સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નવા ચીલા ચાતરનાર ઘણા સર્જકોને યથોચિત પ્રસિદ્ધિ મળી નથી. ફિલ્મ ઉદ્યોગના વિકાસની ઘણી કડીઓ જળવાઈ નથી. પરિણામે મુવિ કેમેરા અને ચલચિત્ર નિર્માણની પ્રારંભિક ટેકનિક વિકસાવનાર કેટલાક શોધકો અને નિર્માતાઓ ગુમનામીમાં ગર્ત રહ્યા છે.
જે રીતે વિશ્વના સિનેમા ઉદ્યોગના ઉદયકાળે પાયાનું યોગદાન આપનાર એડવર્ડ માયબ્રિજ તથા લુઇ લિ પ્રિન્સ જોઈતી પ્રસિદ્ધિ ન પામી શક્યા, તે રીતે ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રારંભકાળે અમૂલ્ય ફાળો આપનાર હીરાલાલ સેન પણ ઉચિત શ્રેય અને યશ ન પામી શક્યા.
હીરાલાલ સેન (1866-1917) ભારતીય સિનેમાના એક સમર્થ પ્રણેતા અને સિદ્ધહસ્ત ફિલ્મ મેકર હતા. બ્રિટીશ રાજમાં બંગાળના કલકત્તા (કોલકતા) ના હીરાલાલ સેન હિંદુસ્તાનના ફિલ્મ ઇતિહાસમાં અનોખી કેડીઓ કંડારનાર હતા. હીરાલાલ સેનજીએ સ્ટેજ પરના ‘લાઇવ કાર્યક્રમ’ની દેશની પ્રથમ ફિલ્મ બનાવી અને ભારતની સૌ પ્રથમ ફિલ્મ કંપની ‘રોયલ બાયોસ્કોપ કંપની’ની સ્થાપના કરી. હીરાલાલ સેને ભારતની સૌ પહેલી રાજકીય દસ્તાવેજી ફિલ્મ (પોલિટિકલ ફિલ્મ) નું નિર્માણ કર્યું અને દેશની સર્વ પ્રથમ એડવટાઇઝિંગ ફિલ્મ સુપ્રસિદ્ધ ‘જબાકુસુમ’ હેર ઓઇલ માટે બનાવી.
ભારતના ફિલ્મ ઇતિહાસમાં દાદાસાહેબ ફાળકેને જે જ્વલંત પ્રતિષ્ઠા મળી છે, કદાચ તેવી પ્રસિદ્ધિના હકદાર હીરાલાલ સેન પણ બન્યા હોત. પણ રે ભાગ્યના ખેલ! આજે આપણી પાસે તેમની સર્જન કલાનો કોઈ પુરાવો બચ્યો નથી. 1917માં હીરાલાલ સેનની ફિલ્મ કંપની રોયલ બાયોસ્કોપ કંપનીના વેરહાઉસમાં લાગેલી આગની ઝપેટમાં તેમની ફિલ્મ કૃતિઓ રાખ બની ગઈ! આ દુ:ખદ ઘટના પછી બે જ દિવસમાં આ મહાન સર્જક દુનિયાને અલવિદા કહી ગયા!
‘અનુપમા’ના આજના લેખમાં ચલચિત્ર ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં ભારતીય ફિલ્મ ઇતિહાસમાં હીરાલાલ સેનના યોગદાનને મૂલવીશું.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
વિશ્વના સિનેમા ઉદ્યોગના ફૂટતા અંકુર
આજની મુવિ ફિલ્મોની પૂર્વભૂમિકામાં મોશન પિક્ચર ફોટોગ્રાફીનો વિકાસ છે. શરૂઆતમાં ગતિશીલ પ્રાણીના જુદા જુદા ક્રમબદ્ધ ચિત્રોને ગોળ ડિસ્ક પર રાખી, ડિસ્કને ઝડપથી ઘુમાવતાં પ્રાણી દોડી રહ્યું છે તેવો આભાસ થતો. 1870-80ના દાયકામાં ઇંગ્લેન્ડના એડવર્ડ માયબ્રિજ (એડવર્ડ મુયબ્રિજ) નામના ફોટોગ્રાફરે અમેરિકામાં લેલેન્ડ સ્ટેનફોર્ડ (સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્થાપક) ના ફાર્મ પર દોડતા ઘોડાઓના ફોટા લીધા અને મોશન ફોટોગ્રાફીથી તેમની “મુવિ ફિલ્મ” (!) બનાવી. એડવર્ડ માયબ્રિજનું આ કામ મહત્ત્વનું ગણાય છે.
દુનિયાની પહેલી મુવિ ફિલ્મ (?) બનાવવાનો શ્રેય ફ્રેંચ ફોટોગ્રાફર લુઇ લિ પ્રિન્સને મળે છે. ફ્રાન્સ છોડી અમેરિકા અને ઇંગ્લેન્ડમાં રહેનાર લુઇ લિ પ્રિન્સને મોશન પિક્ચર ફોટોગ્રાફીમાં ઊંડો રસ હતો. 1888માં તેમણે લિડ્ઝ શહેર (ઇંગ્લેન્ડ) માં એક ઘરના ગાર્ડનમાં ફરતાં સ્વજનો પર પ્રથમ ટૂંકી ફિલ્મ ઉતારી. લુઇ લિ પ્રિન્સ દ્વારા બનેલ માત્ર બે સેકંડની વિશ્વની આ પ્રથમ ફિલ્મ ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ તરીકે ઓળખાઈ. તેને ઉતારવા તેમણે ઇસ્ટમેન કોડાકની પેપર ફિલ્મનો ઉપયોગ થયો હતો.
લુઇ લિ પ્રિન્સ દ્વારા ઑક્ટોબર 1888માં ઉતારાયેલ ટૂંકી ફિલ્મ ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ વિશ્વની પ્રથમ મુવિ ફિલ્મ (મોશન પિક્ચર) ગણાય છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ટોમસ આલ્વા એડિસનનું કાઇનેટોગ્રાફ
તે સમયગાળામાં અમેરિકામાં ટોમસ આલ્વા એડિસન (થોમસ આલ્વા એડીસન) પોતાના ‘કાઇનેટોગ્રાફ’ પર કામ કરી રહ્યા હતા. 1893માં ટૉમસ એડિસનને તેમની વિશિષ્ટ શોધ કાઇનેટોગ્રાફ (મોશન પિક્ચર કેમેરા) તથા કાઇનેટોસ્કોપ (મુવિ પ્રોજેક્ટર) માટે પેટન્ટ મળ્યા. 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ સાથે યોજાયેલ વર્લ્ડ કોલંબિયન એક્સ્પોઝિશન (વર્લ્ડ એક્સ્પો 1893, શિકાગો, યુએસએ) માં એડિસનના કાઇનેટોગ્રાફનું નિદર્શન થતાં તે પૂરા વિશ્વમાં વિખ્યાત થયું.
લુમિએર બ્રધર્સના સિનેમેટોગ્રાફ દ્વારા વિશ્વની પહેલી ફિલ્મ રૂપેરી પડદે
- ફ્રાન્સમાં લુમિએર બ્રધર્સ તરીકે જાણીતા ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર નામના ભાઈઓને મુવિ પિક્ચર ટેકનોલોજીમાં ખૂબ રસ પડ્યો.
- તેમણે એડિસનના કામ પરથી પ્રેરણા લઈ પોતાનું સિનેમેટોગ્રાફ બનાવ્યું.
- લુમિએર ભાઈઓએ સૌ પહેલી ફિલ્મ ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’ બનાવી. પછી તેમણે બીજી કેટલીક ટૂંકી ફિલ્મો પણ બનાવી.
- 1895માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં સિનેમા જગતનો પહેલો કોમર્શિયલ શો થયો જેમાં લુમિએર બ્રધર્સની વિશ્વની સર્વ પ્રથમ ફિલ્મને રૂપેરી પડદે રજૂ કરાઈ.
- લુમિએર બંધુઓની ફિલ્મોને પેરિસમાં ગ્રાન્ડ કાફે હોટેલમાં રૂપેરી પડદા પર 1895ના ડિસેમ્બરની 28મીએ દર્શાવવામાં આવી. પ્રેક્ષકોએ ટિકિટ ખરીદી લ્યુમિએર બ્રધર્સની ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’ સાથે બીજી શોર્ટ ફિલ્મો નિહાળી અને સિનેમાને વ્યાવસાયિક રૂપ મળ્યું.
- લ્યુમિએરનો દુનિયાનો પ્રથમ ફિલ્મ શો જોનાર એક પ્રેક્ષક ફ્રાન્સના જાદુગર જ્યોર્જ મેલ્યેઝ (મેલિઝ/ મેલિયેઝ) હતા. તેમણે સિનેમેટોગ્રાફીમાં ઊંડો રસ લીધો.
- આગળ જતાં જ્યોર્જ મેલ્યેઝ દ્વારા ડેવલોપ કરાયેલી ટ્રિક ફોટોગ્રાફી અને સ્પેશ્યલ ઇફેક્ટ્સ ટેકનિક્સ આધુનિક ફિલ્મનિર્માણનો આધાર બની.
- વર્ષ 1896માં ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર બંને ભાઈઓ સિનેમેટોગ્રાફ તથા પોતાની ફિલ્મોના માર્કેટિંગ માટે યુરોપ, એશિયા અને અમેરિકાની ઊડતી મુલાકાતે નીકળી પડ્યા. (જો કે લુમિએર ભાઈઓ ભારત આવ્યા હતા તે વાત સ્પષ્ટ નથી).
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
લુમિએર બ્રધર્સ હિંદુસ્તાનમાં બોમ્બે (મુંબઈ) ની મુલાકાતે
વિશ્વપ્રવાસે નીકળેલા લુમિએર બ્રધર્સ યુરોપના બ્રસેલ્સ પછી જુલાઈ, 1896માં બૉમ્બે (મુંબઈ) ની મુલાકાતે હિંદુસ્તાન આવ્યા (?). ભારતમાં લુમિએર ભાઈઓના સિનેમેટોગ્રાફ વડે ફિલ્મોનો પ્રથમ શો બોમ્બેના ડાઉનટાઉન એરિયા કાલા ઘોડામાં વોટ્સન હૉટેલમાં થયો. (આ શો સ્વયં લુમિએર ભાઈઓ દ્વારા થયો કે તેમના એજન્ટ દ્વારા, તે ચર્ચાસ્પદ રીતે સ્પષ્ટ નથી).
‘અનુપમા’ના વાચકમિત્રો જાણતા હશે કે મુંબઈના કાલા ઘોડા આસપાસનો વિસ્તાર ઓવલ મેદાન, હુતાત્મા ચોક (ફ્લોરા ફાઉન્ટેઇન), આર્મી એન્ડ નેવી બિલ્ડિંગ, છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ) આદિ લેન્ડમાર્કથી જાણીતો છે. ત્યાં 1875-76માં ભારતની મુલાકાતે આવેલ પ્રિન્સ ઑફ વેલ્સ (ક્વિન વિક્ટોરિયાના પ્રિન્સ, પાછળથી કિંગ એડવર્ડ સાતમા, King Edward VII) ના સન્માનમાં બ્લેક હોર્સ – કાળા ઘોડા – પર બેઠેલ પ્રિન્સ એડવર્ડની પ્રતિમા ત્યાં હતી તેથી તે વિસ્તાર કાળા ઘોડા તરીકે ઓળખાયો. (આજે કિંગ એડવર્ડનું સ્ટેચ્યુ ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે).
મુંબઈની વોટ્સન હોટેલમાં લુમિએર બ્રધર્સે કર્યો ભારતનો પ્રથમ ફિલ્મ શો
1896ની 7મી જુલાઈએ મુંબઈની વોટસન હોટેલમાં લુમિએર બ્રધર્સની ફિલ્મ ‘ધ અરાઇવલ ઑફ અ ટ્રેઇન’ને પ્રદર્શિત કરવામાં આવી. તે હતો ભારતનો પ્રથમ ફિલ્મ શો. એક રૂપિયાની મોંઘીદાટ ટિકિટ ખર્ચીને પણ ફિલ્મ શો જોવામાં પ્રેક્ષકોને ખુશી મળી. લુમિએરની મૂંગી સિનેમા ‘અરાઇવલ ઓફ અ ટ્રેઇન’ ફિલ્મે દર્શકોને રોમાંચિત કર્યા. મુંબઈમાં વોટ્સન હોટેલ પછી લુમિએર બંધુઓની ટૂંકી ફિલ્મોના શો નોવેલ્ટી થિયેટરવાળા બિલ્ડિંગમાં થયા. શરૂઆતમાં ફિલ્મો તો સાયલેન્ટ હતી, તેથી તેમને રોચક બનાવવા ‘લાઇવ મ્યુઝિક’ આપવા માટે થિયેટરમાં વાજિંત્રવાદકોને પડદા પાસે બેસાડવાની પ્રથા શરૂ થઈ.
લોકોને આશ્ચર્યચકિત કરતી લુમિયેરની ફિલ્મોની જાદુઈ અસરથી હિંદુસ્તાનભરમાં સિનેમાની ઘેલછા જાગી અને દેશમાં ફિલ્મ ઉદ્યોગનાં પગરણ મંડાયાં.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
હીરાલાલ સેન, તોરણે દાદા તથા દાદાસાહેબ ફાલકે
ચલચિત્ર ઉદ્યોગ નામી-અનામી હસ્તીઓની ચિત્ર-વિચિત્ર કહાણીઓથી સજેલો છે. સિનેમા જગતની વિડંબનાઓ તેમજ વિરોધાભાસોને કોઈ સમજી શકતું નથી. સ્વાભાવિક છે, સિનેમાનો ઇતિહાસ વિવાદોથી ખદબદતો રહ્યો છે! વિદેશમાં એડવર્ડ માયબ્રિજ કે લુઇ લિ પ્રિન્સ હોય અથવા ભારતમાં હીરાલાલ સેન કે રામચંદ્ર ગોપાલ દાદાસાહેબ તોરણે હોય, તેમનાં યોગદાનને ઉચિત ન્યાય નથી મળ્યો તેવું સિનેપ્રેમીઓને લાગ્યા કર્યું છે.
ભારતમાં ફિલ્મ ઉદ્યોગના પાયામાં દાદાસાહેબ ફાળકેનું યોગદાન બહુમૂલ્ય છે, તે નિર્વિવાદ હકીકત છે. પરંતુ ભારતમાં ફિલ્મ નિર્માણને અંકુરિત કરનાર હીરાલાલ સેન અને રામચંદ્ર ગોપાલ તોરણે (આર જી તોરણે) ના સાહસભર્યા પ્રયાસોને ઉપેક્ષવા પણ ઠીક નથી. હીરાલાલ સેન અને તોરણે દાદાનાં તમામ સર્જનો કાબિલે-તારીફ હતાં.
બંગાળમાં હીરાલાલ સેન મોશન પિક્ચર ટેકનોલોજીથી એટલા પ્રભાવિત થયા કે 1898માં એક ચાલુ સ્ટેજ શો સમયે તેમણે ‘ધ ડાન્સિંગ સીન’ કહેવાતી ભારતની પ્રથમ ટૂંકી ફિલ્મ ઉતારી.
રામચંદ્ર ગોપાલ તોરણેની ફિલ્મ ‘ભક્ત પુંડલિક’ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ હતી. તોરણેદાદાની ‘ભક્ત પુંડલિક’ મુંબઈના ગિરગામમાં સેન્ડહર્સ્ટ રોડ પર કોરોનેશન સિનેમેટોગ્રાફ (કોરોનેશન સિનેમા) માં 18 મે, 1912ના રોજ રજૂ થઈ હતી. ‘ભક્ત પુંડલિક’ના કેમેરામેન અંગ્રેજ હતા અને ફિલ્મને વિદેશમાં પ્રોસેસ કરવામાં આવી હતી. વળી ‘ભક્ત પુંડલિક’ માત્ર બાવીસ મિનિટની ફિલ્મ હતી. પરિણામે તેને સંપૂર્ણપણે ભારતીય ફીચર ફિલ્મ તરીકે પ્રથમ ફિલ્મની સ્વીકૃતિ ન મળી.
ભારતની સર્વ પ્રથમ ફુલ લેન્ગ્થ ફીચર ફિલ્મ લેખાતી દાદાસાહેબ ફાળકેની ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ 1913માં મે માસની 3જી તારીખે મુંબઈના કોરોનેશન સિનેમેટોગ્રાફ (કોરોનેશન સિનેમા) માં રજૂ થઈ. રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ દાદાસાહેબ ફાલકેએ જાતે ઉતારેલી. તેનું પ્રોસેસિંગ પણ ભારતમાં જ થયેલું. વળી રાજા હરિશ્ચંદ્ર ચાલીસ મિનિટની ફિલ્મ હતી. આમ, ‘રાજા હરિશ્ચંદ્ર’ ભારતની સૌ પહેલી, પૂર્ણ રીતે ભારતીય ફીચર ફિલ્મ ગણાય છે.
હીરાલાલ સેન અને આર જી તોરણે ઉપરાંત ચિત્રે દાદા, સાવે દાદા, એફ બી થાણાવાળા આદિ ભારતીય સિનેમાના પાયોનિયર સર્જકો છે.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન
ઓગણીસમી સદીના આખરી દશકાઓમાં મુંબઈ અને કલકત્તામાં નાટકો અને ઓપેરાની બોલબાલા હતી. ખાસ કરીને બંગાળામાં અધ્યાત્મ, ચિંતન, ફિલોસોફી તેમજ સાહિત્ય, ચિત્ર, સંગીત જેવા કલાક્ષેત્રોમાં નવા પ્રવાહો વહેતા હતા.
1883માં કલકત્તા (કોલકતા, પશ્ચિમ બંગાળ) માં સ્ટાર થિયેટર સ્થપાયું. આ અરસામાં બંગાળના વિદ્વાન નાટ્યકાર, સાહિત્યકાર અને કલાકાર ગિરીશચંદ્ર ઘોષનાં નાટકો સ્ટાર થિયેટરમાં ભજવાતા. બહુમુખી પ્રતિભા ધરાવતા ગિરીશચંદ્ર ઘોષનાં નાટકોને પગલે બંગાળમાં નાટ્યપ્રવૃત્તિઓને વેગ મળ્યો.
1896માં મુંબઈથી લુમિએર બંધુઓના ચલચિત્રોની ખ્યાતિ કલકત્તા (બંગાળ) પહોંચી. જોતજોતામાં અન્ય સાહસિકો પણ ફિલ્મ પ્રદર્શનના કામમાં જોડાયા.
વાચકમિત્રો! 1898માં કલકત્તામાં હીરાલાલ સેન નામના યુવાન ફોટોગ્રાફરે એક સ્ટેજ પર્ફોર્મન્સ ‘ફ્લાવર ઑફ પર્શિયા’ દરમ્યાન પ્રાયોગિક ધોરણે શોર્ટ ફિલ્મ ઉતારી તે વાત આપે અમારા અન્ય બ્લૉગ “અનામિકા” પર વાંચી છે. હીરાલાલ સેનને મોશન પિક્ચરમાં ઊંડો રસ પડ્યો.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ભારતની પહેલી ફિલ્મ હીરાલાલ સેનની પ્રથમ ટૂંકી ફિલ્મ ‘ધ ડાન્સિંગ સીન’
લુમિએર બ્રધર્સની ટૂંકી ફિલ્મો કલકત્તાના ઉચ્ચ વર્ગમાં આકર્ષણનું કેંદ્ર બની હતી. કલકત્તાનાં નાટકો અને ઓપેરા કાર્યક્રમોના મધ્યાંતરમાં એકાદ-એકાદ મિનિટની ટૂંકી ફિલ્મો બતાવાતી.
1898માં હીરાલાલ સેન કલકત્તાના વિખ્યાત સ્ટાર થિયેટરમાં ‘ફ્લાવર ઓફ પર્શિયા’નો શો જોવા ગયા હતા. તે શો દરમ્યાન સ્ટિવન્સન નામના એક અંગ્રેજ પ્રોફેસરે પોતાની ટૂંકી ફિલ્મો પ્રદર્શિત કરી. ફોટોગ્રાફીના શોખીન હીરાલાલને તેમાં રસ પડ્યો અને તેમણે તત્ક્ષણ પ્રોફેસર પાસેથી તેમના કેમેરાની અને મોશન પિક્ચર ફોટોગ્રાફીની જાણકારી મેળવી લીધી.
‘ફ્લાવર ઓફ પર્શિયા’ના ચાલુ શો દરમ્યાન હીરાલાલ સેને પ્રોફેસર સ્ટિવન્સનના કેમેરાથી લાઇવ શુટિંગ કરી ટૂંકી ફિલ્મ ઉતારી અને તેને ‘ધ ડાન્સિંગ સીન’ નામ આપ્યું.
આમ, ‘ફ્લાવર ઓફ પર્શિયા’ના લાઇવ દ્રશ્યની શોર્ટ ફિલ્મ ‘ધ ડાન્સિંગ સીન’ એક ભારતીય દ્વારા, ભારતમાં ઉતરેલી, ભારતની સૌ પહેલી ટૂંકી ફિલ્મ બની.
હીરાલાલ સેન અને રોયલ બાયોસ્કોપ કંપની
આપે હીરાલાલ સેનની જીવનકથા અમારા બ્લોગ “અનામિકા” પર વાંચી છે.
વાચકમિત્રો! હીરાલાલ સેન અંગ્રેજ હકૂમતના હિંદુસ્તાનના બંગાળા પ્રાંત (હાલ બાંગલા દેશ, અગાઉ પૂર્વ પાકિસ્તાન) માં વર્ષ 1866માં જન્મ્યા. કલકત્તામાં અભ્યાસ વેળા તેમને ફોટોગ્રાફીમાં રસ પડ્યો. તે સમયે સ્ટાર થિયેટરમાં બ્રિટીશ ફોટોગ્રાફર સ્ટિવન્સન પાસેથી હીરાલાલ સિનેમેટોગ્રાફીના પાયાના પાઠ શીખ્યા તે આપે આગળ વાંચ્યું.
જ્યારે અમેરિકામાં વિશ્વવિખ્યાત શોધક ટૉમસ આલ્વા એડિસન કાઇનેટોગ્રાફથી અને ફ્રાન્સમાં લુમિએર બ્રધર્સ સિનેમેટોગ્રાફથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નિખાર આપી રહ્યા હતા, ત્યારે ઇંગ્લેન્ડમાં મોશન પિક્ચરને પ્રચલિત કરવામાં વોરવિક ટ્રેડિંગ કંપની મોખરે હતી. હીરાલાલ સેને લંડન (ઇંગ્લેન્ડ)થી વોરવિક કંપનીનું ‘અર્બન બાયોસ્કોપ’ તરીકે ઓળખાતું મોંઘું પ્રોજેક્ટર મગાવ્યું અને સાથે સિનેમેટોગ્રાફી સંબંધિત સાધનસામગ્રી પણ મંગાવી.
હીરાલાલ સેને ‘રોયલ બાયોસ્કોપ કંપની’ નામે ફિલ્મ કંપની સ્થાપી. હીરાલાલ સેન અને તેમના ભાઈ મોતીલાલ સેન ભારતના સિનેમા ઉદ્યોગની સર્વ પ્રથમ ફિલ્મ કંપની રોયલ બાયોસ્કોપ કંપનીના સંચાલક બન્યા. સેન ભાઈઓએ રોયલ બાયોસ્કોપના નેજા હેઠળ ઉતારેલી ટૂંકી ફિલ્મો અમરેન્દ્રનાથ દત્તના ક્લાસિક થિયેટરમાં કોઈ પર્ફોર્મન્સ શો દરમ્યાન દર્શાવવામાં આવતી, ઉપરાંત પ્રસંગોપાત શ્રીમંત પરિવારોમાં પણ દર્શાવાતી.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ભારતની પ્રથમ પોલિટિકલ ફિલ્મના નિર્માતા હીરાલાલ સેન
વીસમી સદીના આરંભે બ્રિટીશ હિંદુસ્તાનના વાઇસરોય લોર્ડ કર્ઝન દ્વારા બંગાળ પ્રાંતના ભાગલા પાડવાની વાત આવી અને તે સમયે પ્રચંડ આક્રોશભર્યો જનમત જાગી ઊઠ્યો. બંગાળાના ભાગલા વિરુદ્ધ કલકત્તા સહિત દેશભરમાં આંદોલન શરૂ થયું. બંગભંગ આંદોલનના ભાગરૂપે કલકત્તામાં કોંગ્રેસના સ્થાપક સુરેન્દ્રનાથ બેનર્જીની આગેવાનીમાં જંગી રેલી-સભાઓ સાથે વિરોધ પ્રદર્શનો થયાં. હીરાલાલ સેને એક હિંમતભર્યો નિર્ણય લઈ બંગભંગ વિરોધની દસ્તાવેજી ફિલ્મ ઉતારી જે ભારતની પહેલી રાજકીય ફિલ્મ – પોલિટિકલ ફિલ્મ – મનાય છે.
ભારતની પ્રથમ એડવર્ટાઇઝિંગ ફિલ્મ હીરાલાલ સેનની
‘જબાકુસુમ હેર ઓઇલ’ એકસોથી વધારે વર્ષોથી પશ્ચિમ બંગાળનું મશહૂર કેશતેલ છે. કલકત્તાની જાણીતી કંપની સી કે સેન એન્ડ કંપનીનું જબાકુસુમ હેર ઓઇલ ગુજરાત સહિત ભારતના ઘણા પ્રદેશોમાં લોકપ્રિય થયેલ. હીરાલાલ સેને જબાકુસુમ કેશ તેલના માર્કેટિંગ માટે ભારતની પહેલી એડવર્ટાઇઝિંગ ફિલ્મ બનાવી. આમ, માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગની દુનિયામાં સિનેમાના સબળ માધ્યમનો ઉપયોગ કરનાર તેમજ કોમર્શિયલ જાહેરાત માટે વીસમી સદીમાં પ્રથમ એડવર્ટાઇઝિંગ ફિલ્મ બનાવનાર હીરાલાલ સેન પ્રથમ ભારતીય ફિલ્મ નિર્માતા હતા.
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
હીરાલાલ સેન અને રોયલ બાયોસ્કોપનો કરૂણ અંત
કલકત્તામાં એક નાટક ‘અલીબાબા અને ચાલીસ ચોર’ પરથી હીરાલાલ સેનની રોયલ બાયોસ્કોપ કંપનીએ ભારતની સૌ પ્રથમ ફીચર ફિલ્મ ‘અલીબાબા એન્ડ ચાલીસ ચોર’ બનાવેલી, તે વાત આપે ‘અનામિકા’ પર વાંચી છે. હીરાલાલજીએ નાટકના છૂટા છૂટા ટુકડાઓમાં ટૂંકી ફિલ્મો ઉતારેલી અને તેને જોડીને બેએક કલાક લાંબી ફિલ્મ ‘અલીબાબા એન્ડ ચાલીસ ચોર’ બનાવી હતી તેવું નોંધાયું છે. પરંતુ તે ફિલ્મ ન તો ડબ્બામાંથી બહાર નીકળી, ન તો પડદા પર પહોંચી!
ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સફળ થનાર હીરાલાલ સેન જીવનના રંગમંચ પર નિષ્ફળતાઓને વર્યા. પરિચિતો-સ્વજનો સાથે કડવાશ વેરી બની. વ્યાવસાયિક અને સામાજિક સંબંધો ન સચવાયા. રોયલ બાયોસ્કોપ નબળી પડતી ગઈ. કલકત્તામાં જમશેદજી ફ્રામજી મદન (માદન)ની ‘એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ કંપની’એ રોયલ બાયોસ્કોપની જોરદાર હરીફાઈ કરી. રોયલની પડતી સાથે હીરાલાલની તબિયત પણ ઘસાતી ચાલી.
1917ના ઑક્ટોબરમાં પહેલી ભારતીય ફિલ્મ કંપની રોયલ બાયોસ્કોપ કંપનીના વેર હાઉસમાં એવી આગ ભભૂકી ઊઠી કે હીરાલાલની તમામ ફિલ્મો તેમાં ભસ્મીભૂત થઈ ગઈ.
રોયલ બાયોસ્કોપ નિર્મિત સઘળું સર્જન રાખમાં મળી ગયું. હીરાલાલ સેનનાં સોનેરી સ્વપ્નાં અને આકાશ આંબતી સિદ્ધિઓ માત્ર ઇતિહાસનાં પાનાંઓમાં રહી ગયાં.
આગના બે જ દિવસ પછી હીરાલાલ સેને દુનિયાને અલવિદા કહી દીધી!
ભારતીય સિનેમાના ઇતિહાસના એક જ્વલંત પ્રકરણનો અણચિંતવ્યો કરુણ અંત આવ્યો.
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
અનુપમા લેખ: ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન: બંગાળના અર્ધ-અજાણ્યા ફિલ્મ સર્જક
- હીરાલાલ સેન ભારતીય સિનેમા ઉદ્યોગના એક પાયોનિયર ફિલ્મ સર્જક: Hiralal Sen (1866-1917), a pioneer film maker of Indian Cinema
- રામચંદ્ર ગોપાલ તોરણે/ તોરણે દાદા/ આર જી તોરણે/ રામચંદ્ર ગોપાલ દાદાસાહેબ તોરણે: Ramchandra Gopal Torne (1890-1960)
- દાદાસાહેબ ફાલકે/ ધુંડીરાજ ગોવિંદ ફાલકે/ દાદાસાહેબ ફાળકે: Dadasaheb Falke (1870-1944)
- એડવર્ડ માયબ્રિજ/ એડવર્ડ મુયબ્રિજ: Eadweard Muybridge/ Edward James Muggeridge (1830-1904)
- લુઇ લિ પ્રિન્સ: Louis Le Prince (1841-1890)
- ટોમસ આલ્વા એડિસન (થોમસ આલ્વા એડીસન): Thomas Alva Edison (1847-1931)
- લુમિએર બ્રધર્સ/ લુમિયેર બ્રધર્સ/ લ્યુમિયેર બંધુઓ/ ઓગસ્ટે લુમિએર – લુઇ લુમિએર: Lumiere Brothers – Auguste Lumiere (1862-1954) – Louis Lumiere (1864-1948)
- જ્યોર્જ મેલ્યેઝ/ જ્યોર્જ મેલિઝ/ જ્યોર્જ મેલિયેઝ: George Melies (1888-1923)
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે *
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
6 thoughts on “ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન: બંગાળના અર્ધ-અજાણ્યા ફિલ્મ સર્જક”