.
ભારતના વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના ખેડા જિલ્લામાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા જાણે છે.
મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પાસે સંગીતસાધના કરી ઓમકારનાથજી યુવાનવયે લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્યપદે નીમાયા. પરંતુ તેમના હૃદયમાં ચીલાચાલુ જીવનની ચાહ ન હતી. ઓમકારનાથની બાલ્યાવસ્થામાં તેમના પિતાજીએ કુટુંબ ત્યાગી સંન્યાસ માર્ગ લીધો હતો. તેમના હૃદયમાં પણ અધ્યાત્મમાર્ગની લગની હતી.
પંડિતજીને અંબુભાઇ પુરાણી સાથે મિત્રતા હતી. અંબુભાઇ પુરાણીએ 1918માં પ્રથમ વખત પોંડિચેરી ખાતે મહાયોગી મહર્ષિ અરવિંદનાં દર્શન અને સત્સંગનો લાભ લીધેલો. અંબુભાઈ શ્રી અરવિંદના યોગમાર્ગથી પ્રભાવિત થયેલા અને તેમનો રંગ પંડિતજીને લાગ્યો.
ઓમકારનાથજી અને અંબુભાઇ પુરાણી ઘરની માયા છોડી નર્મદા મૈયાના ખોળે જઇ બેઠા. આ વાત લગભગ 1920-21ની. બંને મિત્રો નર્મદા નદીના કિનારે ઝૂંપડી બાંધી યોગ સાધનામાં રત થઈ ગયા. તેમણે પોંડિચેરી વસેલા મહર્ષિ અરવિંદ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો.
મહાયોગી શ્રી અરવિંદને તેમની અધ્યાત્મવૃત્તિની પ્રતીતિ થતાં તેમણે બંને મિત્રોને પોંડિચેરી આશ્રમ બોલાવ્યા. બન્યું એવું કે એકલા અંબુભાઇ 1921માં શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી પહોંચ્યા. પંડિતજી ઘેર પાછા ફર્યા. પછી ઓમકારનાથ ઠાકુર સંગીતની દુનિયામાં સફળતાનાં ઉત્તુંગ શિખરો સર કરતા ગયા.
.
મહાયોગી શ્રી અરવિંદના જીવન વિશે મારા બ્લોગ્સ પર સમયાંતરે પોસ્ટસ પબ્લિશ થતી રહી છે. વાચકો તે અંગે પ્રતિભાવ આપતા રહે એ જ વિનંતી.
…… ….. હરીશ દવે અમદાવાદ
અનુપમાના લેખ એટલે અનુપમ અનુપમ.
સરસ માહિતી મળી.