જૂની ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં અમદાવાદના અમૃત કેશવ નાયકનું વિશેષ સ્થાન છે.
ઓગણસમી સદી-વીસમી સદીના સંધિ કાળે અમૃત કેશવ નાયક ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર તરીકે ચમકી ગયા. માંડ ત્રીસેક વર્ષનું આયુષ્ય ભોગવનાર અમૃત નાયક ગુજરાતી તથા ઉર્દુ ભાષાના સાહિત્યક્ષેત્રે અનોખી છાપ છોડી ગયા.
અમૃત નાયકને તત્કાલીન હિંદુસ્તાનનાં વિખ્યાત ગાયિકા ગૌહર જાન (ગોહર જાન) સાથે અંતરંગ સંબંધો હતા. ગૌહર જાન એ ગાયક કલાકારોમાંથી એક હતાં જેમના અવાજમાં હિંદુસ્તાનમાં 78 આરપીએમ ગ્રામોફોન રેકોર્ડના રેકોર્ડિંગનો આરંભ થયો. વર્ષ 1902-03 ના ગાળામાં ગ્રામોફોન કંપની (પાછળથી ગ્રામોફોન કંપની ઓફ ઇંડિયા) એ જે પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ્સ માર્કેટમાં મૂકી, તેમાં ગૌહર જાનના શાસ્ત્રીય કંઠ્યસંગીતની રેકોર્ડ હતી. આમ, ગૌહર જાન ભારતનાં પ્રથમ ‘રેકોર્ડિંગ સ્ટાર’ ગાયિકા.
આવો, આજે ‘અનુપમા’ પર ગુજરાતના નાટ્યકાર-સાહિત્યકાર અમૃત કેશવ નાયક તથા હિંદુસ્તાની ગાયિકા-નર્તકી ગૌહર જાનની અર્ધ-અજાણી વાતો પર નજર નાખીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
આવતી કાલે 27 માર્ચ. વર્લ્ડ થિયેટર ડે… વિશ્વ રંગભૂમિ દિન.
ગુજરાતી ભાષાના નાટ્યજગતને હજી બસો વર્ષ પણ નથી થયા. છેલ્લા સિત્તેર વર્ષમાં ગુજરાતી રંગભૂમિનો વિકાસ સારો થયો છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
અમૃત કેશવ નાયક: ગુજરાતી રંગભૂમિ પર એક તેજલિસોટો
વીસમી સદીના ઉદયકાળે ગુજરાતી નાટ્યજગત પર અમૃત કેશવ નાયક (1877-1907) નામક એક તેજલિસોટો ચમકી ગયો. એક તો તદ્દન ટૂંકું આયુષ્ય; મર્યાદિત સર્જનપ્રવૃત્તિ; તેમાંયે ગુજરાતી ઉપરાંત તેમણે હિંદી-ઉર્દુ સાહિત્ય ક્ષેત્રે લેખન કર્યું હોવાથી આ તેજલિસોટાને ગુજરાતી ભાષામાં જોઈએ તેવું સ્થાન નથી મળ્યું.
ઓગણીસમી સદીની મધ્યે ગુજરાતી નાટ્યકળા નવતર સ્વરૂપે દેખાવા લાગી. આગલી સદીઓમાં લોકપ્રિય થયેલ ભવાઈના વેશોને સ્થાને ગુજરાતી રંગભૂમિ પર નાટક પ્રચલિત થવાં લાગ્યાં. દલપતરામનાં ‘લક્ષ્મી’ જેવાં શિષ્ટભાષી નાટકના પ્રકાશનના પગલે રણછોડભાઈ ઉદયરામ દવેનાં નાટકો ગુજરાતી રંગમંચ પર આવ્યાં.
રણછોડભાઈ ઉદયરામ દવેને ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે સન્માનવામાં આવે છે. રણછોડભાઈ દવે જેવાં નાટ્યકારોનાં નાટક ગુજરાતી રંગભૂમિને નવી દિશા ચીંધી રહ્યાં હતાં, ત્યારે અમૃત કેશવ નાયકનો જન્મ થયો.
અમૃત નાયકનો જન્મ વર્ષ 1877માં અમદાવાદના કાલુપુરમાં. અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલ તરગાળાવાડની દુર્ગામાતાની પોળમાં અમૃત કેશવ નાયક ઉછર્યા. તેમનું પ્રાથમિક શિક્ષણ પણ અમદાવાદમાં.
ગુજરાતી અને ઉર્દુનું સાધારણ પ્રાથમિક શિક્ષણ પામી અમૃત નાયક નાની ઉંમરમાં મુંબઈ પહોંચી ગયા. કુમળી કિશોર વયમાં તેમણે આલ્ફ્રેડ નાટક કંપનીમાં રોલ ભજવ્યા. પંદરેક વર્ષની ઉંમરમાં તો દિગ્દર્શનમાં પણ મદદ કરતા થઈ ગયા. કેટલાક નાટકો માટે તેમણે ગીતો પણ લખ્યાં. આ દરમ્યાન અમૃત નાયકે શેક્સપિયરનાં લોકપ્રિય નાટકોને અંગ્રેજીમાંથી ઉર્દુમાં ઉતાર્યાં. તેમનાં ઉર્દુ નાટકો સ્ટેજ પર ચાહના પામ્યાં. શેક્સપિયરનાં હેમ્લેટ અને રોમિયો એન્ડ જુલિયેટ જેવા નાટકોનું તેમણે કુશળતાપૂર્વક દિગ્દર્શન કર્યું.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
અમૃત કેશવ નાયકે ‘શિવશંભુ શર્માનો ચિકો’ ઉપનામથી સાહિત્યસર્જન ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો. તેમણે લખેલ નાટક ‘ભારત દુર્દશા નાટક’ વીસમી સદીના આરંભના હિંદુસ્તાનની સ્થિતિનો ચિતાર આપે છે. તત્કાલીન શિક્ષણ પદ્ધતિની ઠેકડી ઉડાવતી તેમની નવલકથા ‘એમએ બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી’ ચર્ચામાં રહી હતી. અમૃત કેશવ નાયક ઉર્ફે ‘શિવશંભુ શર્માનો ચિકો’ ગીતકાર તો હતા જ, ઉપરાંત સિદ્ધહસ્ત ગઝલકાર પણ હતા. ગુજરાતી અને ઉર્દુ બંને ભાષામાં તેમની ગઝલ રચનાઓ નોંધનીય બની છે.
અમૃત કેશવ નાયકના અંગત જીવન વિશે મર્યાદિત માહિતી છે. તેમનાં લગ્ન નાની ઉંમરમાં પાર્વતી નામે અલ્પશિક્ષિત કન્યા સાથે થયાં હતાં. યુવાન અમૃત નાયકને મુંબઈની રંગીલી દુનિયામાં મશહૂર ગાયિકા ગૌહર જાન સાથે નજીકના સંબંધો બંધાયા હતા. કલકત્તાનાં યુવતી ગૌહર જાન હિંદુસ્તાની સંગીતમાં આદરપાત્ર નામના પામ્યાં હતાં. હિંદુસ્તાનની પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ પર ગાયિકા ગૌહર જાનનું કંઠ્ય સંગીત ધ્વનિમુદ્રિત થયું હોવાનું નોંધાયું છે.
1907માં અમૃત કેશવ નાયકનું ત્રીસ વર્ષની નાની ઉંમરે અકાળ અવસાન થયું.
બહુ ઓછા લોકો જાણે છે કે આ અનોખા નાટ્યકાર અમૃત કેશવ નાયકની સ્મૃતિમાં અને સન્માનમાં અમદાવાદ અને મુંબઈ બંને શહેરોમાં રસ્તાઓ સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે.
અમદાવાદમાં કાળુપુર વિસ્તારમાં દુર્ગામાતાની પોળ પાસેથી નીકળતો માર્ગ ‘અમૃત કેશવ નાયક માર્ગ’ તરીકે ઓળખાય છે, તે હકીકત અમદાવાદીઓ પણ જાણતા નહીં હોય!
મુંબઈના સીએસટી-ફોર્ટ એરિયામાં દાદાભાઈ નવરોજી માર્ગ પાસે અમૃત કેશવ નાયકની સ્મૃતિમાં એક રોડને ‘અમૃત કેશવ નાયક માર્ગ’ (એકે નાયક માર્ગ) નામ આપવામાં આવ્યું છે. ફોર્ટમાં આઝાદ મેદાન વિસ્તારમાં અમૃત કેશવ નાયક રોડની આસપાસ ફૉર્બ્સ હાઉસ, ગોદરેજ હાઉસ, નેધરલેન્ડઝ કોન્સ્યુલેટ જનરલની ઓફિસ, મુક્તા એ2 સિનેમા (Mukta A2 Cinemas New Excelsior, Fort, Mumbai) આદિ આવેલ છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
હિંદુસ્તાનની પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ અને ગૌહર જાન
ભારતના પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ગાયિકા તરીકે ગૌહર જાન ઓળખાય છે.
વીસમી સદીના આરંભે હિંદુસ્તાનમાં ગ્રામોફોન રેકોર્ડનું રેકોર્ડિંગ શરૂ થયું, ત્યારે ગ્રામોફોન કંપનીએ ગણ્યાગાંઠ્યા કલાકારોને પસંદ કર્યા હતા. તેમાંના એક ગૌહર જાન હતાં. ગ્રામોફોન કંપની (પાછળથી ગ્રામોફોન કંપની ઑફ ઇન્ડિયા) ની સૌ પ્રથમ 78 આરપીએમ રેકોર્ડઝમાંની એક ગૌહર જાનના કંઠે ગવાયેલ હિંદુસ્તાની સંગીતની હતી. ગ્રામોફોન કંપની પાછળથી તેના ‘હિઝ માસ્ટર્સ વોઇસ’ લેબલથી વિખ્યાત બની તે આપ જાણતા હશો.
મલકા જાનની પુત્રી ગૌહર જાન
હિંદુસ્તાનના ગ્રામોફોન રેકોર્ડિંગ જગતના પ્રથમ રેકોર્ડિંગ સુપર સ્ટાર ગાયિકા ગૌહર જાન મૂળે બંગાળના એક વિદેશી પરિવારના ફરજંદ. તેમનું અસલ નામ એન્જેલિના ઇયોવર્ડ (એન્જેલિના યોવર્ડ કે એંજેલિના યેવર્ડ કે એંજેલિના ઇઓવર્ડ).
એંજેલિનાના પૂર્વજો આર્મેનિયા દેશ (યુરેશિયા પ્રદેશ) ના વતની હોવાનું નોંધાયું છે. આર્મેનિયાના કેટલાક સાહસિક પરિવારોએ વતન છોડ્યું અને તેઓ હિંદુસ્તાન પહોંચ્યા. કેટલાક આર્મેનિયન પરિવારો બંગાળામાં ઠરીઠામ થયા.
બંગાળના આઝમગઢમાં વર્ષ 1873માં ગૌહર જાન ઉર્ફે એંજેલિનાનો જન્મ. બાલિકા એન્જેલિનાની કુમળી વયમાં જ તેના માતાપિતાનો લગ્નવિચ્છેદ થયો. માતા વિક્ટોરિયા પાસે તેમનો ઉછેર શરૂ થયો. પછી માતા-પુત્રી બનારસ (વારાણસી) આવ્યાં.
તેમણે મુસ્લીમ ધર્મ અંગીકાર કર્યો. બાલિકા એન્જેલિનાને ગૌહર જાન નામ મળ્યું અને માતા વિક્ટોરિયાને મલકા જાન (મલ્કા જાન કે મલિકા જાન). જોત જોતામાં મલકા જાન ‘બડી મલકા જાન’ તરીકે મશહૂર ગાયિકા અને નર્તકી – તવાયફ – બન્યાં. માતાના પગલે નૃત્ય સંગીતનો નાદ પુત્રીને પણ લાગ્યો. હિંદુસ્તાની ગાયકી અને નૃત્ય કલામાં ગૌહર જાન તાલીમ લેવા લાગ્યાં.
1883માં મલકા જાનની નિયુક્તિ અવધના ભૂતપૂર્વ નવાબ વાજીદ અલી શાહના કલકત્તાના દરબારમાં થઈ.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
અવધના નવાબ વાજીદ અલી શાહ અને બડી મલકા જાન
નવાબ વાજીદ અલી શાહ (1822-1887) એક જમાનામાં ઉત્તર પ્રદેશના માલેતુજાર રાજ્ય અવધ (ઔધ) ના અઢળક વૈભવ-સંપત્તિ ધરાવનાર રાજ્યકર્તા.
લખનૌ નિવાસી કલાપ્રેમી રાજા વાજીદ અલી શાહને ગઝલ-સાહિત્ય-નૃત્ય-સંગીતનો ગાંડો શોખ. તેમણે નૃત્ય અને સંગીત કલાઓ પાછળ રાજ્યનો ખજાનો ખુલ્લો મૂક્યો હતો.
ઉદાર દિલ નવાબે અંગ્રેજોને પણ મિત્રભાવે ખૂબ મદદ કરી હતી પણ નવાબને ખબર ન હતી કે અંગ્રેજો તેમની દરિયાવદિલીનો ગેરલાભ લેવાના હતા. લોભથી પ્રેરાઈ અંગ્રેજોનો ડોળો નવાબની સંપત્તિ પર હતો અને બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપની નવાબના અવધને હડપ કરવા માગતી હતી. 1856માં અંગ્રેજોએ કાવાદાવા વાપરી નવાબ વાજીદ અલી શાહને પદભ્રષ્ટ કરી અવધ પડાવી લીધું.
ધૂર્ત ઇસ્ટ ઇંડિયા કંપનીએ નવાબને દેશનિકાલ કર્યા. નવાબને જંગી સાલિયાણું આપી કલકત્તા (કોલકતા) મોકલ્યા, પરંતુ તેમના અવધના ધન વૈભવના પ્રમાણમાં તે સલિયાણું નગણ્ય હતું. કલકત્તામાં રંગીન મિજાજ વાજીદ અલી શાહ ઠાઠથી રહ્યા તો ખરા, પણ તેમની નવાબી ઝંખવાઈ ગઈ! તેમની સંપત્તિ ઘસાતી ગઈ.
1883માં બડી મલકા જાન વાજીદ અલી શાહના કલકત્તા દરબારમાં સ્થાન પામ્યા. કલકત્તામાં માતાની વગના બળે પુત્રી ગૌહરજાનને પણ આગળ કારકિર્દી ખીલવવાની તક મળી. સાથે ગાયકી-નર્તનથી બડી મલકા જાનને ખાસ મોભો મળ્યો અને તેમણે અઢળક સંપત્તિ ભેગી કરી. વિડંબના એ રહી કે હિંદુસ્તાની સંગીતથી માંડી કથક જેવી નૃત્યકલાઓના બેમિસાલ મર્મજ્ઞ વાજીદ અલી શાહનો દમ કરુણ સ્થિતિમાં વર્ષ 1887માં ઘુંટાઈ ગયો.
હિંદુસ્તાની સંગીતમાં ગૌહર જાનનો ઉગતો સિતારો
બનારસમાં ગૌહર જાન સંગીત નૃત્યમાં તાલીમ પામી માતા બડી મલકા જાન પાસે કલકત્તા વસેલા. અહીં વિવિધ ઉસ્તાદો પાસે રહી તેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે કથક આદિ નૃત્યકલામાં પારંગત બન્યા. 1887માં વાજીદ અલી શાહ અવસાન પામતાં ગૌહર જાન દરભંગા આવ્યા અને દરભંગાના દરબારમાં તેમણે સંગીતકાર તરીકે સ્થાન મેળવ્યું. 1896માં તેમણે કલકત્તામાં પોતાના કાર્યક્રમો આપવા શરૂ કર્યા અને લોકપ્રિયતાને વર્યા. ઠુમરી, દાદરા, તરાના, કજરીમાં ગૌહર જાનની પારંગતતા બેમિસાલ બની રહી. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગાયકી ઉપરાંત કથક જેવી નૃત્યકલામાં ગૌહરજાનની કીર્તિ હિંદુસ્તાનભરમાં ફેલાઈ.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
હિંદુસ્તાનની પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ગાયિકા ગૌહર જાન
વીસમી સદીના ઉદય સાથે ગૌહર જાનનો સિતારો બુલંદીએ પહોંચ્યો. ગ્રામોફોનનો યુગ શરૂ થતાં રેકોર્ડિંગની શરૂઆત થઈ.
1902માં ગ્રામોફોન કંપનીએ હિંદુસ્તાનમાં 78 આરપીએમ રેકોર્ડ માટે રેકોર્ડિંગનો આરંભ કર્યો અને પ્રારંભના રેકોર્ડિંગનું માન ગૌહર જાનને મળ્યું. ગ્રામોફોન કંપની માટે ગૌહર જાનનો આ રેકોર્ડિંગ કાર્યક્રમ કલકત્તા (કોલકતા)ની ગ્રેટ ઇસ્ટર્ન હોટેલમાં નવેમ્બર, 1902માં ગોઠવાયેલ.
ગૌહર જાનના કંઠ્ય સંગીતની રેકોર્ડ્ઝ ભારતીય માર્કેટમાં આવનાર સૌ પહેલી રેકોર્ડ્ઝમાં હતી. હકીકતમાં, તેઓ સમગ્ર દક્ષિણ એશિયાના પ્રથમ ગાયિકા હતા જેમના ગાયનની રેકોર્ડ ગ્રામોફોન કંપનીએ બહાર પાડી હતી.
1911માં દિલ્હી દરબારમાં ગૌહર જાનને આમંત્રણ મળ્યું હતું. 1910માં ઇંગ્લેન્ડના રાજા પાંચમા જ્યોર્જ (પંચમ જ્યોર્જ કે ફિફ્થ જ્યોર્જ) ગાદી પર આવ્યા. શહેનશાહ પાંચમા જ્યોર્જ અને મહારાણી 1911માં હિંદુસ્તાનની મુલાકાતે આવ્યા ત્યારે દિલ્હીમાં કોરોનેશન પાર્ક ખાતે ‘દિલ્હી દરબાર’ ભરવામાં આવેલો. પાંચમા જ્યોર્જના દિલ્હી દરબાર (1911) સમારોહમાં ગૌહર જાનની ખ્યાતિમાં ચાર ચાંદ લાગી ગયા.
ગૌહર જાને 1902 થી 1920ના અરસામાં હિંદુસ્તાની, બંગાળી, મરાઠી, તમિલ, ગુજરાતી જેવી ભારતીય ભાષાઓ ઉપરાંત એરેબિક, ફારસી, પશ્તો, અંગ્રેજી અને ફ્રેંચ જેવી વિદેશી ભાષાઓમાં ગીતો ગાઈ તે જમાનામાં વિક્રમ સ્થાપ્યો. ઠુમરી, દાદરા જેવા હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ઉપરાંત કીર્તન તેમજ રવીંદ્રસંગીતમાં પણ તેમને ઊંડો રસ હતો. ગૌહર જાનના 600 થી વધુ ગીતોનું ગ્રામોફોન રેકોર્ડ પર રેકોર્ડિંગ થયું હોવાનો અંદાજ છે. એક સમય એવો હતો કે તેમને એક રેકોર્ડિંગના 3000 રૂપિયા જેવી માતબર રકમ મળતી હતી. સાચે જ, ગૌહર જાન હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના રેકોર્ડિંગની ‘પ્રથમ સ્ટાર ગાયિકા’ હતાં.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ગૌહર જાનનું અંગત જીવન
ગૌહર જાન એવાં તો સંપત્તિવાન થયાં કે વૈભવી ઠાઠમાઠ તેમનાં આંગણે છલકાતો હતો. તેમની પાસે દર-દાગીના-ઝવેરાતનો ખજાનો હતો. શાનદાર બગી કે કારમાં બેસીને બહાર નીકળતાં. જ્યારે રેકોર્ડિંગ કરવા જતાં ત્યારે કીમતી આભૂષણોથી સજ્જ થઈ, ટાપટીપપૂર્વક તૈયાર થઈ જતાં. બહારગામ જતાં ત્યારે તેમની સાથે અંગત હકીમ, રસોઈયા, ધોબી જેવા નોકરચાકરોનો જંગી રાસરસાલો હોવાનું નોંધાયું છે. તેમણે વ્યર્થ ખર્ચાઓમાં સંપત્તિ ખૂબ ઉડાવી. તેમની પાળેલી બિલાડી પાછળ તેમણે હજારો રૂપિયા ખર્ચ્યા હોવાની વાતો છે!
ભર્યા ભર્યા ધનભંડાર મળવા છતાં ગૌહર જાનના અંગત જીવનમાં ખાલીપો હતો. જીવનમાં અસફળ અંગત સંબંધોને પરિણામે તેઓ પ્રેમ માટે ઝૂરતા રહ્યા. 1903-04ના અરસામાં ગૌહર જાનની શોહરત નવા શિખરે પહોંચી, ત્યારે તેઓ મુંબઈના ગુજરાતી રંગમંચના નાટ્યકાર અમૃત કેશવ નાયકના ગાઢ સંપર્કમાં આવ્યા. ત્યારે પારસી-ગુજરાતી રંગભૂમિ પર અમૃત નાયક ગીત-સંગીત-અભિનય-દિગ્દર્શન ક્ષેત્રે નામ કમાઈ ચૂક્યા હતા. ઉર્દૂમાં ગઝલો પણ રચતા. અમૃત નાયકની આકર્ષક કલા-પ્રતિભા પર ગૌહર જાન વારી ગયાં. બંનેને રંગભૂમિ માટે ગીત-સંગીત રચવાનો સમાન શોખ હતો. સાથે મળી તેમણે નાટકો માટે ગીતો લખ્યાં. અંતરંગ મિત્રો તરીકે ગૌહર જાન અને અમૃત નાયકનો સંબંધ ખૂબ જ ઘનિષ્ઠ રહ્યો. પરંતુ આ સંબંધ લાંબો ન ચાલ્યો.
1907માં અમૃત કેશવ નાયકના અકાળ અવસાનથી ગૌહરજાન એકલા પડી ગયા.
દરભંગા અને રામપુર જેવા ઉત્તર પ્રદેશનાં રજવાડાંઓના દરબારમાં રાજ ગાયિકા તરીકે સેવાઓ આપ્યા પછી તેઓ ફરી થોડો વખત મુંબઈ રહ્યા.
1928માં દક્ષિણમાં મૈસૂર (માયસોર) ના મહારાજા કૃષ્ણરાજ વાડિયાર ચોથાએ ગૌહર જાનને પોતાના રાજ દરબારમાં નિમંત્ર્યા. પણ ત્યાં સુધીમાં તો તેઓ હૃદયથી ભાંગી ગયા હતા. સ્વજનોના કાવાદાવાઓ અને કથળતા જતા સ્વાસ્થ્યમાં તેમની સંપત્તિ ખવાઈ ગઈ હતી. તેમણે મૈસૂર (માયસોર) ના દરબારમાં ગીત સંગીત ક્ષેત્રે માંડ એક દોઢ વર્ષની સેવા આપી.
1930 માં માત્ર છપ્પન વર્ષની ઉંમરે હિંદુસ્તાનનાં પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ સ્ટાર ગાયિકા ગૌહર જાનનું અવસાન થયું.
*** * * ** * *** ** ** *** *** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
અનુપમા લેખ: ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયક અને મશહૂર ગાયિકા ગૌહર જાન
- જૂની ગુજરાતી રંગભૂમિના અભિનેતા-દિગ્દર્શક અમૃત કેશવ નાયક (1877-1907)
- અમૃત નાયકની જન્મભૂમિ અમદાવાદ, કર્મભૂમિ મુંબઈ (Amrit Keshav Nayak was born in Durga Mata Pole in Taragalawad, Kalupur area of Ahmedabad; He shifted to Bombay- now Mumbai- at a very young age)
- પારસી – ગુજરાતી નાટકોમાં તેમણે ગીત-સંગીત પણ આપ્યાં
- ગુજરાતી-હિંદી-ઉર્દૂમાં ગઝલ અને નવલકથા લખી કર્યું સાહિત્યસર્જન
- મુંબઈમાં અમૃત નાયકને મશહૂર ગાયિકા ગૌહર જાન સાથે નિકટના સંબંધો
- આર્મેનિયન મૂળ (?) નાં હિંદુસ્તાની ગાયિકા ગૌહર જાન (1873-1930)
- ગૌહર જાન ગ્રામોફોન કંપનીના પ્રથમ સ્ટાર ગાયિકા, જેમના કંઠ્ય સંગીતને કલકત્તામાં 1902માં રેકોર્ડ કરવામાં આવ્યું (Vocal Hindustani music of Gauhar Jaan was the FIRST to be recorded by Gramopnone Company in India in 1902)
- હિંદુસ્તાનની પ્રથમ 78 આરપીએમ ગ્રામોફોન રેકોર્ડ પર ગૌહર જાનનું કંઠ્ય સંગીત (First 78 rpm gramophone records available in India had the recordings of vocal music of Gauhar jaan)
- ગૌહર જાન બંગાળના એક વિદેશી પરિવારનું સંતાન; મૂળ નામ એંજેલિના; માતાનું નામ વિક્ટોરિયા (Gauhar Jaan born as Angelina Yeoward)
- બાળપણમાં માતા-પિતાનો લગ્નવિચ્છેદ; વારાણસી આવી માતા-પુત્રીએ અપનાવ્યો ઇસ્લામ ધર્મ
- માતા વિક્ટોરિયા બન્યાં મલકા જાન; પુત્રીનું નામ પડ્યું ગૌહર જાન
- માતા બડી મલકા જાન તરીકે ખ્યાતનામ ગાયિકા-નર્તકી-તવાયફ બન્યાં; કલકત્તામાં અવધના પદભ્રષ્ટ નવાબ વાજિદ અલી શાહના દરબારમાં સ્થાન (Nawab Wajid Ali Shah 1822-1887, Nawab of Awadh /Nawab of Audh)
- માતાને પગલે પુત્રી ગૌહર જાન હિંદુસ્તાની સંગીત અને કથક નૃત્યકલામાં પારંગત
- ગૌહર જાન અને અમૃત નાયકને અંતરંગ, અલ્પજીવી સંબંધ
- અમૃત કેશવ નાયકનું અવસાન માત્ર 30 વર્ષની ઉંમરે 1907માં
- ભગ્ન સંબંધો અને એકલતાથી વ્યથિત ગૌહર જાનનું અવસાન 56 વર્ષની ઉંમરે 1930માં
- અમૃત કેશવ નાયકની સ્મૃતિમાં અમદાવાદમાં કાળુપુર તરગાળાવાડ વિસ્તારમાં ‘અમૃત કેશવ નાયક માર્ગ’ તથા મુંબઈમાં સીએસટી ફોર્ટ વિસ્તારમાં પણ ‘અમૃત કેશવ નાયક માર્ગ’
- The name of Amrit Keshav Nayak has been assigned to certain roads in both Ahmedabad and Mumbai. There is Amrit Keshav Nayak Road across Kalupur area in Ahmedabad city. In Mumbai, a street is named as Amrit Keshav Nayak Marg in the vicinity of CST, Fort area.
- 27 માર્ચ. વિશ્વ રંગભૂમિ દિન (World Theatre Day)
*** * * ** * *** ** ** *** *** **
આટલું નોંધો: મીડિયામાં ગૌહર જાનના પિતા બ્રિટીશ કે અમેરિકન અંગ્રેજ હોવાનું લખાયું છે, પરંતુ પૂર્વજો આર્મેનિયાનાં હોવાના ચર્ચાસ્પદ ઉલ્લેખ પણ છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
જૂની રંગભૂમિનાં ભુલાઈ અમર અમૃત નાયકને તત્કાલીન હિંદુસ્તાનનાં વિખ્યાત ગાયિકા ગૌહર જાન (ગોહર જાન)
આપની મુલાકાત બદલ આભાર, વિનોદભાઈ!
હવેથી મધુસંચય, અનામિકા અને અનુપમા – ત્રણેય બ્લૉગ પર વિશેષ ઊંડાણવાળા, અભ્યાસપૂર્ણ લેખો આપ માણી શકશો.
હરીશભાઈ આપનો જૂની રંગભૂમિ નો અભ્યાસ સભર લેખ મને ગમ્યો છે .એમાં હું મારો પ્રતિભાવ ક્મ્પ્યુટરની તકલીફને લીધે બરાબર પૂરો મૂકી ના શક્યો.
ગૌહર જાનના પૂર્વજો આર્મેનિયાના હોવાનું નોંધાયું છે. જો કે તેમનાં માતા ભારતમાં જન્મ્યાં હતાં અને પિતા બ્રિટીશર હતા ( કે અમેરિકન બ્રિટીશર ?). વિવિધ જગ્યાએ જુદી જુદી વાતો લખાઈ છે.