વિસરાતી વાતો

પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

 

રમાબાઈના જન્મ પૂર્વે હિંદુસ્તાન

સાયન્સ અને ટેકનોલોજીના સહારે આજે આપણે એવા જીવનસ્તર પર પહોંચ્યા છીએ કે આજથી બસો –ત્રણસો વર્ષ પહેલાના બંધિયાર સમાજની કલ્પના પણ ન થઈ શકે! શિક્ષણ કે કેળવણીના પૂરા પાયા નખાયા ન હતા!  શું યુરોપ – અમેરિકા કે શું હિંદુસ્તાન, ક્યાંય મહિલા સશક્તિકરણ કે વિમેન એમ્પાવરમેંટ તો શું, મહિલા શિક્ષણનો વિચાર સરખો થઈ શકતો ન હતો!

ઓગણીસમી સદીના પૂર્વાર્ધના હિંદુસ્તાનની કલ્પના કરી શકશો? પુરૂષપ્રધાન સમાજમાં કન્યાને શિક્ષણનો અધિકાર ન હતો. દસેક વર્ષની ઉંમરમાં કિશોરીનાં લગ્ન થઈ જતાં. યુવાનોમાં મરણપ્રમાણ ઊંચું હોવાથી અનેક બાળવિધવાઓ નિરાધાર થઈ જતી. જે જમાનામાં સ્ત્રીજાતિ ઉપેક્ષિત સ્થિતિમાં કચડાયેલી રહી હોય, તે જમાનામાં એક ભારતીય યુવતી શિક્ષણ મેળવે અને ઇંગ્લેંડ – અમેરિકાના પ્રવાસે જાય, તે વાત માની શકાય ખરી? તે ભારતીય યુવતીનું નામ પંડિતા રમાબાઈ સરસ્વતી.

રમાબાઈનું પ્રારંભિક જીવન

રમાબાઈનો જન્મ 1858માં દક્ષિણ હિંદુસ્તાનમાં એક મરાઠી ચિતપાવન બ્રાહ્મણ સમાજમાં થયો હતો. તેમના પિતા અનંત શાસ્ત્રી ડોંગરે સંસ્કૃત ભાષાના અને શાત્રો-પુરાણોના પ્રખર જ્ઞાતા હતા. તેઓ સુધારાવાદી વિચારધારા ધરાવતા હોવાથી રૂઢિવાદી સમાજે તેમને બહિષ્કૃત કર્યા હતા. સમાજથી દૂર, અનંત શાસ્ત્રીજીએ કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની પહાડીઓમાં ગંગામૂલ (ગંગમૂલા) પહાડ પર આશ્રમ સ્થાપ્યો હતો.

અરણ્યવાસી ડોંગરે પરિવારને ભારે ગરીબાઈમાં રીબાઈને જીવનવ્યવહાર કરવો પડ્યો.  તે સમયે કન્યાશિક્ષણ વર્જિત ગણાતું, પણ પિતાએ રમાબાઈને સંસ્કૃત ભાષામાં વ્યાકરણના અભ્યાસ સાથે સાહિત્યમાં સુશિક્ષિત કર્યા. કિશોરી રમાબાઈને શ્રીમદ ભગવદ ગીતા તેમજ અન્ય શાસ્ત્રો અને પુરાણો કંઠસ્થ થઈ ગયા.

1876-77ના અરસામાં દક્ષિણ-પશ્ચિમ હિંદુસ્તાનમાં કારમો દુકાળ પડ્યો. ગરીબાઈ અને દુકાળના બેવડા મારમાં રમાબાઈએ પોતાનાં માતાપિતા અને બહેનને ગુમાવ્યાં. હવે તેમને એકમાત્ર સહારો ભાઈનો હતો. યુવાન ભાઈબહેન હિંદુસ્તાનના પ્રવાસે નીકળી પડ્યા. દક્ષિણ હિંદુસ્તાનથી દેશાટન કરતાં કરતાં યુવાન રમાબાઈ પોતાના ભાઈ શ્રીનિવાસ સાથે ઉત્તર હિંદુસ્તાન પહોંચ્યા. રમાબાઈ જ્યાં જ્યાં પ્રવચનો કરતાં, તેમની વાણીના પ્રવાહે શ્રોતાઓ ઉમટી પડતાં.

રમાબાઈ કલકત્તામાં

1878માં રમાબાઈ કલકત્તા (હાલ કોલકતા) પહોંચ્યા. ત્યારે કલકત્તા બ્રિટીશ શાસનના હિંદુસ્તાનની રાજધાનીનું શહેર હતું. યુરોપની અસર નીચે બંગાળામાં સમાજ પરિવર્તનનો પવન ફૂંકાતો હતો. રાજા રામ મોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર અને કેશવચંદ્ર સેન બંગાળના ગણમાન્ય સુધારકો હતા.

કલકત્તામાં વીસ વર્ષનાં રમાબાઈનાં પ્રવચનો સાંભળવા ભીડ ઉમટવા લાગી. છટાદાર શૈલીમાં શાસ્ત્રાર્થ ચર્ચા અને અસ્ખલિત પ્રવચનો કરતાં યુવાન રમાબાઈથી કલકત્તાના બંગાળી વિદ્વાનો ભારે પ્રભાવિત થયા. તેઓએ સંસ્કૃતના અગાધ જ્ઞાન અને વિદ્વત્તાથી મંત્રમુગ્ધ કરતાં રમાબાઈને પંડિતાઅને સરસ્વતી જેવાં સર્વોચ્ચ બહુમાનોથી વિભૂષિત કર્યાં. રમાબાઈ ડોંગરે હવે પંડિતા રમાબાઈ સરસ્વતી કહેવાયાં.

ટૂંક સમયમાં ભાઈ મૃત્યુ પામતાં રમાબાઈ પર આભ તૂટી પડ્યું. સમાજની નજરો બદલાઈ ગઈ. ભાઈના સાથથી રમાબાઈ લગ્ન કર્યાં વિના રૂઢિચુસ્ત સમાજ સામે ઊભા રહી શકતા હતા. હવે તેમને સહારાની જરૂર હતી. 1880 માં પંડિતા રમાબાઈએ જ્ઞાતિબંધન તોડીને, પરજ્ઞાતિના બિપીન બિહારી મેધાવી નામના એક કાયસ્થ યુવક સાથે લગ્ન કર્યાં.

એક બ્રાહ્મણપુત્રી વળી કાયસ્થ જ્ઞાતિમાં લગ્ન શી રીતે કરી શકે? સમાજમાં ખળભળાટ મચી ગયો. રમાબાઈએ જીવનભર સંઘર્ષ જ કરવાનો હતો! તેમને એક પુત્રી થઈ ત્યાં તેમના પતિ મેધાવીનું કોલેરાથી અવસાન થયું.

સમાજસુધારક પંડિતા રમાબાઈ સરસ્વતી

તે સમયે હિંદુસ્તાનમાં સમાજસુધારા ક્ષેત્રે બે પ્રદેશો મોખરે હતા: બંગાળ અને મહારાષ્ટ્ર. ચોવીસ વર્ષનાં વિધવા રમાબાઈએ બંગાળ છોડી મહારાષ્ટ્ર જવા નિર્ણય કર્યો. નાનકડી પુત્રી મનોરમાને લઈ તેઓ પૂના આવ્યાં. મહારાષ્ટ્રના મહાદેવ ગોવિંદ રાનડે અને સર રામકૃષ્ણ ભાંડારકર જેવા સમાજસુધારકોથી પ્રેરણા લઈ રમાબાઈએ સ્ત્રીઓના ઉદ્ધાર માટે ‘આર્ય મહિલા સમાજ’ નામની સંસ્થા શરૂ કરી. તેમણે બાળ વિવાહ અને નિરક્ષરતા નાબૂદ કરવાનું બીડું ઊઠાવ્યું.

1882માં રમાબાઈનું પ્રથમ પુસ્તક સ્ત્રીધર્મનીતિ પ્રકાશિત થયું, જેણે વિવાદ ઊભા કર્યા. પંડિતા રમાબાઈએ સ્ત્રીશિક્ષણ સુધારા માટે બ્રિટીશ સરકારે રચેલા ‘ઇંગ્લિશ એજ્યુકેશન કમિશન’ને કીમતી સુધારાઓ સૂચવ્યા જે ઇંગ્લેન્ડના મહારાણી ક્વિન વિક્ટોરિયા સુધી પહોંચ્યા. આ દરમ્યાન તેમણે સિસ્ટર હર્ટફોર્ડ નામના મિશનરી નન પાસેથી અંગ્રેજી ભાષાનું શિક્ષણ લીધું.

પંડિતા રમાબાઈ સરસ્વતી ઇંગ્લેંડ અને અમેરિકામાં

1883માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે પંડિતા રમાબાઈ સરસ્વતી પુત્રી મનોરમાને લઈને દરિયાઈ માર્ગે ઇંગ્લેંડ પહોંચ્યા. ઇંગ્લેંડમાં પહેલાં તેઓ ઑક્સફર્ડશાયર કાઉંટીના વૉન્ટેજ ટાઉનમાં રહ્યા. આપ જાણતા હશો કે યુનાઇટેડ કિંગ્ડમની ઑક્સફર્ડશાયર કાઉન્ટીના ઑક્સફર્ડ શહેરમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ આવેલી છે.

ઇંગ્લેન્ડમાં રમાબાઈ બે એવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા, જેઓએ તેમના જીવનને ભારે પ્રભાવિત કર્યું. એક તો બ્રિટનના શિક્ષણશાસ્ત્રી ડોરોથિઆ બેલ (ડોરોથિયા બેયલ) અને બીજા સંસ્કૃતપ્રેમી જર્મન સ્કૉલર ફ્રેડરિક મેક્સમૂલર.

ઇંગ્લેન્ડમાં મહિલા શિક્ષણના અગ્રણી ડોરોથિઆ બેલ શેલ્ટનહેમ લેડિઝ કોલેજ તથા સેંટ હિલ્ડા’ઝ કોલેજ સંભાળતા હતા. ડોરોથિયાએ રમાબાઈને અંગ્રેજી સાહિત્ય, ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ કરાવ્યો; તો રમાબાઈએ તેમની કોલેજમાં અંગ્રેજ કન્યાઓને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો.

તે સમયે જર્મનીના વિશ્વવિખ્યાત સંસ્કૃત ભાષાના સ્કોલર ફ્રેડરિક મેક્સમૂલર પણ ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતા. મેક્સમૂલર ભારતીય ફિલોસોફીના ઉપાસક હતા અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની લાયબ્રેરીના સહયોગથી મેક્સમૂલર ઑક્સફર્ડ ખાતે ભારતીય વેદ – ઉપનિષદ આદિ સંસ્કૃત ગ્રંથોના અભ્યાસ અને ભાષાંતરનાં કાર્યોમાં વર્ષોથી સંલગ્ન હતા. મેક્સમૂલરના સહકારથી રમાબાઈને આર્થિક મદદ પણ મળી ગઈ.

કહે છે કે પંડિતા રમાબાઈને હિંદુસ્તાન અને પોતાના ધર્મ પર પૂરી શ્રદ્ધા હતી, પરંતુ ઇંગ્લેન્ડના વસવાટ દરમ્યાન તેમના પર મિશનરીઝનો દબાવ વધતો ગયો. તેઓ ખ્રિસ્તી ધર્મ પ્રત્યે ખેંચાતા ગયા. જિસસ ક્રાઇસ્ટ પ્રત્યે તેમનો વધતો અહોભાવ તેમના ક્રિશ્ચિયાનિટીમાં ધર્માંતર માટે કારણરૂપ બન્યો.

તબીબી અભ્યાસ માટે અમેરિકા પહોંચનાર સૌ પ્રથમ ભારતીય મહિલા આનંદીબાઈ ગોપાલરાવ જોશી પંડિતા રમાબાઈથી ભારે પ્રભાવિત હતા. આનંદીબાઈ જોશી 1883માં અમેરિકા પહોંચ્યા હતા અને વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયામાં અભ્યાસ કરતા હતા.

અમેરિકામાં મહિલાઓને મેડિકલ ક્ષેત્રે પદ્ધતિસરના અભ્યાસક્રમના અંતે એમડીની ડિગ્રી આપી ડૉક્ટર બનાવતી ‘વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા’ (ડબલ્યુએમસીપી) અમેરિકાની સર્વ પ્રથમ વિમેન મેડિકલ કોલેજ હતી. તે કોલેજમાં – તબિયત નાદુરસ્ત રહેવા છતાં – સફળતાથી આનંદીબાઈએ અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમને માર્ચ 1886માં એમડીની ડિગ્રી એનાયત કરવાનું નક્કી થયું. 11 માર્ચ 1886ના દિવસે પદવીદાન સમારંભમાં પંડિતા રમાબાઈ સરસ્વતીની ઉપસ્થિતિમાં ડૉક્ટર આનંદીબાઈ જોશીને એમડીની ડિગ્રી મળી.

અમેરિકામાં વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી) માં અભ્યાસ કરનાર આનંદીબાઈ પ્રથમ ભારતીય મહિલા; એટલું જ નહીં અમેરિકામાં એમડીની ઉચ્ચતમ મેડિકલ ડિગ્રી મેળવી ડૉક્ટર થનાર પણ આનંદીબાઈ ગોપાલરાવ જોશી પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર.

પંડિતા રમાબાઈએ ઉત્તર અમેરિકામાં ભ્રમણ કરીને પ્રવચનો આપી બુદ્ધિજીવી અમેરિકન પ્રજાનાં દિલ જીતી લીધાં. તેમનાં પ્રવચનો અને લેખો ખૂબ પ્રશંસા પામ્યાં.  હિંદુસ્તાનના નારીસમાજના ઉત્કર્ષ માટે આગળ આવવા તેમણે અમેરિકામાં ટહેલ નાખી અને જવાબમાં ‘રમાબાઈ એસોસિયેશન’ ની સ્થાપના થઈ. 1887માં બૉસ્ટનમાં સ્થપાયેલ રમાબાઈ એસોસિયેશનની શાખાઓ અમેરિકામાં વિસ્તરી અને રમાબાઈના ટેકામાં મોટું ફંડ ઊભું થયું. અમેરિકાથી પાછાં ફરતાં જાપાન અને ચીન થઈને રમાબાઈ 1889માં ફેબ્રુઆરીમાં હિંદુસ્તાન આવ્યાં.

પંડિતા રમાબાઈ સરસ્વતી અને મહિલા સશક્તિકરણ

પંડિતા રમાબાઈ સરસ્વતી સંસ્કૃત, મરાઠી, ઇંગ્લિશ, કન્નડ, બાંગ્લા આદિ સાત ભાષાઓના જાણકાર હતા. તેમને શિક્ષણ અને કેળવણીનું મહત્ત્વ સમજાતું હતું. તેમને કન્યાશિક્ષણ અને વિધવા પુનરોદ્ધારની ચિંતા સતાવતી હતી. સ્વદેશમાં તેમણે મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ મોટા પાયે શરૂ કરી. પરંતુ તેમના ધર્મપરિવર્તન અને સુધારાવાદી વિચારોને કારણે સમાજના કેટલાક વર્ગોએ તેમનો સાથ છોડ્યો. રમાબાઈની પૂનાની સંસ્થા શારદા સદનનો બહિષ્કાર થયો.

1894માં રમાબાઈએ દેશમાં ભ્રમણ કરી પોતાના સુધારા વિશે જાગૃતિ ફેલાવી. 1897માં રમાબાઈએ ફરી અમેરિકાનો ટૂંકો પ્રવાસ કર્યો. 1898 માં હિંદુસ્તાનમાં સ્ત્રીઓના ઉદ્ધાર માટે મુક્તિ સદન સંસ્થા સ્થાપી. સમાજના અન્ય વર્ગો માટે મિશનરી તરીકે કાર્ય કરતાં રમાબાઈએ પ્રિત સદન, કૃપા સદન, સદાનંદ સદન આદિ નાનીમોટી સંસ્થાઓ પણ સ્થાપી. રમાબાઈ અને પુત્રી મનોરમાજીએ સેવાકાર્યોમાં શરીર અને જીંદગી ઘસી નાખ્યાં!

1921માં મનોરમાજીનું અવસાન થયું.

એપ્રિલ 5, 1922 ના રોજ પંડિતા રમાબાઈ સરસ્વતીએ દેહ છોડ્યો.

જે જમાનામાં વિધવા નારી ઘરનો ખૂણો છોડી બહાર આવી શકતી ન હતી, તે જમાનામાં પંડિતા રમાબાઈએ દરિયો વળોટીને ઇંગ્લેંડ અને અમેરિકાના પ્રવાસો કર્યા, સમાજના અવરોધોને અવગણી સ્ત્રી ઉદ્ધારના પ્રયત્નો કર્યા અને સ્ત્રી સશક્તિકરણ (વિમેન એમ્પાવરમેન્ટ) નું ઉદાહરણ પૂરૂં પાડ્યું.

ભારતીય સ્ત્રી સમાજના ઇતિહાસમાં મહિલા સશક્તિકરણના પથદર્શક તરીકે પંડિતા  રમાબાઈ સરસ્વતી વિશિષ્ટ સ્થાને બિરાજે છે.

 *** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

અનુપમા: લેખ –  પંડિતા રમાબાઈ સરસ્વતી’ : પરિશિષ્ટ:
  • પંડિતા રમાબાઈ સરસ્વતી: Pandita Ramabai Saraswati (1858-1922)
  • ડૉ આનંદીબાઈ ગોપાલરાવ જોશી: Dr Anandibai Gopalrao Joshi (1865-1886)
  • ફ્રેડરિક મેક્સમૂલર: Friedrich Max Muller (1823 – 1900)
  • ડોરોથિઆ બેલ (ડોરોથિયા બેયલ): Dorothea Beale (1831 – 1906)
  • યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ/ ઓક્સફર્ડ/ ઓક્ષફર્ડ, યુકે: University of Oxford, United Kingdom
  • ‘વિમેન્સ મેડિકલ કોલેજ ઑફ પેન્સિલ્વેનિયા (ડબલ્યુએમસીપી), ફિલાડેલ્ફિયા, યુએસએ: Women’s Medical College of Pennsylvania (WMCP), Philadelphia, USA
  • શેલ્ટનહેમ લેડિઝ કોલેજ / શેલ્ટનહામ લેડીઝ કોલેજ, યુકે: Cheltenham Ladies’ College, UK
  • સેંટ હિલ્ડા’ઝ કોલેજ, યુકે: Hilda’s College, UK
  • મહિલા સશક્તિકરણ: Women Empowerment

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

 

5 thoughts on “પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s