પ્રથમ ભારતીય મોટર કાર માલિક: ગુજરાતી

.

વીસમી સદીનો હજી આરંભ જ થતો હતો.

ભારતના અને વિશેષ તો મુંબઈના મિલ ઉદ્યોગ-કાપડ ઉદ્યોગ (Textile industry of Bombay)ના વિકાસમાં ગુજરાતી ઠાકરસી (ઠાકરશી; Thakarsey) કુટુંબનો ડંકો વાગતો હતો.

શેઠ દામોદર ઠાકરસીએ “હિંદુસ્તાન સ્પિનિંગ એંડ વિવિંગ મિલ્સ (Hindustan Spinning and Weaving Mills, Bombay)”માંથી બીજી ત્રણ ટેક્સ્ટાઈલ મિલો ઊભી કરેલી. તેમના નવયુવાન પુત્ર વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી)એ પિતાની ચાર કાપડ મિલોમાં એકનો ઉમેરો કરી મુંબઈના ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વીસમી સદીના આરંભમાં દુનિયામાં બે નવા ઉદ્યોગો વિકસી રહ્યા હતા – સિનેમા ઉદ્યોગ અને મોટર કાર ઉદ્યોગ.

મુંબઈના સાહસિક એફ. બી. થાણાવાળાએ ઈમ્પોર્ટેડ કેમેરાથી બે ટૂંકી ફિલ્મ્સ ઉતારેલી હતી. થાણાવાલાની આ બે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સને સારી પ્રસિદ્ધિ મળી હતી. આ ફિલ્મોનાં નામ હતાં “તાબૂત પ્રોસેશન એટ કાલબાદેવી (Taboota Procession at Kalbadevi)” તથા “સ્પ્લેન્ડીડ ન્યુ વ્યુઝ ઓફ બોમ્બે (Splendid New Views of Bombay)”.

મુંબઈમાં કાલબાદેવી રોડ પર એફ. બી. થાણાવાળા (F. B. Thanawala)ની મોટરકારની એજન્સી હતી. થાણાવાલાની ભારતની આ સૌથી જૂની મોટર કાર ડીલરશીપ મુંબઈ ખાતે આજે પણ અસ્તિત્વમાં છે.

થાણાવાળાની એજંસીએ વિદેશથી નવી મોટર કાર આયાત કરેલી. 1902માં શેઠ વિઠ્ઠલદાસ ઠાકરસીએ તે મોટર કાર ખરીદી.

આમ, શેઠ વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી) ભારતના પ્રથમ ભારતીય મોટર કાર માલિક - એક ગુજરાતી.

છે ને ગુજરાત અને ગુજરાતીનો વટ!

.

4 comments August 15, 2007

મુક્તપંચિકા: 31/07/2007

મુક્તપંચિકા: 31/07/2007

* * * * *

બારી ખોલી તો

ભૂરાશ જોઈ!

ગીચ બહુમાળીઓ

-વાયરો વચ્ચે!

આકાશ હશે?

* * * * * *

4 comments July 31, 2007

મુક્તપંચિકા: 30/06/07

ભાઈ સાર્થ ને

બેનડી ઉંઝા!

આખરે તમે એક

કુટુંબ-બાળ!

ખમૈયા કરો!

*  *  *  *  *

1 comment June 30, 2007

“કુમાર” માં પ્રસિદ્ધિ સાથે મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં પા પા પગલી: Muktapanchika in “Kumar”

* *

“કુમાર” માં પ્રસિદ્ધિ સાથે મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં પા પા પગલી:

.

Title Page, KUMAR: May 2007

આપ સૌ મિત્રોએ “અનુપમા”ને હૂંફાળો પ્રતિસાદ આપ્યો છે.

આપે મુક્તપંચિકાને ઉલ્લાસભેર વધાવી “અનુપમા”ની ખ્યાતિ વિસ્તારી છે.

આપના સથવારે મુક્તપંચિકાએ હવે પ્રિન્ટ મીડિયામાં પા પા પગલી ભરી છે.

મારી મુક્તપંચિકા ગુજરાતી ભાષાના સુપ્રતિષ્ઠિત પારિવારિક સામયિક “કુમાર”ના મે 2007ના અંકમાં લઘુકાવ્ય તરીકે પ્રકાશિત થઈ છે.

નવોદિત સર્જક માટે પોતાની કૃતિ “કુમાર”માં સર્વ પ્રથમ પ્રકાશિત થાય તે ગૌરવરૂપ સિદ્ધિ જ ગણાય! મને અત્યંત આનંદ થાય છે કે મારી પ્રથમ કૃતિ “કુમાર”માં પ્રકાશિત થઈ છે.

ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા તરફ પ્રયાણ કરવામાં આપણા યુવાન મિત્ર ડો. વિવેક ટેઈલર સાથે હું પણ જોડાઉં છું.

આપ સૌ મિત્રોએ “અનુપમા”ને સ્નેહથી અપનાવીને મુક્તપંચિકાને પ્રતિષ્ઠા આપી છે. આપનો આભાર!

મુક્તપંચિકા “કુમાર”માં પ્રકાશિત થયાના સમાચાર આપ “મધુસંચય” પર વિગતે વાંચી શકશો.

* * *
Read MUKTAPANCHIKA: For full view of the page, CLICK below:

.Muktapanchika in May issue of KUMAR

6 comments May 30, 2007

મુક્તપંચિકા: 29/04/2007

*  *  *  *  *  *  *  *  *  *

ખોજે તે પામે!

પામે તે ખોવે!

થાજો તે આત્મસાત્

મૂક અંતરે

પરમ સત્ય.

 *  *  *  *  *  *  *  *

2 comments April 30, 2007

મુક્તપંચિકા: 29/03/07

મુક્તપંચિકા: 29/03/07 

* * * * * * * *  

સ્મિત-રૂદન

કરી શકું છું.

હૈયા-હિલોળે પ્રેમ

કરી શકું છું.

માણસ છું હું.

* * * * * * *

3 comments March 29, 2007

ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે

.

ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકેની ફિલ્મ

ભારતની પ્રથમ ફીચર ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર”.

દાદાસાહેબ ફાળકે ના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” ઈ.સ. 1913માં મુંબઈમાં રજૂ થયેલી તે આપ જાણો છો.

આ ફિલ્મની પટકથા માટે દાદાસાહેબ ફાળકેએ ગુજરાતના આદ્ય નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેના નાટકનો આધાર લીધો હતો.

“રાજા હરિશ્ચંદ્ર” ફિલ્મના ટાઈટલ્સમાં દાદાસાહેબ ફાળકેએ રણછોડભાઈ દવેના નામની ક્રેડીટ મૂકેલી છે.

ભારતીય ફિલ્મઉદ્યોગ (ચલચિત્ર ઉદ્યોગ) ના પાયામાં ગુજરાતનું વિશિષ્ટ યોગદાન રહેલું છે.

. . . . . વિશેષ માહિતી વાંચો:

રણછોડભાઈ દવે : (1) મધુસંચય (2) ગુજરાતી સારસ્વત પરિચય

દાદાસાહેબ ફાળકે : (1) અનામિકા (2) અનુપમા

* * * * * * * * * * * * * * * * * * * *

4 comments March 17, 2007

વિનોદિનીબહેન નીલકંઠ

.

સ્વ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ ને આપણે સાક્ષર તરીકે જાણીએ. 

તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ને આપણે લેખિકા-સમાજસેવિકા તરીકે ઓળખીએ.

એક વિશેષ વાત તમને રોચક લાગશે. 

1949નું વર્ષ. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના શતાબ્દિ મહોત્સવની ઉજવણી.

તે નિમિત્તે રમણભાઈ નીલકંઠનું રાઈનો પર્વત નાટક ભજવાયેલું. તેમાં જાલકાના પાત્રમાં વિનોદિનીબહેન હતા. વિનોદિનીબહેનનો સુંદર અભિનય પ્રશંસા પામ્યો હતો. 

ગુજરાતના પ્રતિષ્ઠિત સાક્ષર-પરિવાર વિષે જાણો:

મધુસંચય

સારસ્વત પરિચય

Add comment March 16, 2007

મુક્તપંચિકા: 13/03/07

.

અમે ને તમે : મુક્તપંચિકા:

અમે ને તમે … ચાલો, વાંચીએ મુક્તપંચિકા મઝાની!

* * * * * * * * *

અમે વાદળ

આભ ઊડંતાં

ને તમે સરસર

સરતી, આંખ

આંજતી વીજ.

* * * * * * * * *

અમે સાગર

તીરે હળવે

ઊઠતી લ્હેર, તમે

મધદરિયે

ઝૂમંતાં મોજાં.

* * * * * * * * * * 

અમે મધુર

હસ્તનો સ્પર્શ

ને તમે કો કંપેલી

સિતાર જાણે

ઝણઝણતી.

* * * * * * * * * *

અમે કંપન

પામી, નાજુક

નાની વેલ, ને તમે

વાસંતી મદ-

ભર્યા વાયરા.

* * * * * * * * * * 

ઉપરની પ્રથમ બે મુક્તપંચિકાઓ મેં સહિયારું સર્જન પર  પ્રગટ કરેલી છે.   

 …………. * * * *  હરીશ   દવે  અમદાવાદ

1 comment March 13, 2007

મુક્તપંચિકા : 05/03/2007

.

મુક્તપંચિકા : પ્રિય મિત્ર સુરેશભાઈ જાનીના જન્મદિને (05/03/2007) 

* * * * * * * * * *

જીવન અહીં

આ પળભર

જાણી, હરખે માણે

ક્ષણને, જાની

સુરેશભાઈ. 

* * * * * * * * * * 

* * * * * * * * * *

મુક્તપંચિકા (2)

ચોસઠ તોયે

ચાર વર્ષના

દાદા બાળક નાના,

ક્ષણે ક્ષણનું

જીવન માણે

* * * * * * * * * *

* * * * * * * * * *

મુક્તપંચિકા (3)

અનંતયાત્રા

જીવન કેરી

ક્ષણમાં જાણી, માણી,

ઉચરે વાણી

સુરેશ જાની.

* * * * * * * * * *

* * * * * * * * * *

આ મુક્તપંચિકાઓ સાથે જન્મદિનની મુબારકબાદી, સુરેશભાઈ! ……  હરીશ દવે  … અમદાવાદ

4 comments March 5, 2007

મુક્તપંચિકા: 04/03/2007

મુક્તપંચિકા : 04/03/2007 (હોળી) 

ફાગણનો મહિનો.

હોળી-ધૂળેટીનો રંગભર્યો તહેવાર …..

અને અનુપમા પર મુક્તપંચિકામાં રગછાંટણાં ન થાય તો કેમ ચાલે?

 * * * * * * * * * * * * *

મુક્તપંચિકા: હોળી (1)

મત્તછકેલું

રાતું જોબન

ફાગણ કેરા રંગે

રંગાતું જાતું

સાજન સંગે. 

* * * * * * * * * *

મુક્તપંચિકા: હોળી (2)

રંગરસીલી

કેસરકાયા

કેસૂડાની ભીંજાતી

નમણી નારી

સમ- વિલસે. 

* * * * * * * * * *

મુક્તપંચિકા: હોળી (3)

નવપલ્લવ

કેસૂડા કેરી

શાખે ફાગણ છાંટે

ચિત્તાકર્ષક

રંગબહાર. 

* * * * * * * * * *

મુક્તપંચિકા: હોળી (4)

ફાગણભીના

કેસૂડાસમ

કેસરવર્ણી કાયા

ભીંજે સાજન

કેરી નજર્યું.

* * * * * * * * * * *

 આપ મારી રચેલી અન્ય મુક્તપંચિકાઓ ઊર્મિબહેન સંચાલિત સહિયારું સર્જન પર વાંચી શકશો. … હરીશ દવે  … અમદાવાદ 

Add comment March 4, 2007

મુક્તપંચિકા: 14/02/2007

.

પ્રેમ એટલે?

આ મઝાનો પ્રશ્ન ઊર્મિબહેનનો છે. તેમણે  સહિયારું સર્જન પર પ્રશ્ન પૂછ્યો છે. પ્રેમભીની બે મુક્તપંચિકાઓ મેં સહિયારું સર્જન પર મૂકી છે. 

અનુપમા પર આપ સમક્ષ પ્રેમમાં પલળેલી મુક્તપંચિકાઓ રજૂ કરું છું.

પ્રેમ એટલે (1) 

પ્રેમ એટલે

તમ હૈયામાં

ભૂસકો મારી, વ્હાલા!

છબછબિયાં-

ની મઝા, મઝા!

* * * * * * * * *

પ્રેમ એટલે (2) 

પ્રેમ એટલે

ખળખળતું

કો ઝરણું વહેતું

જીવન કેરા

સહરા મધ્યે. 

* * * * * * * * * 

પ્રેમ એટલે (3) 

પ્રેમ એટલે

ફૂલ મઝાનું

રંગબેરંગી, જાણે

ખીલતું સૂકી

જીવનડાળે. 

* * * * * * * * * 

પ્રેમ એટલે (4) 

પ્રેમ એટલે

શીતળ છાયા.

બળબળતા ભર

ગ્રીષ્મઋતુના

તડકા મધ્યે. 

* * * * * * * * * 

પ્રેમ એટલે (5) 

પ્રેમ એટલે

આંખ ઝુકાવી

સ્મિત સજાવી, ધીરે

ધીરે, પીગળે

કાય કુંવારી. 

* * * * * * * * *

………  હરીશ  દવે  અમદાવાદ

4 comments February 14, 2007

અમદાવાદમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર

1920માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું છઠ્ઠું અધિવેશન આયોજીત થયેલું.

તેમાં ખાસ મહેમાન ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર હતા. હજી સાત વર્ષ પહેલાં 1913માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરને “ગીતાંજલિ” માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર (નોબેલ પ્રાઈઝ) એનાયત થયેલ. કવિવર રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પ્રાઈઝ જીતનાર પ્રથમ ભારતીય હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોર તરુણાવસ્થામાં અમદાવાદ રહી ચૂક્યા હતા. તે સમયે તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં જજ નિમાયેલ હતા.

છઠ્ઠા અધિવેશન વખતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે સાહિત્યકાર હરગોવિંદદાસ કાંટાવાળા હતા. અધિવેશનના મહેમાનોના સ્વાગતની જવાબદારી સાક્ષર ડો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પર હતી.

જ્યારે મહાયોગી શ્રી અરવિંદ વડોદરા કોલેજમાં હતા, તે સમયે હરગોવિંદદાસ કાંટાવાળા વડોદરા રાજ્યમાં ઉચ્ચ અધિકારી હતા. તેમના પુત્ર મટુભાઈ કાંટાવાળા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ. એ. થનાર પ્રથમ ગુજરાતી હતા.

1905માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ભરાયેલું. તેના પ્રમુખપદે સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. આ અરસામાં અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ હાજર રહ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સંબોધન મહાયોગી શ્રી અરવિંદે તૈયાર કરી આપ્યું હતું. મહાયોગી શ્રી અરવિંદ તે સમયે વડોદરા કોલેજમાં પ્રોફેસર હતા. * * * *

1 comment January 21, 2007

દાદાસાહેબ ફાળકે અને પ્રથમ ભારતીય ફિલ્મ

.

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકે નાસિકના વતની.

તેમણે 1913માં ભારતમાં પ્રથમ ફીચર ફિલ્મ બનાવી સિનેમાઉદ્યોગનો પાયો નાખ્યો.

દાદાસાહેબ ફાળકે નિર્મિત ભારતની પ્રથમ ફીચર ફિલ્મ હતી રાજા હરિશ્ચન્દ્ર. તે પૂર્ણ લંબાઈની સંપૂર્ણપણે ભારતીય પ્રથમ ફીચર ફિલ્મ હતી. તે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, સિનેમેટોગ્રાફર દાદાસાહેબ ફાળકે હતા.

રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મમાં રાજા હરિશ્ચન્દ્ર તથા રાણી તારામતીની કથા હતી.   રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકા ડી. ડી. ડબકે નામના મહારાષ્ટ્રીયને ભજવી હતી. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ અભિનેતા ડી. ડી. ડબકે બન્યા.

તારામતીની ભૂમિકા માટે તે જમાનામાં કોઈ સ્ત્રી, કોઈ અભિનેત્રી તૈયાર ન થઈ. છેવટે દાદાસાહેબે એક યુવાન વેઈટરને સ્ત્રી પાત્ર ભજવવા રાજી કર્યો. આમ, ભારતીય સિનેમા ઉદ્યોગની પ્રથમ ફિલ્મમાં પ્રથમ સ્ત્રીપાત્ર તરીકે સાલુકે નામના યુવાન પુરુષે અભિનય આપ્યો.

રાજા હરિશ્ચન્દ્ર મુંબઈના સેંડહર્સ્ટ રોડ પર આવેલ કોરોનેશન સિનેમામાં 3જી મે, 1913ના દિને રજૂ થઈ.

*  *  *  *  *  *  *

દાદાસાહેબ ફાળકે : વિશેષ માહિતી વાંચો : અનામિકા

1 comment January 20, 2007

મુક્તપંચિકા: 20/01/2007

કણકણમાં,

ઘટઘટમાં,

સચરાચરે વ્યાપ્ત

દીસે, ન દીઠે

પરમ તત્વ.

*  *  *  *  *  *

1 comment January 20, 2007

Next Posts Previous Posts


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

nilam doshi on “કુમાર” મા…
aakash on ઇન્ડિયાના …
કુણાલ on પ્રથમ વિશ્…
કુણાલ on સુરતના સવિ…
અનિમેષ … on સુરતના સવિ…
વિશ્વદ… on ગાંધીજીના …
મહાત્મ… on ગાંધીજીના …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Links

Blog Stats