ભારતમાં વેપાર – ઉદ્યોગ ક્ષેત્રે પારસીઓનું યોગદાન
ભારતમાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે પારસીઓનું પ્રદાન અણમોલ લેખાય છે.
પારસીઓ ઇરાનથી આવીને ગુજરાતમાં વસ્યા. આ ગુજરાતી પારસીઓએ ઝોરોસ્ટ્રિયન ધર્મની સુવાસ હિંદુસ્તાનભરમાં ફેલાવી. સુરત (દક્ષિણ ગુજરાત) અને મુંબઈમાં પારસીઓએ વેપાર – ઉદ્યોગના પાયા નાખ્યા. ટાટા, ગોદરેજ, વાડિયા, પીટિટ અને જીજીભોય પરિવારના પારસીઓએ ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપી પારસી સમાજનું નામ વિશ્વમાં ઉજાળ્યું છે.
આજે ‘અનુપમા’ની આ પોસ્ટમાં શિપ બિલ્ડિંગ ઉદ્યોગમાં પારસી સમાજના ઉદ્યોગ-સાહસિકો પર એક નજર નાખીએ. આપણે ઇતિહાસના અભ્યાસ ખાતર પરિવાર કે ઉદ્યોગો સાથે જોડાતા વિવાદો – ચર્ચાને મહત્ત્વ નહીં આપીએ.
હિંદુસ્તાનમાં સુરત બંદરનું મહત્ત્વ
પંદરમી-સોળમી સદીમાં યુરોપથી આવેલ પોર્ટુગિઝ અને ડચ પ્રજા ભારતમાં વેપાર સત્તા જમાવવા પ્રયત્નશીલ હતી. આ સમયે હજી મુંબઈ વિકસ્યું ન હતું. ત્યારે ગુજરાતના પશ્ચિમી દરિયાકિનારે આવેલું સુરત શહેર અરેબિયન સી (અરબી સમુદ્ર) પરનું ધમધમતું પોર્ટ હતું. સત્તરમી સદીના પ્રારંભમાં અંગ્રેજોએ મોગલ બાદશાહ જહાંગીરની પરવાનગીથી ‘બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપની’ના નેજા હેઠળ તાપી નદીના કિનારે વસેલ સુરતમાં પ્રથમ કોઠી (ફેક્ટરી) નાખી. વ્યાપારના હેતુથી શરૂ થયેલ અંગ્રેજ કંપની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કેવી રીતે હિંદુસ્તાનમાં બ્રિટીશ હકૂમતનો પાયો નાખ્યો તે ‘અનુપમા’ના સુજ્ઞ વાચકો જાણે છે.
લવજી નસરવાનજી વાડિયા : સુરત અને મુંબઈમાં શિપ બિલ્ડિંગના મહારથી
યુરોપ સાથે વ્યાપાર માટે મહત્ત્વનું બંદર હોવાથી સુરતમાં જહાજીવાડા- શિપ બિલ્ડિંગનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો.
અઢારમી સદીમાં સુરતના પારસી યુવાન લવજી નસરવાનજી વાડિયા (1702 ? – 1774) એ જહાજ બાંધવામાં એવું કૌશલ્ય કેળવ્યું કે સુરતના જહાજીવાડામાં બનેલાં વહાણો – જહાજો વિશ્વભરમાં નામના પામવા લાગ્યાં. સુરતમાં શિપ બિલ્ડિંગ ઉદ્યોગને પ્રતિષ્ઠા આપનાર લવજી વાડિયાએ અંગ્રેજોને પ્રભાવિત કર્યા.
મુંબઈમાં નવા ડૉક – મુંબઈ ગોદી અને બારાને વિકસાવવા માટે ઇસ્ટ ઇંડિયા કંપનીએ કામ શરૂ કર્યું, ત્યારે અંગ્રેજોએ લવજી વાડિયાની મદદ લીધી.
1750માં લવજી વાડિયા તથા તેમના ભાઈ સોરાબજી વાડિયાએ બોમ્બે ડૉક યાર્ડને કાર્યવંત કર્યો.
એશિયાનું પ્રથમ ડ્રાય-ડૉક મુંબઈનું બોમ્બે ડ્રાય ડૉક બાંધનાર લવજી નસરવાનજી વાડિયાનું નામ ભારતના શિપિંગ ઉદ્યોગના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે. મુંબઈમાં શિપ બિલ્ડિંગ ઉદ્યોગ અને શિપિંગ ઇંડસ્ટ્રીના પાયામાં લવજી વાડિયા છે.
બોમ્બે પોર્ટની સફળતા અને મુંબઈ શહેરના વિકાસ પાછળ લવજી નસરવાનજી વાડિયાનું અણમોલ યોગદાન છુપાયેલું છે.
મુંબઈમાં લવજી વાડિયા પરિવારના વંશજો
આગળ જતાં લવજી વાડિયાના પરિવારના વંશજોએ મુંબઈમાં વાડિયા પરિવારનું નામ ઉજાળ્યું. ‘અનુપમા’ના વાચકોને વીતેલા જમાનાની, બોલિવુડની સ્ટંટબાજ એક્ટ્રેસ ‘નાદિયા ધ ફિયરલેસ’ યાદ હશે. વાડિયા મુવિટોનના જમશેદ વાડિયા અને હોમી વાડિયાએ ફિયરલેસ નાદિયા (હંટરવાલી) ને મુંબઈના ફિલ્મ જગતમાં રજૂ કરી. નવરોઝજી નસરવાનજી વાડિયા (નવરોજી વાડિયા 1849 – 1899) એ ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને 1879માં બોમ્બે ડાઇંગની સ્થાપના કરી. વાડિયા ગ્રુપની બોમ્બે ડાઇંગ મિલ ટેક્સ્ટાઇલ ઇંડસ્ટ્રીમાં એક અગ્રણી ટેક્સ્ટાઇલ મિલ ગણાય છે.
લવજી વાડિયાના મુંબઈ સ્થળાંતર પછી સુરતમાં રહેલ અન્ય વાડિયા કુટુંબીજનોએ શિપ બિલ્ડિંગ વ્યવસાયને દાયકાઓ સુધી આગળ ધપાવ્યો. લવજી વાડિયાના સંતાનોએ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સંપત્તિ અને નામ બંને મેળવ્યાં.
લવજી નસરવાનજી વાડિયાની કંપનીનાં વિશ્વપ્રસિદ્ધ જહાજો
વાડિયાની શિપ બિલ્ડિંગ કંપનીએ 350 થી 400 મોટા જહાજ બાંધ્યા હોવાનો ઉલ્લેખ છે. વાડિયાનાં જહાજોનાં નામ અમેરિકા, ઇંગ્લેન્ડ તથા યુરોપના કેટલાક દેશોના ઇતિહાસ સાથે સંકળાયેલ છે.
વાડિયાનાં જહાજોમાં બ્રિટીશ રોયલ નેવી માટે વાડિયાએ બાંધેલ યુદ્ધ જહાજો પણ સમાવિષ્ટ છે. બ્રિટીશ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે અંગ્રેજ નૌકાદળ માટેનું યુદ્ધ જહાજ ઇંગ્લેન્ડની બહાર બાંધવામાં આવ્યું હોય!
- વાડિયા પરિવાર દ્વારા બ્રિટીશ નેવી માટે બોમ્બે ડૉકયાર્ડમાં 1817માં બંધાયેલ ફ્રિગેટ જહાજ “એચએમએસ ત્રિંકોમાલી” વિશ્વના એક સૌથી પ્રાચીન જહાજ તરીકે દાયકાઓ સુધી વપરાશમાં રહ્યું. “એચએમએસ ત્રિંકોમાલી” છેક હમણાં સુધી, એકવીસમી સદીના પ્રારંભ સુધી ઉપયોગમાં લેવાયું તે વાડિયાની મોટી સિદ્ધિ ગણાય. વાડિયાનું બસો વર્ષ જૂનું “એચએમએસ ત્રિન્કોમાલી” જહાજ નોર્થ યુકેના પૂર્વ કિનારે, નોર્થ સી પર વસેલ પોર્ટ હાર્ટલપુલના મ્યુઝિયમમાં મુકાયેલ છે.
- વાડિયાએ ઇંગ્લેંડના નૌકાદળ માટે બાંધેલ એક જહાજ ‘એચએમએસ મિન્ડેન’ પર અમેરિકાનું રાષ્ટ્રગીત ‘સ્ટાર-સ્પેન્ગલ્ડ બેનર’ લખાયું હોવાની વાયકા છે. અમેરિકન નેશનલ એન્થમ ‘સ્ટાર સ્પેન્ગલ્ડ બેનર’ અમેરિકાના લૉયર – લેખક ફ્રાન્સિસ સ્કોટ કીની એક કવિતા પરથી રચાયું છે. કહેવાય છે કે ફ્રાન્સિસ સ્કોટ કીએ આ કાવ્યની રચના વાડિયાના જહાજ ‘મિન્ડેન’ પર કરી હતી. આ બ્રિટીશ યુદ્ધજહાજ ‘એચએમએસ મિન્ડેન’ વાડિયાએ 1810માં બાંધેલ અને તે લગભગ 140 વર્ષ સુધી સેવારત રહેલ.
- મુંબઈના બોમ્બે ડૉકયાર્ડ પર ઇંગ્લેન્ડના રોયલ નેવી માટે વાડિયાએ બાંધેલ યુદ્ધ જહાજ ‘એચએમએસ કોર્નવોલિસ’ વિશ્વના ઇતિહાસમાં અમર છે. ‘એચએમએસ કોર્નવોલિસ’ 74 ગન ધરાવતું બ્રિટીશ નેવીનું યુદ્ધજહાજ હતું કે જે યુનાઇટેડ કિંગ્ડમ – ચીન વચ્ચેની પ્રખ્યાત નાનકિંગ સંધિ (નાનકિંગ ટ્રીટી / નાનજિંગ ટ્રીટી) નું સાક્ષી બન્યું. 1839-1842 દરમ્યાન ઇંગ્લેન્ડ – ચીન વચ્ચે પ્રથમ ઓપિયમ વોર થઈ. તેમાં ઇંગ્લેન્ડનો હાથ ઉપર રહ્યો અને ચીનને ટ્રીટી ઓફ નાનકિંગ (નાનજિંગ સંધિ / સુલેહ) કરવી પડી. ઓપિયમ વોર પછી યુકે – ચીન વચ્ચેની આ નાનકિંગ ટ્રીટી વાડિયાના ‘એચએમએસ કોર્નવોલિસ’ યુદ્ધજહાજ પર કરવામાં આવેલી. 1842માં થયેલ ઇંગ્લેંડ – ચીન વચ્ચે નાનકિંગ ટ્રીટી (નાનજિંગ ટ્રીટી) ના કારણે મજબૂરીમાં ચીને હોંગકોંગ શહેર બ્રિટનને સોંપવું પડ્યું.
11 thoughts on “ભારતમાં વ્યાપાર – ઉદ્યોગના પ્રણેતા ગુજરાતી પારસીઓ: વાડિયા પરિવાર અને શિપિંગ ઉદ્યોગ”