આજથી 130 વર્ષ પહેલાં ગુજરાતમાં મહિલા ડૉકટરની કલ્પના કરવી મુશ્કેલ હતી. તે સમયે, જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી શકતી ન હતી ત્યારે, સ્ત્રીશિક્ષણની તો વાત જ શી કરવી! આવા જમાનામાં, ઓગણીસમી સદીના અંતમાં, ગુજરાતમાં બે સ્ત્રી ડૉક્ટરો આવી વસ્યા અને તેમણે ગુજરાતની મહિલાઓની ખૂબ સેવા કરી.
ગુજરાતમાં સ્ત્રીઆરોગ્ય સેવાના શ્રીગણેશ કરનાર આ બે મહિલા ડોક્ટરો હતા ડૉ મોતીબાઈ કાપડિયા અને ડૉ રુખમાબાઈ રાઉત.
આપે 19મી સદીના અંતમાં હિંદુસ્તાનના સ્ત્રી સમાજમાં જાગૃતિ આણી, સ્ત્રીશિક્ષણની જ્યોત જગાવનાર પંડિતા રમાબાઈ સરસ્વતી, આનંદીબાઈ ગોપાલરાવ જોશી અને કાદંબિની ગાંગુલીની કહાણીઓ વાંચી છે.
હિંદુસ્તાનની પ્રથમ બે પ્રસિદ્ધ મહિલા તબીબો ડૉ આનંદી ગોપાલ જોશી અને ડૉ કાદંબિની ગાંગુલીએ સ્ત્રી સશક્તિકરણ – વિમેન એમ્પાવરમેંટ – નો પાયો નાખ્યો. તેમનાં પગલે રુખમાબાઈ રાઉત, મોતીબાઈ કાપડિયા અને અન્ય અસંખ્ય સ્રીઓને સમાજમાં આગળ વધવાની પ્રેરણા મળી.
ગુજરાતમાં મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે અમૂલ્ય સેવા પ્રદાન કરનાર ડૉક્ટર મોતીબાઈ કાપડિયા અને ડૉકટર રુખમાબાઈ રાઉતને ગુજરાતી સ્ત્રી સમાજ હંમેશા યાદ કરશે. તેમણે અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબીબી સેવાઓ આપી.
‘અનુપમા’ના આજના લેખમાં ગુજરાતમાં સેવા આપનાર સૌ પ્રથમ મહિલા ડૉક્ટરો મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાઉતનો આછો પરિચય મેળવીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
અઢારમી સદી સુધી વિશ્વભરમાં સ્ત્રી શિક્ષણ પ્રતિ સમાજ ઉદાસીન હતો. આપે અમારા ‘મધુસંચય’ બ્લૉગ પર વાંચ્યું છે કે વિમેન એમ્પાવરમેંટ તો શું, ફીમેલ એજ્યુકેશનનો વિચાર સુદ્ધાં થઈ શકતો ન હતો. વિદેશી આક્રમણો પછી હિંદુસ્તાનમાં સ્ત્રીવર્ગની સ્થિતિ દયનીય બની ગઈ હતી. અમેરિકા અને યુરોપમાં સ્ત્રીશિક્ષણના પ્રસાર સાથે મહિલા વર્ગમાં ચેતના ફુંકાઈ, તે પછી ભારતમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ વિશે જાગૃતિ આવી.
પંડિતા રમાબાઈ સરસ્વતી સમગ્ર ભારતમાં સુધારાવાદીઓને ઝકઝોરનાર દેશનાં અગ્રેસર મહિલા સમાજસેવક. ઇંગ્લેંડ અને અમેરિકા બંને દેશોમાં જઈને મહિલા ઉત્કર્ષના પ્રયત્નો આદરનાર પંડિતા રમાબાઈ સરસ્વતીએ ભારતમાં સ્ત્રી સશક્તિકરણ – વિમેન એમ્પાવરમેંટ– નાં બીજ રોપ્યાં.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
હિંદુસ્તાનનાં પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ: કાદંબિની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં હિંદુસ્તાનમાં સ્ત્રી શિક્ષણના પ્રસારની લહેર ઊઠી.
કોલેજનું ઉચ્ચ શિક્ષણ લઈ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ હિંદુસ્તાની નારીઓ કાદંબિની ગાંગુલી (1861-1923) અને ચંદ્રમુખી બાસુ (1860-1944) હતાં. તેઓએ બેથ્યુન કોલેજ (કલકત્તા યુનિવર્સિટી, પશ્ચિમ બંગાળ) માંથી 1883માં બીએની ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી.
કાદંબિની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ બ્રિટીશ એમ્પાયર (ઓવરસિઝ) નાં પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ. તે પછી ચંદ્રમુખી બાસુ એમએની માસ્ટર્સ ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં.
કાદંબિની ગાંગુલી, દેશમાં જ ભણીને, કલકત્તા મેડિકલ કોલેજ (બેંગાલ મેડિકલ કોલેજ) માંથી ‘જીબીએમસી’ મેડિકલ ડિગ્રી મેળવીને, ડોક્ટર થનાર સર્વ પ્રથમ ભારતીય મહિલા બન્યાં. હકીકતમાં, ડૉ કાદંબિની ગાંગુલી સમગ્ર સાઉથ એશિયામાં વેસ્ટર્ન મેડિસિનમાં પ્રેક્ટિસ કરનાર પ્રથમ મહિલા ડૉક્ટર હતાં.
ભારતીય નારી શક્તિનો ઉદય: પંડિતા રમાબાઈ સરસ્વતી અને આનંદી ગોપાલ જોશી
શિક્ષણને આધાર બનાવી, ઘરની બહાર નીકળી સમાજને ઝકઝોરી દેનાર પ્રથમ ભારતીય મહિલાઓ પંડિતા રમાબાઈ સરસ્વતી (1858-1922) અને આનંદીબાઈ ગોપાલરાવ જોશી (1865-1887) હતાં.
1858માં દક્ષિણ ભારતીય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ રમાબાઈ ડોંગરેએ સમાજનાં બંધનોને કોરે મૂક્યાં, શિક્ષણ પામીને ઉત્તર-પૂર્વ ભારતનો પ્રવાસ કર્યો, બુદ્ધિજીવી વર્ગને આંજી દીધો અને પંડિતા રમાબાઈ સરસ્વતી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. દેશાટનના નિષેધને પડકારી પંડિતા રમાબાઈ સરસ્વતીએ ઇંગ્લેન્ડ અને અમેરિકાનો પ્રવાસ કર્યો. ભારતીય નારી શક્તિને વિદેશમાં ગુંજતી કરનાર રમાબાઈ સરસ્વતી પ્રથમ ભારતીય મહિલા હતાં અને દેશનાં અગ્રેસર મહિલા સમાજસેવક હતાં.
ભારતીય નારીના ઉત્કર્ષ અર્થે ઇંગ્લેંડ અને અમેરિકા જેવા દેશોના પ્રવાસ કરનાર પંડિતા રમાબાઈ સરસ્વતીએ ભારતમાં સ્ત્રી સશક્તિકરણ – વિમેન એમ્પાવરમેંટ– ની દિશામાં પહેલ કરી.
1865માં જન્મેલ યમુના ઉર્ફે આનંદી મૂળે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ. અપાર સંકટોનો સામનો કરી 1883માં અમેરિકા પહોંચ્યા. આનંદીબાઈ જોશી તબીબી અભ્યાસ માટે ફિલાડેલ્ફિયાની વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયામાં જોડાયા અને 1886માં મેડિકલ ડિગ્રી લઈ ડૉક્ટર બન્યા.
અમેરિકામાં તબીબી શિક્ષણ લઈ, ડૉક્ટર ઑફ મેડિસિન (એમ ડી) ની ઉચ્ચ મેડિકલ ડિગ્રી લેનાર ભારતના પ્રથમ મહિલા ડોક્ટર હતાં ડૉ આનંદી ગોપાલ જોશી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ભારતનાં પ્રથમ મહિલા ડૉક્ટરો
વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરનાર હિંદુસ્તાનનાં સર્વ પ્રથમ મહિલા આનંદીબાઈ ગોપાલરાવ જોશી. અમેરિકામાં અભ્યાસ કરી ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી ભારત આવનાર સર્વ પ્રથમ મહિલા ડૉક્ટર પણ ડૉ આનંદી જોશી. તકદીરની વિડંબના કે ભારત પરત ફરી ડૉ આનંદી ટૂંક સમયમાં અવસાન પામ્યાં અને તબીબી પ્રેક્ટિસ ન કરી શક્યાં, તે વાત આપે અમારા બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી છે.
ભારતમાં તબીબી અભ્યાસથી મેડિકલ ડિગ્રી મેળવી ડૉક્ટર બનનાર પ્રથમ ભારતીય મહિલા કાદંબિની દ્વારકાનાથ ગાંગુલી. દેશમાં તબીબી પ્રેક્ટિસ કરનાર પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર પણ ડૉ કાદંબિની ગાંગુલી.
ભારતમાં જ મેડિકલ અભ્યાસ કરી ડૉક્ટર બનનાર અને ગુજરાતમાં લેડી ડોક્ટર તરીકે તબીબી પ્રેક્ટિસ કરનાર પ્રથમ ભારતીય મહિલા ડોક્ટર તે મુંબઈના ડૉ મોતીબાઈ રૂસ્તમજી કાપડિયા.
વિદેશમાં મેડિકલ શિક્ષણ લઈ, ડોક્ટરની વિદેશી પદવી મેળવી, ભારતમાં ડૉક્ટર તરીકે પરત આવનાર બીજાં મહિલા ડૉક્ટર રુખમાબાઈ રાઉત (વિદેશી મેડિકલ ડિગ્રીથી તબીબ થનાર પહેલા ભારતીય મહિલા ડૉક્ટર આનંદી ગોપાલ જોશી) હતાં. બીજા શબ્દોમાં કહીએ તો, વિદેશમાં તબીબી અભ્યાસ પછી ભારતમાં પ્રેક્ટિસ શરૂ કરનાર પ્રથમ મહિલા ડોક્ટર તે રુખમાબાઈ રાઉત.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ગુજરાતમાં પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર મોતીબાઈ કાપડિયા
ડૉ મોતીબાઈ રૂસ્તમજી કાપડિયા (1867-1930) ગુજરાતમાં આવનાર પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર. ડો મોતીબાઈ અમદાવાદમાં વિમેન હોસ્પિટલમાં સેવા આપનાર પ્રથમ લેડી ડૉક્ટર હતાં.
મોતીબાઈ કાપડિયાનો જન્મ વર્ષ 1867માં મુંબઈના એક પારસી પરિવારમાં થયો હતો. 1884માં યુવાન વયે મોતીબાઈએ ગ્રાંટ મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ શરૂ કર્યો. બાવીસ વર્ષની ઉંમરે મોતીબાઈએ લાયસન્શિયેટ ઇન મેડિકલ એન્ડ સર્જરીનો કોર્સ કર્યો. તેમણે મુંબઈમાં અભ્યાસ ઉપરાંત ઇંગ્લેન્ડમાં ટ્રેઇનિંગ લીધી. આમ, 1889માં મેડિકલ કોર્સ પૂર્ણ થતાં મોતીબાઈ હવે ડૉ મોતીબાઈ કાપડિયા બન્યા.
આ અરસામાં અમદાવાદમાં શેઠ રણછોડદાસ છોટાલાલ અગ્રણી ઉદ્યોગપતિ તરીકે પ્રતિષ્ઠાપાત્ર બન્યા હતા. શેઠ રણછોડલાલ છોટાલાલે 1861માં અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં ગુજરાતની પહેલી કાપડ મિલ ‘અમદાવાદ સ્પીનિંગ એન્ડ વિવિંગ મિલ’ શરૂ કરી હતી. અમદાવાદ સુધરાઈ (અમદાવાદ મ્યુનિસિપાલિટી) ના પ્રથમ પ્રમુખ તરીકે શેઠ રણછોડદાસ છોટાલાલ સફળ સમાજસેવક સાબિત થયા હતા.
રાવ બહાદુર શેઠ રણછોડદાસ કાપડ મિલમાં ખૂબ કમાયા અને તેમણે જાહેર જીવનમાં સેવાઓ આપવા સાથે ઉદાર સખાવતો કરી. તેમની પરંપરા તેમના વંશ-વારસદારો-પરિવારે ચાલુ રાખી. તેમના પૌત્ર ચિનુભાઈ માધવલાલ અંગ્રેજ હકૂમત દ્વારા સન્માનિત પ્રથમ ગુજરાતી બેરોનેટ હતા.
શેઠ રણછોડદાસ છોટાલાલે સ્ત્રી વર્ગની સેવા માટે મોટું દાન આપી અમદાવાદની સૌ પ્રથમ મહિલા હોસ્પિટલ ‘વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ’ શરૂ કરી. 1889માં અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન સામે બનાવાયેલ વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ (ફોર વિમેન) ના પ્રથમ લેડી મેડિકલ ઓફિસર તરીકે ડૉ મોતીબાઈ આર કાપડિયા નીમાયા. આમ, ગુજરાતમાં પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર તે મુંબઈનાં ડૉ મોતીબાઈ કાપડિયા.
કાળુપુર વિસ્તારમાં શરૂ થયેલ વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલની ખ્યાતિ ચોમેર ફેલાતાં તેમાં ગુજરાતભરમાંથી દર્દીઓ આવતાં. ડૉ મોતીબાઈએ વિક્ટોરિયા હોસ્પિટલમાં સેવાભાવી સ્ત્રી ચિકિત્સક તરીકે ત્રણ-ચાર દાયકા સેવા આપી અને ભારે લોકચાહના મેળવી.
ચિકિત્સા ક્ષેત્ર ઉપરાંત ડૉ મોતીબાઈએ જીવનપર્યંત જાહેર પ્રવૃત્તિઓ અને સમાજ સેવામાં ઊંડો રસ લીધો. તેમણે સ્ત્રીઉદ્ધારને વિશેષ મહત્ત્વ આપ્યું. સ્ત્રીને ઘરમાંથી બહાર લાવવા તેમણે અથાગ પ્રયત્નો કર્યા. તેમણે ગુજરાતનું પ્રથમ સ્ત્રી સંગઠન બનાવવા પહેલ કરી.
ડૉ મોતીબાઈએ ગુજરાતની પહેલી મહિલા ક્લબ ‘ગુજરાત લેડિઝ ક્લબ’ ની સ્થાપના કરી. પ્રારંભમાં ગુજરાત લેડિઝ ક્લબનો કારોબાર શહેરના રાયખડ વિસ્તારમાં ‘નેશનલ ઇંડિયા એસોસિયેશન’ ની ઑફિસ (ભોળાનાથ સારાભાઈ લિટરરી ઇંસ્ટીટ્યૂટ) માં થતો. ડૉ મોતીબાઈએ મહિલાઓ માટે લાયબ્રેરી અને ટેનિસ કોર્ટ પણ શરૂ કરાવ્યાં. દેશભક્ત પારસી દાદાભાઈ નવરોજીએ ભારતીય અને યુરોપિયનો વચ્ચે પરસ્પર વ્યવહાર વચ્ચે તે હેતુથી ‘ધ નેશનલ ઇન્ડિયા એસોસિયેશન’ની સ્થાપના કરી હતી. ડૉ મોતીબાઈએ ગુજરાત લેડિઝ ક્લબ અને નેશનલ ઇંડિયા એસોસિયેશનના ઉપક્રમે યુરોપિયન અને ભારતીય સ્ત્રીઓ વચ્ચે વાર્તાલાપ અને વિચાર વિનિમય શરૂ કરાવ્યાં.
અમદાવાદ (ગુજરાત) માં સ્ત્રીવર્ગની આજીવન સેવા કરનાર અને અમદાવાદની પહેલી મહિલા હોસ્પિટલના પ્રથમ ભારતીય મહિલા તબીબ ડૉ મોતીબાઈ રૂસ્તમજી કાપડિયા 63 વર્ષની ઉંમરે 1930માં અવસાન પામ્યા.
ગુજરાતના પહેલા મહિલા ડૉક્ટર મોતીબાઈ કાપડિયાની સ્મૃતિમાં અમદાવાદમાં કાળુપુર સ્ટેશન વિસ્તારમાં, વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ અને માધવબાગ પાસે ‘ડો મોતીબાઈ કાપડિયા’ હોલ બાંધવામાં આવ્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
રુખમાબાઈ રાઉત
ડૉ આનંદી જોશી અને ડૉ કાદંબિની ગાંગુલી પછી મેડિકલ ક્ષેત્રે નામના કમાનાર ભારતીય સન્નારી હતાં રુખમાબાઈ રાઉત (1864-1955).
રુખમાબાઈ રાઉત (રખમાબાઈ રાઉત) નો જન્મ વર્ષ 1864માં મુંબઈના એક સંપન્ન મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો. અઢી વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા. રુખમાબાઈ નવેક વર્ષના થયા ત્યારે તેમના માતાએ મુંબઈની ગ્રાંટ્સ મેડિકલ કોલેજના બુદ્ધિજીવી પ્રોફેસર ડૉ સખારામ અર્જુન સાથે પુન:લગ્ન કર્યાં. પ્રોફેસર પ્રખર વિદ્વાન હતા; સુધારાવાદી પણ. રુખમાબાઈને અભ્યાસ કરવા માટે અપરપિતા ડૉ સખારામ અર્જુનનું હૂંફાળું પ્રોત્સાહન મળ્યું.
11 વર્ષની ઉંમરે રુખમાબાઈનાં લગ્ન 19 વર્ષના યુવક દાદાજી ભીકાજી સાથે થયા. બાળવય હોવાથી રિવાજ પ્રમાણે તેઓ પિયરમાં જ રહ્યા. પતિ પણ ઘરજમાઈ થઈ ત્યાં જ રહેવા લાગ્યા, પરંતુ તેમને પત્નીના શિક્ષણમાં રસ ન હતો.
1884માં દાદાજી ભીકાજીએ પત્નીને સાસરે લઈ જવા આગ્રહ કર્યો ત્યારે બુદ્ધિમાન, શિક્ષિત અને સંસ્કારી રુખમાબાઈએ ઇંકાર કર્યો. તેમને તો વિદ્યાભ્યાસની લગન લાગી હતી! જોકે તેમના ઇન્કાર પાછળ સાસરા પક્ષનાં અવાંછનીય વિચાર-વ્યવહાર પણ જવાબદાર હતાં.
દાદાજી ભીકાજીએ પતિહક્ક મેળવવા બોમ્બે હાઇકોર્ટમાં કેસ કર્યો. રુખમાબાઈએ ‘પોતાની સંમતિ વગર થયેલાં લગ્ન પોતાને માન્ય નથી’ એ મુદ્દે દલીલો કરી. કાયદાની અસ્પષ્ટ આંટીઘૂંટીઓ વચ્ચે પ્રારંભમાં કેસ તેમની તરફેણમાં ચાલ્યો, પરંતુ પછી રૂખમાબાઈ કેસ હારી ગયાં. દેશમાં ચકચાર જગાવનાર આ કેસની રિટ્રાયલ પછી કોર્ટ બહાર સમાધાન થયું. 1888માં દાદાજી ભીકાજીએ બે હજાર રૂપિયા મેળવી લગ્નવિચ્છેદનો નિર્ણય કર્યો. રુખમાબાઈ ભલે કેસ હાર્યાં, પણ તેમની દલીલોએ રૂઢિચુસ્ત સમાજમાં આગ ફેલાવી અને સુધારાવાદીઓને બેઠા કરી દીધા.
રુખમાબાઈ-દાદાજીના કેસે ભારતમાં અને ઇંગ્લેંન્ડમાં જબરદસ્ત હલચલ મચાવી. ક્વિન વિક્ટોરિયાએ પણ તેમાં દખલ કરી. આખરે બ્રિટીશ હકૂમતે લગ્નસંમતિની ઉંમર વધારતો નવો કાયદો (Age of Consent Act,1891) ઘડવો પડ્યો. ‘એઇજ ઑફ કંસેન્ટ એક્ટ, 1891’ હેઠળ લગ્ન સંમતિની વય દસ વર્ષથી વધારી બાર વર્ષની કરવી પડી!
સમાજમાં સ્ત્રીને થતા અન્યાય સામે લડી યુવાન વયમાં રુખમાબાઈ દેશમાં સ્ત્રી શક્તિના પુરસ્કર્તા બન્યા.
લગ્નવિચ્છેદ પછી રુખમાબાઈએ અંગ્રેજી ભાષાનું વિશેષ જ્ઞાન મેળવ્યું. તેમણે મેડિકલના અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ જવા નિર્ણય કર્યો. તે સમયે ઇંગ્લેંડમાં મેડિકલ ક્ષેત્રે મહિલાઓના એજ્યુકેશન માટે રાજધાની લંડન શહેરની લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફોર વિમેન પ્રસિદ્ધ હતી. 1874માં સ્થપાયેલ આ મેડિકલ સ્કૂલના એક પ્રેરણામૂર્તિ અમેરિકાના પ્રથમ મહિલા ડૉક્ટર એલિઝાબેથ બ્લેકવેલ પણ હતા.
વર્ષ 1889માં રુખમાબાઈ તબીબી શિક્ષણ મેળવવા ઇંગ્લેન્ડ ગયા. સ્ત્રીહક્કના પુરસ્કર્તા તરીકે પ્રસિદ્ધિ પામેલા રુખમાબાઈ અંગ્રેજ સમાજના ઉચ્ચ વર્તુળોમાં આદર પામ્યાં. કહે છે કે રુખમાબાઈ બ્રિટીશ રાજકારણી ગ્લેડસ્ટોન, ઇંગ્લિશ કવિ ટેનિસન અને અંગ્રેજ વિચારક – ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલના પત્ની સાથે સંપર્કમાં આવ્યા હતાં.
ખ્યાતનામ મહિલા કોલેજ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફોર વિમેનમાં મેડિકલના અભ્યાસ પછી રુખમાબાઈને સ્કૉટલેંડ (એડીનબર્ગ કે ગ્લાસગો?) જઈ પરીક્ષા આપવી પડી. તેઓ 1894માં ‘ડૉક્ટર ઑફ મેડિસિન’ ડિગ્રી સાથે ડૉક્ટર તરીકે ક્વૉલિફાય થયા. ડૉક્ટર રુખમાબાઈ રાઉત મેડિકલ પ્રેક્ટિસ કરવાની લાયકાત મેળવી ભારત પાછા ફર્યા.
ભારત આવી ડૉ રુખમાબાઈ છ – આઠ મહિના મુંબઈની કામા હોસ્પિટલમાં કાર્યરત રહ્યા. ત્યાર પછી સુરતની એસએમવી હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર – લેડી ડૉક્ટર તરીકે જોડાયા. આમ, વિદેશમાં અભ્યાસ કરી, ક્વૉલિફાય થઈ ગુજરાતમાં પ્રેક્ટિસ કરનાર સર્વ પ્રથમ મહિલા ડૉક્ટર તે રુખમાબાઈ.
સુરતમાં શેઠ મોરારભાઈ વીજભૂખણદાસ પરિવાર (મોરારભાઈ વીજભૂષણદાસ?) ના દાનથી નવી ડિસ્પેન્સરી (પાછળથી શેઠ મોરારભાઈ વિજભૂખણદાસ હોસ્પિટલ) શરૂ થઈ હતી. 1895માં ભાગા તળાવ વિસ્તારમાં શરૂ થયેલ સુરતની આ પ્રથમ લેડિઝ હોસ્પિટલ શેઠ મોરારભાઈ વીજભૂખણદાસ હોસ્પિટલ ફોર વિમેન એન્ડ ચિલ્ડ્રન કે એસએમવી હૉસ્પિટલ કે એસએમવી હોસ્પિટલ ફોર વિમેન એન્ડ ચિલ્ડ્રન તરીકે પણ ઓળખાય છે. અહીં 1895માં ચીફ મેડિકલ ઓફિસર તરીકે જોડાયેલ ડૉ રુખમાબાઈ રાઉત એવા લોકપ્રિય થયા કે દીર્ઘ તબીબી સેવાની સ્મૃતિમાં એસએમવી હૉસ્પિટલ સ્થાનિક લોકોમાં ‘રુખમાબાઈ હોસ્પિટલ’ તરીકે જાણીતી થઈ.
એમ નોંધાયું છે કે ડૉ રુખમાબાઈએ કેટલાંક વર્ષ રાજકોટ – કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) માં પણ તબીબી સેવાઓ આપી હતી. ડૉ રુખમાબાઈ રાઉત 1918 થી 1929-30 સુધી રસૂલખાન ઝનાના હોસ્પિટલ, રાજકોટમાં લેડી મેડિકલ ઓફિસરના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હોવાનો ઉલ્લેખ છે. આમ તેમણે ગુજરાતના બહોળા સ્ત્રી સમાજને સેવા આપી. તેઓ સેવામાં એવા વ્યસ્ત રહ્યાં કે ફરી લગ્ન માટે તેમણે વિચાર સુદ્ધાં ન કર્યો!
પાંત્રીસેક વર્ષની સેવાઓ પછી ડૉક્ટર રુખમાબાઈ નિવૃત્ત થયાં. શેષ જીવનમાં તેમણે તબીબી સેવાઓના વિકાસ માટે તેમજ સમાજ સુધારા માટે નિરંતર પ્રયત્નો જારી રાખ્યા. તેમની સેવાઓની કદર કરી બ્રિટીશ હકૂમતે તેમને ‘કૈઝરે હિંદ’ નો ઇલકાબ આપ્યો. લાંબું આયુષ્ય ભોગવી ગુજરાતના મેડિકલ ક્ષેત્રે અણમોલ યોગદાન આપનાર પ્રથમ લેડી ડૉક્ટર રુખમાબાઈ રાઉત આશરે 91 વર્ષની વયે 1955માં અવસાન પામ્યા.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** **
અનુપમા લેખ: ગુજરાતની સેવા કરનાર પ્રથમ મહિલા ડોક્ટરો: મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાઉત
- ગુજરાતના સ્ત્રી વર્ગની સેવા કરનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર તે ડૉ મોતીબાઈ કાપડિયા; અમદાવાદની પ્રથમ મહિલા હોસ્પિટલના પ્રથમ લેડી મેડિકલ ઓફિસર
- સુરતમાં પ્રથમ અને ગુજરાતમાં બીજાં ભારતીય મહિલા ડૉક્ટર તે ડૉ રુખમાબાઈ રાઉત
- અમેરિકા જઈ તબીબી શિક્ષણ લેનાર અને મેડિકલ ડિગ્રી મેળવનાર સર્વ પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર આનંદી ગોપાલરાવ જોશી
- કલકત્તા મેડિકલ કોલેજમાંથી ડૉક્ટરની ડિગ્રી લઈ ભારતમાં પ્રેક્ટિસ કરનાર પ્રથમ મહિલા ડૉક્ટર તે ડૉ કાદંબિની દ્વારકાનાથ જોશી
- અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ શેઠ રણછોડલાલ છોટાલાલ
- ગુજરાતની પ્રથમ કાપડ મિલ અમદાવાદમાં શરૂ કરનાર સાઠોદરા નાગર બ્રાહ્મણ શેઠ રણછોડલાલ છોટાલાલ; આ મિલ હતી ‘અમદાવાદ સ્પીનિંગ એન્ડ વિવિંગ મિલ’; શેઠ રણછોડલાલના પૌત્ર શેઠ ચિનુભાઈ માધવલાલ ગુજરાતના પ્રથમ બેરોનેટ
- અમદાવાદની પ્રથમ મહિલા હોસ્પિટલ ‘વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ’ના સ્થાપક શેઠ રણછોડલાલ છોટાલાલ
- વિક્ટોરિયા જ્યુબિલી હૉસ્પિટલના પ્રથમ લેડી મેડિકલ ઑફિસર ડૉ મોતીબાઈ કાપડિયા ગુજરાતનાં પહેલા ભારતીય મહિલા ડૉક્ટર
- સુરતમાં પહેલી મહિલા હોસ્પિટલ ‘શેઠ મોરારભાઈ વીજભૂખણદાસ હોસ્પિટલ’ (એસએમવી હૉસ્પિટલ ફોર વિમેન એંડ ચિલ્ડ્રન), તેમાં સેવા આપનાર સૌ પ્રથમ લેડી ડૉક્ટર રુખમાબાઈ રાવત
- ડૉ આનંદીબાઈ ગોપાલરાવ જોશી: Dr Anandibai Gopalrao Joshi/ Dr Anandi Gopal Joshi (1865-1887)
- ડૉ કાદંબિની દ્વારકાનાથ ગાંગુલી: Dr Kadambini Dwarakanath Ganguli/ Dr Kadambini Ganguly (1861-1923)
- ડૉ મોતીબાઈ રૂસ્તમજી કાપડિયા: Dr Motibai Rustomji Kapadiya (1867-1930)
- ડૉ રુખમાબાઈ રાઉત: Dr Rukhmabai Raut/ Dr Rukhamabai/ Dr Rakhmabai (1864-1955)
- સ્ત્રી સશક્તિકરણ – વિમેન એમ્પાવરમેંટ– Female Empowerment
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
2 thoughts on “ગુજરાતની સેવા કરનાર પ્રથમ મહિલા ડોક્ટરો: મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાઉત”