Posts filed under 'વિસરાતી વાતો'

ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી, હોલિવુડ અને બોલિવુડ

.

હોલિવુડના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસના સહયોગથી બનેલ મસાલેદાર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એંડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ ગયા વિક એંડ પર રજૂ થઈ.

વિશેષ કાળજીભરી સિનેમેટોગ્રાફીથી મઢિત ફિલ્મ ઇન્ડિયાના જોન્સ-4 સૌને કેટલી જચશે તે તો સમય બતાવશે, પરંતુ પીઢ અભિનેતા હેરિસન ફોર્ડ અને લબરમૂછિયા એકવીસ વર્ષના કલાકાર શાયા (શિયા)ની સ્ટંટબાજી (Harrison Ford, Shia LaBeouf) ઘણાને ખૂબ પસંદ પડી છે. ત્યારે હોલિવુડ - બોલિવુડના કેટલાક પ્રમુખ સ્ટંટબાજ જરૂર યાદ આવે.

હોલિવુડમાં સ્ટંટબાજીના પ્રણેતા ડગ્લાસ ફેરબેંક્સ (Douglas Fairbanks 1883 – 1939).

અમેરિકન ફિલ્મ કંપની યુનાઈટેડ આર્ટીસ્ટસની સ્થાપનામાં ડી. ડબલ્યુ. ગ્રીફીથ અને ચાર્લી ચેપ્લિન સાથે ડગ્લાસ ફેરબેંક્સનો ફાળો.

અમેરિકામાં 1920માં ડગ્લાસ ફેરબેંક્સની ફિલ્મ આવેલી – ‘માર્ક ઓફ ઝોરો’.

આ ફિલ્મ હિંદુસ્તાનમાં વાડિયા બંધુઓએ જોઈ. વાડિયા બ્રધર્સ તે સમયે મુંબઈમાં ફિલ્મ નિર્માણમાં પડેલા. હોમી વાડિયાની નજરમાં યશવંત દવે નામક સ્ટંટમેન હતો. જબરી સ્ટંટબાજી કરી શકતો!

‘માર્ક ઓફ ઝોરો’નાં સ્ટંટ દ્રશ્યો પરથી પ્રેરણા લઈ, યશવંત દવેને હીરો બનાવી વાડિયાએ 1930માં મૂંગી ફિલ્મ બનાવી- ‘દિલેર ડાકૂ’.

બસ, ત્યાર પછી વાડિયા મુવીટોનનું નામ ભારતીય સિનેમા જગતમાં સ્ટંટ ફિલ્મો સાથે જોડાઈ ગયું.

1935માં હોમી વાડિયાની ફિલ્મ ‘હંટરવાલી’માં ચમકનાર નાદિયા ધ ફિયરલેસનું નામ બોલિવુડની સ્ટંટબાજીમાં અમર થઈ ગયું છે.


*   *   *  *


1 comment June 4, 2008

મહાત્મા ગાંધી અને અમદાવાદ સત્યાગ્રહ આશ્રમનો આરંભ

.

 

મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં પોતાની વિશિષ્ટ વિચારધારા અને પ્રવૃત્તિઓથી ખ્યાતિ પામ્યા.

હિંદુસ્તાનના અગ્રગણ્ય નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે (1866 1915)એ ગાંધીજીને સ્વદેશ પરત થઈ દેશસેવામાં જોડાવા આહવાન કર્યું.

ગોખલેજીના સૂચનને સ્વીકારી ગાંધીજી 1915ના 9મી જાન્યુઆરીએ હિંદુસ્તાન આવ્યા.

ગાંધીજીએ સૌરાષ્ટ્ર તથા બંગાળનો પ્રવાસ કર્યો.

ગાંધીજી બંગાળમાં શાંતિનિકેતન ગયા અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે રહ્યા. ગીતાંજલિ માટે નોબેલ પ્રાઈઝથી સન્માનિત કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા કહી સંબોધ્યા. ત્યારથી મોહનદાસ ગાંધી મહાત્મા ગાંધી તરીકે જાણીતા થયા.

ગાંધીજીએ અમદાવાદમાં ઠરીઠામ થઈ પોતાની પ્રવૃત્તિઓ કરવા નિર્ણય લીધો.

અમદાવાદમાં પાલડી તરફના કોચરબ પરા વિસ્તારમાં એક વકીલ જીવણલાલનો બંગલો હતો. મહાત્મા ગાંધીએ આ બંગલો ભાડે લઈ પોતાની પ્રવૃત્તિઓનો આરંભ કર્યો.

1915ના મે મહિનામાં તે સ્થળે ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમ (કોચરબ) નો આરંભ થયો.

.

 


Add comment May 6, 2008

ભારતનાં દેશી રજવાડાં અને સરદાર પટેલ

.

 

ઇસ 1947ની 15મી ઓગસ્ટના રોજ હિંદુસ્તાન સ્વતંત્ર થયું.

નવસર્જિત ભારત દેશમાં આશરે સાડા પાંચસો  જેટલાં નાનાં-મોટાં રાજ્યો-રજવાડાં હતાં.

આપને નવાઇ લાગશે કે આ પૈકી ત્રણસો જેટલાં રજવાડાં ગુજરાત અને કાઠિયાવાડમાં હતાં. ગુજરાતમાં સૌથી મોટું રાજ્ય વડોદરાનું હતું. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં જામનગર રાજ્ય પ્રભાવશાળી હતું.

તમે આ રાજ્ય-રજવાડાંનાં નામ સાંભળી નવાઈ પામશો: વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દાંતા, વાંસદા, ઇડર, પાલનપુર, રાધનપુર, ડીસા, લીમડી, મૂળી, લખતર, ચૂડા, માંગરોળ, માણાવદર, સરદારગઢ, છોટાઉદેપુર, દેવગઢબારિયા અને બીજાં અનેક …

15 ઓગસ્ટ, 1947નાં રોજ આ તમામ રાજ-રજવાડાં સ્વતંત્ર થયાં!

લોખંડી ગુજરાતી  પુરૂષ સરદાર પટેલને ધન્યવાદ કે જેમણે દેશનાં આવાં સાડા પાંચસો રજવાડાંઓને ભારતમાં ભેળવ્યાં.

ગુજરાતના આ પનોતા પુત્ર સરદાર પટેલને સલામ!

 


Add comment April 30, 2008

ગુજરાતી રંગભૂમિ

.

ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે.

ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું. 

મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિ ગુજરાતીએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર શંકર શેઠની નાટક શાળા તરીકે ઓળખાયું. 

સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો  શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.

 મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ પારસી નાટક મંડળીએ ગુજરાતી રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિઓને ત્વરાથી વિકસાવી. ગુજરાતી નાટ્યશાસ્ત્રના પ્રારંભિક તબક્કામાં નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનય ક્ષેત્રે પારસીઓની બોલબાલા હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (ગાંધીજી) નો જન્મ જે વર્ષમાં થયો, તે વર્ષ 1869માં કે. ખુશરૂ કાબરાજીની વિક્ટોરિયા નાટક મંડળીનું બેજન મનીજેહ નાટક ભારે સફળતાને વર્યું.

 પારસી નાટક મંડળીના નાટક રૂસ્તમ સોહરાબમાં કવિ દલપતરામનાં ગીતો હતાં.

ગુજરાતી લેખક નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેનાં / નાટક પારસી નાટક કંપનીઓ ભજવતી. એક નાટ્યપ્રયોગ વખતે મુંબઈના ગુજરાતી મહેતાજીઓને પારસી નાટક કંપની સાથે મતભેદ થયો.

1878માં મુંબઈના ગુજરાતીઓએ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કરી.

આ નવોદિત ગુજરાતી નાટક મંડળીનો પહેલો નાટ્ય પ્રયોગ તે રણછોડભાઈ ઉદયરામ દવેનું લલિતાદુઃખદર્શક.

ગુજરાતી રંગમંચના મહાન કલાકાર જયશંકર સુંદરીએ  ગુજરાતી નાટક મંડળીમાં વર્ષો સુધી અભિનય આપ્યો. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં જયશંકર સુંદરીનું યોગદાન અવિસ્મરણીય છે.

*  *  *  **  **


Add comment March 18, 2008

ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધી અને જૂનાગઢની આરઝી હકૂમત

.

*

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરના દિવાન કરમચંદ ગાંધીના પુત્ર.

ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધી. લક્ષ્મીદાસ ગાંધીના પુત્ર સામળદાસ ગાંધી.

આમ, સામળદાસ ગાંધી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભત્રીજા.

સામળદાસ ગાંધીએ અમદાવાદમાં ગાંધીજીના નવજીવનમાં તથા મુંબઈમાં મુંબઈ સમાચાર અને જન્મભૂમિમાં કામ કર્યું.

1947માં હિંદુસ્તાન આઝાદ થયું.

ગુજરાતમાં જૂનાગઢ(સૌરાષ્ટ્ર)ના નવાબે ભારત સંઘમાં ભળવા ઇંકાર કર્યો અને પાકિસ્તાન સાથે જોડાવા તૈયારીઓ આદરી. સૌરાષ્ટ્ર-ગુજરાતના કોંગ્રેસના આગેવાનોએ જૂનાગઢને બચાવવા સમાંતર સરકાર રચવા નિર્ણય કર્યો.

મુંબઈમાં ટાટા ગૃપની તાજમહાલ હોટેલમાં સામળદાસ ગાંધી, ઢેબરભાઈ, રસિકલાલ પરીખ વગેરે ગુજરાતી નેતાઓએ જૂનાગઢની આરઝી હકૂમત રચી.

જૂનાગઢના નવાબ સામે  પ્રચંડ પ્રજામત જાગૃત થતાં નવાબે પાકિસ્તાન ભાગવું પડ્યું.

જૂનાગઢમાં પ્રજાતંત્રની સ્થાપના થઈ. વડાપ્રધાન પદે સામળદાસ ગાંધીની વરણી થઈ. જૂનાગઢ ભારતીય સંઘમાં ભળ્યું ત્યાં સુધી ત્યાંના પ્રજાતંત્રના વડાપ્રધાન તરીકે સામળદાસ ગાંધી રહ્યા.*   *  *  *  **  **  * *  *

 


Add comment February 29, 2008

સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ

.
ઇસ 1840માં સુરતમાં સવિતાનારાયણ ગણપતિનારાયણનો જન્મ.

નાનપણથી જ્ઞાનની ભૂખ.

સુરતના વિખ્યાત સુધારક દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ કર્યો. લખતાં-વાંચતાં શીખ્યા. સવિતાનારાયણની જિજ્ઞાસાવૃત્તિ એવી પ્રબળ કે અંગ્રેજી પણ શીખ્યા.

તે વર્ષ 1857નું.

જ્યારે હિંદુસ્તાન સ્વાતંત્રસંગ્રામની ચિનગારીઓમાં લપેટાયેલું હતું ત્યારે ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ હાકેમો સુરત પાસે તાપી નદી પર પુલ બાંધી રહ્યા હતા.

અંગ્રેજ ઇજનેરો મજૂરો પાસેથી કામ શી રીતે લે? તેમને દુભાશિયાની જરૂર પડી.

સત્તરેક વર્ષના સવિતાનારાયણ ગણપતિનારાયણ પચ્ચીસ રૂપિયાના માતબર પગારથી દુભાશિયા તરીકે નિમણૂક પામ્યા. અંગ્રેજ ઇજનેરો અંગ્રેજી ભાષામાં સૂચના આપે; સવિતાનારાયણ ગુજરાતીમાં કડિયા-મિસ્ત્રી-મજૂરોને સમજાવે.

ફાજલ સમયમાં તેમણે પુસ્તકો વાંચીને લેખનપ્રવૃત્તિ શરૂ કરી. તેમના લેખો-કાવ્યો પ્રસિદ્ધ પણ થયાં.

ગુજરાતના રૂઢિચુસ્ત, અંધારા સમાજમાં એક સામાન્ય કુટુંબમાં જન્મેલ એક અદનો ગુજરાતી તે યુગમાં આપબળે કેવી પ્રગતિ કરી શક્યો!

વાઇબ્રન્ટ ગુજરાતની રોશનીમાં આવા કંઈક દુર્ગારામ મહેતાજી, કંઈક સવિતાનારાયણની જીવનરેખાઓ આપણે જોઇ શકતા નથી.

આજે ગુજરાત સવિતાનારાયણ જેવા કેટલાયે ગરવા ગુજરાતીઓને વિસરી ગયું છે!

કોણ સાંભળશે આ વિસરાતી વાતો?

.


2 comments January 31, 2008

ગાંધીજીના ઠાકરશી કુટુંબના બંગલે ઉપવાસ

*

.મહાત્મા ગાંધી (ગાંધીજી)લંડન (ઇંગ્લેંડ) ની બીજી ગોળમેજી પરિષદ (Second Round Table Conference, London, England) ની નિષ્ફળતા પછી અંગ્રેજ સરકાર (બ્રિટીશ ગવર્ન્મેન્ટ) સામે હિંદુસ્તાનમાં અસરકારક લડત ઉપાડી.

અંગ્રેજ સરકારે દમનના જોરે લોક-જુવાળ કચડી નાખવા પ્રયત્નો આદર્યા. બ્રિટીશ સરકારે સભા-સરઘસો ઉપર પ્રતિબંધ મૂક્યા અને કોંગ્રેસની ઓફિસો અને કાર્યકર્તાઓની છાવણીઓ જપ્ત કરી.

1931ના જાન્યુઆરીની ચોથી તારીખે ગાંધીજી તથા સરદાર પટેલની ધરપકડ થઈ. ગાંધીજીના પૂના ખાતે યરવડા જેલનિવાસ દરમ્યાન ઘણી ઘટનાઓ ઘટી.

1931ની 18 એપ્રિલે હિંદુસ્તાનના અંગ્રેજ વાઇસરૉય તરીકે લોર્ડ વિલિંગ્ડનની નિમણૂક થઈ.

ગાંધીજી સોળ મહિના પૂનાની યરવડા જેલ (યેરવડા જેલ) માં રહ્યા. અંત્યજોને ઉત્તેજન આપી હિંદુ સમાજમાં ભાગલા પડાવતી અંગ્રેજ-કૂટનીતિને ગાંધીજી પારખી ગયા હતા. તેથી હરિજનપ્રશ્ન પર ગાંધીજીએ આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી.

1933ની આઠમી મેના રોજ “આત્મશુદ્ધિ” માટેના ગાંધીજીના ઉપવાસ શરૂ થયા.

આમરણ ઉપવાસના સંભવિત પરિણામોથી ગભરાઇને અંગ્રેજ સરકારે ગાંધીજીને તરત છોડી મૂક્યા. ગાંધીજીએ પૂના ન છોડવા નિર્ણય કર્યો. “અનુપમા”ના વાચકો જાણે છે કે પૂનામાં યરવડા જેલની સામે જ સર વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી) નો “પર્ણકુટી” (પર્ણકુટિ) બંગલો.

સર વિઠ્ઠલદાસના સ્વર્ગવાસ પછી લેડી પ્રેમલીલા ઠાકરશી (મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના ઉપકુલપતિ, 1951-1969) “પર્ણકુટી” બંગલામાં રહેતા.

મહાત્મા ગાંધીએ પોતાના એકવીસ દિવસના ઉપવાસ પ્રેમલીલા ઠાકરસીના બંગલામાં રહીને કર્યા. 29 મે, 1933ના રોજ ગાંધીજીના ઉપવાસ હેમખેમ પૂરા થયા ત્યારે દેશવાસીઓના જીવમાં જીવ આવ્યો.

* * * *


2 comments December 31, 2007

મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અમદાવાદની ગુજરાત ક્લબ

.

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ગુજરાત ક્લબને અમદાવાદવાસીઓ જાણે ખરા, પણ તેનું મહત્વ વિસરતા જાય છે.

ગુજરાત ક્લબને ગાંધીજી અને સરદાર પટેલ સાથે શો સંબંધ હોય, ભલા?

ગાંધીજી ઈંગ્લેંડમાં બેરિસ્ટર થઈ આફ્રિકા વકીલાત કરવા ગયા હતા તે આપ જાણો છો. તે સમયે ગાંધી બાપૂ આફ્રિકામાં મિ. એમ.કે. ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી કે ટૂંકમાં મિ. ગાંધી) તરીકે ઓળખાતા.

આફ્રિકાથી ગાંધીજી જાન્યુઆરી, 1915માં ભારત આવ્યા ત્યારે તેમણે પોતાના વતન ગુજરાતમાં સ્થાયી થવું નક્કી કર્યું. ગુજરાતીઓમાં હિંદુસ્તાનની સ્વતંત્રતા બાબત જાગૃતિ આવી રહી હતી.

ગુજરાતમાં મહાત્મા ગાંધીએ અમદાવાદના પાલડી પાસે કોચરબમાં પોતાનો પહેલો આશ્રમ સ્થાપ્યો.

કોચરબ આશ્રમમાં તેમણે પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી, ત્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં સ્થિત ગુજરાત ક્લબ વકીલો અને અન્ય બુદ્ધિજીવીઓનું મિલનસ્થાન બની રહેતી. ગાંધીજી કાઠિયાવાડી પહેરવેશમાં ગુજરાત ક્લબ જતા – અંગરખું, માથે ફાળિયું અને ખેસ.

ગુજરાત ક્લબમાં ગણેશ વાસુદેવ માવલંકર (સ્વતંત્ર ભારતની સંસદના પ્રથમ લોકસભાના પ્રથમ સ્પીકર દાદાસાહેબ માવળંકર, અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પુરૂષોત્તમ માવળંકરના પિતા) અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અગ્રણી નાગરિકો આવતા. ગાંધીજી તેમની સમક્ષ પોતાના વિચારો અને અનુભવો રજૂ કરતા.

સરદાર પટેલ ત્યારે કોટ-પેન્ટ-બુટમાં નખશીખ વિદેશી દેખાવમાં રહેતા અને મોંમાં ચિરૂટ રાખતા. શરૂઆતની મુલાકાતોમાં સરદાર પટેલ મહાત્મા ગાંધીની વાતોથી પ્રભાવિત નહોતા થયા. ઉપરથી, સરદાર પટેલ સાથી વકીલ મિત્રો સાથે બ્રીજ રમતાં રમતાં ગાંધીજીના કાઠિયાવાડી પોષાકની મજાક ઉડાવતા.

આ જ સરદાર પટેલ બે જ વર્ષના સમયગાળામાં વિદેશી ઢબ-છબ છોડી ગાંધીજીના ચુસ્ત અનુયાયી બની ગયા!!!

.


Add comment November 14, 2007

અમેરિકન સૈનિકોના માથે ખાદીની ગાંધી-ટોપી

.

અમેરિકન સૈનિકોના માથે ખાદીની ગાંધી-ટોપી!!

1942. આઠમી ઑગસ્ટ.

ગાંધીજીમુંબઈમાં અંગ્રેજો સામે હિંદ છોડો (Quit India) લડતની જાહેરાત કરી.

મહાત્મા ગાંધી સહિત દેશભરના અનેક દેશભક્તોને અંગ્રેજ સરકારે જેલમાં કેદ કર્યા. ગાંધીજીને પૂનાની યરવડા જેલમાં રાખ્યા હતા.

 બ્રિટીશ સરકારના દમનના વિરોધમાં કરાંચી (હાલ પાકિસ્તાનમાં) માં એક સરઘસ નીકળ્યું.

તે સમયે બીજું વિશ્વયુદ્ધ (દ્વિતીય વિશ્વયુદ્ધ Second World war) ચાલુ હોવાથી અમેરિકાનું લશ્કરી દળ કરાંચીમાં હતું.

સરઘસમાં શામિલ આબાલ વૃદ્ધોની દેશભક્તિને જોઈ અમેરિકાની લશ્કરી ટુકડી તાજ્જુબ થઈ ગઈ. સરઘસના સ્વયંસેવકોએ અમેરિકન સૈનિકોને ખાદીની સફેદ ગાંધી ટોપીઓ ઓફર કરી.

જુસ્સામાં આવી ગયેલા અમેરિકન સનિકોએ માથે ખાદીની ગાંધી ટોપીઓ હોંશે હોંશે પહેરી!

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તે ગુમનામ અમેરિકન સૈનિકોનું અનોખું યોગદાન આજે વિસરાઈ ગયું છે.

આ વિરલ ઘટના નેશનલ આર્કિવ્ઝ ઓફ ઈન્ડિયા (National Archives  of India)ના કાગળોમાં ક્યાં દબાઈ ગઈ હશે? 

. 


1 comment October 24, 2007

ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈના વિકાસના પ્રણેતા

.

ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈના વિકાસના પ્રણેતા 

 

 મુંબઈ શહેર આજે ભારતની આર્થિક-વાણિજ્ય-વ્યાપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. મુંબઈ પ્રથમ કક્ષાના બંદર તરીકેની નામના ધરાવે છે.

મુંબઈની આ સિદ્ધિરુપ ખ્યાતિ પાછળ ગુજરાતના સુરત શહેરના એક પારસી કુટુંબનું ગણના પાત્ર યોગદાન છે, તે વાતથી આપણે ગુજરાતી હોવા છતાં લગભગ અજાણ છીએ. આવો, જાણીએ આ વિસરાતી વાતને.

મુંબઈનું બારું કે મુંબઈના જહાજ ઉદ્યોગથી લઈ ઈંગ્લેંડની યશકલગીરૂપ બ્રિટીશ નેવી તથા ઈંગ્લિશ એડમિરલ નેલ્સનના ટ્રાફાલ્ગર યુદ્ધની વાત કરવી હોય તો તમારે એક નામથી શરૂઆત કરવી પડે લવજી નસરવાનજી વાડિયા.

તે સમય હતો સત્તરમી સદીના ઉત્તરાર્ધનો.

સુરતમાં ધીકતો જહાજવાડો. શેઠ ધનજીભાઈનો જહાજનો કારોબાર મોટો. તેમને ત્યાં લવજીભાઈ વાડિયા કારીગર. પોતાના કામમાં ખાં. અંગ્રેજોની આંખમાં વસી ગયા. ઈતિહાસ સાખ પૂરે છે કે અંગ્રેજો માટે નૌકાસૈન્ય હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે. બાહોશ અગ્રેજ અધિકારી સુરતી કારીગર લવજીને મુંબઈ લઈ ગયા.

1735ની એ સાલ.

બીજા વર્ષે તો લવજી વાડિયાની દેખરેખમાં મુંબઈમાં બારાં બનાવવાની શરૂઆત થઈ. વીસેક વર્ષે મુંબઈનો સૂકો ધક્કો તૈયાર થયો. લવજીએ જહાજો બાંધવા શરૂ કર્યાં.

ઈસ્ટ ઈંડિયા કંપનીએ લવજી વાડિયાના કૌશલ્યની કદર કરી તેમને માસ્ટર બિલ્ડર તરીકેનું સન્માન આપ્યું.

જહાજ ઉદ્યોગ અને બંદરનો વિકાસ પરસ્પર પૂરક બની રહેતાં  મુંબઈ શહેર દુનિયાના નકશા પર ઝળકી ઊઠ્યું. મુંબઈમાં વાડિયા કુટુંબની પેઢી દર પેઢીએ જહાજવાડાની કળા જાળવી. તેમના વંશવારસોએ ઈંગ્લેંડના રોયલ નેવી માટે ખડતલ યુદ્ધજહાજો બાંધી નામના મેળવી.

1775-80 દરમ્યાન માણેકજી વાડિયાની નિગરાનીમાં બ્રિટીશ રોયલ નેવી માટે એક ખાસ જહાજ બાંધવામાં આવ્યું. ઈંગ્લિશ એડમિરલ હોરેશિઓ નેલ્સનનું તે જહાજ. વાડિયા કુટુંબને અપ્રતિમ સિદ્ધિ મળી ટ્રાફાલ્ગર યુદ્ધ વખતે.

1805નું વર્ષ.

ફ્રાંસના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટના સમયમાં ઈંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચે એટલાંટિક મહાસાગરમાં  ભારે દરિયાઈ યુદ્ધ ચાલે.

એક તરફ ઈંગ્લેંડનું  નૌકાસૈન્ય; બીજી તરફ ફ્રાંસ-સ્પેનનું સંયુક્ત તાકાતવર નૌકાસૈન્ય. એક તરફ માણેકજી વાડિયાએ બાંધેલા વિક્ટરી જહાજના કપ્તાન એડમિરલ નેલ્સનનું નેતૃત્વ, બીજી તરફ વિશ્વવિજેતા થવાનાં સ્વપ્નાં જોતા ફ્રાંસના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટનું નેતૃત્વ.

ટ્રાફાલ્ગર યુદ્ધમાં ફ્રાંસના શહેનશાહ નેપોલિયનની હાર થઈ.

 એડમિરલ નેલ્સનના નેતૃત્વમાં ઈંગ્લેંડના રોયલ નેવીને સ્પેનની દક્ષિણે જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર ટ્રાફાલ્ગર પાસેના સમુદ્રી યુદ્ધમાં ભવ્ય વિજય મળ્યો.

પરિણામે વાડિયા કુટુંબને અને મુંબઈના જહાજવાડાને ઘણી પ્રતિષ્ઠા મળી.

અંગ્રેજ શાસન દરમ્યાન મહત્વપૂર્ણ બંદર તરીકે વિકસેલા મુંબઈ શહેરની આગેકૂચ કદી રોકાઈ નથી.

મુંબઈની વિકાસગાથામાં ગુજરાતી લવજી વાડિયા તથા તેમના વંશવારસોનું યોગદાન સુવર્ણ અક્ષરે આલેખાવું જોઈએ.

.


1 comment October 4, 2007

પ્રથમ વિશ્વયુદ્ધ, રતન તાતા અને ડો. જીવરાજ મહેતા .

.
ગુજરાત રાજ્યના   પ્રથમ   મુખ્ય મંત્રી      ડો. જીવરાજ મહેતા.

ડો. જીવરાજ મહેતા પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં જાણીતા ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન તાતાના કુટુંબના અંગત તબીબી સલાહકાર હતા.

1916નું વર્ષ. રતન તાતાને સારવાર માટે લંડન, ઇંગ્લેંડ જવાનું હતું.

રતન તાતા સાથે લેડી તાતા, બીજા ત્રણ-ચાર સદસ્યો અને ડો. જીવરાજ મહેતા ઇંગ્લેંડ જાય તેવું નક્કી થયું.

દરિયાઈ માર્ગે ઈંગ્લેંડ જવું સલામત ન હતું. પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતા સમુદ્રી મુસાફરી જોખમી બનાવતી હતી. ઈંગ્લેંડ જતાં જહાજો પર દુશ્મન જહાજો આક્રમણ કરતા. પણ બીજો રસ્તો ન હતો.

અરબી સમુદ્ર વટાવી તાતાનું બ્રિટીશ જહાજ આગળ વધતું હતું ત્યાં મધદરિયે ટોરપીડોથી હુમલો થયો.  જહાજને ભારે નુકસાન થયું. ક્ષતિગ્રસ્ત જહાજમાં પાણી ભરાતાં બચાવ કાર્યો શરૂ થયાં. લાઈફબોટો ઉતારી પ્રવાસીઓને જહાજ છોડવા વ્યવસ્થા થવા લાગી.

રતન તાતા તથા તેમના ગ્રુપ સાથે ડો. જીવરાજ મહેતા એક આખરી લાઈફબોટમાં બેઠા. જોતજોતામાં જહાજ ડૂબી ગયું.

ઝોલાં ખાતી લાઈફબોટમાં સૌ કલાકો સુધી ભટકતાં રહ્યાં. મધદરિયે ઘૂઘવતાં તોફાની મોજાંઓ અને સૂસવતા પવન વચ્ચે ઝઝૂમવામાં કેવું મક્કમ મનોબળ જોઈએ!

તાતા દંપતિ સાથે ડો. જીવરાજ મહેતા પણ ધીરજ અને હિંમતથી સંજોગોનો સામનો કરતા રહ્યા.

ત્રીસેક કલાકની આકરી કસોટી પછી સૌ માલ્ટા પહોંચ્યા.  ત્યાંથી બીજા જહાજમાં લંડન  ( ઇંગ્લેંડ) પહોંચ્યા.

.


1 comment September 13, 2007

સુરતનું ગૌરવ નૂરા ડોસા (નન્નુભાઈ નૂરમહંમદ ડોસાભાઈ)

.

સુરત શહેરમાં વ્યાપાર ક્ષેત્રે આદરપાત્ર નામ એટલે નૂરા ડોસા ઉર્ફે નન્નુભાઈ નૂરમહંમદ ડોસાભાઈ.

નૂરાભાઈ ડોસાજી સુરતના પ્રતિષ્ઠિત વેપારી. સુરત શહેર તેમને પ્રેમથી, સન્માનથી નૂરા ડોસા તરીકે જ ઓળખે. તેમનો જન્મ ઈસ 1859માં.

બબ્બે વિશ્વયુદ્ધનો પડકારરૂપ કાળ તેમણે જોયો. કપરામાં કપરા સમયમાં પણ આપણા આ ગુજરાતી વ્યાપારીએ નફાખોરીની લાલચ વિના નીતિમત્તા જાળવી વેપાર ચલાવ્યો.

સુરત આખામાં નૂરા ડોસાની દુકાન મશહૂર.

નૂરા ડોસાજીની નિયમિતતા તો એક દંતકથા સમાન બની ગઈ. બાર વર્ષની ઉંમરે તેમણે પિતાની કટલરીની દુકાને જવું ચાલુ કર્યું.

તે પછીના પંચોતેર વર્ષ (જી હા, 75 વર્ષ) તેઓ રોજ નિયમિત દુકાને આવતા રહ્યા. નૂરાજી સવારે આઠ વાગે દુકાને આવે; બપોરનું ભોજન દુકાનમાં જ; ઠેઠ રાત્રે આઠ – નવ વાગ્યે ઘેર જવાનું.

આ ક્રમ સતત પંચોતેર વર્ષ સુધી ચાલ્યો. કોઈ દિવસ એવો ન ઊગ્યો કે નૂરા ડોસાએ દુકાને હાજરી ન આપી હોય! ઘરમાં લગ્ન પ્રસંગ તો ઠીક, પણ બીમારીના કારણે પણ નુરા ડોસાજી કદી દુકાને ગેરહાજર ન રહ્યા.

નુરા ડોસા 97 વર્ષે જન્નતનશીન થયા, ત્યારે સૌ સામે કર્તવ્યપરાયણતાની એક બેનમૂન મિસાલ છોડતા ગયા!

સુરતના જ નહીં, ગુજરાતના આ રત્નને સલામ!
.


3 comments September 7, 2007

પ્રથમ ભારતીય મોટર કાર માલિક: ગુજરાતી

.

વીસમી સદીનો હજી આરંભ જ થતો હતો.

ભારતના અને વિશેષ તો મુંબઈના મિલ ઉદ્યોગ-કાપડ ઉદ્યોગ (Textile industry of Bombay)ના વિકાસમાં ગુજરાતી ઠાકરસી (ઠાકરશી; Thakarsey) કુટુંબનો ડંકો વાગતો હતો.

શેઠ દામોદર ઠાકરસીએ “હિંદુસ્તાન સ્પિનિંગ એંડ વિવિંગ મિલ્સ (Hindustan Spinning and Weaving Mills, Bombay)”માંથી બીજી ત્રણ ટેક્સ્ટાઈલ મિલો ઊભી કરેલી. તેમના નવયુવાન પુત્ર વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી)એ પિતાની ચાર કાપડ મિલોમાં એકનો ઉમેરો કરી મુંબઈના ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વીસમી સદીના આરંભમાં દુનિયામાં બે નવા ઉદ્યોગો વિકસી રહ્યા હતા – સિનેમા ઉદ્યોગ અને મોટર કાર ઉદ્યોગ.

મુંબઈના સાહસિક એફ. બી. થાણાવાળાએ ઈમ્પોર્ટેડ કેમેરાથી બે ટૂંકી ફિલ્મ્સ ઉતારેલી હતી. થાણાવાલાની આ બે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સને સારી પ્રસિદ્ધિ મળી હતી. આ ફિલ્મોનાં નામ હતાં “તાબૂત પ્રોસેશન એટ કાલબાદેવી (Taboota Procession at Kalbadevi)” તથા “સ્પ્લેન્ડીડ ન્યુ વ્યુઝ ઓફ બોમ્બે (Splendid New Views of Bombay)”.

મુંબઈમાં કાલબાદેવી રોડ પર એફ. બી. થાણાવાળા (F. B. Thanawala)ની મોટરકારની એજન્સી હતી. થાણાવાલાની ભારતની આ સૌથી જૂની મોટર કાર ડીલરશીપ મુંબઈ ખાતે આજે પણ અસ્તિત્વમાં છે.

થાણાવાળાની એજંસીએ વિદેશથી નવી મોટર કાર આયાત કરેલી. 1902માં શેઠ વિઠ્ઠલદાસ ઠાકરસીએ તે મોટર કાર ખરીદી.

આમ, શેઠ વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી) ભારતના પ્રથમ ભારતીય મોટર કાર માલિક - એક ગુજરાતી.

છે ને ગુજરાત અને ગુજરાતીનો વટ!

.


4 comments August 15, 2007

ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે

.

ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકેની ફિલ્મ

ભારતની પ્રથમ ફીચર ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર”.

દાદાસાહેબ ફાળકે ના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” ઈ.સ. 1913માં મુંબઈમાં રજૂ થયેલી તે આપ જાણો છો.

આ ફિલ્મની પટકથા માટે દાદાસાહેબ ફાળકેએ ગુજરાતના આદ્ય નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેના નાટકનો આધાર લીધો હતો.

“રાજા હરિશ્ચંદ્ર” ફિલ્મના ટાઈટલ્સમાં દાદાસાહેબ ફાળકેએ રણછોડભાઈ દવેના નામની ક્રેડીટ મૂકેલી છે.

ભારતીય ફિલ્મઉદ્યોગ (ચલચિત્ર ઉદ્યોગ) ના પાયામાં ગુજરાતનું વિશિષ્ટ યોગદાન રહેલું છે.

. . . . . વિશેષ માહિતી વાંચો:

રણછોડભાઈ દવે : (1) મધુસંચય (2) ગુજરાતી સારસ્વત પરિચય

દાદાસાહેબ ફાળકે : (1) અનામિકા (2) અનુપમા

* * * * * * * * * * * * * * * * * * * *


4 comments March 17, 2007

વિનોદિનીબહેન નીલકંઠ

.

સ્વ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ ને આપણે સાક્ષર તરીકે જાણીએ. 

તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ને આપણે લેખિકા-સમાજસેવિકા તરીકે ઓળખીએ.

એક વિશેષ વાત તમને રોચક લાગશે. 

1949નું વર્ષ. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના શતાબ્દિ મહોત્સવની ઉજવણી.

તે નિમિત્તે રમણભાઈ નીલકંઠનું રાઈનો પર્વત નાટક ભજવાયેલું. તેમાં જાલકાના પાત્રમાં વિનોદિનીબહેન હતા. વિનોદિનીબહેનનો સુંદર અભિનય પ્રશંસા પામ્યો હતો. 

ગુજરાતના પ્રતિષ્ઠિત સાક્ષર-પરિવાર વિષે જાણો:

મધુસંચય

સારસ્વત પરિચય


Add comment March 16, 2007

Previous Posts


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

nilam doshi on “કુમાર” મા…
aakash on ઇન્ડિયાના …
કુણાલ on પ્રથમ વિશ્…
કુણાલ on સુરતના સવિ…
અનિમેષ … on સુરતના સવિ…
વિશ્વદ… on ગાંધીજીના …
મહાત્મ… on ગાંધીજીના …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Links

Blog Stats