.
ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કરનાર અમદાવાદના કિશોર હર્ષવર્ધન ઝાલાનો પરિચય આપ ‘અનુપમા’ પર મેળવી ચૂક્યા છો.
હર્ષવર્ધન ઝાલાએ માત્ર ચૌદ વર્ષની ઉંમરે ગુજરાત સરકારના ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ – 2017માં ગુજરાત સરકાર સાથે પાંચ કરોડના ‘એમઓયુ’ કર્યા તે તો આપ જાણો છો. હર્ષવર્ધન ઝાલાએ સ્વયં બનાવેલ લેન્ડ માઇન્સ ડિટેક્શન ડ્રોન પ્રત્યે વિશ્વના અગ્રણીઓનું ધ્યાન ખેંચાયું છે.
અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા “પીસજામ” સંસ્થાએ પોતાના ‘બિલ્યન એક્ટ્સ’ કાર્યક્રમ અંતર્ગત અપાતા ‘હીરો એવૉર્ડ’થી આપણા ગુજરાતી કિશોર હર્ષવર્ધન ઝાલાને નવાજ્યા છે. અમદાવાદની શાળાના વિદ્યાર્થી હર્ષવર્ધને જમીનમાં દબાયેલ સુરંગ – લેંડ માઇન્સ- ને શોધી કાઢે તેવો લેન્ડ માઇન્સ ડિટેક્શન ડ્રોન બનાવ્યો છે. આ ડ્રોન જમીનથી અદ્ધર ઊડતા રહીને ભૂગર્ભમાં છુપાયેલ સુરંગ – લેંડ માઇન્સ- ને શોધીને નિષ્ક્રીય પણ કરી શકે છે.
આ સાથે પોતાની બુદ્ધિપ્રતિભાને ઔદ્યોગિક સાહસમાં પલટવા હર્ષવર્ધન ઝાલાએ અમદાવાદમાં પોતાની કંપની ‘એરોબોટિક્સ 7’ સ્થાપી છે. હર્ષવર્ધનને પ્રકાશમાં લાવવામાં ‘મોટવાણી જાડેજા ફેમિલી ફાઉંડેશન’ તથા સુશ્રી આશાબહેન જાડેજાના ‘મેકર ફેસ્ટ’નું યોગદાન અમૂલ્ય લેખાય.
યુવાન ઉદ્યોગપતિ હર્ષવર્ધન ઝાલાની નવસ્થાપિત કંપની ‘એરોબોટિક્સ 7’ અમેરિકાના સુપ્રસિદ્ધ ઑર્ગેનાઇઝેશન પીસજામ દ્વારા હીરો એવોર્ડ વિજેતા બની છે. ‘બેસ્ટ યુથ એક્ટ’ કેટેગરીમાં 2017ના વર્ષનો હીરો એવોર્ડ ‘એરોબોટિક્સ 7’ અને એક જર્મન સંસ્થાને સંયુક્તપણે આપવામાં આવ્યો છે.
‘ગુગલ’ના સહયોગથી ચાલતી અમેરિકન સંસ્થા “પીસજામ”ના કો-ફાઉન્ડર ડૉન એંગલ છે. અમેરિકામાં કોલોરાડો ખાતે સ્થિત પીસજામ સાથે દલાઇ લામા અને કૈલાશ સત્યાર્થી સમેત ચૌદ નૉબેલ પ્રાઇઝ વિજેતાઓ જોડાયેલા છે. વિશ્વશાંતિ અને માનવજાતની સમસ્યાઓના ઉકેલ માટે કાર્યરત “પીસજામ” સંસ્થાને ‘ગુગલ’નો સહયોગ છે.
પીસજામનો એક મહત્વનો કાર્યક્રમ ‘વન બિલ્યન એક્ટ્સ ઑફ પીસ’ અથવા ‘બિલિયન એક્ટ્સ’ ઝુંબેશ છે. ‘વન બિલ્યન એક્ટ્સ ઑફ પીસ’ કેમ્પેઇન અંતર્ગત પીસ જામ સંસ્થાએ વિશ્વશાંતિ પ્રેરવા શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ આદિ ક્ષેત્રોમાં સો કરોડ સત્કાર્યો કરવા વિશ્વ સમાજને આહ્વાન આપેલ છે.
પીસજામ / ‘વન બિલ્યન એક્ટ્સ ઑફ પીસ’ વિશ્વશ્રેષ્ઠ નોબેલ પ્રાઇઝ માટે નવ વખત નામાંકિત (નોમિનેટેડ) થઈ ચૂકેલ છે.
‘વન બિલ્યન એક્ટ્સ ઑફ પીસ’ એક વિશિષ્ટ કાર્યક્રમ છે. વિશ્વમાં અનેક દેશોમાં શાંતિ અને માનવકલ્યાણનાં કાર્યો અર્થે પ્રેરણા આપતા ‘બિલ્યન એક્ટ્સ’ કેમ્પેઇન અંતર્ગત, વૈશ્વિક સ્તરે પ્રતિ વર્ષ હીરો એવૉર્ડ આપવામાં આવે છે. આપણા ભારતીય કિશોર હર્ષવર્ધન ઝાલાએ અમદાવાદમાં સ્થાપેલ કંપની ‘એરોબોટિક્સ7’ વર્ષ 2017 માટે હીરો એવૉર્ડ વિજેતા બની છે. હર્ષવર્ધન ઝાલા હીરો એવૉર્ડ જીતનાર સર્વ પ્રથમ ભારતીય છે, તે અમદાવાદ અને ગુજરાત માટે ગર્વની વાત છે.
હર્ષવર્ધનની આ સિદ્ધિ ભારતભરના અને વિશેષ તો ગુજરાતના વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે પ્રેરણારૂપ છે.
કિશોર હર્ષવર્ધન ઝાલાને અભિનંદન! દોસ્ત હર્ષવર્ધન! તેં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે!
ગુજરાતભરની શાળા – કોલેજોના શિક્ષકો- પ્રાધ્યાપકો-સંચાલકોને હું અપીલ કરું છું કે તેઓ તેમના વિદ્યાર્થીઓને આવા સમાચાર થકી પ્રેરણા અને પ્રોત્સાહન આપે!
ગુજરાત સરકાર એક કદમ આગળ વધીને હર્ષવર્ધન ઝાલાનું જાહેર સન્માન કરીને તેમની સિદ્ધિને બિરદાવી શકે તો કેવું સારું!
સરસ માહિતીપૂર્ણ લેખ. ઘણું નવું જાણવાનું મળ્યું. અભિનંદન.
આભાર, વિનોદભાઈ! આપ જેવા સ્નેહી વાચકોના પ્રતિભાવ લેખન માટે પ્રેરતા રહે છે.