Archive for September, 2007

પ્રથમ વિશ્વયુદ્ધ, રતન તાતા અને ડો. જીવરાજ મહેતા .

.
ગુજરાત રાજ્યના   પ્રથમ   મુખ્ય મંત્રી      ડો. જીવરાજ મહેતા.

ડો. જીવરાજ મહેતા પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં જાણીતા ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન તાતાના કુટુંબના અંગત તબીબી સલાહકાર હતા.

1916નું વર્ષ. રતન તાતાને સારવાર માટે લંડન, ઇંગ્લેંડ જવાનું હતું.

રતન તાતા સાથે લેડી તાતા, બીજા ત્રણ-ચાર સદસ્યો અને ડો. જીવરાજ મહેતા ઇંગ્લેંડ જાય તેવું નક્કી થયું.

દરિયાઈ માર્ગે ઈંગ્લેંડ જવું સલામત ન હતું. પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતા સમુદ્રી મુસાફરી જોખમી બનાવતી હતી. ઈંગ્લેંડ જતાં જહાજો પર દુશ્મન જહાજો આક્રમણ કરતા. પણ બીજો રસ્તો ન હતો.

અરબી સમુદ્ર વટાવી તાતાનું બ્રિટીશ જહાજ આગળ વધતું હતું ત્યાં મધદરિયે ટોરપીડોથી હુમલો થયો.  જહાજને ભારે નુકસાન થયું. ક્ષતિગ્રસ્ત જહાજમાં પાણી ભરાતાં બચાવ કાર્યો શરૂ થયાં. લાઈફબોટો ઉતારી પ્રવાસીઓને જહાજ છોડવા વ્યવસ્થા થવા લાગી.

રતન તાતા તથા તેમના ગ્રુપ સાથે ડો. જીવરાજ મહેતા એક આખરી લાઈફબોટમાં બેઠા. જોતજોતામાં જહાજ ડૂબી ગયું.

ઝોલાં ખાતી લાઈફબોટમાં સૌ કલાકો સુધી ભટકતાં રહ્યાં. મધદરિયે ઘૂઘવતાં તોફાની મોજાંઓ અને સૂસવતા પવન વચ્ચે ઝઝૂમવામાં કેવું મક્કમ મનોબળ જોઈએ!

તાતા દંપતિ સાથે ડો. જીવરાજ મહેતા પણ ધીરજ અને હિંમતથી સંજોગોનો સામનો કરતા રહ્યા.

ત્રીસેક કલાકની આકરી કસોટી પછી સૌ માલ્ટા પહોંચ્યા.  ત્યાંથી બીજા જહાજમાં લંડન  ( ઇંગ્લેંડ) પહોંચ્યા.

.

September 13, 2007 at 4:23 am 1 comment

સુરતનું ગૌરવ નૂરા ડોસા (નન્નુભાઈ નૂરમહંમદ ડોસાભાઈ)

.

સુરત શહેરમાં વ્યાપાર ક્ષેત્રે આદરપાત્ર નામ એટલે નૂરા ડોસા ઉર્ફે નન્નુભાઈ નૂરમહંમદ ડોસાભાઈ.

નૂરાભાઈ ડોસાજી સુરતના પ્રતિષ્ઠિત વેપારી. સુરત શહેર તેમને પ્રેમથી, સન્માનથી નૂરા ડોસા તરીકે જ ઓળખે. તેમનો જન્મ ઈસ 1859માં.

બબ્બે વિશ્વયુદ્ધનો પડકારરૂપ કાળ તેમણે જોયો. કપરામાં કપરા સમયમાં પણ આપણા આ ગુજરાતી વ્યાપારીએ નફાખોરીની લાલચ વિના નીતિમત્તા જાળવી વેપાર ચલાવ્યો.

સુરત આખામાં નૂરા ડોસાની દુકાન મશહૂર.

નૂરા ડોસાજીની નિયમિતતા તો એક દંતકથા સમાન બની ગઈ. બાર વર્ષની ઉંમરે તેમણે પિતાની કટલરીની દુકાને જવું ચાલુ કર્યું.

તે પછીના પંચોતેર વર્ષ (જી હા, 75 વર્ષ) તેઓ રોજ નિયમિત દુકાને આવતા રહ્યા. નૂરાજી સવારે આઠ વાગે દુકાને આવે; બપોરનું ભોજન દુકાનમાં જ; ઠેઠ રાત્રે આઠ – નવ વાગ્યે ઘેર જવાનું.

આ ક્રમ સતત પંચોતેર વર્ષ સુધી ચાલ્યો. કોઈ દિવસ એવો ન ઊગ્યો કે નૂરા ડોસાએ દુકાને હાજરી ન આપી હોય! ઘરમાં લગ્ન પ્રસંગ તો ઠીક, પણ બીમારીના કારણે પણ નુરા ડોસાજી કદી દુકાને ગેરહાજર ન રહ્યા.

નુરા ડોસા 97 વર્ષે જન્નતનશીન થયા, ત્યારે સૌ સામે કર્તવ્યપરાયણતાની એક બેનમૂન મિસાલ છોડતા ગયા!

સુરતના જ નહીં, ગુજરાતના આ રત્નને સલામ!
.

September 7, 2007 at 6:04 pm 3 comments

મુક્તપંચિકા: 01/09/2007

.

મુક્તપંચિકા: 01/09/2007

 

ક્ષણ ક્ષણને

કાળની કાણી

કટોરીમાં ભરતો

રહ્યો! માણવી

કાલે સવારે?

 

*  *  *  *  *

September 1, 2007 at 8:58 am 3 comments


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

Blog Stats

  • 17,397 hits

તાજેતરની પોસ્ટ્સ