વિજ્ઞાન · સમાચાર

પાર્કર સોલર પ્રોબ, યુજીન પાર્કર અને ભારતના સુબ્રમણ્યન ચંદ્રશેખરને જોડતી કડીઓ

આજે નાસાના પાર્કર સોલર પ્રોબના ભારતીય કનેકશનની ખાસ વાત કરવી છે.

અમેરિકાની અવકાશ સંસ્થા  ‘નાસા’ – નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન – નાં સ્પેસ પ્રોગ્રામ વિશ્વભરમાં ઉત્સુકતા વધારી રહ્યાં છે. દુનિયાભરનાં અગ્રણી મીડિયામાં નાસાનાં સ્પેસ મિશનો છવાઈ રહ્યાં છે, પરિણામે સામાન્ય માનવી પણ વર્તમાન અવકાશ કાર્યક્રમોમાં રસ લઈ રહ્યો છે.

એસ્ટ્રોનોમીખગોળશાસ્ત્ર, રેડિયો એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, સ્પેસ સાયન્સ જેવી વિજ્ઞાનની શાખા-પ્રશાખાઓ ડેવલપ થતી જાય છે, તે વિશે આપે મારા બ્લૉગ ‘મધુસંચય’ના લેખોમાં વાંચ્યું છે. ગુજરાતનાં વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓ તથા મારા શિક્ષક મિત્રોને હું હાર્દિક અપીલ કરું છું કે આપ વિદ્યાર્થીઓને, ગુજરાતના યુવાધનને વિશ્વની બદલાતી તાસીરથી માહિતગાર કરો. યુવાવર્ગને પ્રોત્સાહિત કરવા ઘનિષ્ઠ પ્રયત્નો આદરો. આપ સૌના હાથમાં ગુજરાતની, ગુજરાતીઓની પ્રગતિનું સુકાન છે. શિક્ષકમિત્રો ! આપ વિદ્યાર્થીઓને નવાં વિકસતાં ક્ષેત્રોની જાણકારી આપો, વિજ્ઞાનની નવી ઉઘડતી દિશાઓ સમજાવો, વિવિધ ફિલ્ડમાં કેટલી અવનવી ઘટનાઓ ઘટી રહી છે તેની માહિતી આપો! વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ ઊભી કરી પરિવર્તનો પ્રતિ અભિમુખ કરો! નવાં ક્ષેત્રોમાં ડગ માંડવા સજ્જ કરો!

નવી વિચારધારાઓ અને ટેકનોલોજીને જોરે દુનિયા કેવી ઝડપથી બદલાઈ રહી છે!

સ્ટીફન હૉકિંગ દ્વારા પૃથ્વી છોડી, માનવસવાટ માટે અન્યત્ર યોગ્ય ગ્રહ શોધવાની વાતને ગંભીરતાથી લેવાઈ છે. તે બાબત પરત્વે અમેરિકાનાં પ્રયત્નો કદાચ સૌથી ગંભીર હોય તેવું નાસાના સ્પેસ પ્રોગ્રામની વણથંભી વણઝારથી લાગી રહ્યું છે. નાસાનાં સ્પેસ કાર્યક્રમો અંતર્ગત પાયોનિયર 10, પાયોનિયર 11, વૉયેજર 1 અને વૉયેજર 2 પછી પાર્કર સોલર પ્રોબ તથા ન્યૂ હોરાઇઝોન્સ લોકજીભે ચઢી રહ્યાં છે.

અનુપમા’ના આજના લેખમાં પાર્કર સોલર પ્રોબની સફળતામાં નિમિત્ત બનનાર એક મહાન ભારતીય વૈજ્ઞાનિકની વાત કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

થર્ડ મિલેનિયમમાં વિજ્ઞાનની હરણ ફાળ

માનવજાત માટે આ ત્રીજી સહસ્ત્રાબ્દિ (થર્ડ મિલેનિયમ) પ્રગતિનાં નવાં દ્વાર ખોલી રહેલ છે. એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ, કમ્યુનિકેશન અને ટ્રાંસપોર્ટ, એજ્યુકેશન અને હેલ્થ કેર, કમ્પ્યુટર સાયંસ અને કોમર્સ …. કેટકેટલાં ક્ષેત્રોમાં હરણફાળે વિકાસ થઈ રહ્યો છે!  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  તો ક્યાં પહોંચશે તેની કલ્પના પણ કરી શકાતી નથી.

આપણે અત્યારે અવકાશ વિજ્ઞાન અને ખગોળ-ભૌતિકશાસ્ત્ર વિશે વાત કરીએ. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને જે ગ્રેવિટેશનલ વેવ્ઝની વાત કરી હતી તે હવે ડિટેક્ટ થઇ ચૂક્યાં છે.

બ્રહ્માંડના અજ્ઞાત  સ્રોતોમાંથી આવતાં ફાસ્ટ રેડિયો બર્સ્ટનું પગેરું શોધી કઢાયું છે અને તેમાં આપણા ગુજરાતી વૈજ્ઞાનિક ડૉ વિશાલ ગજ્જરનો સિંહફાળો છે.

1977માં છોડાયેલાં નાસાનાં સ્પેસ પ્રોબ વોયેજર ટ્વિન સ્પેસશીપ તો બ્રહ્માંડની સફરે (!) નીકળી પડ્યાં છે! વૉયેજર 1 તથા વૉયેજર 2 બંને અવકાશયાનો સૂર્યમંડળના હીલિયોસ્ફિયરની વીંધીને ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશી ચૂક્યા છે. આમ, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચનાર વિશ્વનાં પ્રથમ સ્પેસક્રાફ્ટ વૉયેજર 1 તથા વૉયેજર 2 બન્યાં છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1 જાન્યુઆરી, 2019: ન્યૂ હોરાઇઝોન્સ તથા કેબીઓ અલ્ટિમા થુલી

1 જાન્યુઆરી, 2019ના રોજ અવકાશ સંશોધનના ઇતિહાસમાં એક સીમાચિન્હ રૂપ ઘટના ઉમેરાશે.

નાસાનું અન્ય એક સ્પેસ પ્રોબ ‘ન્યૂ હોરાઇઝોન્સ હીલિયોસ્ફિયરના સીમાક્ષેત્રે કઇપર બેલ્ટ (કૈપર બેલ્ટ) ના અજાણ્યા ઓબ્જેક્ટ 2014 MU69 (Ultima Thule) ની પાસેથી નવા વર્ષના પ્રથમ દિવસે – જાન્યુઆરી 1, 2019ના રોજ –  પસાર થશે (ફ્લાય-બાય કરશે).  2014 MU69 એક કઇપર બેલ્ટ ઓબ્જેક્ટ (કેબીઓ) છે. હવે તેને અલ્ટિમા થુલી (અલ્ટીમા થુલે / અલ્ટિમા ટુલિ / અલ્ટીમા ટૂલે ) તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીથી સૌથી દૂર જઈ, કોઈ સેલેસ્ટિઅલ ઓબ્જેક્ટ – અલ્ટિમા થુલિ – પાસેથી 1 જાન્યુઆરી, 2019 ના રોજ  ફ્લાય બાય કરનાર ન્યૂ હોરાઇઝોન્સ વિશ્વનું પ્રથમ અવકાશયાન બનશે. આમ, અવકાશ સંશોધન ક્ષેત્રે સુવર્ણ દિન બનશે પહેલી જાન્યુઆરી, 2019.

સ્પેસ પ્રોબ ‘ન્યૂ હોરાઇઝોન્સ કેબીઓ અલ્ટિમા થુલીને તદ્દન નજીકથી નિહાળવા તત્પર છે. બીજી તરફ પાર્કર સોલર પ્રોબ સૂર્યના કોરોનાના અગનખેલને નિહાળી રહ્યું છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ અનુપમા પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

બ્રહ્માંડની ખોજ શા માટે?

યુનિવર્સની ઉત્પત્તિ તથા તેના બંધારણનો અભ્યાસ જેટલો જરૂરી છે, તેટલો જ જરૂરી અભ્યાસ પૃથ્વી-સૂર્યમંડળના આસપાસના પાડોશનો કરવો જરૂરી છે. સ્ટીફન હૉકિંગે માનવજાતને પૃથ્વી પરથી ગ્રહાંતર માટે તૈયારી કરવા સલાહ આપી છે તે યાદ રાખવી ઘટે. આપણી ગેલેક્સી મિલ્કી વે ના નેઇબરહૂડને ફંફોસવા તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. હોલિવુડની સુપર હીટ સાયફાય મુવિઇન્ટરસ્ટેલર’ તે બાબતની સૂચક નથી લાગતી? જોનાથન નોલાનનીઇન્ટરસ્ટેલર’ ફિલ્મમાં બ્લેક હોલ અને વોર્મ હોલની કમાલ બતાવવામાં એસ્ટ્રોફિઝિસિસ્ટ કિપ થોર્નની સલાહ કીમતી સાબિત થઈ. બ્રહ્માંડમાં સફર કરવાની અને અન્ય ગ્રહ પર માનવીના વસવાટની  શક્યતાઓ દર્શકોને કેવી રોમાંચક લાગી રહી છે!

બ્રહ્માંડમાં છલાંગ લગાવવા માનવી થગની રહ્યો છે!

પાર્કર સોલર પ્રોબની સૂર્યના કોરોના સુધીની સફર

સૂર્યના બાહ્યતમ આવરણ કોરોનાને ‘સ્પર્શ’ કરવા મોકલાયેલ નાસાના સ્પેસપ્રોબ પાર્કર સોલર પ્રોબની કહાણી રોમાંચક છે. સૂર્ય આપણને કરોડો માઇલ દૂરથી પણ દઝાડે છે, તો તેની પાસે સ્પેસક્રાફ્ટને મોકલવાનું સાહસ (કે દુ:સાહસ?) તો નાસા જ લઈ શકે! 5 નવેમ્બર, 2018 ના રોજ પાર્કર સોલર પ્રોબનો  સૂર્યના કોરોનાને પ્રથમ સ્પર્શ થયો ત્યારે તે પ્રોબ સૂર્યથી ‘માત્ર’ 24 મિલિયન કિલોમીટર દૂર હતું! નાસાના વૈજ્ઞાનિકોને ખુશી થઈ કે પાર્કર પ્રોબ વિના નુકસાને હેમખેમ સૂર્યને સ્પર્શી શક્યું!

પાર્કર સોલર પ્રોબના મિશનને હકીકતમાં પલટવાનો પરોક્ષ શ્રેય ભારતમાં જન્મેલા એક મહાન એસ્ટ્રોફિઝિસિસ્ટને જાય છે, તે આપણા માટે આનંદની વાત! ચાલો, આ વાત સમજીએ!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ અનુપમા પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ડૉ સુબ્રમણ્યન ચંદ્રશેખર શી રીતે કનેક્ટેડ ડૉ યુજીન પાર્કર અને પાર્કર સોલ પ્રોબ સાથે?

ભારતીય એસ્ટ્રોફિઝિસિસ્ટ વૈજ્ઞાનિક હતા ડૉ સુબ્રમણ્યન ચંદ્રશેખર. જન્મે ભારતીય પણ પાછળથી અમેરિકન નાગરિક એવા સુબ્રમણ્યન ચંદ્રશેખરને 1983માં ફિઝિક્સ માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. તારાઓના બંધારણ અને વિકાસક્રમ માટેની એસ્ટ્રોફિઝિક્સ રીસર્ચમાં ચન્દ્રશેખરનું સંશોધન પાયારૂપ ગણાય છે અને તેમનો ‘ચંદ્રશેખર લિમિટ’નો સિદ્ધાંત તારાના જીવનચક્રના અભ્યાસમાં સીમાસ્તંભ સાબિત થયો છે. (આપે મારા બ્લૉગ ‘અનામિકા’ પર સુબ્રમણ્યન ચંદ્રશેખર તથા ચંદ્રશેખર લિમિટ વિશે વિસ્તૃત લેખ વાંચ્યો છે)

પાર્કર સોલર પ્રોબ, ડૉ ચંદ્રશેખર અને ડૉ યુજીન ન્યૂમેન પાર્કરના તાણાવાણા પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે? પાર્કર સોલર પ્રોબ નાસાનું પ્રથમ સ્પેસ મિશન છે જેને એક જીવંત વ્યક્તિના નામ સાથે જોડવામાં આવ્યું છે.

ડૉ યુજીન ન્યૂમેન પાર્કર અમેરિકાના ખ્યાતનામ, વિદ્વાન એસ્ટ્રોફિઝિસિસ્ટ છે.

60 વર્ષ પહેલાં યુજીન પાર્કરે સૂર્યના કોરોનાનો અભ્યાસ કર્યો હતો અને તેમાંથી ઉદભવતા સૌર પવન –  સોલર વિંડ – ની થિયરી આપી હતી. પાર્કરે 1951માં કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી (કાલ્ટેક, કેલિફોર્નિયા) માંથી પીએચડીની ઉપાધિ મેળવી અને 1955માં યુનિવર્સિટી ઑફ શિકાગોમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. આ અરસામાં તેમણે સોલર કોરોના, સોલર વિંડ અને સૂર્ય તેમજ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર સંશોધન કર્યું.

માત્ર એકત્રીસ વર્ષની ઉંમરે 1958માં યુજીન પાર્કરે સુપરસોનિક સોલર વિન્ડની થિયરી પર મહત્ત્વનું પેપર તૈયાર કર્યું અને તેને ‘એસ્ટ્રોફિઝિકલ જર્નલ મેગેઝિનમાં પ્રકાશન હેતુ મોકલ્યું. બે રીવ્યુઅરને પાર્કરની થિયરી ગળે ન ઉતરી. પેપર ઉચ્ચ કક્ષાનું ન લાગતાં તેમણે તેનો અસ્વીકાર કર્યો. પાર્કરની મદદે જર્નલના એડિટર આવ્યા જેમણે તે પેપર પબ્લિશ કર્યું.

‘એસ્ટ્રોફિઝિકલ જર્નલ’ના એડિટર હતા ભારતીય એસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ સુબ્રમણ્યન ચંદ્રશેખર. તેમણે પેપરની થિયરીમાં તથ્ય નિહાળ્યું અને તેને પબ્લિશ કર્યું.

જો તે પેપર પબ્લિશ ન થયું હોત તો પાર્કરની સોલર વિંડ પરની અતિ મહત્ત્વની થિયરી કદાચ  દબાઈ જાત! પણ સુબ્રમણ્યન ચંદ્રશેખરની દરમ્યાનગિરીથી યુજીન પાર્કરની સોલર વિંડની થિયરી દુનિયાને મળી. શરૂઆતમાં તેની ટીકાઓ થવા છતાં તે થિયરી પ્રચલિત થઈ અને દુનિયાને કોરોનાની અને સોલર વિંડ વિશે સાચી સમજણ મળી! તેના આધારે  વૈજ્ઞાનિકોનો સોલર વિંડની અસરોના અભ્યાસમાં રસ ટકેલો રહ્યો. ફળસ્વરૂપ નાસાને સોલર વિંડના પૃથ્વી પરના પ્રભાવને સમજવા કોરોના સુધી પાર્કર સ્પેસ પ્રોબ મોકલવા પ્રેરણા મળી.

મૂળ ભારતના વૈજ્ઞાનિક સુબ્રમણ્યન ચંદ્રશેખરના નિર્ણયથી યુજીન પાર્કરનું સોલર વિંડ પરનું રીસર્ચ પેપર પબ્લિશ થયું હતું તે વાત હવે જગજાહેર છે. આમ ચંદ્રશેખર પાર્કર સોલર પ્રોબ માટે પરોક્ષ રીતે નિમિત્ત બન્યા.

કોરોનાનો તથા સોલર વિંડનો અભ્યાસ કરવા 2018ના 12 ઑગસ્ટના રોજ નાસાએ જે સોલર પ્રોબ મોકલ્યું તેને ડૉ યુજીન ન્યૂમેન પાર્કરના સન્માનમાં પાર્કર સોલર પ્રોબ નામ આપવામાં આવ્યું. ફ્લોરિડા ખાતેથી જ્યારે પાર્કર પ્રોબને લોંચ કરવામાં આવ્યું ત્યારે 91 વર્ષના યુજીન પાર્કર લોંચિંગ સ્ટેશન પર હાજર હતા.

ગુજરાતના શિક્ષણ જગતને અપીલ

અંતમાં, ગુજરાતના શિક્ષણજગતના કર્તાધર્તાઓને તથા મારા નિષ્ઠાવાન શિક્ષકમિત્રોને ફરી પ્રાર્થના કરું છું કે આપ વિશ્વના વિધવિધ ક્ષેત્રે ઊઠતા નવા પ્રવાહોથી યુવાનોને, વિદ્યાર્થીઓને વાકેફ કરો, તેમનામાં જ્ઞાનપિપાસા જગાવો અને તેમના વિચારોને નવી દિશામાં વહેતા કરો! મારા પ્રિય વાચકમિત્રોને પણ વિનંતી કરું છું કે જ્ઞાનપ્રસારના પવિત્ર યજ્ઞમાં તેઓ પણ સહકાર આપે! આભાર!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ અનુપમા પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અનુપમા-લેખ: પાર્કર સોલર પ્રોબ, યુજીન પાર્કર અને ભારતના સુબ્રમણ્યન ચંદ્રશેખરને જોડતી કડીઓ: પરિશિષ્ટ (1)

 • પાર્કર સોલર પ્રોબ, ડૉ યુજીન ન્યૂમેન પાર્કર તથા ભારતીય એસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ સુબ્રમણ્યન ચંદ્રશેખરને સાંકળતી અજબની કડીઓ
 • સૌર પવન કે સોલર વિંડ પર પ્રથમ થિયરી આપનાર અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ યુજીન ન્યૂમેન પાર્કર
 • સોલર વિંડ પરના યુજીન પાર્કરના રીસર્ચ પેપરને ‘એસ્ટ્રોફિઝિકલ જર્નલ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં ભારતીય – અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ સુબ્રમણ્યન ચંદ્રશેખરનો ફાળો
 • એસ્ટ્રોફિઝિકલ જર્નલના એડિટર હતા સુબ્રમણ્યન ચંદ્રશેખર, જેમણે ‘ચંદ્રશેખર લિમિટ’ જેવી થિયરી દ્વારા તારાના જીવનચક્રને સમજાવવામાં આપ્યું યોગદાન
 • ડૉ સુબ્રમણ્યન ચંદ્રશેખરને 1983માં પ્રાપ્ત થયું ફિઝિક્સનું નોબેલ પારિતોષિક
 • પાર્કર સોલર પ્રોબ’ સૂર્યના કોરોનાને સ્પર્શવાના અભૂતપૂર્વ મિશન પર નાસા (યુએસએ) નું સ્પેસ પ્રોબ
 • સૂર્યના રહસ્યમય વાતાવરણ વિશે પ્રશ્નોના જવાબ શોધશે નાસાનું આ સ્પેસક્રાફ્ટ
 • સૂર્યની સૌથી નજીક પહોંચનાર વિશ્વનો પ્રથમ માનવસર્જિત ઓબ્જેક્ટ બનશે પાર્કર સોલર પ્રોબ
 • કોરોનાના પ્લાઝમા, મેગ્નેટિક ફિલ્ડ્સ, સૌર ઘટનાઓ – જેમ કે સોલર વિંડ, સોલર સ્ટોર્મ, કોરોનલ માસ ઇજેક્શન વગેરે પર પ્રકાશ ફેંકશે પાર્કર સોલર પ્રોબ
 • સોલર વિંડ (સૌર પવન) ની થિયરી આપનાર અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ યુજીન પાર્કરના માનમાં આ પ્રોબ કહેવાયું પાર્કર સોલર પ્રોબ
 • કોઈ સ્પેસ પ્રોગ્રામ કે મિશનને જીવંત વ્યક્તિનું નામ આપી સન્માનિત કરાયાનો નાસાના ઇતિહાસનો પ્રથમ બનાવ
 • વોયેજર 2 (નાસા, યુએસએ) નવેમ્બર 5, 2018 ના રોજ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશનાર બીજું સ્પેસ પ્રોબ
 • જાન્યુઆરી 1, 2019 ના રોજ સ્પેસ પ્રોબ ‘ન્યૂ હોરાઇઝોન્સ હીલિયોસ્ફિયરના સીમાક્ષેત્રે, કઇપર બેલ્ટ ઓબ્જેક્ટ 2014 MU69 – અલ્ટિમા થુલિ – પાસેથી કરશે ફ્લાય-બાય
 • વિજ્ઞાનનાં વિકસતાં નવાં નવાં ક્ષેત્રોમાં સંશોધન માટે વિશાળ તકો
 • ગુજરાતી વિદ્યાર્થીઓ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ અને એસ્ટ્રોફિઝિક્સ જેવા પડકારરૂપ ક્ષેત્રોમાં નામના કાઢી શકે, જો પ્રેરણા અને માર્ગદર્શન મળે તો
 • ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓ, સ્કૂલ-કોલેજ સંચાલકો અને શિક્ષકો બાળ-યુવાવર્ગને પ્રેરણા આપે જ્ઞાન-વિજ્ઞાનની નવી દિશાઓ શોધવા
 • સૌ ગુજરાતીઓ યુવાનોને પ્રેરે નવી વિચારપદ્ધતિઓ અને કાર્યપદ્ધતિઓ અપનાવવા

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

અનુપમા-લેખ: પાર્કર સોલર પ્રોબ, યુજીન પાર્કર અને ભારતના સુબ્રમણ્યન ચંદ્રશેખરને જોડતી કડીઓ: પરિશિષ્ટ (2)

 • ડૉ યુજીન ન્યૂમેન પાર્કર, એસ્ટ્રોફિઝિસિસ્ટ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા: Dr Eugene Newman Parker (1927-), Astrophysicist, USA
 • ડૉ સુબ્રમણ્યન ચંદ્રશેખર, જન્મે ભારતીય, પછી અમેરિકન નાગરિક, એસ્ટ્રોફિઝિસિસ્ટ, ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ વિજેતા (1983): Dr Subramanyan Chandrasekhar (1910-1995), Indian-American Astrophysicist, Nobel Prize Winner for Physics (1983)
 • નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન / નાસા / નેસા: National Aeronautics and Space Administration, NASA, USA
 • પાર્કર સોલર પ્રોબ, સૂર્યના કોરોનાને સ્પર્શનાર પ્રથમ સ્પેસ પ્રોબ: Parker Solar Probe, Space probe launched by NASA, 12th August 2018
 • ન્યૂ હોરાઇઝોન્સ’, કૈપર બેલ્ટમાં અલ્ટિમા થુલિ પાસેથી 1 જાન્યુઆરી, 2019ના રોજ પસાર થનાર નાસા સ્પેસ પ્રોબ: New Horizons, A NASA apace probe that will fly by Ultima Thule, a KBO (TNO) on 1st January, 2019
 • કઇપર બેલ્ટ (કૈપર / કુઇપર / ક્યુઇપર બેલ્ટ): Kuiper Belt
 • કઇપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ/ કૈપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ/ કુઇપર બેલ્ટ ઓબ્જેક્ટ્સ (કેબીઓ): Kuiper Belt Objects (KBO)
 • અલ્ટિમા થુલી / અલ્ટીમા થુલિ / અલ્ટિમા થુલે/ અલ્ટિમા ટુલિ / અલ્ટીમા ટૂલે / 2014 MU69, કઇપર બેલ્ટમાં રહેલ એક કેબીઓ/ ટીએનઓ: Ultima Thule / 2014 MU69
 • હીલિયોસ્ફિયર / હેલિયોસ્ફિયર: Heliosphere
 • કોરોના, સૂર્યનું બાહ્યતમ આવરણ: Corona, the outermost layer of the sun
 • સૌર પવન / સોલર વિંડ: Solar Winds
 • એસ્ટ્રોફિઝિક્સ: Astrophysics

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

પાર્કર સોલર પ્રોબ વિશે અહીં વાંચો

ચંદ્રશેખર લિમિટ વિશે અહીં જાણો

વોયેજર સ્પેસ પ્રોગ્રામ તથા ઇન્ટરસ્ટેલર સ્પેસ વિશે અહીં જાણો

ગ્રેવિટેશનલ વેવ્ઝ શું છે? તે સમજવા અહીં ક્લિક કરો

ફાસ્ટ રેડિયો બર્સ્ટ વિશે જાણવા અહીં ક્લિક કરો

વિશાલ ગજ્જર વિશે રસપ્રદ લેખ અહીં વાંચો

જોનાથન નોલાનની ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ વિશે જાણવા અહીં ક્લિક કરો

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ અનુપમા પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

 

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s