વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

.

ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે.

ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા.

વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય. અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર ચઢાઈ કરી. ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેર તેણે તાબે કર્યું. સિદ્ધપુરનો એક મોવડી હેમાળા પટેલ અને તેને એક સૌંદર્યવતી  યુવાન દીકરી ગંગા.

ખીલજીના સરદારની કુદ્રષ્ટિ ગંગા પર પડી અને હેમાળા પટેલને માથે આભ તૂટી પડ્યું. ત્યારે પટેલનો જિગરજાન બ્રાહ્મણ મિત્ર અસાઈત ઠાકર તેની વહારે ધાયો. કથાકાર તરીકે અસાઈત ઠાકરની નામના હતી. તેમણે સરદારના કાને વાત મૂકી કે ગંગા મારી પુત્રી છે. “અનુપમા”ના વાચકમિત્રો! આપ કલ્પી શકશો આભડછેટનો તે જમાનો? બ્રાહ્મણ કદી પટેલ સાથે એક પંગતે ન જમે! સરદાર કહે કે જો ગંગા તેની પુત્રી હોય તો અસાઈત તેની સાથે એક ભાણે જમે. એક યુવતીના શિયળને ભ્રષ્ટ થતું બચાવવા અસાઈતે ગંગા સાથે ભોજન કર્યું.

ગંગા તો બચી ગઈ, પરંતુ  ઠાકરની જ્ઞાતિએ અસાઈત ઠાકરને વટલાયેલો ગણી ન્યાત બહાર કર્યો.

અસાઈત ઠાકરને સિદ્ધપુર છોડવું પડ્યું. અસાઈત ઠાકર કુટુંબ સાથે ઊંઝા આવ્યા. હેમાળા પટેલ અને સમસ્ત કડવા પાટીદાર સમાજે અસાઈતનું ઋણ ચૂકવવા તેમના ભરણપોષણની વ્યવસ્થા કરી આપી. કહે છે કે ઊંઝાના પટેલોની કડવા પાટીદાર જ્ઞાતિએ અસાઈત ઠાકરને તથા વારસોને વંશપરંપરાગત આવક મળે તેવા હક્કો લખી આપ્યા.

અસાઈત ઠાકરને સાહિત્ય અને સંગીતનો છંદ. સુંદર સંગીતકથા કરી જાણે. તેમણે લોકભોગ્ય ભાષામાં લાંબા–ટૂંકા ‘વેશ’ લખવા શરૂ કર્યા. પોતાના જ લખેલા અને લોકરુચિને અનુરૂપ સંગીતબદ્ધ કરેલા વેશને અસાઈત ઠાકર અને તેમના પુત્રોએ સમાજને અર્પણ કર્યા.

લોકજીવનને વણી લેતા અને લોકમાનસને સ્પર્શી જતા અસાઈત ઠાકરના આ સંગીતપ્રધાન વેશ “ભવાઈ”ના નામે જાણીતા થયા.

સમય વીતતાં ભવાઈ લોકપ્રિય થતી ગઈ અને ભવાઈએ ગુજરાતમાં નાટ્યકળાના વિકાસના નવા દરવાજા ખોલ્યા. ગુજરાતની રંગભૂમિની એ કમનસીબી કે સમાજમાં આવતાં પરિવર્તનને ન પારખી શકતાં ભવાઈ શિક્ષિત કે ‘સુધરેલ’ વર્ગનો ટેકો ગુમાવતી ગઈ અને ક્યારેક તો હલકું મનોરંજન પીરસનાર સામાન્ય સાધન બની રહી ગઈ.

ગુજરાતી રંગમંચના ઇતિહાસમાં ગુજરાતી ભાષાના તળપદા, લોકભોગ્ય  નાટ્યપ્રયોગ તરીકે ભવાઈનું મહત્વ અનોખું છે. 

2 thoughts on “ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

Leave a comment