Archive for October, 2007

અમેરિકન સૈનિકોના માથે ખાદીની ગાંધી-ટોપી

.

અમેરિકન સૈનિકોના માથે ખાદીની ગાંધી-ટોપી!!

1942. આઠમી ઑગસ્ટ.

ગાંધીજીમુંબઈમાં અંગ્રેજો સામે હિંદ છોડો (Quit India) લડતની જાહેરાત કરી.

મહાત્મા ગાંધી સહિત દેશભરના અનેક દેશભક્તોને અંગ્રેજ સરકારે જેલમાં કેદ કર્યા. ગાંધીજીને પૂનાની યરવડા જેલમાં રાખ્યા હતા.

 બ્રિટીશ સરકારના દમનના વિરોધમાં કરાંચી (હાલ પાકિસ્તાનમાં) માં એક સરઘસ નીકળ્યું.

તે સમયે બીજું વિશ્વયુદ્ધ (દ્વિતીય વિશ્વયુદ્ધ Second World war) ચાલુ હોવાથી અમેરિકાનું લશ્કરી દળ કરાંચીમાં હતું.

સરઘસમાં શામિલ આબાલ વૃદ્ધોની દેશભક્તિને જોઈ અમેરિકાની લશ્કરી ટુકડી તાજ્જુબ થઈ ગઈ. સરઘસના સ્વયંસેવકોએ અમેરિકન સૈનિકોને ખાદીની સફેદ ગાંધી ટોપીઓ ઓફર કરી.

જુસ્સામાં આવી ગયેલા અમેરિકન સનિકોએ માથે ખાદીની ગાંધી ટોપીઓ હોંશે હોંશે પહેરી!

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તે ગુમનામ અમેરિકન સૈનિકોનું અનોખું યોગદાન આજે વિસરાઈ ગયું છે.

આ વિરલ ઘટના નેશનલ આર્કિવ્ઝ ઓફ ઈન્ડિયા (National Archives  of India)ના કાગળોમાં ક્યાં દબાઈ ગઈ હશે? 

. 

October 24, 2007 at 2:45 pm 1 comment

ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈના વિકાસના પ્રણેતા

.

ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈના વિકાસના પ્રણેતા 

 

 મુંબઈ શહેર આજે ભારતની આર્થિક-વાણિજ્ય-વ્યાપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. મુંબઈ પ્રથમ કક્ષાના બંદર તરીકેની નામના ધરાવે છે.

મુંબઈની આ સિદ્ધિરુપ ખ્યાતિ પાછળ ગુજરાતના સુરત શહેરના એક પારસી કુટુંબનું ગણના પાત્ર યોગદાન છે, તે વાતથી આપણે ગુજરાતી હોવા છતાં લગભગ અજાણ છીએ. આવો, જાણીએ આ વિસરાતી વાતને.

મુંબઈનું બારું કે મુંબઈના જહાજ ઉદ્યોગથી લઈ ઈંગ્લેંડની યશકલગીરૂપ બ્રિટીશ નેવી તથા ઈંગ્લિશ એડમિરલ નેલ્સનના ટ્રાફાલ્ગર યુદ્ધની વાત કરવી હોય તો તમારે એક નામથી શરૂઆત કરવી પડે લવજી નસરવાનજી વાડિયા.

તે સમય હતો સત્તરમી સદીના ઉત્તરાર્ધનો.

સુરતમાં ધીકતો જહાજવાડો. શેઠ ધનજીભાઈનો જહાજનો કારોબાર મોટો. તેમને ત્યાં લવજીભાઈ વાડિયા કારીગર. પોતાના કામમાં ખાં. અંગ્રેજોની આંખમાં વસી ગયા. ઈતિહાસ સાખ પૂરે છે કે અંગ્રેજો માટે નૌકાસૈન્ય હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે. બાહોશ અગ્રેજ અધિકારી સુરતી કારીગર લવજીને મુંબઈ લઈ ગયા.

1735ની એ સાલ.

બીજા વર્ષે તો લવજી વાડિયાની દેખરેખમાં મુંબઈમાં બારાં બનાવવાની શરૂઆત થઈ. વીસેક વર્ષે મુંબઈનો સૂકો ધક્કો તૈયાર થયો. લવજીએ જહાજો બાંધવા શરૂ કર્યાં.

ઈસ્ટ ઈંડિયા કંપનીએ લવજી વાડિયાના કૌશલ્યની કદર કરી તેમને માસ્ટર બિલ્ડર તરીકેનું સન્માન આપ્યું.

જહાજ ઉદ્યોગ અને બંદરનો વિકાસ પરસ્પર પૂરક બની રહેતાં  મુંબઈ શહેર દુનિયાના નકશા પર ઝળકી ઊઠ્યું. મુંબઈમાં વાડિયા કુટુંબની પેઢી દર પેઢીએ જહાજવાડાની કળા જાળવી. તેમના વંશવારસોએ ઈંગ્લેંડના રોયલ નેવી માટે ખડતલ યુદ્ધજહાજો બાંધી નામના મેળવી.

1775-80 દરમ્યાન માણેકજી વાડિયાની નિગરાનીમાં બ્રિટીશ રોયલ નેવી માટે એક ખાસ જહાજ બાંધવામાં આવ્યું. ઈંગ્લિશ એડમિરલ હોરેશિઓ નેલ્સનનું તે જહાજ. વાડિયા કુટુંબને અપ્રતિમ સિદ્ધિ મળી ટ્રાફાલ્ગર યુદ્ધ વખતે.

1805નું વર્ષ.

ફ્રાંસના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટના સમયમાં ઈંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચે એટલાંટિક મહાસાગરમાં  ભારે દરિયાઈ યુદ્ધ ચાલે.

એક તરફ ઈંગ્લેંડનું  નૌકાસૈન્ય; બીજી તરફ ફ્રાંસ-સ્પેનનું સંયુક્ત તાકાતવર નૌકાસૈન્ય. એક તરફ માણેકજી વાડિયાએ બાંધેલા વિક્ટરી જહાજના કપ્તાન એડમિરલ નેલ્સનનું નેતૃત્વ, બીજી તરફ વિશ્વવિજેતા થવાનાં સ્વપ્નાં જોતા ફ્રાંસના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટનું નેતૃત્વ.

ટ્રાફાલ્ગર યુદ્ધમાં ફ્રાંસના શહેનશાહ નેપોલિયનની હાર થઈ.

 એડમિરલ નેલ્સનના નેતૃત્વમાં ઈંગ્લેંડના રોયલ નેવીને સ્પેનની દક્ષિણે જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર ટ્રાફાલ્ગર પાસેના સમુદ્રી યુદ્ધમાં ભવ્ય વિજય મળ્યો.

પરિણામે વાડિયા કુટુંબને અને મુંબઈના જહાજવાડાને ઘણી પ્રતિષ્ઠા મળી.

અંગ્રેજ શાસન દરમ્યાન મહત્વપૂર્ણ બંદર તરીકે વિકસેલા મુંબઈ શહેરની આગેકૂચ કદી રોકાઈ નથી.

મુંબઈની વિકાસગાથામાં ગુજરાતી લવજી વાડિયા તથા તેમના વંશવારસોનું યોગદાન સુવર્ણ અક્ષરે આલેખાવું જોઈએ.

.

October 4, 2007 at 9:26 am 1 comment


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

Blog Stats

  • 17,397 hits

તાજેતરની પોસ્ટ્સ