચે રેલવે લાઇન શરૂ કરી. 1870માં મુંબઈથી અમદાવાદની સીધી રેલવે ટ્રેઇન સેવાઓ શરૂ થઈ.

બહોળી રેલવે સેવાઓએ મુંબઈના શહેરીકરણને ઑર વેગ આપ્યો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ઓગણીસમી સદીના મધ્યભાગમાં અંગ્રેજોએ મુંબઈમાં શિક્ષણ આદિ પ્રવૃત્તિઓ પર જોર મૂક્યું.

1845માં સર જમસેત્જી જીજીભોય (સર જમશેદજી જીજીભાઈ) ની ઉદાર સખાવતથી મુંબઈમાં સર જે જે હોસ્પિટલ તથા ગ્રાન્ટ મેડિકલ કોલેજનાં બીજ રોપાયાં. 1845માં ગ્રાંટ મેડિકલ કોલેજ (જીએમસી) ના મેડિકલ કોર્સની પ્રથમ બેચના વિદ્યાર્થીઓમાં ભાઉ દાજી લાડ (ભાઉ દાજી પરસીકર) તથા આત્મારંગ પાંડુરંગ હતા. ‘અનુપમા’ના વાચકો જાણે કે પહેલી જ બેચમાં ‘જીજીએમસી’ની મેડિકલ ડિગી મેળવનાર ડૉ ભાઉ દાજી લાડની સ્મૃતિમાં મુંબઈ સીટીના સૌથી પ્રાચીન મ્યુઝિયમ (વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ) નું નામાભિધાન કરવામાં આવ્યું છે. આત્મારંગ પાંડુરંગજીએ પ્રાર્થના સમાજની સ્થાપના કરેલી પ્રાર્થના સમાજના એક પુરસ્કર્તા હતા મહાદેવ ગોવિંદ રાનડેજી; ભારતમાં મહિલા સશક્તિકરણનાં પ્રણેતા રમાબાઈ પંડિતા પર રાનડેજીનો ઊંડો પ્રભાવ પડ્યો હતો.

કેળવણી ક્ષેત્રે મુંબઈમાં સારી પ્રગતિ થતી ગઈ. 1857માં બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના થઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈ વિશ્વના સંપર્કમાં

એક તરફ મુંબઈનું પોર્ટ (બંદર) ડેવલપ થઈ ગયું, બીજી તરફ શહેર રેલ માર્ગે દેશના અન્ય પ્રદેશો સાથે જોડાતું ગયું. મુંબઈ રૂ – કોટનના વ્યાપારનું મોટું મથક બન્યું.

મુંબઈમાં પહેલી ટેક્સ્ટાઇલ મિલ બનાવવા 1854માં એક પારસી ઉદ્યોગપતિએ ‘બૉમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની’ સ્થાપી. મુંબઈ સેંટ્રલ નજીક તારદેવમાં સ્થપાયેલ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ 1856માં શરૂ થઈ. મુંબઈની પ્રથમ મિલના પ્રણેતા કાવસજી નાનાભોય દાવર (કાવસજી નાનાભાઈ દાવર/ કેએન દાવર/ કેજીએન દાબર)  હતા.

સ્થાનિક નિવાસીઓ,  મરાઠાઓ, પારસીઓ, ગુજરાતીઓ ઉપરાંત – યહુદીઓ સહિતના – વિદેશીઓએ શહેરના સર્વાંગી વિકાસમાં સાથ આપ્યો.

1869માં દુનિયાના ઇતિહાસ – અને ભૂગોળમાં પણ – નવી ઘટના નોંધાઈ. ઇજિપ્ત દેશમાં 190 કિલોમીટર લાંબી કેનાલ ખોદવામાં આવી. આ હતી સુએઝ કેનાલ જેણે મેડીટેરેનિયન સી અને રેડ સીને જોડી દીધા.

ઇજિપ્ત-સુએઝ કેનાલના દ્વારા નોર્થ એટલાન્ટિક ઓશન અને અરેબિયન સી વિસ્તાર વચ્ચે સીધી સમુદ્ર મુસાફરી શક્ય બની. બીજા શબ્દોમાં, યુરોપથી હિંદુસ્તાન આવવા માટેનો ટૂંકો દરિયાઈ માર્ગ બન્યો. પરિણામે યુરોપ-ભારતના પ્રવાસ માટે આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપને આંટો મારી, લાંબી મુસાફરીની જરૂર ન રહી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સુએઝ કેનાલથી સૌથી મોટો ફાયદો બ્રિટીશ હકૂમતને એ થયો કે ઇંગ્લેંડ અને ભારત વચ્ચે વ્યાપારી માલની અવરજવર સરળ અને સસ્તી બની. ઇંગ્લેન્ડ હિંદુસ્તાન વચ્ચેના વેપારમાં સુવિકસિત બોમ્બે પોર્ટ મહત્વનું બન્યું. સુએઝ કેનાલ શરૂ થતાં યુરોપ સાથેના વ્યાપાર-ઉદ્યોગના વિનિમય માટે મુંબઈ બંદર સૌથી અગત્યનું કેન્દ્ર બન્યું.

બસ, કૂદકે અને ભૂસકે શહેરમાં વ્યાપાર-ઉદ્યોગો ધમધમવા લાગ્યા. ભારતની અર્થિક રાજધાની તરીકે મુંબઈ શહેર ઊભરવા લાગ્યું. 1874માં ઘોડાથી દોડતી હોર્સ-ટ્રામ શરૂ થતાં શહેરમાં વાહનવ્યવહારમાં સુવિધા થઈ તે રસપ્રદ વાત આપે ‘મધુસંચય’ના લેખ (05/01/2012) માં વાંચી છે. બોમ્બે ઇલેક્ટિક સપ્લાય એન્ડ ટ્રામવેય્ઝ કંપની (બેસ્ટ BEST) દ્વારા 1907 ના મે મહિનામાં મુંબઈમાં ઇલેક્ટ્રિક ટ્રામ સેવાની શરૂઆત થઈ.

રૂ – કોટનના વ્યાપારમાં તેજી, ટેક્સ્ટાઇલ ઉદ્યોગની સ્થાપના અને ટ્રાન્સપોર્ટ જેવી શહેરીકરણ યોજનાઓએ મુંબઈને ભારતમાં પ્રથમ હરોળના શહેરમાં મૂક્યું. 1895 સુધીમાં મુંબઈમાં 70 જેટલી ટેક્સ્ટાઇલ મિલ સ્થપાઈ ચૂકી હતી.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈમાં મનોરંજન પ્રવૃત્તિઓનો વિકાસ

પચરંગી પ્રજાઓથી બનેલા મુંબઈમાં શ્રીમંતો અને યુરોપિયનો માટે મનોરંજન અર્થે નૃત્ય-નાટક અને રમતગમત જેવી આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ વિકસવા લાગી.

અંગ્રેજોએ મનોરંજન માટે અઢારમી સદીમાં ફોર્ટ એરિયામાં બોમ્બે ગ્રીન થિયેટરની સ્થાપના કરી હતી. ઓગણીસમી સદીમાં મનોરંજન પ્રવૃત્તિઓને વેગ મળતો ગયો. ક્લબોની સ્થાપના થવા લાગી.

આ અરસામાં પારસી ગુજરાતી રંગભૂમિનો ઉદય થતો હતો તે વાત આપે અમારા બ્લૉગ મધુસંચયના રસપ્રદ લેખ (27/03/2019) માં વાંચેલ છે.

1846માં ગ્રાન્ટ રોડ પર રોયલ થિયેટર બંધાયું અને રંગમંચ પર પારસી નાટકો શરૂ થયાં. સર જમસેત્જી જીજીભોય તથા જગન્નાથ નાના શંકરશેઠના યોગદાનથી બનેલ રોયલ થિયેટર પછી શંકર શેઠની નાટકશાળાના નામે લોકજીભે વસેલું.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

તે પછી બોરીબંદર સ્ટેશન ( વિક્ટોરિયા ટર્મિનસ / હાલ સીએસટી) સામે ગેઇટી થેયેટર તો મુંબઈના ઇતિહાસમાં અમર થઈ ગયું છે. 1901માં જયશંકર ભોજકની ડેબ્યુ ભૂમિકાવાળું ગુજરાતી નાટક ‘સૌભાગ્યસુંદરી’ ગેઇટીમાં ભજવાયું અને જયશંકર ‘સુંદરી’ ગુજરાતી રંગભૂમિમાં પથપ્રદર્શક અભિનેતા બન્યા. ‘અનુપમા’ના વાચકો જાણે છે કે અમદાવાદના અમૃત કેશવ નાયક મુંબઈમાં ગુજરાતી રંગમંચ પર સિતારાની જેમ ચમકી ગયા.

ભારતમાં ક્રિકેટની રમતનો વિકાસ થયો. પારસી ક્રિકેટ ક્લબ અને બૉમ્બે જીમખાના જેવી ક્રિકેટ ક્લબો થકી મુંબઈમાં ટ્રાયએન્ગ્યુલર-ક્વોડ્રેન્ગ્યુલર જેવી ટુર્નામેન્ટ શરૂ થઈ. 1846-48ના ગાળામાં પારસીઓની ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ ઉદભવી. ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ પાછળથી યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્લબ કે પારસી ક્રિકેટ ક્લબના નામે ખ્યાતિ પામી. 1875માં બ્રિટીશરો-યુરોપિયનો માટે આઝાદ મેદાન (ફોર્ટ) પાસે ઉચ્ચ કક્ષાનાં ધારાધોરણો સાથે ‘બૉમ્બે જીમખાના’ની શરૂઆત થઈ.

આ બધી પ્રવૃત્તિઓના પગલે મુંબઈમાં હોટેલોનો આરંભ થયો. 1903માં જમશેદજી ટાટા (જમસેત્જી તાતા) ના ટાટા ગ્રુપની તાજમહાલ પેલેસ હોટેલ (ધ તાજ હોટેલ) બની, તેના 60 વર્ષ પહેલાં યુરોપિયન સગવડો આપતી મુંબઈની પહેલી હોટેલ સ્થપાઈ ચૂકી હતી!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મુંબઈની સર્વ પ્રથમ હોટેલ ‘બ્રિટીશ હોટેલ’  ફોર્ટ વિસ્તારમાં વર્ષ 1840માં સ્થપાઈ હોવાની નોંધ છે. પાલનજી પેસ્તનજી (પાલોનજી પેસ્તનજી) નામના પારસી સજ્જનની ‘બ્રિટીશ હોટેલ’ પાશ્ચાત્ય ધોરણે સ્થપાયેલ પહેલી હોટેલ હતી.

મુંબઈના ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામનાર કાલા ઘોડા પાસેની વોટ્સન એસ્પ્લેનેડ હોટેલ (વૉટ્સન હોટેલ) 1871માં ઊભી થઈ. ફોર્ટ – કોલાબા વિસ્તારની આલીશાન વૉટ્સન હોટેલમાં ભારતનો સર્વ પ્રથમ ફિલ્મ શો આયોજાયો હતો. 1895માં પેરિસ (ફ્રાન્સ) માં વિશ્વનો પ્રથમ ફિલ્મ શો કરનાર લ્યુમિયેર બ્રધર્સને આપ વાચકો જાણો છો. બીજે જ વર્ષે, 1896માં લ્યુમિયેર બ્રધર્સની ટૂંકી ફિલ્મો વોટ્સન એસ્પ્લેનેડ હોટેલમાં પ્રદર્શિત થઈ તે સાથે ભારતમાં સિનેમાનો આરંભ થયો.

1913માં દાદાસાહેબ ફાળકેની પ્રથમ સંપૂર્ણ ભારતીય ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’ ગિરગામના કોરોનેશન સિનેમામાં રજૂ થઈ.

1931માં ભારતની પ્રથમ બોલતી ફિલ્મ – ટૉકી મુવિ –  ‘આલમ આરા’ ગિરગામના મેજેસ્ટિક થિયેટરમાં રજૂ થઈ.

બસ, પછી તો મુંબઈમાં સિનેમા હાઉસ – ટૉકિઝ ઠેર ઠેર બનવાં લાગ્યાં. તેમાંથી આપણને રીગલ, ઇરોઝ અને મેટ્રો જેવાં મુંબઈનાં લેન્ડમાર્ક સિનેમા-થિયેટરો મળ્યાં.

સ્વપ્નનગરી મુંબઈ ફિલ્મનગરી બની.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

1 thoughts on “મુંબઈ ભારતની આર્થિક રાજધાની કેવી રીતે બન્યું?

Leave a comment