વિસરાતી વાતો

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહેમાન ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ

.

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ

સંસ્કારનગરી વડોદરાનું નામ સાંભળતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, મહાયોગી શ્રી અરવિંદ, એમ એસ યુનિવર્સિટી તથા મહારાજાનો રાજમહેલ લક્ષ્મીવિલાસ પેલેસ અચૂક યાદ આવે. ભવ્ય લક્ષ્મીવિલાસ પેલેસ ઇંગ્લેન્ડના રાજવી પરિવારના બકિંગહામ પેલેસ (લંડન) કરતાં ચાર ગણો મોટો છે.

સત્તરમી સદીમાં વડોદરા પર મોગલ સામ્રાજ્યની આણ હતી. 1721માં મરાઠા સરદાર પિલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી લીધું. આ સાથે વડોદરા પર મોગલ સલ્તનતની સત્તાનો અંત આવ્યો અને ગાયકવાડ વંશનું શાસન શરૂ થયું.

આ વંશમાં લોકપ્રિય રાજવી ખંડેરાવ ગાયકવાડ 1870માં અવસાન પામ્યા. તેમના ભાઈ મલ્હારરાવ ગાદી પર આવ્યા.  મલ્હારરાવ ગાયકવાડ વડોદરાના રાજાને છાજે તેવી યોગ્યતાથી ગાદી ન સંભાળી શકતાં અંગ્રેજોએ તેમને 1875માં પદભ્રષ્ટ કર્યા. રાજમાતા જમનાબાઈ (મર્હૂમ ખંડેરાવ ગાયકવાડના મહારાણી) એ રાજવંશ ચાલુ રાખવા દત્તક પુત્ર લેવાનો નિર્ણય કર્યો. રાજમાતા જમનાબાઈએ નાશિકના કાશીરાવ ગાયકવાડના બાર વર્ષના પુત્ર ગોપાલરાવને પસંદ કર્યા જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે વડોદરાના મહારાજા બન્યા.

16 જૂન 1875ના રોજ માત્ર બાર વર્ષના સયાજીરાવ ગાયકવાડનો રાજ્યાભિષેક થયો. સાથે જ રાજવીને છાજે તેવું પ્રશિક્ષણ અને જ્ઞાન પામવા તેમનાં અભ્યાસ – તાલીમ પણ શરૂ થયાં. મહારાજા સયાજીરાવને રાજ્યકર્તા તરીકે પ્રશિક્ષિત કરવામાં વડોદરાના દિવાન ટી માધવરાવ તથા અંગ્રેજ ટ્યુટર એફ એ એચ ઇલિયટ (એલિયટ) નો મહત્ત્વનો ફાળો હતો.

ગાદી પર આવ્યાને હજી માત્ર પાંચ જ મહિના થયા હતા, ત્યાં મહારાજા સયાજીરાવ પર ઇંગ્લેંડના રાજકુમાર પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડની ખાતિરદારી કરવાની જવાબદારી આવી.

** આપ આ લેખ સુપ્રસિદ્ધ ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો **

ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયા

ઇંગ્લેન્ડમાં તે સમયે મહારાણી વિક્ટોરિયા ગાદી પર હતા. ક્વિન વિક્ટોરિયાના સૌથી મોટા પુત્ર – રાજકુમાર તે પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ. 1901માં ક્વિન વિક્ટોરિયાનું અવસાન થતાં પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ સાતમા એડવર્ડ તરીકે ઇંગ્લેન્ડની ગાદી પર બેઠા.

મહારાણી વિક્ટોરિયાના સૂચનથી ચોત્રીસ વર્ષના રાજકુમાર પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ 1875માં હિંદુસ્તાનના પ્રવાસે આવ્યા. લંડનથી રોયલ જહાજમાં નીકળી પ્રિન્સ આલ્બર્ટનો કાફલો આશરે એક મહિનાના સમુદ્રપ્રવાસ પછી 8 નવેમ્બર, 1875ના દિવસે મુંબઈ પહોંચ્યો.

ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ હિંદુસ્તાનના પ્રવાસે: મુંબઈમાં આગમન   

હિંદુસ્તાનમાં મુંબઈમાં બોરીબંદર – થાણા  રેલવે ટ્રેનથી રેલવે ટ્રાન્સપોર્ટનો આરંભ 1853માં થયો હતો. મુંબઈના સર જમશેત્જી જીજીભોય અને જગન્નાથ શંકર શેઠ જેવા વ્યાપારીઓના પ્રયત્નોથી બનેલી રેલવે કંપની જીઆઇપીઆર સફળ થઈ હતી. બે દાયકામાં મુંબઈથી પૂના તરફ અને વડોદરા તરફ પણ રેલવે ટ્રેન વ્યવહારનો વિસ્તાર થવા લાગ્યો હતો. ભારે પડકારોનો સામનો કર્યા પછી મુંબઈ ભોર ઘાટ પૂના રેલવે લાઇન શરૂ થઈ હતી. રાજકુમાર આલ્બર્ટને રેલવે એંજિનિયરિંગના ચમત્કાર સમી ભોરઘાટ રેલવે લાઇન ખાસ જોવી હતી. કુદરતના લચી પડતા સૌંદર્ય વચ્ચે ચાલતી રેલવે ટ્રેનમાં મુંબઈ – પૂના – મુંબઈનો પ્રવાસ પ્રિન્સ આલ્બર્ટે ખૂબ માણ્યો.

** આપ આ લેખ સુપ્રસિદ્ધ ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો **

પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ વડોદરાની મુલાકાતે

મુંબઈની ટ્રેઇન સેવા પછી પશ્ચિમ ભારતમાં મુંબઈથી વડોદરા-અમદાવાદ તરફ રેલવે ટ્રેઇન સેવા શરૂ કરવા બોમ્બે, બરોડા એન્ડ સેંટ્રલ ઇન્ડિયા રેલવે (બીબી એન્ડ સી) કંપની કાર્યરત હતી. 1870 માં મુંબઈથી અમદાવાદ સુધી સીધો રેલવે વ્યવહાર શરૂ થઈ ગયો હતો.

રાજકુમારનો કાફલો ટ્રેન દ્વારા બરોડા સ્ટેટની મુલાકાતે જવા નીકળ્યો. પ્રિન્સ આલ્બર્ટની સ્પેશિયલ રૉયલ ટ્રેન 18 નવેમ્બર, 1875ના રોજ બરોડા (વડોદરા) પહોંચી, ત્યારે બાળ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્વયં, ઠાઠમાઠથી ઇંગ્લેન્ડના ભાવિ રાજાનું સ્વાગત કરવા વડોદરા સ્ટેશને હાજર હતા! બરોડા સ્ટેટની મુલાકાત દરમ્યાન પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડને શિકારની મઝા આવી તેમ નોંધાયું છે.

ક્વિન વિક્ટોરિયાના અનુગામી રાજ્યકર્તાઓ

ક્વિન વિક્ટોરિયાના અવસાન પછી 1901માં આ જ રાજકુમાર આલ્બર્ટ સાતમા એડવર્ડ (એડવર્ડ ધ સેવંથ) તરીકે  ઇંગ્લેન્ડના રાજા (અને હિંદુસ્તાનના શહેનશાહ) બન્યા. 1910માં સાતમા એડવર્ડ અવસાન પામ્યા. તેમના બીજા પુત્ર રાજકુમાર જ્યોર્જ ફ્રેડરિક પાંચમા જ્યોર્જ (પંચમ જ્યોર્જ/ ફિફ્થ જ્યોર્જ) તરીકે ઇંગ્લેન્ડની ગાદી પર બેઠા (સાતમા એડવર્ડના મોટા પુત્ર યુવાનવયે મૃત્યુ પામ્યા હતા).

પાંચમા જ્યોર્જનો દિલ્હી દરબાર અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ

1911માં ઇંગ્લેન્ડના નવા રાજા પાંચમા જ્યોર્જ અને તેમના રાણી વિક્ટોરિયા મેરી (ક્વિન મે) હિંદુસ્તાનની મુલાકાતે આવ્યા. તેમના માનમાં દિલ્હીમાં દરબાર ભરવામાં આવ્યો. દિલ્હી દરબારમાં સમગ્ર ભારતના અગ્રણી રાજા- મહારાજાઓ આવ્યા. દિલ્હીના કોરોનેશન પાર્કમાં ભવ્ય સમારોહ હતો. દરેક રાજાએ કિંગ-એમ્પેરર પાંચમા જ્યોર્જ સામે અદબપૂર્વક ઝુકીને કુરનિશ કરવાની હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સન્માનપૂર્વક કિંગ ફિફ્થ જ્યોર્જ સમક્ષ આવ્યા તો ખરા, પણ કહેવાય છે કે તેમણે પૂરી રસમ નિભાવી નહીં! ઇતિહાસ એ વાતનો પણ સાક્ષી છે કે દિલ્હી દરબારની આ ઘટના પછી મહારાજા સયાજીરાવ અંગ્રેજ હકૂમતની કૃપા ગુમાવી બેઠા હતા, આમ છતાં બ્રિટીશ સરકાર તેમની સાથે ગૌરવપૂર્ણ વ્યવહાર કરતી રહી હતી. દિલ્હી દરબાર સાથે યાદ આવતી બીજી એક વાત મહારાજા સયાજીરાવની પુત્રી (રાજકુમારી ઇંદિરા) ના અંગત જીવનને સ્પર્શતી છે, જે દુ:ખદ રીતે વિવાદિત રહી.

પ્રજાપ્રેમી રાજ્યકર્તા તરીકે મહારાજા સયાજીરાવે સમગ્ર બરોડા સ્ટેટમાં લોકહિતનાં અગણિત કાર્યો કર્યાં. તેમનાં લોકકલ્યાણનાં કાર્યોની એક સાક્ષી સંસ્કારનગરી વડોદરાની એમ એસ યુનિવર્સિટી પણ છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ હરોળમાં વિરાજતા મહાન મહારાજા સયાજીરાવ ગાયકવાડ 63 વર્ષ સુધી વડોદરા પર રાજ્ય કરી 1939માં અવસાન પામ્યા.

** ** ** ** ** ** ** ** ** **

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહેમાન ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ: પરિશિષ્ટ

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** *

 

 

9 thoughts on “વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહેમાન ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s