આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા
.
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં.
ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં.
1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન મહેતાએ હિંદના બુલબુલ સરોજિની નાયડુ સાથે હિંદુસ્તાનના મહિલા પ્રતિનિધિઓ તરીકે ભાગ લીધો. 1947માં હિંદુસ્તાન આઝાદ થયું અને સ્વતંત્ર ભારતના યુનાઇટેડ નેશન્સ (યુનો) ખાતેના પ્રતિનિધિ તરીકે હંસાબહેન અમેરિકા ગયા. “અનુપમા”નાં વાચકમિત્રો જાણે છે કે બ્રિટીશ રાજમાં ડો. જીવરાજ મહેતા વડોદરા રાજ્યના દીવાન હતા.
1949માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ. એસ. યુનિવર્સિટી) ના ઉપકુલપતિપદે હંસાબહેન નિમાયાં. ટૂંકમાં, હંસાબહેન મહેતાએ ગુજરાતી મહિલા તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર નામના પામી ગુજરાતને ગૌરવ બક્ષ્યું.
“અનુપમા”ના વાચક મિત્રો! આપ જાણો છો કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા “કરણઘેલો”ના લેખક નંદશંકર મહેતા હતા. હંસાબહેન ગુજરાતના પ્રથમ નવલકથાકાર અને સુરતનાં સમાજસુધારક નંદશંકર મહેતાના પુત્ર સર મનુભાઈ મહેતાનાં પુત્રી હતાં.
ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી
.
અમે શાળામાં ભણતાં ત્યારે પ્રાર્થનાસભામાં ક્યારેક એક ભાવવાહી ભજન ગવાતું-
રામ કહો, રહેમાન કહો કોઉ, કા’ન (કહાન) કહો, મહાદેવ રી,
પારસનાથ કહો કોઉ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયમેવ હી . . …
વર્ષો પછી ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં એક પુસ્તકમાં તે ભજન અને કવિ વિશે જાણ્યું કે તે ભજન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું. તે અંગે વાંચતાં તેનો સવિસ્તર અર્થ સમજાયો; ત્યારે જ તેના રચયિતા કવિ આનંદઘનજી વિશે પહેલી જાણકારી મળી.
મહાત્મા આનંદઘનજીનો જન્મ આશરે ચારસો વર્ષ અગાઉ ગુજરાતમાં થયો હતો. તેમના પૂર્વાશ્રમ વિશે ઝાઝી માહિતી નથી. જૈન ધર્મની દીક્ષા લીધા પછી તેમણે ગુજરાત અને રાજસ્થાનમાં ભ્રમણ કર્યું અને અતિ કઠોર સાધુ જીવન વ્યતીત કર્યું. આનંદઘનજી માત્ર જૈન સાધુ નહીં, પ્રખર વિદ્વાન, સાહિત્યસર્જક અંને સિદ્ધ યોગી હતા. સર્વધર્મસમભાવ તેમનો આદર્શ હતો. તેમણે ઉત્તમ સાહિત્યકૃતિઓની રચના કરી. આનંદઘનજીનાં ભાવ અને ભક્તિથી નીતરતાં ગુજરાતી પદોને તો ભક્તકવિ મીરાંબાઇની રચનાઓ સાથે સરખાવાય છે.
મહાત્મા આનંદઘનજીએ પાછળનું જીવન મીરાંબાઇના રાજસ્થાનના મેડતામાં વીતાવ્યું અને 1670માં દેહત્યાગ કર્યો.
ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ
.
હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા!
આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા મુવમેંટ) ની શરૂઆત થઈ. “અનુપમા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતની આઝાદી પૂર્વે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છેલ્લું આંદોલન તે હિંદ છોડો આંદોલન.
1942ના ઓગસ્ટની 7 અને 8 તારીખે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન (આઝાદ ક્રાંતિ મેદાન) પર મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની નિશ્રામાં કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળી. મહાત્મા ગાંધીએ 1942ના 8મી ઓગસ્ટે મધ્યરાત્રિએ મુંબઈની આ બેઠકમાં અંગ્રેજ હકુમતને આખરીનામું આપ્યું – “ક્વિટ ઇન્ડિયા!” ગાંધીજીના આ વિદ્રોહી એલાનથી બ્રિટીશ સરકાર ચોંકી ગઈ. ભારતના આખરી સ્વાધીનતા સંગ્રામે એવી ગતિ પકડી કે અંગ્રેજી રાજ્યના પાયા હચમચી ઊઠ્યા.
1942ના આઠમી ઓગસ્ટના રોજ રાષ્ટ્રપિતા ગાંધીજીએ અંગ્રેજ સરકારની ગુલામીમાંથી હિંદુસ્તાનને મુક્ત કરવા હિંદ છોડો આંદોલન આરંભ્યું; તરત જ અંગ્રેજ સરકારે ગાંધીજી સહિત તમામ કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. હવે જનતા સ્વયં આંદોલન ચલાવવા તૈયાર હતી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત પૂર્ણ રીતે સજ્જ હતું.
અમદાવાદ અને તેમાં યે ખાડિયાના રંગની તો વાત જ શી કરવી! હિંદુસ્તાનને આઝાદ જોવા ઝંખતા અમદાવાદની ઉત્તેજના અમાપ હતી; તેમાં પણ ખાડિયાનું જોશ તો અનોખું હતું. તત્કાલીન યુવા નેતાઓ જયંતી ઠાકોર (શહેર સૂબા જયાનંદ), વિષ્ણુ દવે, બાબુ રાણા, વાસુદેવ ભટ્ટ, હરિવદન દેસાઈ તેમજ અનેક કાર્યકરોએ અગાઉથી આયોજન કરેલું તે અનુસાર બીજે જ દિવસે અમદાવાદમાં પ્રચંડ પડઘા પડ્યા.
નવમી ઓગસ્ટ (ઓગસ્ટ 9, 1942) ના રોજ ખાડિયા રાયપુર વિસ્તારમાં લોકો રસ્તા પર આવી ગયા. જયંતી ઠાકોર મુંબઈ ગયા હોવાથી તેમની ગેરહાજરીમાં વિષ્ણુ દવે અને બાબુ રાણાએ ખાડિયા પોલિસ ચોકી પાસે હિંદ છોડો આંદોલનનો ગુજરાતમાં પ્રથમ રણ ઘોષ કર્યો. વિશાળ સરઘસના “અંગ્રેજો ચાલ્યા જાવ” તથા “ઇંકિલાબ ઝિંદાબાદ”ના નારા ગુંજી ઊઠ્યા. ખાડિયા પોલિસચોકીથી રાયપુર ચકલાના વિસ્તારમાં માનવમહેરામણ ઉમટી પડ્યો. પોલિસ દમન શરૂ થયું.
સાંજે જેઠાભાઇની પોળના નાકે પોલિસ ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહિદ થયા.
1942ના હિંદ છોડો આંદોલન – ક્વિટ ઇંડિયા મુવમેંટના ગુજરાતના પહેલા શહિદ તે ઉમાકાંત કડિયા. અમદાવાદના ખાડિયાના નવમી ઓગસ્ટના સરઘસ – આંદોલનના સમાચાર માત્ર ભારતનાં જ નહીં, ઇંગ્લેંડના પ્રચારમાધ્યમોમાં પણ ચર્ચા પામ્યા. હિંદુસ્તાનની આઝાદીની લડતના ઇતિહાસમાં ગુજરાત, અમદાવાદ અને ખાડિયાના યોગદાનની ઘણી કહાણીઓ છે.
.
ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત પટેલ
.
ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા.
વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય. અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર ચઢાઈ કરી. ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેર તેણે તાબે કર્યું. સિદ્ધપુરનો એક મોવડી હેમાળા પટેલ અને તેને એક સૌંદર્યવતી યુવાન દીકરી ગંગા.
ખીલજીના સરદારની કુદ્રષ્ટિ ગંગા પર પડી અને હેમાળા પટેલને માથે આભ તૂટી પડ્યું. ત્યારે પટેલનો જિગરજાન બ્રાહ્મણ મિત્ર અસાઈત ઠાકર તેની વહારે ધાયો. કથાકાર તરીકે અસાઈત ઠાકરની નામના હતી. તેમણે સરદારના કાને વાત મૂકી કે ગંગા મારી પુત્રી છે. “અનુપમા”ના વાચકમિત્રો! આપ કલ્પી શકશો આભડછેટનો તે જમાનો? બ્રાહ્મણ કદી પટેલ સાથે એક પંગતે ન જમે! સરદાર કહે કે જો ગંગા તેની પુત્રી હોય તો અસાઈત તેની સાથે એક ભાણે જમે. એક યુવતીના શિયળને ભ્રષ્ટ થતું બચાવવા અસાઈતે ગંગા સાથે ભોજન કર્યું. ગંગા તો બચી ગઈ, પરંતુ ઠાકરની જ્ઞાતિએ અસાઈત ઠાકરને વટલાયેલો ગણી ન્યાત બહાર કર્યો. અસાઈત ઠાકરને સિદ્ધપુર છોડવું પડ્યું. અસાઈત ઠાકર કુટુંબ સાથે ઊંઝા આવ્યા. હેમાળા પટેલ અને સમસ્ત કડવા પાટીદાર સમાજે અસાઈતનું ઋણ ચૂકવવા તેમના ભરણપોષણની વ્યવસ્થા કરી આપી. કહે છે કે ઊંઝાના પટેલોની કડવા પાટીદાર જ્ઞાતિએ અસાઈત ઠાકરને તથા વારસોને વંશપરંપરાગત આવક મળે તેવા હક્કો લખી આપ્યા.
અસાઈત ઠાકરને સાહિત્ય અને સંગીતનો છંદ. સુંદર સંગીતકથા કરી જાણે. તેમણે લોકભોગ્ય ભાષામાં લાંબા–ટૂંકા ‘વેશ’ લખવા શરૂ કર્યા. પોતાના જ લખેલા અને લોકરુચિને અનુરૂપ સંગીતબદ્ધ કરેલા વેશને અસાઈત ઠાકર અને તેમના પુત્રોએ સમાજને અર્પણ કર્યા. લોકજીવનને વણી લેતા અને લોકમાનસને સ્પર્શી જતા અસાઈત ઠાકરના આ સંગીતપ્રધાન વેશ “ભવાઈ”ના નામે જાણીતા થયા.
સમય વીતતાં ભવાઈ લોકપ્રિય થતી ગઈ અને ભવાઈએ ગુજરાતમાં નાટ્યકળાના વિકાસના નવા દરવાજા ખોલ્યા. ગુજરાતની રંગભૂમિની એ કમનસીબી કે સમાજમાં આવતાં પરિવર્તનને ન પારખી શકતાં ભવાઈ શિક્ષિત કે ‘સુધરેલ’ વર્ગનો ટેકો ગુમાવતી ગઈ અને ક્યારેક તો હલકું મનોરંજન પીરસનાર સામાન્ય સાધન બની રહી ગઈ. ગુજરાતી રંગમંચના ઇતિહાસમાં ગુજરાતી ભાષાના તળપદા, લોકભોગ્ય નાટ્યપ્રયોગ તરીકે ભવાઈનું મહત્વ અનોખું છે.
એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે
.
આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ.
સર લલ્લુભાઈ શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર ગગનવિહારી મહેતા(1900 - 1974)એ ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે.
ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો.
ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક બર્ટ્રાન્ડ રસેલ પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય તત્વચિંતક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. નિબંધથી પ્રભાવિત થયેલા ડૉ. રાધાકૃષ્ણને તેમને પ્રથમ વર્ગ આપ્યો હતો.
1952માં ગગનવિહારી મહેતા ભારત સરકારના અમેરિકા ખાતેના એલચી નિમાયા. તેમણે અમેરિકા તથા મેક્સિકોના ભારતીય એલચી તરીકેની જવાબદારીભરી અને સન્માનનીય જવાબદારી નિભાવી.
તે સમયે સુપ્રસિદ્ધ જર્મન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અમેરિકામાં પ્રિન્સ્ટન (ન્યૂ જર્સી) ખાતે અધ્યાપન અને સંશોધન કાર્યમાં રત હતા. 1953ના એપ્રિલમાં ગગનવિહારી મહેતા મહામાનવ આઇન્સ્ટાઇનને મળવા પ્રિન્સ્ટન ગયા હતા. લગભગ એક કલાકની મુલાકાતમાં અર્ધો કલાક તો મહાત્મા ગાંધી અને તેમની વિચારસરણી પર વાતો થઈ.
મહાન અણુવિજ્ઞાની આઇન્સ્ટાઇનને ગાંધીજી પ્રત્યે ઊંડો આદરભાવ હતો અને તેમણે ગાંધી વિચારધારાનો ગહન અભ્યાસ પણ કર્યો હતો. આઇન્સ્ટાઇનને બર્ટ્રાન્ડ રસેલની અસાધારણ બુદ્ધિપ્રતિભા માટે પણ વિશેષ માન હતું. આઇન્સ્ટાઇન સાથેની મુલાકાતમાં ગગનવિહારી મહેતાને મહાન વૈજ્ઞાનિકના મુખેથી મહાત્મા ગાંધી માટે પ્રશંસા અને આદરનાં ફૂલો જ વેરાતાં દેખાયાં. ***
વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર
વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત.
મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી).
માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક – ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા.
1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી નાની ઉંમરના મેયર બનવાનું માન આપણા આ ગરવા ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસીને મળ્યું.
તે સમયે મુંબઈમાં ઘોડાથી ચાલતી ટ્રામ દોડતી. મુંબઈના નવયુવાન ગુજરાતી મેયર વિઠ્ઠલદાસ ઠાકરસીએ મુંબઈ શહેરમાં ઈલેક્ટ્રિક ટ્રામ શરૂ કરી. * ** * * *
ભાવનગરની શામળદાસ કોલેજ
.
ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં આપણે રાજકોટને પહેલાં યાદ કરીએ.
ભાઈ, ભાવનગર તો જાણે અળખામણું. ભાવનગર પ્રદેશની ભવ્યતા કેમ ભૂલાઈ જતી હશે? વલ્લભીપુરની સમૃદ્ધિ અને ઘોઘા બંદરની નામના પણ વિસરાઈ જશે? ખેર. ભાવનગરનો વાવટો ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતમાં ફરકતો રાખનાર એક અમારા મિત્ર શ્રી વિશ્વદીપ બારડ પણ છે.
ચાલો, પાછા મૂળ મુદ્દે ભાવનગરની એક-બે વાતો કરી લઈએ. ભાવનગરનું નામ પડતાં શામળદાસ કોલેજનું નામ કાનમાં ગુંજે.
મિત્રો! ભાવનગર શહેર મહારાજા ભાવસિંહજી પહેલાએ 1723માં વસાવ્યું. ઓગણીસમી સદીમાં મહારાજા ભાવસિંહજીના વંશજોમાં એક મહારાજા તખ્તસિંહજી.
ભાવનગર નરેશ તખ્તસિંહજીના દીવાન તરીકે શામળદાસ મહેતા હતા. નાગર બ્રાહ્મણ શામળદાસના કુટુંબમાં દીવાનપદું વંશપરંપરાગત ચાલ્યું આવતું હતું. શામળદાસ મહેતા ભારે બાહોશ વહીવટકર્તા. ભાવનગર રાજ્યના કારભાર સાથે કુટુંબવ્યવસ્થા પણ કુશાગ્રતાથી સંભાળતા. તેમના કાર્યકાળમાં ભાવનગરમાં મહાન ગુજરાતી સાક્ષર અને ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું આગમન થયું. ગોવર્ધનરામ ત્રિપાઠી ભાવનગર રાજ્યના એક ઉચ્ચ અધિકારી તરીકે નિમણૂક પામ્યા. સાક્ષર તો દીવાનની કાર્યદક્ષતાથી ભારે પ્રભાવિત થયા.
શામળદાસ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠીના મહાસર્જન ‘સરસ્વતીચંદ્ર’ના પાત્ર અમાત્ય બુદ્ધિધનના પાત્રની પ્રેરણાનું મૂળ બન્યા તેવું કહેવાય છે.
1884માં શામળદાસ મહેતાનું અવસાન થતાં તેમના જ્યેષ્ઠ પુત્ર વિઠ્ઠલદાસ મહેતા ભાવનગરના દીવાનપદે તથા બીજા પુત્ર લલ્લુભાઈ મહેતા રેવન્યુ અધિકારી તરીકે નિમાયા.
બંને ભાઈઓએ પિતા શામળદાસની યાદમાં ભાવનગરમાં શામળદાસ કોલેજની સ્થાપના કરી.
* * *
સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ
.
ગુજરાતના ભૂતકાલીન* પાટનગર અમદાવાદના સી.એન. વિદ્યાલયથી આપણે સુપરિચિત. પણ આ સંસ્કારધામનું નામ જે શ્રેષ્ઠીના શુભ નામ સાથે જોડાયેલ છે, તેમનાથી કેટલા પરિચિત? આ વાત છે શેઠ ચીમનલાલ નગીનદાસની.
શેઠ ચીમનલાલ નગીનદાસ સંસ્કારપ્રેમી શ્રીમંત.
ઓગણીસમી સદીના અંતિમ દશકાની આ વાત. ત્યારે એક અમદાવાદીએ ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સ્વપ્નાં સેવ્યાં હોય, તે વાત માની શકાય?
હા, અમદાવાદના ડાહ્યાભાઈ ધોળશાજીને અમદાવાદમાં ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓ વિકસાવવાનું ઘેલું લાગ્યું હતું.
તે જમાનામાં થિયેટર કે નાટકશાળાઓ ન હતી. ખુલ્લી જગ્યા કે વાડીમાં મંડપ બાંધી નાટક ભજવાતાં. ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતી રંગમંચના પછાતપણા પર લાગી આવતું. ગુજરાતી નાટક ભજવવા ગુજરાતમાં થિયેટરની વ્યવસ્થા ન હોય તે તેમને અસહ્ય લાગતું.
ડાહ્યાભાઈની વાત શેઠ ચીમનલાલ નગીનદાસના કાને પહોંચી.
આખરે ડાહ્યાભાઈ ધોળશાજીએ શેઠ ચીમનલાલ નગીનદાસના સહયોગથી ઈ. સ. 1894માં ગુજરાતનું પહેલું પાકું થિયેટર “આનંદભુવન” અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં બનાવ્યું.
ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓના વિકાસમાં ડાહ્યાભાઈ ધોળશાજી અને શેઠ ચીમનલાલ નગીનદાસના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી રંગભૂમિ તેમની ઋણી છે.
સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મહાયોગી શ્રી અરવિંદ
.
ભારતના વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના ખેડા જિલ્લામાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા જાણે છે.
મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પાસે સંગીતસાધના કરી ઓમકારનાથજી યુવાનવયે લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્યપદે નીમાયા. પરંતુ તેમના હૃદયમાં ચીલાચાલુ જીવનની ચાહ ન હતી. ઓમકારનાથની બાલ્યાવસ્થામાં તેમના પિતાજીએ કુટુંબ ત્યાગી સંન્યાસ માર્ગ લીધો હતો. તેમના હૃદયમાં પણ અધ્યાત્મમાર્ગની લગની હતી.
પંડિતજીને અંબુભાઇ પુરાણી સાથે મિત્રતા હતી. અંબુભાઇ પુરાણીએ 1918માં પ્રથમ વખત પોંડિચેરી ખાતે મહાયોગી મહર્ષિ અરવિંદનાં દર્શન અને સત્સંગનો લાભ લીધેલો. અંબુભાઈ શ્રી અરવિંદના યોગમાર્ગથી પ્રભાવિત થયેલા અને તેમનો રંગ પંડિતજીને લાગ્યો.
ઓમકારનાથજી અને અંબુભાઇ પુરાણી ઘરની માયા છોડી નર્મદા મૈયાના ખોળે જઇ બેઠા. આ વાત લગભગ 1920-21ની. બંને મિત્રો નર્મદા નદીના કિનારે ઝૂંપડી બાંધી યોગ સાધનામાં રત થઈ ગયા. તેમણે પોંડિચેરી વસેલા મહર્ષિ અરવિંદ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો.
મહાયોગી શ્રી અરવિંદને તેમની અધ્યાત્મવૃત્તિની પ્રતીતિ થતાં તેમણે બંને મિત્રોને પોંડિચેરી આશ્રમ બોલાવ્યા. બન્યું એવું કે એકલા અંબુભાઇ 1921માં શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી પહોંચ્યા. પંડિતજી ઘેર પાછા ફર્યા. પછી ઓમકારનાથ ઠાકુર સંગીતની દુનિયામાં સફળતાનાં ઉત્તુંગ શિખરો સર કરતા ગયા.
.
ભારતરત્ન જે આર ડી ટાટા અને અમદાવાદ
.
મહાન ઉદ્યોગપતિ જે આર ડી ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ તાતા 1904 – 1993) ને રાષ્ટ્રનિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.
જે આર ડી ટાટા ભારતમાં હવાઈ સેવાઓ – એવિએશન ઇન્ડસ્ટ્રી – ના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે. જે આર ડી ટાટાએ 1932માં ટાટા એરલાઈન્સના રૂપમાં ભારતની પ્રથમ એરલાઈન કંપનીની સ્થાપના કરી. પ્રારંભમાં તે કંપનીએ એર મેલ સેવા આપી અને પાછળથી તેની પેસેંજર હવાઈ સેવાઓ શરૂ થઈ. ટાટા એરલાઈન્સ 1946માં પબ્લિક લિમિટેડ કંપની બની અને એર ઇન્ડિયાના નવા નામે ઓળખાઈ.
આજે આપણે જે આર ડી ટાટાના ગુજરાતની રાજધાની અમદાવાદ સાથેના સંબંધને યાદ કરીએ.
પેરિસ (ફ્રાંસ)માં જન્મેલા જે આર ડી ટાટા પોતે કુશળ પાયલોટ હતા. ટાટા એરલાઈન્સના આરંભે જે આર ડી ટાટાએ સ્વયં Puss Moth એરક્રાફ્ટ ઉડાડ્યું હતું અને કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા કરી હતી.
1932ની 15 ઓક્ટોબરના રોજ સિંગલ એંજિન Puss Moth એરોપ્લેન લઈ કરાંચી (હાલ પાકિસ્તાનમાં)થી નીકળી જે આર ડી ટાટા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ હોલ્ટ કરી તેઓ મુંબઈ તરફ આગળ વધ્યા હતા. આખરે એરોપ્લેનને મુંબઈના જૂહુ એરોડ્રોમ પર ઉતારી જે આર ડી ટાટાએ કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. * *
.
ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી, હોલિવુડ અને બોલિવુડ
.
હોલિવુડના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસના સહયોગથી બનેલ મસાલેદાર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એંડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ ગયા વિક એંડ પર રજૂ થઈ.
વિશેષ કાળજીભરી સિનેમેટોગ્રાફીથી મઢિત ફિલ્મ ઇન્ડિયાના જોન્સ-4 સૌને કેટલી જચશે તે તો સમય બતાવશે, પરંતુ પીઢ અભિનેતા હેરિસન ફોર્ડ અને લબરમૂછિયા એકવીસ વર્ષના કલાકાર શાયા (શિયા)ની સ્ટંટબાજી (Harrison Ford, Shia LaBeouf) ઘણાને ખૂબ પસંદ પડી છે. ત્યારે હોલિવુડ - બોલિવુડના કેટલાક પ્રમુખ સ્ટંટબાજ જરૂર યાદ આવે.
હોલિવુડમાં સ્ટંટબાજીના પ્રણેતા ડગ્લાસ ફેરબેંક્સ (Douglas Fairbanks 1883 – 1939).
અમેરિકન ફિલ્મ કંપની યુનાઈટેડ આર્ટીસ્ટસની સ્થાપનામાં ડી. ડબલ્યુ. ગ્રીફીથ અને ચાર્લી ચેપ્લિન સાથે ડગ્લાસ ફેરબેંક્સનો ફાળો.
અમેરિકામાં 1920માં ડગ્લાસ ફેરબેંક્સની ફિલ્મ આવેલી – ‘માર્ક ઓફ ઝોરો’.
આ ફિલ્મ હિંદુસ્તાનમાં વાડિયા બંધુઓએ જોઈ. વાડિયા બ્રધર્સ તે સમયે મુંબઈમાં ફિલ્મ નિર્માણમાં પડેલા. હોમી વાડિયાની નજરમાં યશવંત દવે નામક સ્ટંટમેન હતો. જબરી સ્ટંટબાજી કરી શકતો!
‘માર્ક ઓફ ઝોરો’નાં સ્ટંટ દ્રશ્યો પરથી પ્રેરણા લઈ, યશવંત દવેને હીરો બનાવી વાડિયાએ 1930માં મૂંગી ફિલ્મ બનાવી- ‘દિલેર ડાકૂ’.
બસ, ત્યાર પછી વાડિયા મુવીટોનનું નામ ભારતીય સિનેમા જગતમાં સ્ટંટ ફિલ્મો સાથે જોડાઈ ગયું.
1935માં હોમી વાડિયાની ફિલ્મ ‘હંટરવાલી’માં ચમકનાર નાદિયા ધ ફિયરલેસનું નામ બોલિવુડની સ્ટંટબાજીમાં અમર થઈ ગયું છે.
* * * *
મહાત્મા ગાંધી અને અમદાવાદ સત્યાગ્રહ આશ્રમનો આરંભ
.
મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં પોતાની વિશિષ્ટ વિચારધારા અને પ્રવૃત્તિઓથી ખ્યાતિ પામ્યા.
હિંદુસ્તાનના અગ્રગણ્ય નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે (1866 – 1915)એ ગાંધીજીને સ્વદેશ પરત થઈ દેશસેવામાં જોડાવા આહવાન કર્યું.
ગોખલેજીના સૂચનને સ્વીકારી ગાંધીજી 1915ના 9મી જાન્યુઆરીએ હિંદુસ્તાન આવ્યા.
ગાંધીજીએ સૌરાષ્ટ્ર તથા બંગાળનો પ્રવાસ કર્યો.
ગાંધીજી બંગાળમાં શાંતિનિકેતન ગયા અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે રહ્યા. ‘ગીતાંજલિ’ માટે નોબેલ પ્રાઈઝથી સન્માનિત કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને ‘મહાત્મા’ કહી સંબોધ્યા. ત્યારથી મોહનદાસ ગાંધી ‘મહાત્મા ગાંધી’ તરીકે જાણીતા થયા.
ગાંધીજીએ અમદાવાદમાં ઠરીઠામ થઈ પોતાની પ્રવૃત્તિઓ કરવા નિર્ણય લીધો.
અમદાવાદમાં પાલડી તરફના કોચરબ પરા વિસ્તારમાં એક વકીલ જીવણલાલનો બંગલો હતો. મહાત્મા ગાંધીએ આ બંગલો ભાડે લઈ પોતાની પ્રવૃત્તિઓનો આરંભ કર્યો.
1915ના મે મહિનામાં તે સ્થળે ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમ (કોચરબ) નો આરંભ થયો.
.
ભારતનાં દેશી રજવાડાં અને સરદાર પટેલ
.
ઇસ 1947ની 15મી ઓગસ્ટના રોજ હિંદુસ્તાન સ્વતંત્ર થયું.
નવસર્જિત ભારત દેશમાં આશરે સાડા પાંચસો જેટલાં નાનાં-મોટાં રાજ્યો-રજવાડાં હતાં.
આપને નવાઇ લાગશે કે આ પૈકી ત્રણસો જેટલાં રજવાડાં ગુજરાત અને કાઠિયાવાડમાં હતાં. ગુજરાતમાં સૌથી મોટું રાજ્ય વડોદરાનું હતું. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં જામનગર રાજ્ય પ્રભાવશાળી હતું.
તમે આ રાજ્ય-રજવાડાંનાં નામ સાંભળી નવાઈ પામશો: વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દાંતા, વાંસદા, ઇડર, પાલનપુર, રાધનપુર, ડીસા, લીમડી, મૂળી, લખતર, ચૂડા, માંગરોળ, માણાવદર, સરદારગઢ, છોટાઉદેપુર, દેવગઢબારિયા અને બીજાં અનેક …
15 ઓગસ્ટ, 1947નાં રોજ આ તમામ રાજ-રજવાડાં સ્વતંત્ર થયાં!
લોખંડી ગુજરાતી પુરૂષ સરદાર પટેલને ધન્યવાદ કે જેમણે દેશનાં આવાં સાડા પાંચસો રજવાડાંઓને ભારતમાં ભેળવ્યાં.
ગુજરાતના આ પનોતા પુત્ર સરદાર પટેલને સલામ!
ગુજરાતી રંગભૂમિ
.
ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે.
ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું.
મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિ ગુજરાતીએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર ‘શંકર શેઠની નાટક શાળા” તરીકે ઓળખાયું.
સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.
મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ ‘પારસી નાટક મંડળી’એ ગુજરાતી રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિઓને ત્વરાથી વિકસાવી. ગુજરાતી નાટ્યશાસ્ત્રના પ્રારંભિક તબક્કામાં નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનય ક્ષેત્રે પારસીઓની બોલબાલા હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (ગાંધીજી) નો જન્મ જે વર્ષમાં થયો, તે વર્ષ 1869માં કે. ખુશરૂ કાબરાજીની ‘વિક્ટોરિયા નાટક મંડળી’નું ‘બેજન મનીજેહ’ નાટક ભારે સફળતાને વર્યું.
‘પારસી નાટક મંડળી’ના નાટક ‘રૂસ્તમ સોહરાબ’માં કવિ દલપતરામનાં ગીતો હતાં.
ગુજરાતી લેખક નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેનાં / નાટક પારસી નાટક કંપનીઓ ભજવતી. એક નાટ્યપ્રયોગ વખતે મુંબઈના ગુજરાતી મહેતાજીઓને પારસી નાટક કંપની સાથે મતભેદ થયો.
1878માં મુંબઈના ગુજરાતીઓએ ‘ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના કરી.
આ નવોદિત ‘ગુજરાતી નાટક મંડળી’નો પહેલો નાટ્ય પ્રયોગ તે રણછોડભાઈ ઉદયરામ દવેનું ‘લલિતાદુઃખદર્શક’.
ગુજરાતી રંગમંચના મહાન કલાકાર જયશંકર ‘સુંદરી’એ ‘ગુજરાતી નાટક મંડળી’માં વર્ષો સુધી અભિનય આપ્યો. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં જયશંકર ‘સુંદરી’નું યોગદાન અવિસ્મરણીય છે.
* * * ** **
ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધી અને જૂનાગઢની આરઝી હકૂમત
.
*
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરના દિવાન કરમચંદ ગાંધીના પુત્ર.
ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધી. લક્ષ્મીદાસ ગાંધીના પુત્ર સામળદાસ ગાંધી.
આમ, સામળદાસ ગાંધી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભત્રીજા.
સામળદાસ ગાંધીએ અમદાવાદમાં ગાંધીજીના ‘નવજીવન’માં તથા મુંબઈમાં ‘મુંબઈ સમાચાર’ અને ‘જન્મભૂમિ’માં કામ કર્યું.
1947માં હિંદુસ્તાન આઝાદ થયું.
ગુજરાતમાં જૂનાગઢ(સૌરાષ્ટ્ર)ના નવાબે ભારત સંઘમાં ભળવા ઇંકાર કર્યો અને પાકિસ્તાન સાથે જોડાવા તૈયારીઓ આદરી. સૌરાષ્ટ્ર-ગુજરાતના કોંગ્રેસના આગેવાનોએ જૂનાગઢને બચાવવા સમાંતર સરકાર રચવા નિર્ણય કર્યો.
મુંબઈમાં ટાટા ગૃપની તાજમહાલ હોટેલમાં સામળદાસ ગાંધી, ઢેબરભાઈ, રસિકલાલ પરીખ વગેરે ગુજરાતી નેતાઓએ જૂનાગઢની આરઝી હકૂમત રચી.
જૂનાગઢના નવાબ સામે પ્રચંડ પ્રજામત જાગૃત થતાં નવાબે પાકિસ્તાન ભાગવું પડ્યું.
જૂનાગઢમાં પ્રજાતંત્રની સ્થાપના થઈ. વડાપ્રધાન પદે સામળદાસ ગાંધીની વરણી થઈ. જૂનાગઢ ભારતીય સંઘમાં ભળ્યું ત્યાં સુધી ત્યાંના પ્રજાતંત્રના વડાપ્રધાન તરીકે સામળદાસ ગાંધી રહ્યા.* * * * ** ** * * *
આપના પ્રતિભાવ