ગુજરાત · વિસરાતી વાતો

મુંબઈના અગ્રણી દાનવીર પારસી વેપારી જમશેદજી જીજીભાઈ

 

સર જમશેદજી જીજીભાઇ (સર જમશેત્જી જીજીભોય / જમશેતજી જીજીભોય) નું નામ મુંબઈના પરોપકારી, દાનેશ્વરી, પારસી વેપારીઓમાં પ્રથમ હરોળમાં આવે. ઓગણીસમી સદીના ઉદયકાળે જમશેદજી જીજીભાઈએ  પોતાનાં વહાણો ખરીદી ઠેઠ ચીન સુધી વ્યાપાર વિકસાવ્યો અને મુંબઈના પહેલા લખપતિઓમાં સ્થાન મેળવ્યું તે એક ગુજરાતીની મોટી સિદ્ધિ કહેવાય. જમશેદજી જીજીભાઈએ ઉદાર સખાવતો કરી મુંબઈ શહેરમાં સમાજકલ્યાણનાં કાર્યો કર્યાં, માતબર દાનથી મુંબઈ તેમજ અન્યત્ર સંસ્થાઓ શરૂ કરી જેમાં જે. જે. હોસ્પિટલ તથા જે.જે. સ્કૂલ ઓફ આર્ટ મોખરે આવે. તેમનાં પગલે ચાલી તેમનાં પરિવાર – વંશજોએ સમાજસેવાની પ્રવૃત્તિઓ કરતાં રહીને ગુજરાત અને ગુજરાતીઓનું નામ રોશન કર્યું છે.

પારસીઓનું ઇરાનથી હિંદુસ્તાનમાં આગમન

જમશેદજીનો જન્મ ગુજરાતી પારસી કુટુંબમાં 1783માં નવસારી (દક્ષિણ ગુજરાત) માં થયો. “અનુપમા’ના મારા વાચકમિત્રો જાણતા હશે કે પારસીઓ (ઝોરોસ્ટ્રિયન) નું મૂળ વતન ઇરાન. આજથી આશરે તેરસો વર્ષ પહેલાં, ઇરાનથી અરબી સમુદ્રના રસ્તે હિંદુસ્તાન આવેલા પારસીઓ સૌ પ્રથમ ગુજરાતના દરિયાતટે ઉતર્યા. પારસીઓનું આગમન ઇસવીસનની આઠમી સદીમાં દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે સંજાણ (ઉમરગામ) બંદરે થયું. અરબી સમુદ્ર પર આવેલું સંજાણ (ઉમરગામ) સુરતથી આશરે 150 કિમી દક્ષિણે આવેલ છે. (પારસીઓ દીવ થઈને પછી સંજાણ આવ્યા હોવાની વાત પણ છે). પારસી પરિવારો પ્રથમ દક્ષિણ ગુજરાતમાં અને પછી મુંબઈમાં ફેલાયા. આમ જોતાં જમશેદજીના પૂર્વજ ગુજરાતના ગણાય.

** આપ આ લેખ સુપ્રસિદ્ધ ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો **

જમશેદજીની વ્યાવસાયિક સફળતા

જમશેત્જી જીજીભોયનાં બાળપણનાં કેટલાંક વર્ષો નવસારીમાં વીત્યાં. યુવાન વયે પહોંચતાં સુધીમાં જમશેદજીએ માતા-પિતા ગુમાવી દીધાં. 1799માં સોળ વર્ષના જમશેદજી તેમના મામા ફ્રામજી નસરવાનજી બાટલીવાલા પાસે મુંબઈ આવ્યા અને તેમના ખાલી બાટલીની લે-વેચના ધંધામાં જોડાયા. એકાઉન્ટન્ટથી મેનેજર સુધીની જવાબદારી શીખતાં શીખતાં જમશેદજીએ ચીન સાથે વ્યાપારમાં ઝુકાવ્યું. ‘અનુપમા’ના વાચકોને નવાઈ સાથે કદાચ આઘાત પણ લાગશે કે અંગ્રેજોના ઉત્તેજનથી તે સમયે હિંદુસ્તાનમાં મોટા પાયે અફીણ (ઓપિયમ) ઉગાડાતું અને તે ભારે પ્રમાણમાં ચીનમાં ઠલવાતું.  અંગ્રેજોની નીતિનો લાભ લઈ ઘણા ભારતીય વેપારીઓ ઓપિયમ વેપારમાં ખૂબ કમાયા. સાથે તેમને રેશમ (સિલ્ક) અને કોટન જેવી અન્ય આયાત-નિકાસની ચીજોના વેપારનો લાભ મળતાં આ વેપારીઓ લખપતિ બન્યા. જમશેદજી તેમાંના એક.

** આપ આ લેખ સુપ્રસિદ્ધ ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો **

જમશેદજી જીજીભાઈનાં વહાણો પૂર્વમાં ચીન સુધી અને પશ્ચિમમાં ઇજિપ્ત સુધી ખેપ કરવા લાગ્યા. ચાઇનિઝ, અંગ્રેજ અને અમેરિકન વેપારી પેઢીઓ સુધી તેમના સંપર્કો બન્યા. કેટલીક વાર ભારે નુકસાન વેઠીને અને જીવને જોખમમાં મૂકીને પણ તેમણે ધંધાનો વિસ્તાર અને વિકાસ ચાલુ રાખ્યો.

દાનવીર જમશેદજી જીજીભાઈની ઉદાર સખાવતો

લાખો રૂપિયા કમાઈને જમશેદજીએ સમાજસેવામાં ઉદાર સખાવતો શરૂ કરી. આજથી 150 થી વધુ વર્ષો પહેલાં  મુંબઈમાં જમશેદજીએ બોમ્બે સેંટ્રલ સ્ટેશન નજીક વૃદ્ધ પારસીઓ તથા સર્વ ગરીબો માટે ધર્મશાળા ઊભી કરી. બેલાસિસ રોડ (ભાયખલા) પરની આ સર જે જે ધર્મશાળા નિવાસ, ભોજન, વસ્ત્રો અને દવાઓ પણ મફતમાં આપતી દેશની પ્રથમ સંસ્થા હતી.

વર્ષ 1845માં મુંબઈમાં પ્રથમ મેડિકલ કોલેજ ગ્રાંટ મેડિકલ કોલેજ શરૂ કરવામાં જમશેદજીએ રસ લીધો. ગ્રાંટ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલ ઊભી કરવા રૂપિયા બે લાખનું દાન આપ્યું. આમ, મુંબઈની સર જે જે હોસ્પિટલ શરૂ થઈ જે ગ્રાન્ટ મેડિકલ કોલેજ સાથે સંકળાયેલ છે.

જમશેદજીના રૂપિયા એક લાખના દાનથી ફાઇન આર્ટસના વિકાસ માટે વર્ષ 1857માં મુંબઈમાં સર જમશેદજી જીજીભાઈ સ્કૂલ ઑફ આર્ટ શરૂ કરવામાં આવી. એક સમયે જે જે સ્કૂલ ઑફ આર્ટના પ્રિન્સિપાલ/ ડીન તરીકે વિખ્યાત અંગ્રેજ લેખક રૂડ્યાર્ડ કિપ્લિંગ (જંગલ બુકના લેખક) ના પિતા હતા. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન સર જે જે સ્કૂલ ઓફ આર્ટ આજે તો જે જે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને જે જે સ્કૂલ ઓફ એપ્લાઇડ આર્ટ જેવી સાથી-સંસ્થાઓના કારણે મોટા વટવૃક્ષ સમાન બની ચૂકી છે. આ ઉપરાંત ચર્ની રોડ પાસે ગૌચરની જમીન ખરીદવામાં તથા બાંદ્રા – માહિમ વચ્ચે માહિમની ખાડી પર માહિમ કૉઝવે બાંધવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. મુંબઈ, પૂના, નવસારી, સુરત આદિ શહેરોમાં સર જમશેદજી જીજીભાઇએ દાન આપી કૂવા, ટાંકી, શાળાઓ, હોસ્પિટલ અને આશ્રયસ્થાનો બનાવ્યાં.

** આપ આ લેખ સુપ્રસિદ્ધ ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો **

જમશેદજી જીજીભાઈની અપ્રતિમ સામાજીક પ્રતિષ્ઠા

અંગ્રેજ સરકારે જમશેદજીના આર્થિક, વ્યાવસાયિક અને સામાજીક યોગદાનની કદર પણ ખૂબ કરી હતી. 1840ના અરસામાં ઇસ્ટ ઇંડિયા કંપનીએ મુંબઈની પહેલી (હિંદુસ્તાનની બીજી) બેંક  ‘બેંક ઓફ બોમ્બે’ની શરૂઆત કરી. આ બોમ્બે બેંકમાં એક માત્ર ભારતીય ડાયરેક્ટર જમશેદજી જીજીભાઈ હતા. ‘અનુપમા’ના વાચકો જાણે છે કે હિંદુસ્તાનમાં પ્રથમ રેલવે સેવા મુંબઈમાં 1853માં શરૂ થઈ. આ માટે અંગ્રેજોએ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે કંપની (જીઆઇપીઆર) ની સ્થાપના કરેલી. તેમાંના બે ભારતીય ડાયરેકરોમાં એક જમશેદજી હતા (જીઆઇપીઆરના બીજા ભારતીય ડાયરેક્ટર જગન્નાથ શંકર શેઠ હતા).

ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલ્વેની ટ્રેઇન સેવા જાહેર જનતા માટે 1853ના એપ્રિલમાં મુંબઈના બોરીબંદર (પાછળથી વિક્ટોરિયા ટર્મિનસ, હાલ સીએસટી) અને થાણે વચ્ચે શરૂ થઈ. 1853ના એપ્રિલની 16મી તારીખે બપોરે જીઆઇપીઆરની પ્રથમ ટ્રેન મુંબઈના બોરીબંદર (પાછળથી વિક્ટોરિયા ટર્મિનસ, હાલ સીએસટી) થી થાણે જવા ઉપડી ત્યારે તેમાંના એક ‘વીઆઇપી’ પેસેંજર જમશેદજી જીજીભાઈ હતા. બ્રિટીશ સરકારે જમશેદજીને 1842માં ‘નાઇટહૂડ’થી સન્માન્યા હતા. 1858માં ઇંગ્લેન્ડના મહારાણી ક્વિન વિક્ટોરિયાએ જમશેદજી જીજીભાઇને ‘બેરોનેટ’નો ખિતાબ આપ્યો. બ્રિટીશ સરકાર દ્વારા ‘બેરોનેટ’નો વંશપરંપરાગત ખિતાબ મેળવનાર જમશેદજી પ્રથમ હિંદુસ્તાની હતા (બેરોનેટનો ખિતાબ મેળવનાર પ્રથમ હિંદુ ભારતીય અમદાવાદના સર ચીનુભાઈ માધવલાલ બેરોનેટ હતા).

જમશેદજીએ યુવાન વયે પોતાના મામા ફ્રામજી નસરવાનજી બાટલીવાલાની સુપુત્રી આવાબાઈ સાથે લગ્ન કર્યાં હતાં. 1859 માં સર જમશેદજી જીજીભાઈ (જમશેત્જી જીજીભોય) નું અવસાન થયું. તે પછી પણ તેમના પરિવારે સમાજસેવાનાં કાર્યો ચાલુ રાખ્યાં. આજે પણ તેમનાં વંશજો જમશેદજીના માર્ગે ચાલવા પ્રયત્નશીલ છે.

વિશેષ નોંધ: સર જમશેત્જી જીજીભોય (સર જમશેદજી જીજીભાઈ) ના જન્મસ્થાન અંગે સહમતિ નથી. જુદા જુદા રેકર્ડ્સમાં તેમના જન્મસ્થાનને નવસારી અથવા મુંબઈ તરીકે દર્શાવાય છે. તાજેતરની માહિતી મુજબ તેમનું જન્મસ્થાન મુંબઈ (બૉમ્બે) મનાય છે.

* * * * * * * * *

‘અનુપમા’ લેખ: મુંબઈના અગ્રણી દાનવીર પારસી વેપારી જમશેદજી જીજીભાઈ:

સર જમશેદજી જીજીભાઇ / સર જમશેતજી જીજીભોય/જમશેત્જી જીજીભોય: Sir Jamsetjee Jejeebhoy 1st Baronet of Bombay (1783 – 1859)

ગ્રાંટ મેડિકલ કોલેજ: Grant Medical College, Mumbai (earlier known as Bombay)

સર જે જે હોસ્પિટલ: Sir J J Hospital, Mumbai

સર જમશેદજી જીજીભાઇ સ્કૂલ ઑફ આર્ટ/ જે જે સ્કૂલ ઓફ આર્ટ: Sir J J School of Art (Mumbai University, Mumbai)

ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલ્વે (જીઆઇપીઆર): Great Indian Peninsula Railway (GIPR)

બોરીબંદર (વિક્ટોરિયા ટર્મિનસ/ છત્રપતિ શિવાજી ટર્મિનસ / સીએસટી): Bori Bunder / Victoria Terminus / Chhatrapati Shivaji Terminus / CST)

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * *

10 thoughts on “મુંબઈના અગ્રણી દાનવીર પારસી વેપારી જમશેદજી જીજીભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s